
પ્રીતમ લખલાણી
યાર્ડમાં ફૂલપાન જોડે વહેલી સવારથી મજા માણતી ઊર્મિના કાને અચાનક ફોનની ઘંટડી રણકવાનો અવાજ પડ્યો. કાતરનો એક કોર ઘા કરી, હડી કાઢતી ફૉન લેવા તે ઘરમાં આવી. ફૉનનું રિસીવર કાને માંડતી ક્ષણ માટે વિચારમાં ખોવાઈ ગઈ, ‘અરે! આટલી વહેલી સવારે કોનો ફૉન હશે ? આ વિચાર સાથે હજી ફૉનમાં હેલો કંઈને કહી બોલે તે પેલા જ તેના કાને પડ્યું,
‘હેલો, ઊર્મિ.’
I am very sorry, ગઈ કાલે સાંજે ઍરપોર્ટથી ઘરે આવતા, મનહર સાથે અચાનક મયંકના દુઃખદ અવસાનની વાત નીકળી. મારે તને ગઈ કાલે સાંજે જ ફોન કરવો હતો પણ ઘરે આવી ત્યારે રાત્રીના અગિયાર થઈ ગયા હતા એટલે ફૉન કરવાનું માંડી વાળ્યું.
‘કમલ, Don’t worry.’
‘ઊર્મિ, આમ એકા એક કેવી રીતે મયંક તને રોતી મૂકીને ચાલી નીકળ્યો?’
‘કમલ, તને શું કહું ? તને મયંક વિશે કયાં ખબર નથી? મયંકને માટે મારાં અને બાળકો કરતાં જીવનમાં વિશેષ મહત્ત્વ તેની મૅડિકલ પ્રેકિટસ અને સ્ટોક મારકેટ હતાં. છેલ્લા છ મહિના પહેલા ન્યૂયોર્ક શેર બજાર ઉપરાઉપરી બે ચાર વાર તૂટી પડયું. અમારી આખી જિંદગીની કમાણી મયંકે શેર બજારમાં લગાવી દીઘેલી. અમે છેક ત્યાં સુઘી ખુવાર થઇ ગયાં કે ઘર અને ગાડીઓ વેંચી નાદારી નોંઘાવવી પડત. મયંકને આ વાતની અસર બહુ જ મન પર થઈ ગઈ. અમે બન્ને ભારતથી જ્યારે આ દેશમાં આવ્યાં હતાં ત્યારે અમારી જે પરિસ્થિતિ હતી, એવી પરિસ્થિતિ લગભગ થઈ ગઇ. આ ચિંતા તેને રાતદિવસ કોરી ખાતી હતી. તેનું મન સ્ટોક માર્કેટમાં ગુમાવેલ પૈસાને કારણે પ્રેકિટસમાં લાગતું ન હતું. સાતમી જુલાઈની ઘોમ ઘખતી બપોરે મનને પ્રફુલિત કરવા, મારી સાથે બીયર લઈને સ્વિમિંગ પુલમાં બેઠો હતો. બરાબર તે જ વખતે તેને હાર્ટ એટેકનો એક સીવિયર એટેક આવ્યો.
‘ઊર્મિ, હશે જેવી પ્રભુની ઈચ્છા. આપણે ભલે વ્યવસાયે ડોકટર હોવા છતાં, જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી. જો ઈશ્વરની ઈચ્છા હોય તો જ આપણે આપણાથી બને એટલી મહેનત કરી દર્દીને ઈશ્વર ઘામમાં જતો બચાવી શકીએ છીએ. લોકોને ડોકટરો પર વિશ્વાસ રહે એટલે જ ઈશ્વર આપણને તેની કૃર્પાથી નિયમિત બનાવે છે.’
‘ખેર, ઊર્મિ, તું પણ એક કાબિલ ડોકટર છો. તારી મૅડિકલ પ્રેકિટસ સારી ચાલે છે. વળી મયંકનો લાઈફ ઈન્સ્યોરન્સ પણ બહુ જ તગડો હતો. એવું મેં ગઈ કાલે રાત્રે મનહર પાસેથી સાંભળ્યું. આ કારણે તને કોઈ આર્થિક મુશ્કેલી નથી. નહીંતર વિઘવાનું જીવન કેટલું કપરું છે?આ વિશે હું વિચારું છું તો મારું મન ક્ંપી ઊઠે છે. હું તને બીજી કોઇ વિઘવાના જીવન વિશે શું વાત કરું? મારી બાનો જ દાખલો આપણી આંખ સામે છે. બાની ઉંમર ફકત પાંત્રીસ વર્ષની હતી તે જ વખતે બાપુજીનું મૃત્યુ મોટર અકસ્માતમાં થયું. બા ઓઢવા પહેરવાની ઉંમરે વિઘવા થયાં. બાપુજી મુંબઇમાં મૂળજી જેઠા મારકેટમાં એક કાપડની દુકાનમાં મહેતાજી તરીકે નોકરી કરતા હતા. તેઓ બિચારા બા અને અમારા માટે મોટી એવી મૂડી તો કયાંથી મૂકતા ગયા હોય! બાપુજીનું અકાળે અવસાન થવાથી બા માથે એકાએક આકાશ તૂટી પડ્યું. બા પર અમારાં ત્રણે ભાઈ બહેનનાં ભરણપોષણની જવાબદારી આવી પડી. બાએ અકાળે માથે આવી પડેલ મુશ્કેલીને કોઈ સગાંસંબંઘીની મદદ વિના હિંમતભેર રાત દિવસ કપડાંની સિલાઈ કરીને અમને ત્રણે ભાઈબહેનને ભણાવી ગણાવીને પગભર કર્યાં.’
‘બાએ અમારા માટે આખું જીવન ચંદનની જેમ ઘસી નાંખ્યુ. પંચાવનની ઉંમરે બા પંચોતેર વર્ષની ડોસી લાગતી હતી. બાએ અમને ઉછેરવા રાતદિવસ કરેલ કાળી મજૂરી વિશે વિચારું છું તો આ ઘડીએ પણ મારી આંખો આંસુથી ભરાઈ આવે છે. ઈશ્વરને રોજ બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, કોઈ સ્ત્રીને તું જીવનમાં સુખ સાહેબી ન આપી શકે તો ક્મી નહીં પણ તેનો ચૂડી ચાંદલો તું અખંડ રાખજે.’
‘કમલ, તારી વાત બિલકુલ સાચી છે. શ્રીનાથજીની અસીમ કૃપાથી મારે કોઈ આર્થિક મુશ્કેલી નથી. અને છતાં, …’ આ પ્રમાણે કહીને ઊર્મિ આગળ બોલતાં અટકી ગઈ.
‘ઊર્મિ, હું સમજી શકું છું, તને મયંકની ખોટ ડગલેને પગલે સાલતી હશે. ઈશ્વરના ઘર પાસે શું ચાલે?એણે જે કંઈ દુઃખ દર્દ આપણને મોકલ્યું છે, તેનો પ્રસાદ સમજીને સહન કરવો જ રહ્યો. Sorry, મારે આ સમયે તારી પાસે કોઈ કારણ વિના તારા ભૂતકાળની વાત ન કરવી જોઈએ. ખોટા કબરમાંથી મુડદા ઉખેડીને શું મલવાનું છે? છતાં હું તારી એક અંગત સહેલી છું. તારું દુઃખ મારાથી જોવાતું નથી. આ સંબંધે જ મારું હૈંયું હાથ નથી રહેતું. એક રીતે જોતાં તે બહુ જ સારું કર્યુ હતું, મયંકને તે સમયસર પાછો અપનાવી લીઘો હતો. તેણે જે ભૂલ કરી હતી તે તેને પાછળથી સમજાણી હતી. એક બે વાર મયંકે મનહર અને મારી પાસે તેની ભૂલ માટે પસ્તાવો પણ કર્યો હતો. ઊર્મિ, હું તારી આ સમજણ, ઘીરજ અને ઉદારતાને દાદ આપું છું. તે મોટુ મન રાખીને મયંકને માફક કરી દીઘો. આ કારણે જ તારા પંખીના માળા જેવો સુખી સંસાર વિખાતો રહી ગયો.’
‘આજે તારા આકાશ અને નીલ બને ભણી ગણીને પગભર થઈ ગયા છે. તેમને તો તમારા ભૂતકાળ વિશે સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય. બંને કેટલા નાના હતા. તારી ઉદારતાએ તેમને પિતાની ખોટથી બચાવી લીઘા હતા, નહીંતર તને ક્યાં ખબર નથી. આ અમેરિકામાં, અમેરિકન પરિવારો છૂટા પડે છે ત્યારે સર્વથી વઘારે માતાપિતા કરતાં બાળકોને સહન કરવાનું આવેછે. આ છૂટાછેડા કેટલાં બાળકોનું બાળપણ છીનવી લે છે? ઈશ્વરના સ્મિત જેવાં બાળકો ઘડીના ભાગે માબાપના પ્રેમ વિના ગુનેગારની દુનિયામાં પહોંચી જાય છે.’
‘કમલ, તારી વાત બિલકુલ સાચી છે. સ્ત્રી થઈને આપણે જન્મયાં છીએ એટલે સહન કર્યા વગર પણ કોઈ છૂટકો ખરો? કદાચ જો હું પુરુષ થઈને જન્મી હોત તો ? હું પણ આ પુરુષ જાતની જેમ મન ફાવે ત્યારે પત્ની, બાળકો અને ઘરને ઈશ્વરને આઘીન મૂકીને ચાલી જાત. મારું મન જ્યારે પારકી દુનિયાથી ભરાઈ જાત ત્યારે ઉજળેલ ઘરના ઉંબરાને ફરી આબાદ કરવા રોતી પત્ની અને લાચાર બાળકોનાં આંસુ લૂછવા આવી ચઢત’.
‘હશે, ઊર્મિ, હવે મન નાનું કરીને પણ કયાં કંઈ મળવાનું છે? જે વાત ભૂતકાળ થઈ ગઈ છે તેને ભૂલી જવામાં જ મજા છે. હવે તો મયંક પણ હતો ન હતો થઈ ગયો છે. બસ તું ઈશ્વરનો ઉપકાર વ્યકત કર કે તેણે મયંકને સમયસર સદ્દબુદ્ધિ બક્ષી. મોડે મોડે પણ તે તારે દ્વારે પાછો ફર્યો. તું ઈશ્વરને ખાતર ભૂતકાળને ભૂલી હવે બન્ને બાળકો સાથે ખુશીથી જિંદગી વિતાવ. હું સમજી શકુ છું, જો તને મયંક પ્રત્યે મનમાં કયાં ય કોઈ પ્રેમ ન હોત તો, તે તેને થોડો પાછો અપનાવ્યો હોત. હું માનું છું, તને હ્રદયમાં તેના અવસાનનું અપાર દુઃખ દર્દ હશે. આ વિઘવા જીવન સ્ત્રીને જીવનમાં વ્યથા સિવાય બીજુ શું આપી શકે? ખરેખર આ દુઃખ દર્દનો દરિયો એવો કઠિન છે કે તેમાં બિચારી સ્ત્રી ન તો તરીને સામે કાંઠે જઈ શકે કે પછી ન તો ડૂબીને મરી શકે? કેમ ખરું ને?’
‘ઊર્મિએ એક ઊડો શ્વાસ લેતા કમલને કહ્યું, ‘વિઘવા જીવન એ ખરેખર એક વ્યથાના દરિયાથી વિશેષ કંઈ નથી. કમલ, સાંભળ, ભલે લોકનજરમાં મયંકના મૃત્યુ બાદ મારા કપાળનો ચાંદલો ભૂસાણો. હાથની ચૂડી નંદવાણી અને હું તે ઘડીએ વિધવા તરીકે સ્થાપિત થઈ. પણ આજે હું તને મારા હૈંયાની સાચી વાત કરું છું. જે વરસતી તોફાની મેઘલી સાંજે મને અને બન્ને બાળકોને ઈશ્વરને આઘીન રડતા મૂકીને તેની રૂપાળી અમેરિકન નર્સ સુજન જોડે ચાલી નીકળ્યો હતો, તે સાંજે જ કમલ, મારા કપાળનો ચાંદલો ભૂસાણો હતો. મારા કાંડાની ચૂંડી નંદવાણી હતી. વીજળીના કડાકા અને તોફાની વરસાદમાં લોકોને મારા મનમાં નંદવાતી ચૂડીનો અવાજ તો કયાંથી સંભળાયો હોય. હું તો તે જ સાંજે વિઘવા થઈ ગઈ હતી’. આટલું કહીને ઊર્મિ, કમલ પાસે ફોન પર ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી. પછી પોતાની જાતને સંભાળી ઊર્મિ આગળ બોલી, ‘કમલ, છેલ્લાં પંદર વર્ષથી આ દુઃખને મનમાં લઈને બાળકોનાં ભવિષ્ય ખાતર, હું મયંક સાથે એક જીવતી લાશ થઈને જીવતી હતી. વરસો બાદ આજ મને મારું કોઈ અંગત મળી ગયુ. બસ, આ કારણે મેં તારી પાસે મારું મન ખાલી કરી નાખ્યું. કેટલાં વરસોથી મનમાં વૈઘવ્યની વ્યથાને ઘરબાવીને બેઠી હતી. આજે હું હળવી ફૂલ જેવી થઈ ગઈ …’
e.mail : preetam.lakhlani@gmail.com