વાજતેગાજતે, પણ વગર વિચાર્યે નિર્ણયો લેવાની આપણા સાહેબને આદત છે. નિર્ણય સામે વિરોધ થાય કે તે ઊલટો પડે તો મૂંગા રહેવાનું અથવા મોઢું ફેરવી લેવાનું એનો પણ આપણને અનુભવ છે. જ્યારે કોઈ છુટકો જ ન રહે અને એ નિર્ણયને કારણે ચૂંટણી હારવાનો ડર લાગે ત્યારે વિરોધ કરનારાઓને જ ગુનેગાર દેશદ્રોહી ઠેરવીને એ પાછો લેવાનો કે તેમાં સુધારો કરવાનો એનો પણ આપણને અનુભવ છે. વાહવાહ મેળવવા માટે વગર વિચાર્યે જાહેરાતો કરવાની આપણા વડા પ્રધાન આદત ધરાવે છે. હજુ ગયા મહિને વડા પ્રધાને જર્મનીમાં “મોદી મોદી”ના નારા વચ્ચે તાવમાં આવી જઇને જાહેરાત કરી હતી કે શું જર્મનીને ઘઉંની જરૂર છે? આપ્યા. ભારત તો વિશ્વનું તાત છે, અન્નદાતા છે, આખા જગતનું પેટ ભરી શકે એમ છે તો ચપટી ઘઉં કઈ વિસાતમાં! એ પછી વડા પ્રધાન ઘરે પાછા ફર્યા અને બે દિવસ પછી ઘઉંની નિકાસ ઉપર સમૂળગો પ્રતિબંધ મુકવામાં આવ્યો. વાત એમ છે કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વબજારમાં ઘઉંની અછત પેદા થઈ છે અને જો આપણા વેપારીઓ વિશ્વબજારમાં ઊભી થયેલી અછતનો અને વધી રહેલા ભાવોનો લાભ લેવા નિકાસ કરવા માંડે તો આપણે ત્યાં અછત પેદા થાય. વિચારીને, સલાહ-સૂચન મેળવીને અને લેખાંજોખાં કરીને બોલવાનાં કે નિર્ણયો લેવાનાં અપલક્ષણ ડૉ. મનમોહનસિંહ જેવા નબળા શાસક ધરાવે છે.
૨૦૧૪ની સાલમાં લોકસભાની ચૂંટણી વખતની વાત છે. હરિયાણામાં રેવાડી નામના શહેરમાં પ્રચારસભા હતી. સાથે લશ્કરમાંથી નવા નવા નિવૃત્ત થયેલા અને બે-ત્રણ જગ્યાએ નસીબ અજમાવીને બી.જે.પી.માં દાખલ થયેલા જનરલ વી.કે. સિંહ હતા. નરેન્દ્ર મોદીએ જનરલ વી.કે. સિંહને પૂછ્યું કે બોલો અહીં કોની વસ્તી મોટી છે અને તેમને શું જોઈએ છે? વી.કે. સિંહે કહ્યું કે સાહેબ, અહીં નિવૃત્ત લશ્કરી જવાનોની વસ્તી મોટી છે અને તેમને વન પેન્શન વન રેન્ક જોઈએ છે. આપ્યા, એમાં શું! એ સમયના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી દીધી કે નિવૃત્ત લશ્કરી જવાનોને નિવૃત્તિ પહેલાં છેલ્લે ભોગવેલી રેન્ક મુજબ પેન્શન આપવામાં આવશે. એ પછી કાઁગ્રેસીઓ નકામા છે અને દેશ માટે કુરબાન થનારાઓનો અવાજ તેમને સંભળાતો પણ નથી એવા નિંભર છે એવા સ્તુતિવચનો તો ખરા જ. જો જાહેરાત કરતાં પહેલાં તેમણે જનરલ વી.કે. સિંહને પૂછી લીધું હોત કે નિવૃત્ત લશ્કરી જવાનોને વન પેન્શન વન રેન્કનો લાભ કેમ નથી આપવામાં આવતો તો નાક ન કપાત. અટલ બિહારી વાજપેયીની દેશપ્રેમી સરકારે પણ આ લાભ નહોતો આપ્યો તો કશુંક કારણ હશે. પણ વિચારે એ બીજા. કોઈકે યોગ્ય જ કહ્યું છે કે નરેન્દ્ર મોદી દેશના પહેલા વડા પ્રધાન છે જે ચોવીસે કલાક અને સાતેય દિવસ (૨૪/૭) રાજકારણી છે. તેમને બીજી કોઈ ચીજમાં રસ જ નથી. ચૂંટણી હોય કે ન હોય, તેઓ સતત ચૂંટણીના મિજાજમાં રહે છે અને પ્રજાને નાગરિક નહીં પણ મતદાતા સમજે છે. વડા પ્રધાન અને પ્રજા વચ્ચેનો સંબંધ શાસક અને નાગરિકનો નથી, પણ સત્તાના આજીવન ઉમેદવાર અને મતદાતાનો છે. માટે વગર વિચાર્યે જાહેરાતો કરે છે અને વમળમાં ફસાય છે. વારંવાર આવું બની રહ્યું છે.
વડા પ્રધાને અગ્નિપથની જાહેરાત કરી છે એ પણ આવી જ છે. મૂળ યોજના મુજબ ૧૭થી લઈને ૨૧ની ઉંમરના ૪૫થી ૫૦ હજાર યુવાનોની ‘અગ્નિવીર’ તરીકે લશ્કરમાં ભરતી કરવામાં આવશે. તેમને કોઈ પણ પ્રકારના નિવૃત્તિવેતન કે બીજા લાભ આપ્યા વિના ચાર વરસ પછી નિવૃત્ત કરવામાં આવશે. આ યોજનાનું મોટું પ્રલોભન એ છે કે ભરતી કરવામાં આવેલા યુવાનોમાંથી ૨૫ ટકા યુવાનોની કાયમ માટે એટલે કે પૂરી મુદ્દત માટે લશ્કરમાં ભરતી કરવામાં આવશે. આ સિવાય અગ્નિવીરોને લશ્કરી તાલીમ મળી હોવાથી તેઓ સિક્યુરિટીનાં ક્ષેત્રમાં અન્યત્ર નોકરીને પાત્ર બનશે. ગણતરી એવી હતી કે સર્વત્ર વાહવાહ થશે, પણ ખેલ ઊંધો પડી રહ્યો હોય એમ લાગે છે. બીજા જ દિવસે હિંસક પ્રતિકાર થશે એની તો સરકારે કલ્પના પણ નહોતી કરી. સરકારે ભરતી માટેની ઉંમરમાં બે વરસનો વધારો કરી આપ્યો છે, પણ મુદ્દત તો ચાર વરસની જ રાખી છે.
હવે આ નિર્ણય પાછળનો સરકારનો પક્ષ તપાસીએ :
શા માટે સરકારને આ યોજના દાખલ કરવી પડી? તો આનાં કારણ બહુ સ્પષ્ટ છે. સૌથી મોટું કારણ છે ખર્ચો. લશ્કરમાં બ્રિગેડીઅરથી લઈને જનરલ સુધીના લશ્કરી અધિકારીઓની નિવૃત્તિની ઉંમર આ જ ક્રમમાં ૫૪થી લઈને ૬૨ વરસ સુધીની છે. જેને આપણે જવાન તરીકે ઓળખાવીએ છીએ એ સિપાઈથી લઈને સુબેદાર સુધીના જવાનોની નિવૃત્તિની ઉંમર ૪૨થી લઈને ૫૨ વરસ સુધીની છે. આમાં પાછી સર્વિસની મુદ્દત પણ ઉમેરવામાં આવી છે. જો સિપાઈની નોકરીનાં ૧૯ વરસ પૂરાં થઈ જાય તો તેને નિવૃત્ત કરવામાં આવે છે, પછી ઉંમર ગમે તે હોય. અલગ અલગ રેન્ક મુજબ અલગ અલગ નિવૃત્તિની અને સર્વિસની મુદ્દત નક્કી કરવામાં આવી છે. તો આનો અર્થ એ થયો કે લાખોની સંખ્યામાં લશ્કરી જવાનો સરેરાશ ૪૦-૪૨ની ઉંમરે નિવૃત્ત થાય છે અને પછી આખી જિંદગી (લગભગ ૩૫થી ૪૦ વરસ) સરકારે તેમને પેન્શન આપવું પડે છે. આ મોટો બોજો છે અને માટે ઇન્દિરા ગાંધીએ ૧૯૭૨માં ભાઈબાપા કરીને અને નિવૃત્ત લશ્કરી જવાનોના સંગઠનના નેતાઓને સમજાવીને વન પેન્શન વન રેન્કની જોગવાઈ બંધ કરી હતી. દૂર સુધીનું જોવાનાં અને વિચારવાનાં તેઓ દુર્ગુણ ધરાવતાં હતાં. તો પહેલું અને મોટું કારણ છે આર્થિક બોજો. સરકારની મજબૂરી સમજી શકાય એમ છે.
બીજું મહત્ત્વનું કારણ છે ટ્રુપ અને ટેકનોલોજી વચ્ચેનો સમન્વય કે વિરોધ. ટેકનોલોજીના કારણે આખા જગતમાં જેમ દરેક ક્ષેત્રમાં પરિવર્તન થયાં છે એમ સંરક્ષણના ક્ષેત્રમાં પણ થયાં છે. હવે યુદ્ધ પહેલાંની જેમ લડવામાં આવતાં નથી. વૉરફેરમાં ટેકનોલોજી બહુ મોટો ભાગ ભજવે છે અને તેથી જેને આપણે પાયદળ કહીએ છીએ તેવા દળનો ખપ ઘટ્યો છે. જગત આખામાં લશ્કરની પ્રોફાઈલ બદલાઈ રહી છે એટલે ભારત પણ બદલે એ સ્વાભાવિક છે અને એ જરૂરી પણ છે. સવાલ માત્ર એટલો જ છે કે ધીરેધીરે લશ્કરની પ્રોફાઈલ બદલી શકાતી હતી, જેમ જગત આખામાં જે તે દેશોએ બદલી છે.
પણ દરેક બાબતે તાયફા યોજવાની આદત છે તેનું શું કરવું? જે કરવું એ ગાયવગાડીને કરવું. જાણે કે દિગ્વિજય કર્યો હોય એમ કરવું. સાહેબના દરેક નિર્ણય શકવર્તી હોય છે. જગતમાં એવો એકેય દેશ છે જેણે લશ્કરની પ્રોફાઈલ આ રીતે ઘાંટા પાડીને અને તાયફાઓ યોજીને બદલી હોય? એક ઉદાહરણ આપો. ભાઈ, આ લશ્કર છે, દેશના રક્ષણનો મામલો છે! ચીને તેનાં લશ્કરની પ્રોફાઈલ બદલી એની જાણ જગતને મોડેથી થઈ હતી, ચીને તો તેની જાણ ક્યારે ય કરી નથી. આ ચૂપચાપ કરવાનાં કામ છે. પણ આપણે ત્યાં તો સંવેદનશીલ કામ પણ ગાઈવગાડીને તાયફાઓ યોજીને કરવામાં આવે છે.
હવે આ ગાઈવગાડીને તાયફો કરીને જે જાહેરાત કરવામાં આવી તેને કારણે લશ્કરમાં અને લશ્કરની બહાર અસંતોષ પેદા થયો છે. ઓફિસરોની સંખ્યા, તેમની મુદ્દત અને પેન્શનમાં કોઈ ફરક પડવાનો નથી એ અસંતોષનું પહેલું કારણ છે. જવાનોની સંખ્યા ઘટવાની છે એટલે લશ્કરમાં નોકરી મેળવીને અને એ પછી નિવૃત્તિવેતનના સહારે સુરક્ષિત જીવન જીવવા નહીં મળે એ અસંતોષનું બીજું કારણ છે. અગ્નિવીરોની મુદ્દત માત્ર ચાર વરસની છે અને એ પછી ખાસ કોઈ પ્રકારનાં લાભ મળવાનાં નથી એ અસંતોષનું ત્રીજું કારણ છે. ૨૧ વરસે કે ૨૩ વરસે છોકરો નિવૃત્ત થાય એવી તે કેવી નોકરી! લોકોને આ વાત જ વિચિત્ર લાગે છે.
હવે દેશના રક્ષણનો પક્ષ :
લશ્કરના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ પી.આર. શંકરે હવે પછી આકાર પામનારા ભારતીય લશ્કરને “કિન્ડરગાર્ડન આર્મી” તરીકે ઓળખાવીને બહુ માર્મિક ભાષામાં આ નિર્ણયની મર્યાદા બતાવી આપી છે. શિશુ લશ્કર કહીશું કે લશ્કરનો શિશુવર્ગ કહીશું? લશ્કરનું બાળમંદિર પણ કહી શકાય. ચાર વરસ માટે ભરતી કરવામાં આવેલ નવયુવાન હજુ સંરક્ષણના કકા-બારખડી શીખશે નહીં શીખે ત્યાં નિવૃત્ત થશે. બાળમંદિરમાંથી જ નિવૃત્ત કરવામાં આવશે. કાં ભરતી કરવામાં આવેલ યુવકનો સરખો અને પૂરો ઉપયોગ કરો અથવા ન કરો, આવા દેખાડા કરવાની શી જરૂર છે? પૈસા પણ જાય અને હાથમાં કાંઈ આવે નહીં.
બીજું, ભારતની સંરક્ષણની જરૂરિયાત અલગ પ્રકારની છે. ભારતની જમીન પરની આંતરરાષ્ટ્રીય સરહદ ૧૪,૮૬૭ કિલોમીટર છે અને જો સમુદ્રી સરહદ ઉમેરીએ તો ૧૭,૦૦૦ હજાર કિલોમીટર કરતાં વધુ છે. આમાંથી ચીન સાથેની સરહદ ૩,૪૮૮ કિલોમીટર છે અને પાકિસ્તાન સાથેની સરહદ ૩,૩૧૦ કિલોમીટર છે, જ્યાં ચોવીસે કલાક સાવધાન રહેવું પડે એમ છે. આ ધ્યાન રાખવાનું કામ શું લશ્કરી અધિકારીઓ કરવાના છે? પ્રતિકૂળ હવામાન અને પ્રતિકૂળ પ્રદેશમાં રહીને લશ્કરી જવાનો દેશનું રક્ષણ કરી રહ્યા છે. આ કામ સરખી ધોરણસરની તાલીમ પામેલા અને લશ્કરમાં રહીને શારીરિક રીતે સરખી રીતે કસાયેલા જવાનો જ કરી શકે. માત્ર બાળમંદિરમાં આવીને નિવૃત્ત થનારા શિશુ લશ્કરનું આ કામ નથી. આમાં ચીન સાથે તો યુદ્ધનું જોખમ છે અને વિશ્વદેશો ભારતને ચેતવી રહ્યા છે ત્યારે આવડું મોટું જોખમ? જગતના દેશો ભલે જવાનોની સંખ્યા ઘટાડતા હોય, આપણને અત્યારની સ્થિતિમાં એ પરવડે એમ નથી. સિવાય ટેકનોલોજીનો ઉપયોગ વધારવાની કોણ ના પાડે છે? લશ્કરી ખર્ચ વધે તો પણ અત્યારે દેશને જોખમ પોસાય એમ નથી.
ત્રીજું આ દેશમાં દરેક શિશુ મનુષ્ય તરીકે જન્મે છે અને પછી તેને જ્ઞાતિ, ધર્મ અને પ્રાંતની ઓળખ આપવામાં આવે છે, પણ ભારતીય તરીકેની ઓળખ આપવામાં આવતી નથી. લશ્કરમાં જવાનોની ભરતી કરવામાં આવે એ પછી એ જવાનને ભારતીય તરીકેની ઓળખ આપવામાં આવે છે અને એ લાંબી પ્રક્રિયા છે. આપણે ઘડીકમાં પટેલ, ઘડીકમાં કડવા કે લેવા પટેલ, ઘડીકમાં હિંદુ, ઘડીકમાં ગુજરાતી બનીએ છીએ અને રૂપ-રંગ અને ભાષા બદલીએ છીએ એમ લશ્કરી જવાનો બદલતા નથી તો એ લાંબી અને સઘન તાલીમનું પરિણામ છે. અખંડ અને માત્ર અખંડ ભારતીય દેશનું રક્ષણ કરી શકે, ખંડિત કે અધૂરો ભારતીય નહીં. માત્ર ચાર વરસમાં લશ્કરનાં બાળમંદિરમાં આ થશે?
હમણાં મેં અંચલ મલ્હોત્રાનું ‘Remnants of a Separation: a History of the Partition Through Material Memory’ વાંચ્યું હતું. એ પુસ્તકમાં એક લશ્કરી અધિકારી સાથેની લેખકની વાતચીતમાં એ અધિકારી કહે છે કે ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર ઉપર હુમલો કર્યો ત્યારે તે અને તેનો જીગરજાન પાકિસ્તાની મિત્ર સામસામે હતા. દેશ સાથે દેશના લશ્કરનું વિભાજન થતાં હજુ છ મહિના પહેલા જ તેઓ અલગ થયા હતા. તેઓ અને તેના મુસ્લિમ મિત્ર સાથે લશ્કરમાં જોડાયા હતા, સાથે તાલીમ લીધી હતી, એક જ રેજીમેન્ટમાં હતા, બીજા વિશ્વયુદ્ધ વખતે એક જ મોરચે સાથે લડ્યા હતા, તેમની વચ્ચે ગાઢ મૈત્રી હતી અને છેવટે સામસામે લડવાનો પ્રસંગ આવ્યો. તમે તમારા મિત્ર સામે કઈ રીતે હથિયાર ચલાવી શક્યા એવા પ્રશ્નના જવાબમાં એ અધિકારીએ કહ્યું હતું કે અમને એ રીતની માનસિક તાલીમ આપવામાં આવે છે. મિત્ર શું, ભાઈને પણ મારી શકીએ. એ વખતે વિજયનો નશો એવો હોય છે જેમાં સંબંધો ગૌણ હોય છે.
નરેન્દ્ર મોદી સ્થાપિત લશ્કરના બાળમંદિરમાંથી આવા જવાન નીકળશે?
અને ચોથું, લશ્કરમાં જવાનની ભરતી કરવામાં આવે છે એ પછી તેને જે તે રેજીમેન્ટમાં મૂકીને તેની અંદર આપણાપણું વિકસાવવામાં આવે છે. રેજીમેન્ટની એ ઓળખ એટલી તીવ્ર હોય છે કે જવાન પોતાની રેજીમેન્ટની અગ્રેસરતા જાળવી રાખવા માટે પોતાપણું ભૂલી જાય છે. આ આપણાપણાની તરફેણમાં પોતાપણું છોડવું કે છોડાવવું એ પણ એક સઘન પ્રક્રિયા છે. આ બધું ચાર વરસમાં થશે?
પણ ફરક કોને પડે છે. ઊજવણી કરો, તાયફા યોજો, જયજયકાર કરાવો અને આવતીકાલે શો પ્રસંગ યોજવો એનો વિચાર કરો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જૂન 2022