કાવ્યકૂકીઝ
હું પ્રાઈમરીનો ઈ-સ્ટુડન્ટ છું. મારા માસ્તરે વરહાદ પર નિબંધ લખવાનું કીધું છે તે લખતો છું. હાચું તો એ છે કે મને વરહાદ ગમતો નથી ને વરહાદ પર લખવાનું હો ગમતું નથી. તે એટલે કે હું મારો વરહાદ પાડું તે માસ્તરને ગમતું નથી. હું 2022નો વરહાદ પાડું તો એ મને માર્ક ની આપે. એને તો 1950ની નિબંધમાળામાં જે વરહાદ છે તે જ કાગળ પર પડવો જોઈએ, પણ હું તો મારો જ વરહાદ પાડા. ઢોર, તું શીદને ચિંતા કરે? માસ્તરે કરવું હોય તે કરે – એવું મારા ફાધર મને કે'તા હોય છે. શું છે કે મને વરહાદ દીઠો ગમતો નથી, પણ નિબંધ લખવો હોય તો ગમાડવો પડે છે ને લખવું પડે છે કે ભીના થવાની મઝા પડે. અમણાં કઉં તે મઝા પડે !
ઉપરવાળો લીંબું પીધું હોય તેમ બધું ભીનું કરે તેમાં મઝા હું પડે? મને તો કડાકા ભડાકા થાય તે હો ની ગમે. આપણામાં ને પેલા ચૂંટણી સરઘસમાં કોઈ તો ફેર હોય કે ની? આ વીજળી થાયને તે હો મને તો સિલિન્ડર ફાટતું હોય તેવું જ લાગે છે, જો ! વરહાદથી અનાજ પાકે તેવું કે'ય છે, પણ એ કૈં હાચું નથી. અનાજ ચોમાહામાં જ પાકતું હોય તો ઉનાળામાં હો ડોઝરું તો ભરાય જ છેને ! એટલે એવું કૈં નથી કે બધું વરહાદમાં જ થાય છે. મને બઉ વરહાદ પડે તે બે જ વાર ગમે. એક તો સ્કૂલે જતાં પહેલાં પડે તો ! ને બીજીવાર સ્કૂલમાં હોઉં ત્યારે પડે તો, કારણ રજા પડી જાયને ! આમ તો તેલ લેવા હું જ જાઉં છું, પણ વરસતા વરહાદમાં મધર કાંદાના ભજિયાં બનાવે તે ફાધરના ખાતાં વધે તો મને હો મળે છે. મને બઉ ભાવે. મારા ફાધરને હો વરહાદ ની ગમે. એ તો ઘરની બા'ર હો ની નીકળે, તો હો ભગવાનને બે હાથ જોડીને કે'ય કે પાણી પાડતો જ રે’જે. જોઈએ તો બે લીંબું વધારે પીજે, પણ વરસતો રે’જે, હમયજો? ફાધરને એક ખોટી ટેવ એ છે કે એ બારે મહિના રસ્તા પર પાણી રેડતા જ રે'ય છે. ચોમાહામાં વરહાદ ધોધમાર પડતો હોય તો હો સડક પર પાણી છાંટવાનું ચૂકતા નથી ને જેટલું કીચડ થાય તેટલી એમને ખુશી વધારે થાય છે, તેમાં જો કોઈ પઈડું તો, તો બઉ દાંત કાઢે ને ભગવાનને કે'તા ફરે કે વરહાદ બઉ પાડ ને માણહોને હો પાડ !
તે એટલા માટે કે એ હાડવૈદ છે ..
000
('સંદેશ'ની મારી હળવી કોલમ)
e.mail : ravindra21111946@gmail.com