
સંજય ભાવે
અંબાણીપુત્રના ‘વનતારા’ નામનાં સોણલાંને માધ્યમો અને સમાજનો એક મોટો હિસ્સો પૂરા કદની વાસ્તવિકતા માનવા લાગ્યો હોય એમ જાણાય છે.
એટલે વાત કરવી છે કુષ્ઠરોગીઓના જગવિખ્યાત અકિંચન સેવાવ્રતી બાબા આમટેના તબીબી સેવાવ્રતી પુત્ર, તેના પરિવાર અને સાથીઓના માનવેતર પ્રાણીઓના અરધી સદીના પ્રેમની.
વાત છે મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં ‘પ્રાણીઓનું ગોકુળ’ અથવા Amte’s Animal Arkની. પ્રાણીઓના બચાવ અને ઉછેર માટેનું આ કેન્દ્ર અથવા અનાથાલય આદિવાસીઓના આરોગ્ય અને શિક્ષણસેવાને સમર્પિત સંસ્થા ‘લોકબિરાદરી પ્રકલ્પ’ના એક ભાગ તરીકે ચાલે છે.
જો કે અહીં પ્રાણીઓનો માત્ર બચાવ અને ઉછેર જ નથી થયો, પણ તેમની કેટલી ય પેઢીઓ સાથે માણસોની ત્રણ પેઢીઓનો સ્નેહસંબંધ બંધાયો છે.
પ્રાણીઓનું ગોકુળ ‘વનતારા’થી લગભગ પચાસ વર્ષ પહેલાં શરૂ થઈને અત્યાર લગી ઝાકઝમાળ કે સ્વપ્રચાર વિના ચાલી રહ્યું છે. સેવારત આમટે પરિવાર અને તેમના સાથીદારોએ પ્રાણીઓને પોતાના પરિવાર તરીકે ગણીને તેને વિકસાવ્યું છે.
પ્રાણીઓના ગોકુળમાં અત્યારે 114 માનવેતર જીવો છે. જેમાં પ્રાણીઓ છે : ત્રણ દીપડા, પાંચ રીંછ, ચાર શિયાળ, ચાર વરુ, ત્રણ જરખ, અઢાર શાહુડી, બે જંગલી બિલાડી, એક હણોતરો, અગિયાર વાનર, એકવીસ ચિતલ, ચાર ચોશિંગાં, એક કાળિયાર.
પક્ષીઓમાં આવે છે બે રાજપીપળાના પોપટ, અગિયાર મોર-ઢેલ, પાંચ ઘૂવડ, એક ક્રેસ્ટેડ સરપન્ટ ઇગલ. પેટે સરકતાં પ્રાણીઓમાં એક અજગર અને બે મગરનો સમાવેશ થાય છે.
આ આંકડા 2022-23 ના છે, જે Central Zoo Authority of Indiaની વેબસાઇટ પર છે. ‘તાજેતરમાં બે જરખ અને બે વરુ આવ્યાં છે’, એમ મને ડૉ. પ્રકાશ આમટે ગયા શનિવારે મોકલેલાં વીડિયો અને સંદેશામાં જણાવ્યું છે.
આ બધાં પ્રાણીઓ કોઈ ધનપતિની શાખ કે સંપત્તિથી અહીં આવ્યાં નથી. તે ઘણું કરીને પ્રકલ્પના લાભાર્થી આદિવાસીઓએ પ્રાણીઓની ઘાયલ કે આજાર અવસ્થામાં જંગલમાંથી અહીં પહોંચાડેલાં છે; અથવા પ્રકલ્પના લોકોએ રેસ્ક્યુ કરેલાં કે ક્વચિત પ્રકલ્પને ભેટ મળેલાં છે.
પ્રાણીઓનું આ ગોકુળ હેમલકસા નામની આજે પણ દુર્ગમ જગ્યાએ છે. જંગલમાં આવેલી આ જગ્યા પૂર્વ મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશના નાગપુરથી ત્રણસો અને મુંબઈથી અગિયારસો કિલોમીટર દૂર છે.
અહીં ‘લોકબિરાદરી પ્રકલ્પ’ ઉપક્રમ એપ્રિલ 1974થી માડિયા અને ગોંડ આદિવાસીઓને વિનામૂલ્યે તબીબી સેવા પૂરી પાડી રહ્યો છે. વર્ષો વીતતાં આદિવાસી કલ્યાણની પ્રકલ્પની પ્રવૃત્તિ શિક્ષણ, જળસંચય, ખેતી, પશુપાલન અને હસ્તઉદ્યોગમાં પણ વિસ્તાર પામી છે.
લોક બિરાદરી પ્રકલ્પના સંકુલમાં અત્યારે મોટા ભાગના વ્યાધિઓ પરના ઓ.પી.ડી. અને પચાસ પથારી સાથેની અદ્યતન સુવિધા ધરાવતી હૉસ્પિટલ, અને છસો અદિવાસી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓને ભણાવનારી દસમા ધોરણ સુધીની નિવાસી શાળા છે.
પ્રકલ્પના મોટા ભાગના સાથીઓ અને કર્મચારીઓ પણ પ્રકલ્પ પર રહે છે. અહીંના સમૂહ રસોડામાં દરરોજ સંસ્થાના સવાર-સાંજ એક-એક હજાર લોકો જમે છે.
બાબા આમટે(1914-2008)એ તેમની ઉંમરના સાઠમા વર્ષે આ પ્રકલ્પની પહેલ કરી અને પછીની અરધી સદીથી તેમના પુત્ર ડૉ. પ્રકાશ આમટે અને પુત્રવધૂ ડૉ. મંદા આમટે પ્રકલ્પ સંભાળી રહ્યાં છે. તેમને પહેલેથી અનેક નિષ્ઠાવાન સાથીદારો તો મળ્યાં જ, પણ આ ડૉક્ટર દંપતીના તબીબ પુત્ર અને સ્ત્રી રોગ નિષ્ણાત પુત્રવધૂ, તેમ જ મૅનેજમેન્ટ ભણેલા બીજા પુત્ર તેમ જ પુત્રવધૂ પણ હંમેશ માટે પ્રકલ્પના કામમાં જોડાયાં છે.
લોક બિરાદરીમાં પહેલા નિવાસી તરીકે વાંદરાનું બચ્ચું આવ્યું. એક આદિવાસી તેને પરિવારે તેને મારીને ખાઈ જવા માટે પકડ્યું હતું. અનાજના બદલામાં ડૉ. પ્રકાશે તેને લઈ લીધું અને બબલી નામ આપીને ઉછેર્યું. તેના પછી જંગલમાં કોઈ મોટાં પ્રાણીએ ઘાયલ કરેલી ‘દેવખાર’ તરીકે ઓળખાતી મોટી ખિસકોલી આવી.
તે પછી માદા રીંછનું બચ્ચું રાણી નામે લાડકોડ પામ્યું. આદિવાસીઓમાં જેના માટે નેગલ શબ્દ છે તે દીપડો અને તે પછી તેની સાથે એક માદા મસ્તીથી ઊછર્યાં. તેમણે સંગાથે એક સિંહબાળને પણ સાચવી લીધો.
શિયાળ, જરખ અને શાહુડી પણ વસ્યાં. બ્રૅન્ડેડ ક્રેટ નામના અત્યંત ઝેરી સાપ ઉપરાંત બીજા પ્રકારના સાપ તેમ જ અજગર અને મગરને શબ્દશ: આળપંપાળથી ઊછેર્યા. બીજાં પશુપક્ષીઓ પણ વખતોવખત આવતાં રહ્યાં.
ઉપરોક્ત તમામ પ્રાણીઓ આમટે પરિવાર તેમ જ લોકબિરાદરી પ્રકલ્પ પર પરિવારના સભ્યો તરીકે રહે છે. તેમનાં આગમન, સંગોપન, સાહચર્ય અને સ્નેહ વિશે ડૉ. પ્રકાશ આમટેએ તેમની આત્મકથા प्रकाशवाटा (અંગ્રેજી અનુવાદ Pathways to Light અને ગુજરાતી અનુવાદ ‘પ્રકાશની પગદંડીઓ’)માં એક પ્રકરણ લખ્યું છે.
તે પ્રકરણની વિસ્તારિત અને સંખ્યાબંધ રંગીન તસવીરો સાથેની આવૃત્તિ મરાઠી પુસ્તક रानमित्र (2013)માં છે. આ પુસ્તકનું પેટા શીર્ષક ‘માણસ અને પ્રાણી વચ્ચેના અનોખા સગપણની અદ્દભુત કથા’ એવું છે. તદુપરાંત તેમના સાથી વિલાસ મનોહરે મરાઠી પુસ્તક नेगलના બે ભાગ (1991,2003)માં હેમલકસાના પ્રાણીઓ સાથેના વર્ષોનાં હેતભર્યા જીવનનું વર્ણન કર્યું છે.
વાંચવાનું શરૂ કરીને પૂરું કર્યાં વિના મૂકી જ ન શકાય તેવાં આ સહજ રીતે લખાયેલાં અત્યંત હૃદયસ્પર્શી પુસ્તકો અજોડ છે. તેમનો સાર આપવો મુશ્કેલ છે. છતાં કેટલીક બાબતો તારવવાની ચેષ્ટા અહીં કરી છે.
આ લખનારે તારવેલો દરેક મુદ્દો પુસ્તકોમાં એકેક પ્રાણી સાથેના સહજીવનના રોજ બ રોજના બનાવો, અનુભવો અને સંભારણાંને આધારે લખાયો છે.
પાયાની વાત તો એ છે કે લોક બિરાદરીએ પ્રાણીઓને ક્યારે ય પારકાં ગણ્યાં નથી, તેમને સંતાનો જ ગણ્યાં છે. તેમને માણસ જેવી જ શારિરીક પ્રક્રિયા, સ્વભાવલક્ષણો અને ગુણદોષો ધરાવતાં જાણ્યાં છે.
કેટલાક ઘરોમાં જેમ કૂતરાં કે બિલાડી રહેતાં હોય તેમ દીપડા, રીંછ, સિંહ અને વાનર આમટે પરિવારના ઘરમાં કે ઘરની બાજુમાં રહ્યાં છે. આમટે દંપતી સાથે તેઓ દરરોજ નદીએ ફરવા જાય છે કે લોકબિરાદરીમાં ફરતા હોય છે. અલબત્ત તેમને કચવાટ સાથે પણ પાંજરાંમાં મૂકવાં પડે છે તે વાત પણ સ્વીકારાઈ છે
પ્રાણીઓના ખોરાક, પોષણ, તંદુરસ્તી, રહેઠાણ, સહજીવન, સંવનન, પ્રજનન, પ્રસૂતિ, સંતતિનિયમન જેવી બાબતે સતત જાગૃત રહ્યાં છે. અભાવમાં પણ ખૂબ જહેમતથી પ્રાણીઓ માટે માંસાહારની સગવડ કરી છે. તેમની સુવાવડ કે માંદગીમાં ચિંતા અને ઉજાગરા વેઠ્યાં છે.
પ્રાણીઓ ઉઝરડાં મારે, બચકાં ભરે, તેમનાં નખ કે દાંત શરીરમાં ખૂપી ગયા હોય તે તો જાણે રોજ બ રોજની બાબત છે. ડૉ. પ્રકાશ તેને બાળકિશોર કે યુવાનોની સાહજિક મસ્તી તરીકે સમજાવે છે. તેમને સાપના ડંખને કારણે ઝેરની ખૂબ અસરથી અઠવાડિયું હોસ્પિટલમાં રહીને મરતાં બચ્યાં છે. પણ આ ગાળામાં તેમણે અખબારી યાદી બહાર પાડીને સાપનો વાંક નહીં પણ પોતાની ભૂલ હોવાનું જાહેર કર્યું છે.
પુસ્તકોમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં પ્રાણીઓને દોષિત કે હિંસક ગણવામાં આવ્યા હોય. તેઓ આક્રમક બન્યા હોય તેવા દરેક કિસ્સામાં કાં તો તેમની અસલામતી કે માણસની ભૂલ હતી તે અચૂક તાર્કિક રીતે બતાવવામાં આવ્યું છે.
ડૉ. પ્રકાશ કે વિલાસ મનોહર અભય છે. તેઓ દીપડા, સિંહ, રીંછ, વરુ કે જરખ સાથે મિત્રની જેમ વર્તે છે. એટલું જ નહીં પરિવારનાં કેટલાંક બાળકો પણ તેમની સાથે રમતાં આવ્યાં છે. પણ મોટેરાં કે બાળકોમાંથી કોઈને કોઈએ પ્રાણી આક્રમક બનીને ઇજા પહોંચાડી નથી.
અદિવાસીઓ જ નહીં પણ જંગલ ખાતાએ પણ કેટલાંક જખમી કે માંદા કે વધારાનાં પ્રાણીઓ કંઈક ગોઠવણો કરીને ‘ગોકુળ’ને સોંપ્યાં છે, અને તે ઉત્તમ રીતે સચવાયાં છે.
પૂનાના જાણીતા આયુર્વેદિક ડૉક્ટર હર્ડિકરે પહેલાં ગોકુળને બાર લાખ રૂપિયા દાન આપ્યાં, અને પછી તેની મુલાકાત લીધી. પુ.લ. દેશપાંડેના આવસાન બાદ તેમના પત્ની સુનીતાબહેને પાંચ લાખનું દાન ‘માનવેતર પ્રાણીઓ’ માટે આપ્યું.આવી સહાય મળતી રહે છે.
જંગલ ખાતા થકી વધતી જતી સરકારી કનડગત ગોકુળ પર જપ્તીની નોટિસ સુધી પહોંચી. એટલે નાછુટકે તેના વિરોધમાં ડૉ.પ્રકાશે પદ્મશ્રી સન્માન પાછું આપવાની જાહેરાત કરી, જનતા તેમ જ માધ્યમોનું દબાણ આવ્યું અને જપ્તી રદ્દ થઈ. સમયાંતરે ગોકુળને Amte’s Ark તરીકે સત્તાવાર માન્યતા મળી.
પ્રાણીઓ હિંસક હોતાં નથી. તેઓ સંવેદનશીલ હોય છે. તેમની આક્રમકતા કુદરત કે માનવ સર્જિત સંજોગોને કારણે આવેલી અસલામતીમાંથી આવે છે. આ મતલબની વાત ડૉ. પ્રકાશ અને વિલાસ મનોહરે તેમના પુસ્તકોમાં અનુભવ અને સંખ્યાબંધ દાખલા સાથે વારંવાર કરી છે.
ડૉ. પ્રકાશ લખે છે : ‘હેમલકસામાં માણસની સેવાની સાથે સાથે અમારાં હાથે જંગલના વન્ય પ્રાણીઓની સેવા પણ થઈ. આ પ્રાણીઓ પણ અમારી જિંદગીમાં ખૂબ ખુશી લાવ્યાં. નિરપેક્ષ પ્રેમના પાઠ જ એમણે અમને આપ્યા.’ આ શબ્દો ‘પ્રાણીઓનું ગોકુળ’ અથવા Amte’s Arkના હાર્દ સમા છે.
લોક બિરાદરીના સેવાકાર્ય વિશે અને Animal Ark વિશે યુટ્યુબ પર સંખ્યાબંધ વીડિયો છે. તે ‘વનતારા’થી અનેક વર્ષ પહેલાં ધનકુબેરોએ નહીં, પણ અકિંચન સેવાવ્રતીએ આદરેલાં સત્કાર્યનાં છે. કમેન્ટ બૉક્સમાં મૂકેલાં વીડિયો ગયા મહિનાના છે.
(કેટલીક માહિતી માટે આભાર : રુચિ દવે)
Amte’s Ark, 16 માર્ચ 2024
[1,200 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર