ગુજરાતી સાહિત્ય પરિષદની અસાધારણ સામાન્ય સભા આજે બપોરે બે વાગ્યે તેના બંધારણમાં જરૂરી ફેરફાર અંગે મળી રહી છે. તેમાં હાજર રહેવા વિશે ગઈ કાલે રાત્રે વિચારતો હતો ત્યારે અચાનક જ થયું કે કે ‘લાવ ને, આ સભામાં જતાં પહેલાં પરિષદના 2022ના વાર્ષિક અહેવાલ પર નજર ફેરવી લઉં.’
આ અહેવાલ મને સાયલા ખાતે 15-16-17 ડિસેમ્બર 2022 દરમિયાન યોજાયેલા જ્ઞાનસત્રમાં મળ્યો હતો, તેની સાથે પારિતોષિક-પુરસ્કૃત લેખકો વિશેની પુસ્તિકા પણ હતી. એ વખતે તે વાંચી, પણ અહેવાલની પુસ્તિકા વંચાઈ નહીં, ને ગેરવલ્લે મુકાઈ ગઈ. અત્યારે આ આસાધારણ સભા સંદર્ભે યાદ આવ્યું એટલે એક મિત્રને પૂછતાં તેણે અહેવાલ-પુસ્તિકાની પી.ડી.એફ. બનાવીને મોકલી.
પાનાં ફેરવતાં યાદ આવ્યું કે ‘2022 જાન્યુઆરીમાં પરિષદમાં થયેલું વૃક્ષછેદન, તે અંગે નિમાયેલી તપાસ સમિતિ, તેણે પરિષદને સુપરત કરેલો એકસો છ પાનાંનો અહેવાલ, તેની પરિષદના સભ્યોને મોકલવામાં આવેલી મુદ્રિત નકલ અને અહેવાલને પગલે પરિષદના તત્કાલીન મહામંત્રીએ આપેલું રાજીનામું આ બનાવોનો ઉલ્લેખ 20022 ના વાર્ષિક અહેવાલમાં ક્યાં ?’
એને લગતો એક પણ શબ્દ ન જડ્યો.
વાર્ષિક અહેવાલ બે વખત વાંચ્યો. થયું કે કદાચ હું ચૂકી ગયો હોઉં. પરિષદ જેવી જાહેર સંસ્થાના અહેવાલમાં આટલી મોટી વાત પડતી મૂકાય તે ન બને. પણ મારી ચૂક ન હતી.
એક માતબર વાચક-સંપાદકને પણ ખરાઈ કરી આપવા વિનંતી કરી. તેણે પણ કહ્યું : ‘વૃક્ષછેદન અંગે કશું જ નથી.’
અરે, સમિતિ અને અહેવાલ તો જવા દો, પણ પરિષદમાં મોટા પાયે વૃક્ષછેદન થયું અને તેને પગલે મહામંત્રીએ રાજીનામું આપ્યું આ બે બનાવો — તેનું સારા — નરસાપણું કે તેની અભૂતપૂર્વતા બાજુ પર રાખીને ય – બનાવો તરીકે તો અહેવાલમાં હોવા જોઈએ કે નહીં ? 2022માં ઉમાશંકર જોશીના જન્મદિવસે થયેલા વૃક્ષારોપણ કાર્યક્રમની નોંધ થાય તેમ, ‘અહેવાલ’માં એક ‘બનાવ’ તરીકે વૃક્ષછેદનની નોંધ ન હોય?
ગ્લાનિ અને આક્રોશની લાગણી થઈ આવી. શું કહેવું ?
વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તેની તવારીખ તરીકે વાર્ષિક અહેવાલમાં નોંધ કરવામાં પરિષદને સંકોચ થયો (સૌમ્ય શબ્દપ્રયોગ) ? અપરાધભાવ જાગ્યો ?
વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તેની તવારીખ તરીકે નોંધ પડતી મૂકવામાં પરિષદને સંકોચ ન થયો ( સૌમ્ય શબ્દપ્રયોગ )? અપરાધભાવ ન જાગ્યો ?
વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદને આ અહેવાલના લેખન-નિર્માણ દરમિયાન અને તે છપાયાં પછી વરેણ્ય સામૂહિક સ્મૃતિભ્રંશ – collective selective amnesia – થયો ?
વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદમાં એકંદરે જળવાયેલાં મૌનના કારસ્તાન – conspiracy of silence -ને વર્ષ 2022ના અહેવાલમાં કાયમી સ્વરૂપ આપવામાં આવ્યું – enshrine કરવામાં આવ્યું ?
દેશના સર્વોચ્ચ સાહિત્યિક પારિતોષિકો-સન્માનો મેળવનાર, લેખો – પુસ્તકો – ભાષણોમાંમાં વારંવાર મૂલ્યોની દુહાઈ દેનારા, વર્ષોથી ઇતિહાસબોધની વાતો કરતા રહેનારા, સાહિત્યમાં ઇતિહાસદૃષ્ટિ પર ચર્ચાઓ કરનાર વગેરે સહુને કહેવું ઘટે કે –
પરિષદમાં વૃક્ષછેદન થયું હતું, તે અંગે સમિતિએ લખેલા અહેવાલે એક કરતાં વધુ વ્યક્તિઓને જવાબદાર ગણ્યા હતા, અહેવાલને પગલે તત્કાલીન મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું – આ બનાવ વાર્ષિક અહેવાલ રૂપે સમકાલીન ઇતિહાસમાં ન જાય, તેની નોંધ જ ન હોય તેની પૂરેપૂરી તકેદારી લેવાઈ હોય તેમ લાગે છે. ઇતિહાસ જ ન હોય ત્યાં બોધ શેનો ?
વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદે શાસકો જેવી નીતિ સ્વીકારી ? – ઇતિહાસને ઢાંકો, છૂપાવી દો, વિકૃત કરો અને બને તો ભૂસી જ નાખો ! અથવા સહુથી ઉત્તમ તો પોતાના ચોપડે ચઢવા જ ન દો !
એક નાની હકીકત (સત્ય તો મોટો શબ્દ છે) વાર્ષિક અહેવાલમાં આવે તેનાથી પણ ડરીએ છીએ, તેની ભોંક સહન નથી થતી ?
સૉક્રેટિસ, ટૉલ્સ્ટૉય, ગાંધી, ચૉમ્સ્કી, દર્શક ને એવાં (યાદી તો ઘણી લાંબી થાય જ ને…) વિશે લખ્યું છે ને ? તેમને ટાંક્યા છે ને ? રથ જમીનને અડ્યા જ કરે છે, ને જાહેરમાં લખવા-બોલવામાં લોકોને બતાવવાની કોશિશ છીએ કે રથ ઊંચો ચાલે છે ?
ગુજરાતી સાહિત્ય પરિષદના 2022ના વર્ષિક અહેવાલ મુજબ post- truth (કંઈ નહીં તો ય આ શબ્દની તો મને પણ ખબર છે) એ છે કે પરિષદમાં વૃક્ષછેદન થયું જ ન હતું …. No one killed Jessica!
30 માર્ચ 2023
[582 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર