ઉત્તર કોરિયાના પાટનગર પ્યોન્ગ્યાન્ગમાં પોલિસ ઓફિસરના પુત્ર તરીકે ૧૯૯૨માં જન્મેલો સુન્ગ-જુ લી આઠ વર્ષનો હતો ત્યારે, ત્રણ બેડરૂમના એપાર્ટમેન્ટમાં બહુ જ લાડકોડમાં ઉછરી રહ્યો હતો. ટી.વી. પરથી સતત પ્રચાર થઈ રહેલા દેશભક્તિ અને મૂડીવાદને ધિક્કારતા સમાચારો અને માનાસિક ધોવાણની જેહાદથી (Brain washing) દોરવાઈ, તે જાપાન અને અમેરિકા જેવા મૂડીવાદી દેશથી પોતાના દેશનું રક્ષણ કરવા અને પોતાના બાપની જેમ લશ્કરમાં જોડાઈ, સેનાપતિ બનવાનાં સપનાં સેવી રહ્યો હતો. શક્તિશાળી બનવા તે ‘ટાય-કોન-ડો’ના ક્લાસમાં માર્શલ આર્ટની તાલીમ પણ લઈ રહ્યો હતો. પ્યોન્ગ્યાન્ગના ફન પાર્કમાં કોઈ પણ સુખી શહેરી બાળક માણે, તેવી મજા માણવા તેનાં માબાપ તેને લઈ જતાં હતાં. કેટકેટલી વાર તેણે રોલર કોસ્ટરમાં સહેલ માણી હતી! પણ તે વખતે બિચારા, નાનકડા સુન્ગ-જુને ક્યાં ખબર હતી કે, તેની જિંદગીનો એક ભયાનક રોલર કોસ્ટર તેની રાહ જોઈ રહ્યો હતો ?
૧૯૯૪માં ઉત્તર કોરિયાના તારણહાર મનાતા પ્રેસિડેન્ટ કિમ ઈલ સુન્ગના અવસાન બાદ, અણઘડ વહિવટના કારણે, આખા દેશનું ભવિષ્ય ધીમે ધીમે, ઊંડા અને ઊંડા ખાડામાં સરકી રહ્યું હતું. નવ વર્ષની ઉમરે તેના માબાપ વેકેશનમાં જવાનું છે, તેવું બહાનું બતાવી, થોડોક સામાન લઈ દેશના ઉત્તર ભાગના સાવ છેવાડાના ગ્યોન્ગ સ્યોન્ગ ગામમાં હિજરત કરીને તેને લઈ ગયાં. એ નાના બાળકને તો તેમણે ગંધ પણ આવવા ના દીધી કે, પોલિસ ખાતાના આંતરિક રાજકારણના કારણે તેના બાપની બદલી દૂરના અને કોઈ અગત્ય વિનાના સ્થળે થઈ ગઈ હતી. ગંદી ગોબરી ટ્રેનમાં મુસાફરી કરતાં, અને ટ્રેનથી પણ વધારે ગંદા અને સાવ નાનકડા શહેરમાં જતાં તેને આશ્ચર્ય તો થયું જ કે, વેકેશન કાંઈ આવું તે હોય? પણ તેને બાપમાં બહુ વિશ્વાસ હતો, એટલે તે ચૂપચાપ બેસી રહ્યો. એક જ ઓરડાના, કોઈ આધુનિક સગવડ વિનાના અને ઉબડ ખાબડ મકાનને તે શી રીતે પોતાનું ઘર માની શકે? એના જીવનમાં આવનાર ઘોર વિનિપાતની આ તો શરૂઆત જ હતી.
થોડાક દિવસ બાદ સાવ ગામઠી અને શહેરી સવલતો વિનાની શાળામાં તેને દાખલ કરવામાં આવ્યો; ત્યારે પાટનગરમાંથી આવેલો હોવાના કારણે તેને શિક્ષકે સીધો મોનિટર બનાવી દીધો! આના કારણે તેને સાથી વિદ્યાર્થીઓની ઈર્ષ્યા અને રેગિંગનો ભોગ પણ બનવું પડ્યું. પણ એને કુદરતી રીતે જ સ્વરક્ષણ કરવાની કુશળતા આવડી ગઈ! તેને હવે સમજાવા લાગ્યું હતું કે, આ જ તેની નિયતિ છે.
એક દિવસ તો સાવ નાની ચોરી માટે પકડાયેલ એક પુરુષ અને દેશ છોડી જતાં પકડાયેલી એક સ્ત્રીને જાહેરમાં ફાંસી આપવાનો તાયફો જોવા શાળાના બધા વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા. વાંસડા સાથે બાંધી રાખેલા આ બે જણની ગોળીબારથી હત્યા કરવાનું લોહિયાળ દૃષ્ય તેને કમકમાટી સાથે જોવું પડ્યું.
દેશમાં ચાલી રહેલા દારૂણ દુષ્કાળના કારણે તેના બાપની આછી પાતળી નોકરીમાંથી જીવન નિર્વાહ ચલાવવાનું કપરું બનતું ગયું અને તેમણે બચાવેલી મૂડી બહુ ઝડપથી ખતમ થવા લાગી. અંતે બાપની સાથે બાજુના જંગલમાંથી શિકાર કરીને ખોરાક મેળવી લેવામાં તેનો ઘણો સમય જવા માંડ્યો. બીજા સાથીઓની જેમ નિશાળે જવાનું તો બંધ જ થઈ ગયું હતું. આ પરિસ્થિતિનો અંત આણવા તેનો બાપ ચીન ભાગી ગયો. મહિનો એક માંડ વિત્યો હશે અને તેની મા પણ તેની પિત્રાઈ બહેનને મળવાનું બહાનું કાઢીને તેને સાવ નિરાધાર છોડીને ચાલી ગઈ. સુન્ગ-જુ માટે આ બહુ જ મોટો આઘાત હતો. તેને માબાપની આ વર્તણૂંક બેજવાબદાર લાગી. ઘણાં વર્ષ સુધી તેને આમ સાવ એકલો છોડી દેવા માટે તે તેમને માફ ન કરી શક્યો. પણ આ તો તેની આવનાર આપત્તિઓની માત્ર શરૂઆત જ હતી.
માત્ર ૧૧ વર્ષની ઉમરે સુન્ગ-જુ લી એકલો, નિરાધાર અને અસહાય બની ગયો. રડી રડીને આંસું પણ સૂકાઈ ગયાં. ખાવા માટે વલખાં મારતાં તેને ભીખ પણ માંગવી પડી. પણ મોટા ભાગની પ્રજા અભાવમાં જીવતી હોય, ત્યાં ભીખ પણ કોણ આપે? છેવટે જીવન ટકાવી રાખવાના અનેક દારૂણ સંઘર્ષો બાદ, રસ્તે રઝળતા અન્ય કિશોરોની જેમ તે પણ ખિસ્સાકાતરૂ બની ગયો. પ્યોન્ગ્યાન્ગમાં લીધેલી ‘ટાય-કોન-ડો’ની તાલીમ આ કપરા કાળમાં તેને કામ આવી ગઈ.
થોડાએક મહિના બાદ, તેણે શાળાના જૂના પાંચ મિત્રો સાથે પોતાની એક ખિસ્સાકાતરૂ ગેન્ગ બનાવી દીધી! બજારના વેપારીઓ અને બાજુના ગામડાંઓમાંથી વેચવા આવતી બાઈઓ પાસેથી શી સિફતથી મતા સેરવી લેવી, તે કળામાં આ સૌ માહેર બની ગયા. પોતાના આ મિત્રો માટે ભાઈ જેવી લાગણી હજુ સુન્ગ-જુ ના દિલમાં મોજૂદ છે.
ઉત્તર કોરિયાનાં રઝળતાં ફૂલ
પણ થોડાક જ મહિના બાદ વેપારીઓ આ તસ્કર વિદ્યા માટે તેમને ઓળખતા થઈ ગયા. તેમનું કામ વધારે ને વધારે મુશ્કેલ બનતું ગયું. આથી છયે જણ ટ્રેનમાં ખુદાબક્ષ મુસાફરી કરી, બીજા શહેરમાં પહોંચી ગયા. પણ ત્યાં તો તેમના કરતાં ઉમરમાં મોટા અને બળવાન યુવાનો સાથે તેમને હરીફાઈમાં ઉતરવાનું હતું. એ મૂઠભેડમાં તેનો એક જિગરી દોસ્ત સખત માર ખાઈને મરણતોલ હાલતમાં બેભાન બની ગયો. એની ચાકરી તો સૌએ કરી, પણ તેને તેઓ બચાવી ન શક્યા. સ્વજનના મોતના આટલી નજીકથી દર્શને એ સૌના સીના અને મગજમાં શૂન્યાવકાશ પેદા કરી દીધું.
આવા કારમા અનુભવ પછી આખી ગેન્ગ ત્રીજા શહેરમાં પહોંચી ગઈ. આમ તેમણે ચાર વખત શિકારની જગ્યાઓ બદલી! એક શહેરમાં તો એક સરકારી ખેતરમાંથી બટાકા ચોરવા માટે તેમનો એક બીજો સાથી પણ ચોકીદારોનો માર ખાવાને કારણે મૃત્યુ પામ્યો. આખી ગેન્ગ માટે સગો ભાઈ મરી ગયો હોય, તેવો આ બીજો આઘાત હતો. આ દુઃખને ભુલવા સુન્ગ-જુ અફીણના રવાડે ચઢી ગયો. એ પહેલાં બધા ભૂખ અને હાડમારીનું દુઃખ ભુલવા ચોખામાંથી બનાવેલો દેશી દારૂ પીતા તો થઈ જ ગયા હતા. એમનો એક સાથી વેશ્યાવૃત્તિ કરાવતી મેડમના આડતિયા (pimp) તરીકે પણ સારું મહેનતાણું મેળવી લેતો હતો.
એક શહેરમાં તો સુન્ગ-જુ તેના બીજા એક સાથી સાથે ચોરી કરતાં પકડાયો પણ ખરો અને જેલ ભેગો થઈ ગયો. આશ્ચર્યની વાત તો એ છે કે, જેલમાંથી જ પોલિસ રક્ષણ હેઠળ બધા તસ્કરોને શહેરમાં લઈ જવામાં આવતા. તેમની કાળી કમાણીમાંથી જેલના સ્ટાફને દારૂની જ્યાફત માટે નાણાં મળી જતાં! શિયાળાની ભીષણ ઠંડીમાં કોઈક બળિયા ઓઢવાના આછા પાતળા રગ પચાવી પાડતા અને બીજા નિર્બળ અને નાના કિશોરો એકમેકને વળગી, ટૂંટિયું વાળી ટાઢ ખાળવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા. એ જેલમાં પકડાયેલી છોકરીઓ જ નહીં પણ છોકરાઓનું પણ દરરોજ જાતીય શોષણ થતું રહેતું. હૃદયની જગ્યાએ પથરો હોય તેવો લાગણીશૂન્ય સુન્ગ-જુ બની ગયો. જેલની નર્કથી પણ બદતર જિંદગીનો આ અનુભવ સુન્ગ-જુ કદી ભુલી શકતો નથી. ઘણી વાર રાતે એ કારમા દોજખનાં ભયાનક સપનાંથી તે હજુ પણ જાગી જાય છે.
છેવટે દોજખ જેવી એ જેલમાંથી બારી તોડીને બન્ને મિત્રો એક રાતે ભાગી છૂટ્યા. બાકી રહેલા મિત્રો સાથે સુન્ગ-જુ ગ્યોન્ગસ્યોન્ગ પાછો ફર્યો. હવે તો એ બધા રીઢા ચોર બની ગયા હતા. ઉમર વધવા સાથે અને ઉઠાવેલી યાતનાઓના પ્રતાપે તેમની શારીરિક તાકાત પણ વધી હતી. હવે એક નવો ધંધો તેમને મળી ગયો. વેપારીઓ જ પોતાના માલ અને મતાના રક્ષણ માટે અને બીજી ગેન્ગોથી રક્ષણ મેળવવા આ ચારની સેવા લેવા માંડ્યા!
એક બે વર્ષ જ જો આમ વિત્યા હોત તો, સુન્ગ-જુ અંધારી આલમનો ડોન બની ગયો હોત. પણ તેના સદ્દનસીબે એક દિવસ એક વૃદ્ધ માણસને આછું પાતળું લાગ્યું કે, સુન્ગ-જુ તેનો ખોવાયેલો પૌત્ર છે. તે તેની પાસે આવ્યો અને તેને પોતાને ઘેર આવવા કહ્યું. તેણે તેનું નામ સુન્ગ-જુ છે, એમ કહીને પણ ઓળખાણ તાજી કરવા કોશિશ કરી. કોઈનો પણ વિશ્વાસ નહીં રાખવાની સૂઝ છતાં, આ સજ્જનને ઘેર ચોરી કરી, રાતે ભાગી જવાના ઇરાદાથી તેણે સાથે જવા કબૂલ્યું.
તે વૃદ્ધના વાડી સાથેના મોટા મકાનમાં ચાર વર્ષ બાદ સુન્ગ-જુએ પોતાના માબાપનો ફોટો જોયો અને ચોધાર આંસુએ રડી પડ્યો. દાદા-દાદીને ભેટતાં તેને કૌટુમ્બિક પ્રેમની ફરીથી અનુભૂતિ થવા લાગી. દાદા દાદી ઠીક ઠીક સમૃદ્ધ હતાં. એમની પાસે શાકભાજીની વાડી અને થોડાંક ઘેટાં બકરાં પણ હતાં. દાદી પાસે તેનું ભણતર પણ શરૂ થવા લાગ્યું. તેનું ખોવાયેલું બાળપણ ધીમે ધીમે તેને પાછું મળવા લાગ્યું. આમ છતાં તે તેના ભાઈ જેવા સાથીઓને ભુલી ગયો ન હતો. દર રવિવારે દાદીએ બાંધી આપેલા ભોજનના મોટા પેકેટ સાથે તે ગ્યોન્ગસ્યોન્ગ જતો અને આખો દિવસ તેમની સાથે મજા માણી દાદાના ઘેર પાછો ફરતો.
એક રાતે એક સાવ અજાણ્યા માણસે તેમના ઘરનું બારણું ખટખટાવ્યું. અંદર આવીને તેણે દાદાને એક પત્ર બતાવ્યો, જેમાં સુન્ગ-જુના બાપે આ માણસની ઓળખાણ આપી હતી અને સુન્ગ-જુને તેની સાથે મોકલવા કહ્યું હતું. સાથે પોતાની ઓળખનું એક ચિહ્ન પણ તેને આપેલું હતું. તે માણસને સુન્ગ-જુને કોરિયાની સીમા ચોરી છૂપીથી ઓળંગી ચીનમાં ઘુસાડવાનું કામ સોંપાયું હતું.
સુન્ગ-જુ દાદા દાદીનો પ્રેમ સભર આશરો છોડી સાવ અજાણ્યા ભવિષ્યમાં શગ માંડવા લગીરે તૈયાર ન હતો. પણ એક વાર બાપને મળી તેની સાથે ઝગડો કરવાની તેની આકાંક્ષા સતેજ થઈ ગઈ. છેવટે બહુ આક્રંદ સાથે સુન્ગ-જુએ દાદા દાદીનું ઘર છોડ્યું. અનેક આફતો અને ભયના ઓથાર વચ્ચે ૧૬ વર્ષનો સુન્ગ-જુ બોર્ડરની પેલે પાર આવેલા ચીનના એક નાના શહેરમાં પહોંચી ગયો. ત્યાં એક બીજા માણસના ઘેર તેને આશરો મળ્યો. તે માણસે તેને બનાવટી પાસપોર્ટ અને વિસા આપ્યા અને સ્થાનિક એરપોર્ટ પરથી વિમાનમાં ચઢાવી દીધો. માલગાડીમાં ખુદાબક્ષ કરી ભટકતા રહેલા સુન્ગ-જુ માટે આ પહેલી વિમાની સફર હતી.
વિમાને જ્યારે ઊતરાણ કર્યું ત્યારે બધા થોડીક જુદી લહેકની પણ કોરિયન ભાષા જ બોલતા હતા, તેથી તેને આશ્ચર્ય તો થયું જ. પણ તેને ક્યાં ખબર હતી કે, તે દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલમાં પહોંચી ગયો છે? ત્યાં પણ ઇમિગ્રેશન વખતે ખોટા પાસપોર્ટ માટે તે પકડાઈ ગયો. એક કોટડીમાં પૂરાયેલા સુન્ગ-જુના રોમે રોમમાં ભયનું લખલખું ફરી વળ્યું. ‘હવે તો તેને સીધો પ્યોન્ગ્યાન્ગ જ ડિપોર્ટ કરશે અને ગોળીબારથી વીંધીને ફાંસી આપવામાં આવશે.’ – આ ભયનો ઓથાર સહી ન શકાય તેવો ભયાવહ હતો. પણ તેના બાપે લાંચ આપેલી હોવાના કારણે ઇમિગ્રેશનના વડાની ઓફિસમાં તેને લઈ જવામાં આવ્યો. અને ત્યાં? હાજર રહેલા પોતાના બાપુને તે ઓળખી ગયો. તેમને મળતાંની સાથે જ ઝગડો કરવાનો સુન્ગ-જુનો ઈરાદો ક્યાં ય ખોવાઈ ગયો. તે બાપને ચોધાર આંસુઓ સાથે ભેટી પડ્યો.
પછી તો સુન્ગ-જુના જીવનની કેડી સાવ જ બદલાઈ ગઈ. સ્વતંત્રતાની હવાની લહેરખીમાં તેનું કલેવર બદલાવા માંડ્યું. એ હવામાં એના બધા કુટિલ સંસ્કાર ઓગળવા લાગ્યા. પણ ઉત્તર કોરિયાના ઉત્તર ભાગના નાના નાના શહેરોમાં સબડી રહેલા બાંધવો અને તેમના જેવા દુર્ભાગી, રખડેલ મવાલીઓ અને ખિસ્સાકાતરૂ માટે તેના દિલમાં અનહદ પ્રેમનો આતશ હજુ ઓલવાયો નથી. ઊલટાનું ભણતરના સંસ્કારથી એમની યાતના શી રીતે દૂર થઈ શકે? – તેના ખ્યાલ જ તેના મનમાં ઘોળાતા રહે છે.
તેની માતાને શોધી કાઢવા તેના બાપે અનહદ પ્રયાસો કર્યા પણ તેનો કશો પતો હજુ સુધી લાગ્યો નથી. પરંતુ એ શોધમાં ઉત્તર કોરિયા અને ચીનમાં તેની મા જેવી ઘણી દુર્ભાગી મહિલાઓને સુન્ગ-જુના બાપે ગાંઠનું ગોપિચંદન કરી, દોજખ જેવી જિંદગીમાંથી છોડાવી છે અને દક્ષિણ કોરિયામાં સ્થાયી અને સુખી કરી છે.
સેઉલમાં સુન્ગજુ લી
૨૭ વર્ષની ઉમરે દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી, તે અત્યારે અમેરિકાના વોશિંગ્ટન ડી.સી.માં પીએચ.ડી. મેળવવા માટે ભણી રહ્યો છે. તેણે કેનેડાના HanVoice Pioneers Projectમાં પણ ‘તેના દુર્ભાગી ભાંડવો જેવા અનેકને માટે નવી આશા શી રીતે ઊભી કરી શકાય?’- તે માટેના પ્રયાસોમાં મદદ કરી છે. એ પ્રોજેક્ટના ભાગ રૂપે તેણે વિશ્વના બે ત્રણ અત્યંત વિકસિત દેશોમાં, ઉત્તર કોરિયાની વાસ્તવિક પરિસ્થિતિ વિશે વ્યાખ્યાનો પણ આપ્યાં છે.
ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા વિરોધાભાસ વાળા બે કોરિયા ફરીથી જોડાઈ એક દેશ બને – તે સુન્ગ-જુ નું સ્વપ્ન છે. તેનું બીજું સ્વપ્ન છે – તેના અભાગી ખિસ્સાકાતરૂ ભાઈઓને મળવાનું અને તેમને પણ સ્વતંત્રતા અને ઊજળા ભાવિનો અહેસાસ કરાવવાનું.
આપણા માનસને જકડી રાખતી અને વિચારતા કરી દે તેવી સુન્ગ-જુ લીની આસમાની સુલતાનીની – એના રોલર કોસ્ટર જેવા જીવનની વ્યથા–કથા વાંચવા મળી અને ગુજરાતી વાચકો સમક્ષ એને ટૂંકમાં રજૂ કર્યા વિના રહી શકતો નથી. આ લેખ તો એક નાનીશી ઝાંખી જ છે. પણ તેની જિંદગીના ઉતાર ચઢાવને પૂરી રીતે સમજવા, તેની આ આત્મકથા ‘Every falling star’ વાંચવી જ રહી.
સંદર્ભ –
સુન્ગજુ લી ની ફેસબુક વોલ –
https://www.facebook.com/sungju.andrew.lee
http://www.koreatimes.co.kr/www/nation/2017/06/103_231348.html
https://www.bbc.com/news/magazine-37914493
e.mail : surpad2017@gmail.com