મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંન્દ્રજી જ્યારે
વનવાસમાં વિરાજતા હતા ત્યારે
વાંદરાઓ માટે પ્રૌઢ શિક્ષણના વર્ગો ચાલતા હતા,
વાંદરાઓ શિલાઓ, પથ્થરોના માપ લેતાં શિખતા હતા,
વાંદરાઓ પથ્થરો પર રામનામ લખતા હતા,
રામનામ ઘૂંટતા હતા,
મનમાં રામસેતુના નકશા ચિતરતા હતા,
ચિતરેલા રામસેતુ ચણતાં હતા,
વાંદરાઓ માટે
પ્રૌઢ શિક્ષણના વર્ગો ધમધમાટ ચાલતા હતા ને
જ્યારે ડાર્વિને ઉત્ક્રાન્તિવાદને કાગળ પર ચીતર્યો,
સમયની પીંછીથી,
મહાકાળની પીંછીથી,
વાંદરામાંથી માણસને ચીતર્યો
ત્યારે રામરાજ્યમાં, અયોધ્યામાં રામનામ લખાયા વગ્ગરની
પથ્થરોમાંથી ઉત્ક્રાંન્તિ પામેલી ઈંટો લમણે ઝીંકાતી રહી.
સમયની પીંછીથી અભણ માણસોમાંથી
વાંદરાઓ તરફની પારોઠની ગતિ,
માણસમાંથી ફાનસ વગ્ગરના
વાંદરા તરફની પ્રતિગતિ ચીતરાતી રહી
ને
સમયની પીંછી ચીતરતી રહી …
24 જાન્યુઆરી 2018
[પ્રગટ : ‘મને અંધારા બોલાવે …’ કાવ્યસંગ્રહ; પૃ. 1]