
રવીન્દ્ર પારેખ
દશેરાએ રાવણ દહન થયું ને ફાફડા ખાઉ પ્રજાએ અનેક રાવણોને ભડકે બાળ્યા. રામે તો એક જ રાવણને મારવાનો હતો, પણ આજે રાવણોની વસ્તી એટલી છે કે રામ શોધ્યા જડતા નથી. ગમ્મત એ છે કે બાળનાર રાવણ છે, તો ભડકો થનાર પણ રાવણ જ છે. આમ તો રાવણ મહાવિદ્વાન હતો, તેને હવે તેનાથી પણ ‘વિદ્વાન’ પ્રજા બાળે છે. અત્યારે થયું છે એવું કે ક્યાં ય કોઈ સમસ્યા જ રહી નથી. આખો દેશ વિશ્વની થર્ડ ઈકોનોમી બનવા તલપાપડ થઈ રહ્યો છે ને ઘણા વિકાસના શેકેલા પાપડ ભાંગી પણ રહ્યા છે. બહુ આનંદ થાય છે કે દેશ વિકાસ સિવાય કૈં જ કરી રહ્યો નથી. દેશ, પરદેશમાં પણ ઘણું ફરી રહ્યો છે ને ત્યાં આબરૂના ધજાગરા ઉડાવી રહ્યો છે એવું વિપક્ષોને લાગે છે, પણ એ તો ઈર્ષાનું પરિણામ છે, બાકી, ઠેર ઠેર દેશની ધજા ફરફરી રહી છે, તે દેશીઓ તો ઠીક, પરદેશીઓ પણ જોઈ રહ્યા છે ને મોટ્ટી તાળીઓથી વધાવી રહ્યા છે.
આમ તો વિપક્ષ જેવું ખાસ કૈં હતું નહીં, પણ ‘ઈન્ડિયા’ આંચકી લેવા બધા ભેગા થઈ ગયા ને એન.ડી.એ.ની ચામડી થથરી ગઈ. હોય એ તો, ગામ હોય ત્યાં … સમજી જાવને હવે ! નકામું થૂંક ઉડાડવું નથી. હું કોઈમાં નથી. ન પક્ષમાં, ન વિપક્ષમાં. એટલે શુદ્ધ બુદ્ધિથી જે લાગે તે કહું છું. ખોટો હોઈ શકું, પણ ખોટા ઇરાદાથી કૈં કહેતો નથી. મને વિકાસમાં રસ છે, પણ એકલી વિકાસની વાતોમાં નથી. ધુમાડો હોય તો અગ્નિ હોયને ! ક્યારેક અગ્નિ વગર જ ધુમાડો ફેલાયા કરતો હોય તો તે ગૂંગળાવે છે. જેમ કે, શિક્ષણ ખાતું હોવા છતાં વરસી વળી ગઈ હોય તેવું નથી લાગતું? શિક્ષકો વગર શિક્ષણ ચાલે એ ધુમાડો જ છેને ! શિક્ષણ વગર પરીક્ષાઓ થયા કરે ને પરિણામો આવ્યાં કરે એ ય ધુમ્મસ જ છેને ! કાલથી જ 32,000 શાળાઓનાં 54 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. એમાં શિક્ષણ કેટલું થયું એ તો આપનાર અને મેળવનાર જાણે, પણ નવી શિક્ષણ નીતિનો લાભ એ છે કે એમાં બધું સરળ થઈ ગયું છે, એટલે શિક્ષણ વગર પણ પરીક્ષણ શક્ય છે. હવે તો પરીક્ષણ જ શિક્ષણ છે, એટલે શિક્ષક વગરનું શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવી લે એમ બને. ભવિષ્યમાં વિદ્યાર્થી પોતે જ પોતાને ભણાવે, એ જ પેપર કાઢે ને એ જ તપાસે તો નવાઈ નહીં !
તમે માનો કે ના માનો, પણ પ્રજા ભગવાનમાં બહુ માનતી થઈ છે. બધું ભગવાન જ કરે છે ને એના પર જ બધું છોડવામાં આવે છે. જેમ કે, ગયે વર્ષે મોરબીનો પુલ તૂટયો ને 135 લોકો મરી ગયાં એ શું માનવ સર્જિત હતું? હોય કૈં ! આટલાં બધાંને એક સાથે મારવાનું શક્ય છે? એ તો ઉપરવાળો જ બધું નીચેવાળા પાસે કરાવે છે. કોન્ટ્રાક્ટરે નવો પુલ બાંધ્યો, તે શું લોકોને મારવા માટે? એ તો ભગવાને જ કોઈને મિશન તો કોઈને કમિશન આપ્યું હોય છે, બાકી, માણસ તો નિમિત્ત માત્ર છે. એ બિચારાઓનું આવી બનેલું તેમાં કોઈ શું કરે? હવે પાલનપુરમાં નિર્માણાધીન પુલ તૂટી ગયો તે કોઈ માણસે તોડ્યો? ના રે ના ! એ તો પુલને જ આળસ મરડવાનું મન થયું તે મરડી ને બે વ્યક્તિનાં મોત થયાં. અલબત્ત ! એ દુ:ખદ છે, પણ એ બે વ્યક્તિઓએ પણ સમજવું જોઈએને કે પુલ આળસ ખાય તે જોવા ઊભાં ના રહેવાય, પણ કાળ ભાન ભુલાવે તેમાં એ બે વ્યક્તિ પણ શું કરે? લોકો એ વાતે ધૂંધવાયાં કે કોઈએ આશ્વાસનના બે શબ્દ પણ ન કહ્યા. બે શબ્દો કહેવા જોઈએ, પણ બે શબ્દોને બદલે બે લાખ મળે તો આશ્વાસનની જરૂર રહે? શું છે કે આવા આકસ્મિક મોત માટે જુદું ફંડ જ કાઢેલું છે. જેવી ખબર આવે કે કોઈ ગયું તો તરત જ બેપાંચ લાખ ઢીલા કરી દેવાય છે. એ તો સારું છે કે એડ્વાન્સમાં કોઈની ખબર નથી પડતી, બાકી, તેનું પણ વળતર જાહેર કરવા ખાતું તત્પર રહે છે. હવે વિપક્ષ કહે કે 10 લાખ વળતર ચૂકવો, તો એ બરાબર નથી. આ એક જ પુલ છે કે એક બે માટે ભંડોળ ખાલી કરી દેવાનું? હજી તો ઘણા પુલ છે. એમાં કોઈ ઝૂલી ગયું તો એને શું અંગૂઠો બતાવવાનો? બધાંને ભાગે પડતું આપીએ એમાં જ ઈશ્વર રાજી.
શું છે કે કોન્ટ્રાક્ટ અને કમિશન અભિન્ન છે. કોન્ટ્રાક્ટ જોઈએ તો કમિશન આપો, પછી છોને પુલ બાંધો કે નનામી, શું ફેર પડે છે? સાચું તો એ છે કે કોઈ કૈં કરતું નથી, આ બધું તો થાય છે. હવે પાલનપુર પુલને મામલે પણ કોઈ ડાયરેક્ટર, કોન્ટ્રાકટરના ગળામાં ગાળિયો ફિટ કરવાનું ચાલશે. ચાલશે, આવું થોડા દિવસ ને જેવો કોઈ બીજો પુલ તૂટશે કે બધું ભુલાઈ જશે. 2022માં જ સાત પુલ તૂટ્યા. શું થયું? પાલનપુરનો પુલ તૂટ્યો જને ! તપાસ થશે ને છેલ્લે બધું પાસ થશે. બાયપાસ થશે. ગયું તે નાપાસ, બાકી બધું પાસ ! વારુ, છેલ્લે સુધી કોઈ રાહ જુએ એમ જ નથી, કારણ બીજા પુલ પણ ખરાને ! એ કૈં થોડા જ લક્ષ્મણઝુલા છે કે દાયકાઓ સુધી ઝૂલ્યા કરે? હવે તો એ જ કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાય છે જે બાંધવામાં કાચી ને કમિશનમાં પાકી હોય. એમાં કોઈ કહે કે પુલ ચકાસીને તેનું ફિટનેસ સર્ટિફિકેટ ઓનલાઈન મૂકો, તો એ તો ગધેડાને તાવ આવે એવી જ વાત છે. ભલા માણસ સર્ટિફિકેટ મેળવવાનું એટલું અઘરું છે? ભણ્યા વગર પીએચ.ડી.નું સર્ટિફિકેટ ઘરે આવી જતું હોય, ત્યાં ફિટનેસ સર્ટિફિકેટ પૈસા વેરો તો ગધેડે ગવાય એ કહેવાનું હોય? પાલનપુર પુલના કોન્ટ્રાક્ટરે અમદાવાદ રોડનાં બાંધકામમાં પણ 300 કરોડનાં ખોટાં બિલ મૂક્યાંનો ગણગણાટ છે જ, તો પુલ બંધાતાં પહેલાં જ જમીન પર આવે એમાં નવાઈ નથી.
થોડો વખત આરોપો મૂકવાનું ચાલશે, પણ કોન્ટ્રાકટરો ચૂંટણી ફંડ આપે છે એટલે નબળું બાંધકામ પણ ચાલી જાય છે. બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાકટરોનું લિસ્ટ રખાય છે જ એટલે કે નવો કોન્ટ્રાક્ટ આપી શકાય, પછી ગરીબોનો બેલી તો ભગવાન છે જ ને ! એ બધું જુએ છે ને જાણે છે. એ જ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરશે. એ કોણ બોલ્યું, દૂધ છે જ નહીં તો પાણીનું પાણી જ રહેશેને ! જરા તો શરમ કરો. ભગવાનથી જરા તો ડરો. એ ખરું કે પ્રજા ટેક્સ ચૂકવે છે તો મજબૂત પુલ માંગે, પણ તમે ભ્રષ્ટાચારના પૈસા ચૂકવો છો? એ તમે ન ચૂકવો તો કોણ ચૂકવે? પછી પુલ તો કાચોપાકો જ બંધાયને ! ખરેખર તો સરકારે ભ્રષ્ટાચારના ટકા પણ ટેક્સમાં અલગથી બતાવવા જોઈએ, જેથી પ્રજાને પણ ખબર પડે કે ટેક્સના કેટલા છે ને ભ્રષ્ટાચારના કેટલા છે? પ્રજાએ સમજી જ લેવાનું રહે કે પુલ તૂટવા માટે ને પરીક્ષાનું પેપર ફૂટવા માટે જ હોય છે. એ કૈં કાચ છે કે તૂટે કે ફૂટે નહીં?
જો કે, આપણી સરકારો બહુ ભોળી હોય છે. એ થોડે થોડે વખતે બોલ્યા કરતી હોય છે કે કોઈને બક્ષવામાં નહીં આવે, કોઈ જવાબદારોને નહીં છોડાય … વગેરે. અરે, ભાઈ ! જવાબદારો તો છૂટા જ ફરે છે, એ કદી છૂટા થતા જ નથી. સરકારને ક્યારે ય ભ્રષ્ટાચાર દેખાતો નથી. તેનું કારણ છે. જ્યાં ગંદકી હોય ત્યાં જોવું જ નહીં. એટલું કરો તો બધું ચોખ્ખું જ દેખાય. જેમ કે, શહેરોની ગલીઓમાં ડ્રગ્સ ઘેરીયા રમે છે, પણ સરકારને તો એમ જ છે કે ક્યાં ય ડ્રગ્સ નથી. ડ્રગ્સ રાજસ્થાનથી વાયા નવસારી થઈ યુ.એસ. પહોંચ્યું, પણ ઊહાપોહ નથી. ગાંધીધામ નજીક મીઠીરોહર ખાડીમાંથી 800 કરોડનું કોકેઈન મળી આવ્યું તે છતાં સરકારને એ ખબર નથી કે એ લાવ્યું કોણ? બને કે ભગવાને જ મોકલ્યું હોય, જેથી હેરાફેરી કરનારા પેટિયું રળી લે. સરકાર ભગવાન ભરોસે હોય તો ભગવાન પણ સરકાર ભરોસે જ હોયને ! દાંત આપ્યાં છે, તો ચવાણું ય આપશે એ ન્યાયે ડ્રગ્સ આપ્યું છે તો ડ્રગ્સ માફિયા પણ આપશે. ગયા સોમવારે ઔરંગાબાદથી 200 કરોડનું ડ્રગ્સ અને 300 કરોડનું રૉ મટિરિયલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડી.આર.આઈ.ને હાથ લાગેલું. જો આ શક્ય હોય તો 800 કરોડનાં કોકેઈનનો પણ હિસાબ મળશે, શરત એટલી કે ડ્રગ્સ ક્યાં ય નથી એવું ભોળપણ છોડવાનું રહે.
છેલ્લા થોડા મહિનાઓથી હાર્ટ એટેકથી મૃત્યુ પામનારની સંખ્યા પણ વધતી આવે છે, તે ‘દિલ દિયા, દર્દ લિયા’ને કારણે નહીં, પણ ગરબાને નિમિત્તે. ખરેખર તો જેમને હાર્ટ ટ્રબલ છે, તેમણે ગરબામાં ભાગ લેવાનો જ ન હોય, પણ ગરબા વગર રહી જતાં હોય તેમ કેટલાક એમાં ખેંચાયા ને ખર્ચાયા. કેટલાંક હાર્ટ એટેકને માટે કોરોનાની રસી ને બુસ્ટર ડોઝને જવાબદાર ગણે છે, પણ સરકારે પોતાની બાજુ સાફ કરતાં કહી દીધું છે કે રસી કે બુસ્ટર ડોઝ હાર્ટ એટેકનું કારણ નથી જ ! કેટલાક હાર્ટ એટેકને માટે યુવાનોની મોડી રાતની ફૂડ હેબિટ્સને જવાબદાર ગણે છે. એમાં તથ્ય હોય તો પણ એને લીધે જ હાર્ટ એટેક્નો ભોગ યુવાનો બને છે, એવું સોય ઝાટકીને કહી શકાય એમ નથી ને હકીકત એ છે કે છેલ્લા છ મહિનામાં 1,060 લોકોનાં મોત હાર્ટ એટેકથી થયાં છે. ફલાણાંથી હાર્ટ એટેક નથી એવા દાવા થાય છે, પણ શેનાથી છે, એનો ફોડ પડાતો નથી, ત્યારે ફરી એક વાર ભગવાનને આશરે જ જવું પડે એમ છે. કમાલ એ છે કે કરે છે બધું જ માણસો, પણ તેઓ તો કોઈ જવાબદારી લેતા નથી તો, જે નથી કરતા એ ભગવાનને જ જવાબદાર ઠેરવીને આપણે હાથ ઊંચા કરી શકીએ. તો, ચાલો, એ જ કરીએ.
બોલો રે, બધા –
ૐ શિક્ષણાય નમ:, પુલ ધબાય નમ:, કોન્ટ્રાક્ટરાય નમ:, મિશનાય નમ:, કમિશનાય નમ:, કોકેનાય નમ:, હાર્ટ એટેકાય નમ: …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઑક્ટોબર 2023