[ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, શનિવાર, 07 ઑક્ટોબર 2023ના યોજાઈ ઑનલાઈન સભામાં, યુનાઇટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં કરતાં પુસ્તક ‘ચાળીસીએ ઓચ્છવ’નું લોકાપર્ણ કર્યા બાદ કાન્તિભાઈ નાગડાનું પ્રવચન]
•
અતિથિ વિશેષ, પ્રમુખ સાહેબ, અકાદમીની કાર્યવાહી સમિતિનાં સભ્યો, સજ્જનો અને સન્નારીઓ
46 વર્ષ અને 08 મહિનાથી ચાલતી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની યાદ મને યુગાન્ડાના પાટનગર કમ્પાલાની સાત ટેકરીઓ વચ્ચે લઈ જાય છે.
સ્વર્ગસ્થ ડાહ્યાભાઈ પટેલ, પુરુષોત્તમ હરજી ભોજાણી, મનુભાઈ કોટક, અનસૂયા પંડ્યા, વનુ જીવરાજ, નરેન્દ્ર દાવડા અને બીજાં ઘણાં લેખકો, કવિઓ અને કલાકારોની સાથે વિવિધ વ્યક્તિઓના ઘેર કે પાટીદાર સમાજના હોલમાં હું પણ કવિતા રજૂ કરતો.
કેતનભાઈ રુપેરાની રજૂઆતના સંદર્ભે આટલી વિગતો પૂરવણી રૂપે ય આપું : નાઈરોબીથી એક વખત ઇન્દુભાઈ દેસાઈ ‘નવયુગ’ સાપ્તાહિક પ્રગટ કરતા. એ સાપ્તાહિકમાં ‘મૂરતિયો કે નોકર’ નામે મારી એક નવલકથા 45 અઠવાડિયા સુધી હપ્તાવાર પ્રગટ થઈ હતી.
લંડનમાં 1976 – 1977ના ગાળા દરમિયાન ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ની સ્થાપના કવિ ડાહ્યાભાઈ પટેલે શરૂ કરેલી અને યુનાઇટેડ કિંગ્ડમમાં ગુજરાતી ભાષાના કવિ-લેખકોને પ્રોત્સાહન તેમ જ વેગ આપી રહેલ આ મંડળે ઊગતા કવિ-લેખકોને મેદાન આપ્યું. જતે દહાડે આ મંડળને અકાદમીમાં ફેરવી આજે પણ આ સંસ્થા જાગૃત છે તે સર્વ ગુજરાતી ભાષીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે.
આ ગાળા દરમિયાન ગુજરાતી ભાષાને આવરી લેતી કેટકેટલી સભાઓ યોજાઈ છે – કવિતા, ટૂંકી વાર્તાઓ, નિબંધો, નવલકથાઓ, ગીત-સંગીત, રાસ-ગરબા, નાટકો, જીવન કથાઓ અને આત્મકથાઓ, ગુજરાતી શીખીએનાં પુસ્તકો, ભાષા અને શિક્ષણના વર્ગો, આમ ઘણા કાર્યક્રમો આ સંસ્થાના નેજા હેઠળ યોજાયા છે. અને વળી આ બધું આજે ય કાર્યરત છે. તેનાથી મને ફક્ત સંતોષ જ નહીં ગૌરવ પણ છે.
ગુજરાતી ભાષાની સેવામાં ઘણી બધી સંસ્થાઓએ ગુજરાતીના વર્ગો ચલાવ્યા અને હજુ ચલાવે છે.
‘ગુજરાત સમાચાર’, ‘ગરવી ગુજરાત’, ‘નવ બ્રિટન’, ‘અસ્મિતા’, ‘નયા પડકાર’, ‘ઓપિનિયન’, ‘અમે ગુજરાતી’ વગરે વગેરે સમસામયિકો પ્રગટ થયાં અને હજુ તેમાંનાં કેટલાંક થાય છે, તેનાથી ગુજરાતી ભાષાને ટેકો મળ્યા કર્યો છે.
કેતન રુપેરા સંપાદિત અને વિનય કવિને અપર્ણ આ દસ્તાવેજી પુસ્તક – ‘ચાળીસીએ ઓચ્છવ’નું જાહે રલોકાર્પણ કરવાની મને જે તક મળી છે તેનાથી મારી છાતી ગજ ગજ ફૂલે છે.
ચાળીસીએ ઓચ્છવ એ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો, યુનાઇટેડ કિંગ્ડમમાંના ઐતિહાસિક સંભારણાં રૂપે અમૂલ્ય ઇતિહાસનો ખજાનો છે.
પંચમ શુક્લની કવિતાની રમઝટ. વલ્લભ નાંઢાએ આપ્યું નવલકથાનું સરવૈયું. ભદ્રા વડગામાનું સુગમ સંગીત. કૃષ્ણકાન્ત બૂચનું આત્મકથા સાહિત્ય. અહમદભાઈ લુણતની બોલ્ટન, બલેકબર્ન, પ્રેસ્ટન, બ્રેડફર્ડ વગેરે સ્થળોની ગુજરાતી સંસ્થાઓ અને તેમાં ખસ કરીને સાહિત્યની ઊંદાણભરી રજૂઆત. વિપુલ કલ્યાણીની લાગણી અને કુન્તલ અને કુંજના અથાગ સાથ અને મહેનત. ડાયસ્પોરાની વાત અનિલ વ્યાસ કરે છે અને સાથે સાથે ટૂંકી વાર્તાને સાંકાળી લે છે. આશા બૂચનો નિબંધ સાહિત્ય બાબતનો લેખ. વર્ષો સુધી શિક્ષિકા રહેલાં વિજયા ભંડેરી ભાષા અને શિક્ષણની વાત કરે છે, જેમાં પરીક્ષાઓ અને તાલીમનું પણ વર્ણન કરે છે. વ્યોમેશ જોશીએ નાટક પ્રવૃત્તિને તખતા પર મૂકી આપી છે. નયના પટેલ અને શૂચિ ભટ્ટના સભાસંચાલનના લેખો. સુષમા શેઠનાનો પત્રકારત્વ અંગેનો લેખ શક્ય છે, ફરી કોઈ વાર વાંચવા મળે. અદમ ટંકારવીનું આરંભિક વક્તવ્ય ખૂબ સરસ પણ છે અને નક્કર હકીકત પણ પિરસે છે. તદુપરાંત, વિપુલભાઈનું એક વિહંગાવલોકન એક સંભારણા તરીકે તમે જરૂર વાંચી શકશો.
આ તબક્કે મારા મિત્ર જેનાથી તમે સૌ પરિચિત છો તેમનો એક સંદેશ આપવા મને સૂચવાયું છે. આ મિત્ર, સી.બી. પટેલે મને ખાસ કહ્યું છે કે ‘ગુજરાતી સાહિત્ય અકાદમીની’ની આ સભાને કહેજો, અને એમના શબ્દો છે : ‘ગુજરાતી ભાષા માટે વિપુલભાઈએ કમ્મર કસી છે તે બદલ તેમને ખૂબ જ ધન્યવાદ.’
અને હવે છેલ્લે, સજ્જનો અને સન્નારીઓ, ચાળીસીએ ઓચ્છવ આપણને એક ઐતિહાસિક સંભારણાં રૂપે આપણને પીરસાયું છે, તેનું જાહેર લોકાપર્ણ કરવા માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. … ધન્યવાદ.