૨૩મી મેએ ભારતમાં એક મોટું, ઐતિહાસિક અને ચોંકાવનારું રાજકીય પરિવર્તન આવ્યું છે. લોકસભાની ચૂંટણીમાં બહુમતવાદી લોકશાહી, એટલે કે હિન્દુ રાષ્ટ્રવાદની જીત થઈ છે. બીજા શબ્દોમાં, લોકશાહીની પ્રક્રિયા દ્વારા ફાસીવાદ વિજયી થયો છે. આ ક્ષણ ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વના વળાંકની ક્ષણ છે. ટાગોરની કલ્પનાનું ભારત જેમાં મન ભયથી મુક્ત અને સ્વતંત્ર હોય અને માથું સ્વમાનથી ઊંચું હોય, એની શક્યતાઓ રહેલી હતી, એની જગાએ આજે ‘નવા ભારત’માં મન ભયથી ભરેલું અને માથું વ્યથાથી નીચે ઝૂકેલું હોય, એવો અહેસાસ થાય છે.
શરૂઆતમાં જ એ કહેવાની જરૂર છે કે આ ચૂંટણીનાં પરિણામો સાથે ચેડાં થયાં છે, એ ચર્ચામાં આપણે ગૂંચવાઈ ન જઈએ. એ ચર્ચા આજે જે વાસ્તવિકતા છે, એની તરફથી ધ્યાન બીજી તરફ દોરે છે. આપણી લડત અને શક્તિ ઇ.વી.એમ. સામે નહીં, પરંતુ જે સામાજિક તત્ત્વો વિભાજનનાં બીજ રોપી રહ્યાં છે એના પર કેન્દ્રિત થવી જોઈએ. આજે એક બહુ મોટો રાજકીય બદલાવ આવ્યો છે, જેમાં હિંદુત્વનાં બળોનો વિજય થયો છે. આ પરિસ્થિતિને આપણે સમજવી પડશે અને એને કેવી રીતે પડકારી શકાય એ વિચારવું પડશે. જો પરિણામો સાથે ખરેખર ચેડાં થયાં હોય અને એ શક્યતા પૂરેપૂરી નકારી શકાય એવી નથી, તોપણ આ પરિસ્થિતિ બદલાતી નથી. હા, એક વાત એ જરૂર છતી કરે છે કે ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ જે ન્યાય આપનારી સંસ્થાઓ છે એ પણ આ બળોને તાબે છે, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે અને એ સૂચવે છે કે બંધારણને બદલ્યા વગર, આ અને બીજી સંસ્થાઓની મદદથી, કોઈ પણ નિયંત્રણ વગર હવે શાસકપક્ષ પોતાનું ધાર્યું કરી શકશે.
એ વાતનો સંદેહ ન હોવો જોઈએ કે મોદી જેને ‘નવું ભારત’ કહે છે, એ છેવટે હિંદુત્વનો આવિર્ભાવ છે. આ ચૂંટણી એ બહુમતીના રાજકીય વર્ચસ્વ – હેજેમની -નું પરિણામ છે. હિન્દુઓને એકત્ર કરવા માટે બે દલીલો વપરાય છે : એક તો ભારતને મજબૂત કરવા હિન્દુઓની એકતા સ્થાપવી અને બીજું દેખીતા સામાન્ય દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરવું. જે પોતાથી અલગ છે, ‘બીજા’ કે ‘દુશ્મન’ છે, એની સામે નફરતનો ઊભરો ઠાલવવો અને એ રીતે લોકોની સહાનુભૂતિ અને ટેકો મેળવવા. ચૂંટણીનાં પરિણામો ‘નવું ભારત’ રજૂ કરે છે, જેમાં લઘુમતી કોમોને, ખાસ કરીને મુસ્લિમ અને ખ્રિસ્તીઓને, પોતાની જગ્યા બતાવી દેવામાં આવી છે અને એમને બહુમતવાદી વાસ્તવિકતાને શાંતિથી સ્વીકારવાનું કહેવાનો સંકેત છે. એ વિશે કોઈ શક ન હોવો જોઈએ કે આ જીત એ આર.એસ.એસ.ની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, જીત છે. બેશક એ જીતના પ્રણેતા એક (કે કદાચ બે) ખૂબ જ શક્તિશાળી નેતા છે. આ વિજયનાં ઘણાં પરિમાણો છે, જે આપણે સમજવાં જોઈએ.
પહેલું તો, આ વખતના ચૂંટણીપ્રચારમાં વડાપ્રધાન મોદીએ વિકાસનો, આર્થિક પ્રશ્નોનો, સ્વાસ્થ્ય કે બીજી યોજનાઓ કે કાર્યક્રમોનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. છેલ્લાં પાંચ વર્ષમાં આર્થિક વ્યવસ્થામાં થયેલી અધોગતિ, ખેડૂતોની કટોકટીભરેલી પરિસ્થિતિ, બેરોજગારીમાં થયેલો દેખીતો અકલ્પ્ય વધારો વગેરે પ્રશ્નો સરકારને ચુનૌતી આપવા માટે ઘણા ગંભીર હતા. આ છતાં એ પ્રશ્નો વિશે ભા.જ.પ. શું કરવા ધારે છે, એની પ્રચારમાં કોઈ વાત થઈ ન હતી. એને બદલે મોદીના ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રીય સલામતીનો પ્રશ્ન અગ્રસ્થાને રહ્યો, જેમાં ‘ચોકીદાર’ રૂપક – ૫૬ ઇંચની છાતીવાળા પ્રધાનમંત્રીની દેશનું રક્ષણ કરનાર સૌથી શક્તિશાળી નેતાની છબી દ્વારા રજૂ થતા પૌરૂષીય રાષ્ટ્રવાદનો સફળ ઉપયોગ થયો, જેમાં પુલવામા અને બાલાકોટની ઘટનાઓનો પૂરેપૂરો ફાયદો લેવાયો અને એના પર તેમજ લશ્કરી બળો પર મત માગવામાં આવ્યા. ચૂંટણી-વિસ્તારોને બહુમતી-લઘુમતીના સંદર્ભમાં ઓળખાવવામાં આવ્યા. આમ, છડેચોક નૈતિક આચારસંહિતાનું ઉલ્લંઘન કરીને લોકોને ઉશ્કેરવામાં આવ્યા. દરેક જગાએ લોકોની લાગણીઓ ઉત્તેજીને મોદીએ લોકો સાથે અનુસંધાન સાધ્યું. અમિત શાહે પણ કાશ્મીર સંબંધે અને રાષ્ટ્રીય નાગરિક પંજીકરણના મુદ્દાઓ ઉઠાવી બહુમતવાદને ઉશ્કેર્યો અને લઘુમતીને માટે ‘ઊધઈ’ જેવા શબ્દ વાપર્યા અને વિભાજનની વિચારધારાને ઉત્તેજન આપ્યું. આ પરિણામો ચોખ્ખું બતાવે છે કે બંગાળ, તેલંગણા, બિહાર અને ઉત્તરપ્રદેશમાં તો પહેલેથી જ, મોટા પાયા પર હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વિભાજન થયું છે.
બીજું, હિન્દુ આતંકવાદના આરોપી પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ આપવાનું ભા.જ.પે. યોગ્ય ઠેરવ્યું છે અને ખુલ્લી રીતે હિંસક અને ઉગ્ર હિંદુત્વનું સમર્થન કર્યું છે જે ગોડસેને દેશભક્ત તરીકે પૂજે છે. હિન્દુરાષ્ટ્રની સ્થાપના તરફ આ મહત્ત્વનુ સૂચક પગલું છે, જેને માટે અનંત હેગડે, સાક્ષીમહારાજ અને પ્રજ્ઞા ઠાકુર જેવાં લોકસભાના સભ્યો તૈયાર છે. ભવિષ્યમાં આ પ્રકારનાં હિંદુત્વ પરિબળો વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરી શકે, એનાં એંધાણ પણ એ આપે છે.
ત્રીજું, ૨૦૧૯ની ચૂંટણી એ ૨૦૧૪ની ચૂંટણી કરતાં ઘણી મહત્ત્વની છે, કેમ કે આજે વધુ મોટો વિજય મળ્યો છે, એટલું જ નહીં, પરંતુ ૨૦૧૪ની ચૂંટણી આગળની યુ.પી.એ. સરકારની નિષ્ફળતા સામે લડાઈ હતી, જ્યારે આ ચૂંટણી અને વિજય એ ભા.જ.પ. સરકાર છેલ્લાં પાંચ વર્ષમાં બધાં ક્ષેત્રે નિષ્ફળ ગઈ હોવા છતાં, ભા.જ.પ. જે સિદ્ધાંતો માટે લડે છે, જેમાં એના દેશને ધર્મને નામે વિભાજિત કરવાનો એજન્ડા પણ સામેલ છે, એનું સ્પષ્ટ સમર્થન છે.
ચોથું, આજે જે બની રહ્યું છે તે નવ-ઉદારીકરણના મૂડીવાદની કટોકટીથી ઊભી થયેલી પરિસ્થિતિ છે. ફાસીવાદ એ મૂડીવાદનો છેલ્લો મરણિયો પ્રયત્ન છે જેની પાસે લોકોને પોતાનાં હિતોની વિરુદ્ધ જઇ રાજ્યને ટેકો આપવા માટે છેતરવા સિવાય કોઈ ઉપાય નથી. એક બાજુ લાખોની સંખ્યામાં લોકો દર વર્ષે કામ માટે તૈયાર થાય છે તો બીજી બાજુ એમને આપવા માટે નોકરીઓ નથી. બેરોજગારી અને અત્યંત અસમાન અર્થ વ્યવસ્થાથી પીડાતા અસંખ્ય લોકોનું ધ્યાન મૂળ પ્રશ્ન પરથી હટાવવા રાષ્ટ્રવાદ જેવી કલ્પના એમને જીવનમાં કોઈ હેતુ હોવાનો અહેસાસ કરાવે છે. આ ચૂંટણીની કોઈ એક સૌથી મોટી સફળતા હોય, તો એ મોદીની સામાન્ય, ગરીબ લોકો સાથે આત્મીયતા બાંધવાની છે. મોદી એમને ગરીબી દૂર કરવાનું સ્વપ્ન બતાવે છે, જે આ મૂડીવાદની એક જરૂરિયાત છે. કાર્યકર્તાઓને કરેલા વિજયભાષણમાં મોદીએ કહ્યું કે બે જાતિના લોકો છે – ગરીબો અને ગરીબોને ગરીબીમાંથી બહાર લાવનારાઓ. એ સૂચક છે કે મોદી ગરીબ અને તવંગર વચ્ચે વર્ગભેદની વાત નથી કરતા અને એને અનુરૂપ આર્થિક સમાનતા માટેની સરકારની યોજનાઓ વગેરેનો ઉલ્લેખ નથી કરતા; પરંતુ ગરીબોની ગરીબી દૂર કરનાર તારણહારની પોતાની છબી રજૂ કરે છે. જ્યારે આખી અર્થવ્યવસ્થા ભાંગી પડી હોય કે ધીમી પડી ગઈ હોય, નોટબંધી જેવી યોજનાઓને કારણે અસંખ્ય લોકોને નુકસાન થયું હોય, કેવળ ઉપરના એક ટકા લોકોને અતિશય આર્થિક નફો થયો હોય, ત્યારે આ એકમાત્ર રસ્તો પ્રજાને ભ્રમમાં રાખવાનો છે અને એ સફળ થયો છે.
ઉપરાંત, એ પણ ચોક્કસ છે કે આ ચૂંટણી અનેક ભાંગ્યાતૂટ્યા, નબળા, અંદર-અંદર લડતા વિપક્ષો સામે એક અતિ શક્તિશાળી નેતાને રજૂ કરવાને કારણે પણ સફળ થઈ છે. આજે આખી દુનિયામાં આ ચાલ દેખાય છે કે જમણેરી લોકભોગ્ય રાજકારણ એક અતિ શક્તિશાળી નેતામાં અને એના દ્વારા રજૂ થાય. એ પણ સાચું છે કે ચૂંટણીનાં રાજકારણમાં દેશમાં ફાસીવાદ વિરોધી મંચ નથી. કોઈ રાજકીય પક્ષ ફાસીવાદ સામે સત્ય બોલવા તૈયાર નથી. વિજયભાષણમાં પ્રધાનમંત્રીએ એક ભય પમાડે એવી વાત કહી કે ૨૦૧૯ની ચૂંટણીએ ધર્મનિરપેક્ષતાને ખતમ કરી દીધી છે. એક રીતે આ સાચી વાત છે. છેલ્લાં પાંચ વર્ષમાં મુસ્લિમોની થયેલી હત્યા કે એમની તરફ વધતાં જતાં નફરત અને ભયના વાતાવરણ વિશે કૉંગ્રેસ કે બીજા કોઈ પક્ષે સીધો ઉલ્લેખ કર્યો ન હતો. બહુમતીના મત ખોવાની બીકે લઘુમતીને વિશ્વાસ આપવાની કોઈ વાત થઈ ન હતી. આ પણ બતાવે છે કે આ ચૂંટણી એ બહુમતવાદનો વિજય છે.
આજે ભારતની લોકશાહી અને લોકતાંત્રિક સંસ્થાઓમાંથી આપણી ઘટતી જતી શ્રદ્ધા એ અત્યંત ચિંતાનો વિષય છે. જમણેરી તત્ત્વોને જે સંસ્થાઓ અધિકારો અને ન્યાય માટે ઊભા રહેવાનો દાવો કરે છે – જેમ કે ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ – એમનો ટેકો મળે છે. એ એક ખતરનાક શક્યતા ઊભી કરે છે. શાસકપક્ષને બંધારણ બદલવાની પણ કોઈ જરૂર ના રહે, કેમ કે એ આ સંસ્થાઓ દ્વારા પોતાનું ધાર્યું કરી શકે છે. લોકશાહીની દરેક પ્રક્રિયા, દરેક સંસ્થા, દરેક અધિકારો આજે ખતરામાં છે. આ સૌથી મોટો પડકાર છે.
આજે લોકશાહીની મદદથી ફાસીવાદ સત્તા પર આવ્યો છે. લોકશાહીના માળખામાં રહીને એનો કેવી રીતે પ્રતિરોધ કરવો? આજની લોકશાહીનું સ્વરૂપ પહેલાની લોકશાહીના સ્વરૂપથી જુદું છે. ઉદારમતવાદી લોકશાહી એ ઔદ્યોગિક મૂડીવાદની જરૂરિયાત હતી. આજે નવ-ઉદારીકરણના મૂડીવાદનું લક્ષણ એ બહુમતવાદી/જમણેરી લોકશાહીનું સ્વરૂપ છે. એને કેવી રીતે પડકારી શકાય? ચૂંટણી દરમિયાન સતત ‘ખાન માર્કેટગેંગ’ કે ‘લત્યન્સ દિલ્હી’[Lutyens’ Delhi]ના ‘એલીટ’, ચુનંદા લોકો, પર મોદીએ જોરથી પ્રહાર કર્યા. જે કોઈ પોતાની સ્વતંત્ર બુદ્ધિથી વિચારે છે અને એમને તાબે નથી થતા એ બધા એમને માટે ‘એલીટ’ છે. રામ માધવે ચોખ્ખી ફાસીવાદી ભાષામાં આવા લોકોને દેશના સાંસ્કૃતિક અને બૌદ્ધિક જીવનમાંથી બહાર ફેંકવાની વાત કરી. ખાસ તો એમના ‘સેક્યુલર’ ભારતના વિચારનો વિરોધ થયો, જેમાં સ્વાભાવિક રીતે બહુમતી કોમને વિશિષ્ટ મહત્ત્વ મળે નહીં. આથી એક ‘નવા ભારત’ના વિચારને વિકસાવવાની વાત ઉપર ભાર મૂક્યો, જે ધાર્મિક લાગણીઓ પર રચાયેલો છે અને જે એક વિશ્વસ્ત હિન્દુ કેન્દ્ર વગર વિકસાવી ન શકાય. ૨૦૧૯ની ચૂંટણીનો આ કદાચ આ સૌથી અગત્યનો સંદેશ છે.
મોદી-શાહની ચૂંટણી જીતવાની ફૉર્મ્યુલાએ આપણી પૃથક્કરણ કરવાની, પ્રશ્નોને સમજવાની અને ઉપાય શોધવાની તમામ પદ્ધતિઓને અપ્રસ્તુત બનાવી દીધી છે. વર્ગ, જાતિ, લિંગ કે ધર્મ વિશેના સામાન્ય માપદંડો વિશે આપણે નવેસરથી વિચારવવું પડશે. ઉત્તરપ્રદેશનાં પરિણામો બતાવે છે કે જાતિનાં કોઈ સમીકરણો ચાલ્યાં નહીં. મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે બે જ જાતિ છેઃ ગરીબો અને ગરીબોનો ઉદ્ધાર કરનાર. જાતિનો અહીં એમણે જુદો ઉપયોગ કર્યો. કદાચ એ એમ કહેવા માંગે છે કે એમણે જાતિનો નાશ કર્યો. પરંતુ હિન્દુધર્મ મૂળમાં જ જાતિવાદી છે અને ભા.જ.પ. અને આર.આર.એસે. જાતિને વધુ મજબૂત બનાવી છે. એક બાજુ એ હિન્દુઓની એકતાની વાત કરે છે અને બીજી બાજુ બ્રાહ્મણવાદી હિન્દુ વિચારાધારા મુજબ દલિતો પર દમન થાય છે. એક સામે બીજી જાતિને ભિડાવીને એ ચૂંટણી જીત્યા છે. આનો પ્રતિકાર કેવળ સીધા જાતિ આધારિત રાજકારણથી નહીં, પરંતુ જુદી રીતે વિચારવો પડશે. એવી જ રીતે એ વર્ગનો પ્રશ્ન જુદી રીતે, ઉપર કહ્યું તેમ મૂકે છે. દેશમાં આજે ચંદ અમીરો, જે અઢળક સંપત્તિના માલિક છે અને અકલ્પ્ય આર્થિક અસમાનતાનું મૂળ કારણ છે, એમને ગરીબોના દુશ્મન સમજવાને બદલે, અને અસમાનતાના એ પ્રશ્નને હલ કરવાના પ્રયાસને બદલે, મોદી પોતાને વંચિતોના તારણહાર તરીકે રજૂ કરી, થોડી કલ્યાણ યોજનાઓના ટુકડા ધરી, આર્થિક અસમાનતાના પ્રશ્નને મૂળમાંથી દૂર કરવાને બદલે, વંચિતોને ભોળવે છે. મોદી-શાહે, નવ-ઉદારીકરણ અને હિન્દુ રાષ્ટ્રવાદે, વિમર્શની શરતો અને રીતો બદલી નાખી છે. આપણે એમના વિમર્શને બરાબર સમજાવો પડશે, જેથી એનો અસરકારક પ્રતિકાર થઈ શકે.
આ ચૂંટણીનો સૌથી અગત્યનો નિષ્કર્ષ એ મોદીનું સામાન્ય લોકો સાથેનું તાદાત્મ્ય, જે વર્ગ, જાતિથી પર છે, એ છે. એની સામે એક નવું પ્રગતિશીલ, ડાબેરી સંગઠન ઊભું કરવાની જરૂર છે, જે સામાજિક અને આર્થિક પ્રશ્નો વિશે નવેસરથી વિચારી શકે. પરંતુ આ બહુ મુશ્કેલ છે. એક રાજકીય વિકલ્પ માટે વર્ગ, જાતિ, ધર્મ વગેરે પ્રશ્નોના સામાજિક અને આર્થિક જવાબો આપણી પાસે છે, જે ફાસીવાદનો પ્રતિકાર કરી શકે? આ પ્રશ્નોના નવેસરથી વિશ્લેષણની જરૂર છે. બીજો અગત્યનો મુદ્દો એ છે કે આજે આર.આર.એસ. દેશમાં એક માત્ર સંગઠન છે જે સામાન્ય, ગરીબ લોકો સુધી દેશના છેક અંદરના ભાગોમાં પહોંચી ગયું છે. બેશક એનું ધ્યેય એમને હિંદુત્વ તરફ વાળવાનું છે અને એ માટે શિક્ષણના મુખ્ય સાધનનો એ ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લાં સો વર્ષથી શરૂ થયેલા પ્રયાસોને કારણે આજે એની પાસે એક શિસ્તબદ્ધ, લડવા માટે સજ્જ લોકોનું અતિ વિશાળ માળખું છે. આવું વ્યવસ્થિત માળખું કદાચ દુનિયામાં કોઈ જમણેરી સંગઠન પાસે નથી. આની સાથે ભા.જ.પ. પાસે એ ધારે તે કરી શકે, એ માટે અનેક ગણાં પૈસા છે. અઢળક પૈસા અને શિસ્તબદ્ધ સેનાએ એના વિજયને સરળ બનાવ્યો છે અને એની મદદથી એ ધારે એ કરી શકે એમ છે. અતિશય ધનસંગ્રહ અને લડાયક સૈન્યનો સામનો કરવો અત્યંત મુશ્કેલ છે.
છેલ્લાં પાંચ વર્ષમાં આપણે ખેડૂતોનાં વિશાળ આંદોલનો, આદિવાસીઓનો પોતાના જંગલ અને જમીન માટેનો સંઘર્ષ, વિશ્વવિદ્યાલયોમાં, જે સ્વતંત્ર, રૅશનલ વિચારો અને વિવાદનાં કેન્દ્રો છે, ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની લડત વગેરે અનેક આંદોલનોના સાક્ષી બન્યા છીએ. આ આંદોલનોએ વધુ સબળ થઈ ભેગા થવું પડશે, જેથી એક સશક્ત, સહિયારું, સંગઠન જમણેરી તત્ત્વોને પડકારી શકે. જમણેરી, ફાસીવાદી બળોનો મુખ્ય હુમલો પોતાની વિચારધારાથી અલગ વિચારનારાઓ અને શિક્ષણસંસ્થાઓ પર છે, જેથી ખરું શિક્ષણ, જ્ઞાન, સ્વતંત્ર વિચારવાની શક્તિ બધું જ ખતમ થઈ જાય. આ એક બિહામણા ભવિષ્યનો સંકેત છે. વિશ્વવિદ્યાલયો પર આથી વધારે દબાણ આવવાની શક્યતા છે, પરંતુ શિક્ષણ સંસ્થાઓમાં જ સૌથી વધારે વૈચારિક વિદ્રોહની અને વિકલ્પોની શક્યતાઓ પણ રહેલી છે. ત્યાંથી નવી પરિસ્થિતિને પડકારી શકે એવા નવા વિચારો નીકળશે, એવી આશા રાખીએ.
[૨૫ મેએ ‘લોકશાહીપર્વ’ પર અમદાવાદમાં યોજાયેલા પરિસંવાદમાં બોલાયેલું.]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 06, 07 તેમ જ 09