ઈશ્વર વિશે એટલું બધું લખાયું, બોલાયું, ગવાયું, ભજવાયું છે કે, એમાં કશું નવું ઉમેરવાની આ જણની તો ક્ષમતા નથી જ. પણ માનીતી ગુજરાતી ગઝલો સાંભળતાં નીચેના બે શેર ઈશ્વર વિશે સાંભળ્યા :
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
– અમૃત ‘ઘાયલ’
તારું સરનામું મને આપ્યું નહિ, તો જો હવે,
વિશ્વમાં ભટકું છું ઘેરઘેર તારે કારણે.
– બેફામ
અને આ અવલોકનકારનાં આંગળાં સળવળી ઊઠ્યા – અને આ અવલોકન. આ વિચારો સાથે વાચકને સહમત થવાની સહેજ પણ જરૂર નથી. એટલી આશા જરૂર કે, તે આ સ્વૈરવિહાર મુક્ત મને માણે.
એ પરમ તત્ત્વનું નામ ગમે તે આપો; એને ભજવાની રીત, ઢંગ વગેરે ભલે અલગ હોય હોય, પણ માનવજગતના કોઈ પણ હિસ્સાને ઈશ્વર વિના ચાલ્યું નથી. આ લખનારને હંમેશ એક વિચાર દોહરાયા કરે છે કે, સાવ પશુ જેવી સ્થિતિમાં રહેતા આદિ માનવને કઈ ઘડીએ અને શી રીતે ‘ઈશ્વર છે.’ – એવો વિચાર આવ્યો હશે? એ વિચાર વલોણામાંથી જ ‘ ઈશ્વરનો જન્મ’ એક વાર્તા રૂપે ઉદ્દભવ્યો હતો. આ રહ્યો :
https://gadyasoor.wordpress.com/2009/07/07/birth-of-god/
તેને કદી કોઈએ જોયો નથી, તેના વિશે જગતમાં સૌથી વધું લખાયું છે, તેના અનેક ચિત્રો અને શિલ્પો પણ બન્યાં છે – વિશ્વના દરેકે દરેક દેશમાં, વિશ્વની દરેકે દરેક જાતિમાં.
આવું કેમ છે? બહુ જ સાદાં અને સરળ કારણો છે. મનવાળા માનવીને હમ્મેશ જીવનની ક્ષણભંગુરતા, અનિશ્ચિતતા અને ભયો સતાવતા રહ્યા છે. આ સતામણીના એક ઉકેલ તરીકે તેણે એક સર્વશક્તિવાળા અસ્તિત્વની હમ્મેશ ખેવના કરી છે, જે તેને વિદારી નાંખે તેવી વિટંબણાઓમાં સધિયારો આપે, રક્ષણ આપે, ઊગારે. વળી તેની તર્કસંગત વિચારસરણી વડે તે એ પણ જોઈ શકે છે કે, ‘કોઈ પણ ઘટના જો કારણ વિના ઘટતી નથી.’ – તો આટલું જટિલ જગત અને જીવન એની મેળે તો ન જ બન્યું હોય ને? આથી એણે એવા અસ્તિત્વની પરિકલ્પના કરી કે, બધાં સર્જનનો એક સર્જક હોય. તેણે એવી મહાન શક્તિ પણ ઈશ્વરમાં કલ્પી કે, જે નકારાત્મક તત્ત્વોને સંહારી, સત્ય અને શુભની સ્થાપના કરે.
આમ માણસ ઈશ્વરની કલ્પના કરતો રહ્યો છે. તેનાં ચિત્રો, શિલ્પો બનાવતો રહ્યો છે. કોઈ તેને સાકાર કલ્પે છે – કોઈ નિરાકાર. પણ માણસને ઈશ્વર વિના ચાલ્યું નથી.
એમાં કશું ખોટું પણ નથી. નાસ્તિકો આ વાતને નહીં સ્વીકારે. પણ જીવનના સંઘર્ષોને પહોંચી વળવા આ માન્યતા થકી માણસને અસીમ બળ મળતું હોય તો તે ઘટિત છે જ. કોઈ પણ માન્યતા આપણને સક્રિય બનાવતી હોય, શક્તિમાન બનાવતી હોય, આપણને દોડતા રાખી શકતી હોય, બેસી પડેલાને છલાંગ ભરાવી શકતી હોય, એકબીજાની સાથે પ્રેમભાવના અને ભ્રાતૃભાવ પ્રગટાવતી હોય તો તે ઈચ્છવા યોગ્ય જ ગણાવી જોઈએ.
માત્ર આટલે સુધી જ આ માન્યતા ટકી હોત તો તો ઠીક. પણ આને કારણે ઘણી ખરાબીઓ પણ ઊભી થઈ છે. મેં ઈશ્વરની જે કલ્પના કરી હોય તે બીજા કોઈની કલ્પના કરતાં જુદી હોય તો તેનો ઈશ્વર અને મારો ઈશ્વર ટકરાય, બાખડે – અથવા તે ઈશ્વરો વતી અમે બે બાખડીએ! લોહી રેડાય, અને શક્તિમાન થવાની લાહ્યમાં હું અવ્વલ મંજીલ પણ પહોંચી જઉં! હજારો વર્ષોથી આવા લોહિયાળ સંઘર્ષો કરુણાના સાગર સમા ઈશ્વરના નામ પર થતા આવ્યા છે.
અરે! એક જ ધાર્મિક માન્યતામાં પણ ખટરાગ પેદા થયા. અને ફાંટા પડ્યા. જીસસ એક જ – પણ કેથોલીક, પ્રોટેસ્ટન્ટ, પ્રેસ્બીટેરિયન, બેપ્ટીસ્ટ, સીરિયન વગેરે ફાંટાઓ જુદા જુદા. વૈષ્ણવ, શૈવ, શાક્ત, સ્વામીનારાયણ, રાધાસ્વામી… અરે સ્વામીનારાયણમાં ય અલગ અલગ ફિરકાઓ. ઈશ્વરને કેમ ભજવો તેના વિવાદ! મૂળ મુદ્દે ઈશ્વરના નામે ભેગી થતી અઢળક સમ્રુદ્ધિ, સત્તા, શક્તિ અને અનુયાયીઓની ફોજ પર આધિપત્યની મુઠ્ઠીભર વ્યક્તિઓની સ્વાર્થી લાલસાઓ.
બીજી એક આનાથી પણ વધુ હાનિકારક ખરાબી સર્જાઈ તે એ કે, હું ઈશ્વરની આરાધના કરું, એટલે મારું બધું ઉત્તરદાયિત્વ સમાપ્ત. હજાર હાથવાળો બાકીનું બધું સંભાળી લેશે! સાવ અકર્મણ્યતા. મહમ્મદ ગઝની સોમનાથ પર ચઢી આવ્યો, ત્યારે તેનો સામનો કરવાને બદલે, ભગવાન શંકર એને જેર કરી નાંખશે તે આશામાં તેને પૂજતા રહ્યા. સર્વ શક્તિમાન પ્રભુની કેટકેટલી મૂર્તિઓ પામર યવનોના આક્રમણને ખાળી ન શકી.
બીજા સંદર્ભમાં આ માન્યતાઓનો આગ્રહ એટલો બધો કે, તેના ગુરુઓ કહે તે સિવાય એક હરફ પણ ઉચ્ચારે તે પાપી. તેને માટે શિક્ષાઓ તૈયાર. સહેજ વિરોધી સૂર કાઢવા માટે ખ્રિસ્તી પાદરીઓએ બ્રુનોને જીવતો સળગાવી દીધો.
આ બધું એ પરમકૃપાળુ , દીનદયાળ, કરુણાના સાગરના નામે.
ભગવાનના પૂજન અને અર્ચનમાં મગ્ન આપણે ભગવાનને છપ્પન ભોગ ધરાવતા રહ્યા, સામૈયાઓ કરતા રહ્યા, અન્નકૂટો અને યજ્ઞો યોજતા રહ્યા. એ દરીદ્રનારાયણના મહાલયની પાછલી ભીંતે દરીદ્રતા કણસતી રહી. ભૂખ્યાંને રોટલો આપવાની માનવતા ભૂલાઈ. નાગાં પૂગાં માનવીઓનો તારણહાર મોંઘાદાટ રેશમી વાઘામાં મહાલી રહ્યો. જે મહેનતકશ માનવીઓ આખા સમાજની ગંદકી સાફ કરે, તેમને એ મહાલયમાં આવવાની પણ મનાઈ ફરમાવાઈ. ગરીબની ઝૂંપડીનો દીવો બુઝાવી ગરીબોનો બેલી ઝાકમઝોળ રોશનીમાં ઝળહળી રહ્યો.
અને આ બધી અવઢવમાં ઈશ્વર પણ માનવસહજ નબળાઈઓની ઝપટમાં આવી ગયો. જે સર્વ શક્તિમાન મનાતો હતો તે અસહાય બનીને આ બધી જફા અને ઝગડાનો મુક પ્રેક્ષક બની ગયો.
માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો!
શું આપણી ઈશ્વરની કલ્પના સાથે આ કુરુપતા સુસંગત છે? શું આપણો ઈશ્વર આવો? ક્યારે આપણે ખરા ઈશ્વરને જોતાં થઈશું? એ તો આપણી અંદર છે. આપણા હર એક શ્વાસમાં છે. અરે ઈલેક્ટ્રોન અને પ્રોટોનની અંદર એ તો મહાલે છે.
હું માનવી માનવ થાઉં તો ઘણું.
e.mail : surpad2017@gmail.com