હંસગાન
થોડું આશ્ચર્યજનક છે કે જગતમાં લોકો ઊગતાં સૂરજને પૂજે છે જ્યારે તમે અહીં ડૂબતા સૂરજને સન્માનવાનું નક્કી કર્યું લાગે છે !
કાનજીભાઈ એ હિતેન્દ્ર દેસાઈના પિતા એવું આજે કેટલા લોકોને ખબર હશે? એના જેવો સૌજન્યશીલ માણસ મેં બીજો જોયો નથી. એ સમય હતો જ્યારે એકબીજાનો વિરોધ કરવાનો થતો હતો પણ તે સૌજન્ય ગુમાવ્યા વિના! આજે તો એવું કંઈ રહ્યું જ નથી! અમે ઘણો વિરોધ કર્યો છે અને કરતા હતા પણ એકબીજાને માન આપતા અને આદર જાળવતા.
વળી, આજે આઠમી ઑગસ્ટ છે. આ દિવસનું ઘણું મહત્ત્વ છે. એક આઠમી ઑગસ્ટે મેં ઘર છોડેલું. ઘર છોડ્યા પછી કદી પાછો ફર્યો નહોતો. આઠમી ઑગસ્ટે મુંબઈમાં ગાંધીને સાંભળવા ગયેલો! અને આઠમી ઑગસ્ટ, મહાગુજરાત આંદોલનની પણ, આજે પણ આઠમી ઑગસ્ટ!
એ જમાનો જ જુદો હતો અને અમારો મિજાજ પણ જુદો હતો. લગ્ન કર્યા તો પિતાને કહેલું કે તમારે ધક્કો ખાવાની જરૂર નથી. આશીર્વાદ મોકલી આપશો તો ચાલશે. કોઈ ખર્ચ નહીં, કોઈ ધમાલ નહીં!
આજે પણ મને ઑફિસે નિયમિત પહોંચીને કામ કરવાની ટેવ પડી ગઈ છે. સવારે અગિયાર વાગે પહોંચી જાઉં છું. પછી એક વાગે જમવા આવું. જમીને થોડો આરામ કરીને ફરી ઑફિસ, તે સાંજે સાત વાગે પરત.
આ કાર્યક્રમનું આમંત્રણ મળ્યા પછી તબિયત બગડી. હૉસ્પિટલમાં દાખલ થયો. મેં શીતલને કહ્યું, દવાખાનેથી પાછા અવાશે કે કેમ તેની ખબર નહીં, પણ પાછો હેમખેમ આવી ગયો. ભગવાનને ત્યાં દસ્તક દઈને પાછો ફર્યો છું; પણ બારણું ઊઘડ્યું નહીં! અને આજે અહીં તમારી સમક્ષ હાજર છું.
અમારા સમયમાં અમે સનદી અધિકારીઓને પોતાના જે વિચારો રજૂ કરવા હોય તે કરવા દેતા. અમે નોટ ફાઇલ પર લખવાની ના નહોતા પાડતા. તેથી જ મારી સાથે આઈ.એ.એસ. અધિકારીઓને કામ કરવું ગમતું. મને કોઈ મુશ્કેલી નહોતી. પછી રાષ્ટ્રપતિશાસન આવ્યું, ત્યારે એક વખત હરિશ્ચંદ્ર સરીન નામના વરિષ્ઠ અધિકારીનો ફોન આવ્યો. મને થયું શું ય હશે! ફાઇલમાં કંઈ ભૂલ થઈ હશે, કોણ જાણે. વિચાર કરતો ત્યાં પહોંચી ગયો. સરીન કહે છે, સનતભાઈ, તમારા જેવા મંત્રી હોય, તો અમારી તો છુટ્ટી જ થઈ જાય! એમ કહીને મારી ફાઇલ પરની કોઈ લાંબી નોંધ વંચાવી! તમે આટલું લાંબું લખો, પછી અમારે શું કરવાનું?
હું જેટલો વખત મંત્રી રહ્યો ગાંધીનગરમાં, ત્યાં સુધી અરુણા અને બાળકો ત્યાં રહેવા આવ્યાં જ નહીં! શનિ-રવિ આવે અને પછી જતાં રહે. પછી દીકરી શ્યામલીનું લગ્ન લેવાનું આવ્યું. અમે લગ્ન તો વડોદરા કરવાનાં હતાં પણ અમારાં વેવાણ કહે ના, અમે તો ગાંધીનગરમાં જ જાન લઈને આવીશું! મંત્રીને ત્યાં લગ્ન થવાનાં છે, એ ખબર પડે ને!
આ ઇલાબહેન(ભટ્ટ)ને મજૂર મહાજનમાંથી કાઢી મૂક્યાં તો એમને પહેલો ફોન કરનાર હું, એમની પડખે ઊભા રહેવાનો આનંદ હતો. અલંઘ શીપયાર્ડનું નક્કી કર્યું તો બધા કહે : ‘સનતભાઈ, બધા તો વહાણ બાંધવાની વાત કરે, તમે આ વહાણ ભાંગવાનું ક્યાંથી લઈ આવ્યા ?’
તુષાર [ભટ્ટૃ] જોડે દોસ્તી થઈ. તેજસ્વી પત્રકાર. પણ બોલવામાં મારા જેવો. તે વખતે ઘણા તેને મારો conscience keeper કહેતા. એક વખત માધવસિંહભાઈએ એને કહેલું, અમને પણ એવી સેવા આપોને! એ કટાક્ષ કરતા હતા પણ તુષારે પરખાવેલું : પહેલા conscience તો હોવો જોઈને, તો એ પણ કરીએ!
કૃષ્ણકાન્ત વખારિયાએ કંઈ ૪૦૦-૫૦૦ પાનાં ભરીને પોતાની આત્મકથા લખી છે, એવું કહેતા હતા. મને યાદ આવે છે અને એમણે પણ યાદ કર્યું કે કૃષ્ણકાંત અને ધીરુભાઈ (અંબાણી) બંને તે વખતે વિદ્યાર્થીમંડળના આગેવાન અને મને ભાષણ કરવા બોલાવેલો. ધીરુભાઈ સાથે પણ દોસ્તી રહી. હમણાં રિલાયન્સના કોઈ મોટા નિવૃત્ત અધિકારી મને મળવા આવેલા. મેં એમને કહ્યું : મુકેશને કહેજો કે તું ધીરુભાઈ નહીં થઈ શકે! મને તો ટેવ છે કે બધા જોડે હું વાત કરી શકું. ટૉરેન્ટના સુધીર મહેતા (સામે બેઠેલા તે તરફ જોઈને) જોડે ય વાત કરું અને અમારા આંબાડુંગર – ભેખડિયાના રતન ભગત જોડે પણ વાત કરું! ઘણાં બધાં યુનિયનો છોડ્યાં, હજુ થોડાં છે, તેમાંથી નીકળવું છે, પણ માલિકો કે કામદાર એકે ય છોડવા દેતા નથી!
આ જે આપણે એચ.ટી. પારેખ હૉલમાં બેઠા છીએ, તે એચ.ટી. પારેખે બહુ બધા લોકોને હાઉસિંગ માટે ફાઇનાન્સ કર્યું, પરંતુ પોતે ભાડાના મકાનમાં રહ્યા. હું કહેતો, ’તમારા માટે તો એક ઘર બાંધો.’ પણ એ કહેતા, ’ભાડાનું શું ખોટું છે?!’ એવો એ જમાનો હતો. આજે આવા માણસ મળવા મુશ્કેલ છે.
વિશ્વ ગુજરાતી સમાજના ઉપક્રમે અમદાવાદના એ.એમ.એ. ખાતે એચ.ટી. પારેખ કન્વેન્શન હૉલમાં કાનજીભાઈ દેસાઈ અૅવૉર્ડ સ્વીકારતાં આપેલું છેલ્લું ઉદ્દબોધન સ્મૃિત ઉપરથી.
સંકલન : ડંકેશ ઓઝા
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 10
છવિ સૌજન્ય : 'વિશ્વ ગુજરાતી સમાજ'