જેપી આંદોલન હજુ ગોરંભાતું હશે અને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર(હીમાવન)માં રાજુ (રાજેન્દ્ર દવે) મારફતે ભરતભાઈનો પરિચય થયો. બંને પિતરાઈ ભાઈ. રાજુના પિતા ભાનુભાઈ દાંડીયાત્રી અને ભરતના પિતા બાલુભાઈ (બાલકૃષ્ણ વૈદ્ય) પણ ગાંધીનિંભાડાના સ્વરાજસૈનિક. ઢેબરભાઈ ને વિમલાતાઈ જેમની સાથે વિમર્શ કરવા ઈચ્છે એવી શખ્સિયત એ હતી. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા – એન.એસ.ડી. વર્ષોએ ભરતભાઈને વૈશ્વિક વિચારપ્રવાહોના સંપર્કમાં મૂકી આપ્યા. અનેરા રંગકર્મી ઉપરાંત મનનશીલ અક્ષરકર્મી તરીકેનો એમનો એક નવ્ય પરિચય તાજેતરમાં વરસોમાં ગુજરાતને થયો. ૧૯૭૮-૭૯માં હું ‘નૂતન ગુજરાત’ જોતો ત્યારે મેં એમને નાટક વિશે લખવા નિમંત્ર્યા એનું ભરતભાઈને ક્યાં ય સુધી આશ્ચર્ય હતું. પણ પછી તો સૌએ એમનું પ્રફુલ્લન જોયુંનોંધ્યું. પાછલાં વરસોમાં અમારે વાતચીત ઓછી થતી, પણ સરસ થતી, ખાસ કરીને વૈચારિક સંદર્ભોમાં. ‘નિરીક્ષક’માં એમણે થોડાં વરસ પર ગો.પુ. દેશપાંડે વિશે લખ્યું ત્યારે કોઈકે જાહેરમાં અચરજ વ્યક્ત કરેલું કે ઈ.પી.ડબ્લ્યુ.થી યે વહેલાં (કે જોડાજોડ) ગુજરાતીમાં આવી નોંધ ! ભરતભાઈ હોસ્પિટલમાં દાખલ થયા એના અઠવાડિયા પર અમારે વાત થયેલી. એમના પુસ્તકના પ્રકાશનપૂર્વે પ્રત જોવા મોકલેલી, તે સંદર્ભે. ‘અંધા યુગ’ વ્યાખ્યાનથી એ પ્રસન્ન હતા. અણચિંતવ્યું પણ એમનું એ હંસગાન જ બની રહ્યું.
— પ્ર.ન.શા., તંત્રી, “નિરીક્ષક”
સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ સ્વીકારતાં ભરતભાઈએ તેમના પ્રવચનમાં ઝોર્બા નાટકના મુખ્ય અભિનેતા એન્થની ક્વીન પોતાના પુત્રના મૃત્યુની વાત બોલી નથી શકતા તે વાત કહેલી. કાંઈક એવી જ લાગણી આજે હું અનુભવી રહ્યો છું. હજુ તો એપ્રિલના અંત સુધી તો મને રોજના ચાર-પાંચ સંદેશા મોકલતા હતા. એપ્રિલના મધ્યમાં તો વીડિયો કૉલ પર લાંબી વાત થયેલી. ત્યારે ખબર નહોતી કે આ છેલ્લી વારની વાત હશે.
ભરતભાઈ મારા પિતરાઈ ભાઈ. મારાથી છ વર્ષે મોટાં. સંગીત, ચિત્રકામ ને નાટકમાં પહેલેથી રસ. તેમની પીંછીનું કામ મેં જોયું છે. કુદરતનાં દૃશ્યોને દોરવામાં રસ. ફુલબ્રાઈટ સ્કૉલર તરીકે સિરેક્યૂસ આવ્યા ત્યારે અપસ્ટેટ ન્યૂયૉર્કની પાનખર જોઈને કહેતા કે આ રંગોને દોરવાનું બહુ મન થાય છે. એન.એસ.ડી.માં હતા, ત્યારે અલકાઝી તેમનાં ચિત્રોથી પ્રસન્ન થયેલા અને તેમને રંગો અને પીંછીઓ ભેટ આપેલી. સંગીતનાં બંને ક્ષેત્રોમાં રસ. સિતાર વગાડે અને ગાય પણ ખરા. દિલ્હી હતા ત્યારે ગાંધર્વ મહાવિદ્યાલયમાં જતા ને તેમના કાર્યક્રમોમાં ભાગ લેતા. હું લગભગ છેલ્લાં ચાલીસેક વર્ષથી બહાર છું, એટલે તેમણે દિગ્દર્શિત કરેલાં બહુ નાટકો નથી જોયાં. એક વાર દિલ્હીમાં પુરાના કિલ્લામાં અલકાઝી દિગ્દર્શિત અને તે કલાકાર હતા તે નાટક ‘તુઘલક’ જોવા લઈ ગયેલા. આજના વ્યવસાયી કલાજગતની ભાષામાં કહું તો તે ‘કમ્પલિટ પૅકેજ’ હતા.
ઇચ્છ્યું હોત તો ભરતભાઈ અન્ય ઘણા કલાકારોની જેમ એન.એસ.ડી.માંથી સીધા મુંબઈ જઈ શક્યા હોત, પણ તેમણે એવું નહિ કરતાં અમદાવાદને અને ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. આ અંકમાં સુભાષ બ્રહ્મભટ્ટે તેમના નાટ્યક્ષેત્રના પ્રદાન વિશે વિગતે લખ્યું છે, એટલે તેની વાત બાજુએ રાખી ભરતભાઈના અન્ય એક પ્રદાનની વાત કરીશ, જેના પર બહુ ઓછું ધ્યાન અપાયું છે – ભરતભાઈનાં લખાણોમાં, નાટકોમાં અને ભાષણોમાં જે સામાજિક ને રાજકીય નિસબત હતી, તેની.
ગાંધીવિચારના વાતાવરણમાં અમારું કુટુંબ ઊછર્યું. અમારા વડીલો સ્વાતંત્ર્યસૈનિકો. કુટુંબનાં બધાં ખાદી પહેરીએ. નાટ્યક્ષેત્રમાં મેં ભરતભાઈ સિવાય અન્ય કોઈ કમિટેડ ખાદીધારી નથી જોયા. ભરતભાઈએ નાટકો વાંચવાનાં શરૂ કર્યાં તે પહેલાં ગાંધી, વિનોબા, મશરુવાળા ને દાદા ધર્માધિકારી વાંચેલા. આ સૌનો તેમના પર ભારે પ્રભાવ. આ બધાથી તેમનું પોત બંધાયેલું. દર્શક સાથે કેવળ કૌટુંબિક સંબંધ હતો, માટે જ નહિ, પરંતુ મૂલ્યો માટે જે પ્રતિબદ્ધતા હતી તેને કારણે તેમણે સૉક્રેટિસનું નાટ્યરૂપાંતર કર્યું ને તેમના લખેલાં અન્ય નાટકો પણ ભજવ્યાં. તેમણે ભજવેલાં અન્ય કેટલાં ય નાટકોમાં મૂલ્યપ્રતિબદ્ધતા દેખાય છે. સવ્યસાચી ઍવૉર્ડ સ્વીકારતી વખતે આપેલા વક્તવ્યમાં તેમણે કહેલું કે નાટક કેવળ સમાજનું પ્રતિબિંબ નથી, તે સમાજપરિવર્તનનું સાધન પણ છે.
હજુ હમણે જ વિશ્વરંગભૂમિ દિવસ નિમિત્તે વિશ્વકોશનાં એમણે ‘અંધાયુગ, ગાંધીયુગ ને આજ’ વિષય પર જે વ્યાખ્યાન આપ્યું તે એમના ગયા પછી મારા સાથેની વાતચીતમાં પ્રકાશભાઈએ કહ્યું તેમ કદાચ એમનું હંસગાન હતું. ધર્મવીર ભારતીની નાટ્યકૃતિ ‘અંધાયુગ’ને કેન્દ્રમાં રાખીને તેમણે ભારતીની જ શૈલીમાં આજની ભારતની સ્થિતિને સરસ રીતે સાંકળેલી. અંધાયુગમાં મહાભારતની ને સ્વતંત્રતા પછીના તરતના ભારતની સરખામણી છે ને તેમણે કહ્યું કે આજનું ભારત પણ આ અંધાપો નથી અનુભવી રહ્યું? ધર્મ-અધર્મને પૃષ્ઠભૂ બનાવીને તેમણે સમજાવેલું કે આજે ધર્મના નામે કેટલો અધર્મ આચરાઈ રહ્યો છે!
છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં જે કાંઈ બન્યું તેનાથી તે ભારે વ્યથિત હતા. સોશિયલ મીડિયા પર તેમણે ‘વ્યૂ-વિધિન” શ્રેણી શરૂ કરેલી. તેમણે વાતની માંડણી કરતાં કહેલું કે તે અભિક્રમ આજની પરિસ્થિતિની માહિતી આપવાનો પણ સૌ કોઈને પોતાની ભીતરમાં નજર નાંખી વર્તમાન પ્રશ્નો પર વિચારતા કરવાનો છે. આ કાર્યક્રમમાં તે તેમની આસપાસ બનતી સામાજિક ને રાજકીય ઘટનાઓની ચર્ચા કરતા. એ આમ અણધાર્યા ના ગયા હોત, તો આ ચર્ચા લાંબી ચાલી હોત.
મેં ‘નિરીક્ષક’માં એક અંતરાલ પછી લખવા માંડ્યું તે પછી અવારનવાર સંદેશા ને ફોનવ્યવહાર ચાલતો. સૂચનો કરતા ને ક્યારેક વધુ માહિતી મેળવવા લખતા. મેં ટૉલ્સ્ટૉયના જીવનનાં અંતિમ વર્ષો પર આધારિત ને સ્ટોફર પ્લમર અને હેલન મિરેલ અભિનીત ફિલ્મ ‘ધ લાસ્ટ સ્ટેશન’નો રિવ્યૂ લખ્યો ત્યારે સૂચવ્યું કે તેં દર્શકના નાટક ‘ગૃહારણ્ય’ને સાંકળીને લખ્યું હોત તો સારું થાત. અમેરિકાના રાજકારણ પરનાં લખાણોમાં તેમને બહુ રસ પડતો. ટ્રમ્પે અમેરિકાનાં રાજકીય માળખાંઓ અને પ્રક્રિયાઓને કંઈ રીતે અને કેટલી હદે ભ્રષ્ટ બનાવ્યાં તે પર ફોન કરીને કહેલું કે કઈ રીતે ભારતમાં પણ સંસ્થાઓ અને પ્રક્રિયાઓ બગડી છે.
છેલ્લાં વર્ષોમાં ભરતભાઈ સ્વાસ્થ્યને કારણે ઘરે જ રહેતા. ભરતભાઈને સાથ રહે એટલે અમારાં ભાભી અમીબહેને પણ વહેલી નિવૃત્તિ લીધેલી. ભરતભાઈનાં અનેકવિધ કામોમાં તેમનો સિંહફાળો. પુત્રી દેવકી તેમને ગળે. પેન્ડેમિકને કારણે તેને મળી ના શકાય તેનો વસવસો કરે. હૉસ્પિટલમાં છેલ્લા દિવસોમાં દેવકી ઠેઠ સુધી હિંમતભેર સાથે ને સાથે રહી. ભરતભાઈને સાદર શ્રદ્ધાંજલિ.
ફ્લોરિડા, યુ.એસ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 07