સરકાર કોઈ પણ પક્ષની હોય તે એક પણ અપવાદ સિવાય અનુદાર અને ગણતરીબાજ જ રહી છે ને એક જ લક્ષ્ય તેનું હોય છે, તે એ કે લોકોને ઓછામાં ઓછું આપવું ને દેખાડો એવો કરવો કે સરકાર અત્યંત પ્રજા વત્સલ અને જીવદયામાં માનનારી છે ને લેતી વખતે વધારેમાં વધારે આંચકી લેવું ને દેખાવ એવો રાખવો કે સરકાર ખોટમાં જ રહી છે ને હંમેશાં પ્રજાનું હિત જ જુએ છે. જ્યારે હકીકત એ છે કે સરકાર માત્ર ને માત્ર બગભગત જ હોય છે. એની ખાતરી કરવી હોય તો છેલ્લું બજેટ જોઈ લેવું. આ પહેલું એવું બજેટ છે જેમાં વિકલ્પો અપાયા છે. જેને ઠીક લાગે તે વિકલ્પ પસંદ કરી શકાય. જોયું? સરકાર કેટલી કાળજી રાખે છે તે! એ તમને પૂછે છે કે તમને લટકીને મરવાનું ફાવશે કે રિવોલ્વર જાતે જ લમણે ધરીને મરવાનું? ટૂંકમાં, આગળ ખાઈ ને પાછળ કૂવો જેવી દરેકની સ્થિતિ છે. આ એટલે કહેવાનું થાય છે કે વિકલ્પો છતાં વર્ષોથી ચાલી આવતા ૨.૫ લાખના ઇન્કમટેક્સના સ્લેબમાં જરા જેટલો પણ વધારો થયો નથી. કેમ,મોંઘવારી ત્યાં જ અટકી ગઈ છે જ્યાં વર્ષો પહેલાં હતી? જો એ છોડાફાડ વધી હોય તો ઇન્કમટેક્સનો સ્લેબ અઢીલાખ પર જ કેમ અટકી ગયો છે તેવો સાદો સવાલ પણ કોઈ પૂછતું નથી. આ નિર્જીવ પ્રજા છે. એનું સુખ એ છે કે એ સવાલો નથી પૂછતી. સરકારની સીધી દાનત એ છે કે આવક હોય કે ન હોય, ભિખારી પણ ઇન્કમટેક્સથી બચવો ન જોઈએ.
આમાં બે વાત છે. જે ગરીબ છે તે આવક ન હોવાથી ટેક્સથી બચે છે ને જે અમીર છે તે કઈ રીતે ટેક્સ ન ભરવો પડે એની વેતરણમાં રહેતો હોય છે. તે આવક છતાં, ટેક્સથી બચે છે. એટલે સરકાર પણ એ ફિકરમાં ને ફિરાકમાં રહેવાની જ કે કઈ યુક્તિથી લોકોને ટેક્સની જાળમાં સપડાવી શકાય? એ પણ હકીકત છે કે મોટે ભાગે જે પગારદારો છે તે જ ટેક્સ ભરે છે, કારણ એની આવક ચોપડે બોલે છે ને જે પગાર ચૂકવે છે તેને માથે એનો ટેક્સ વસૂલવાની જવાબદારી છે.
કોઈ પણ પગારદાર ઉમર થતા સેવામાંથી નિવૃત્ત થાય જ છે એમાંથી કેટલાક પગારદારોને પેન્શનનો લાભ મળે છે. પેન્શન એ પગાર નથી, પણ આપણી સરકારોએ ઇન્કમટેક્સ વસૂલવાના હેતુથી પેન્શનને પણ આવક ગણવાનું ચાલુ રાખ્યું છે ને જેની કરપાત્ર આવક નક્કી કરેલા સ્લેબથી વધે છે તેને ટેક્સ ભરવાનો થાય જ છે. પેન્શન એટલે અપાય છે કે પગાર મળતો બંધ થવાથી આવક અટકે છે ને જિંદગીના પાછલાં વર્ષોમાં જેણે સરકારની કે સંસ્થાની ૩૦થી વધુ વર્ષ સેવા કરી છે તેને સ્વમાનથી જીવવાનું થાય ને વધતી મોંઘવારીમાં ટકી રહેવાનું બળ મળે. એના પર પણ સરકાર વર્ષોથી દાનત બગાડતી આવી છે ને આમે ય નિર્બળ થયેલા પેન્શનરો વિરોધ કરી શકતા નથી એટલે તેની મનમાની ચાલે છે. એમાં વળી ઉપકાર કરતી હોય તેમ સરકાર પેન્શનરોને રાહતની ભીખ પણ આપતી હોય છે પણ એમાં છેતરપિંડી સિવાય ભાગ્યે જ ખાસ કશું હોય છે. જેમ કે પેન્શનરને અડધો ટકો વ્યાજ વધારે અપાય છે. હવે વ્યાજના દર છ ટકા લગભગ આવી ગયા હોય ત્યાં અડધા ટકાનો વધારો મજાકથી વધારે કંઈ નથી. અડધો ટકો વધારે આપીને જો ૧૦ ટકા ટી.ડી.એસ. કાતરી લેવાતો હોય તો એ મજાક નથી?
એક દાખલાથી આ વાત સમજીએ. ૬ ટકાને બદલે અડધો ટકો વ્યાજ વધારે ગણતા સિનિયરને ૧૦,૦૦૦ પર ૬૫૦ રૂપિયા વ્યાજ મળે. એના પર ૧૦ ટકા ટી.ડી.એસ. કપાય તો વ્યાજ ૫૮૫ રૂપિયા થાય જે ૬.૫ ટકા કરતા પણ ૦.૬૫ ટકા ઓછું છે. આમાં પેલો અડધો ટકો તો હવ જ થઈ જાય છે. બીજી રાહત એ અપાઈ કે ૫૦,૦૦૦ સુધીના વ્યાજ પર ટી.ડી.એસ. નહીં લાગે. કોઈ સિનિઅરની વાત કરીએ તો ૬.૫ ટકાને હિસાબે ૫૦,૦૦૦ વ્યાજ થવા વાર્ષિક ૭,૫૦,૦૦૦ લગભગ ડિપોઝીટ હોવી જોઈએ. હવે એ વિચારવાનું રહે કે કેટલા સિનિઅર્સની એટલી ડિપોઝીટ વર્ષની હશે? આ તો એવી વાત છે કે તમારી આવક જ નહીં હોય તો અમે એક કરોડ પર પણ ટી.ડી.એસ. નહીં લઈએ. છે ને ગમ્મત!
સાદી વાત એટલી છે કે જે સિનિઅર ૩૦થી વધુ વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયો છે તેને હવે આવક નથી, એટલે તેનો નિર્વાહ ચાલી રહે એટલે તેને પેન્શન આપવું જે સુપરએન્યુએશન ફંડ છે. તેને આવક ગણાય જ નહીં, પણ સરકાર ઇન્કમ ગણીને ટેક્સ વસૂલે છે તે અન્યાયી છે ને તેની સામે તમામ સંગઠનોએ નિવૃત્તોની તરફેણમાં પ્રચંડ અવાજ ઉઠાવવો જોઈએ. એ અત્યંત ચિંતાજનક છે કે પ્રજાની વિરોધની ધાર સાવ બુઠ્ઠી થઈ ગઈ છે. તેનો અવાજ સાવ ક્ષીણ થઈ ગયો છે. આને કારણે પ્રજા અસહ્ય એવા સીધા કે આડા ટેકસનો ભોગ બનતી રહે છે.
અત્યારને તબક્કે પેન્શનરોએ અવાજ ઉઠાવવો જોઈએ કારણ, સાંસદો ને સંસદ સભ્યોને મળતું પેન્શન આવક ગણાતું નથી ને તેને સંપૂર્ણ કરમુક્તિ મળે છે. આ સાંસદો ને સભ્યો ગરીબ છે? તો સાધારણ પેન્શનરનું પેન્શન ટેકસેબલ ને સાંસદનું કરમુક્ત એવું કેમ? એકને ગોળ ને એકને ખોળ-આ નીતિ કોઈ રીતે યોગ્ય નથી. વારુ, સાંસદ પાંચ વર્ષની ટર્મ પૂરી કરે તો તેનું પેન્શન શરૂ થઈ જાય છે તો એ પૂછવાનું થાય કે કોઈ કર્મચારી પાંચ વર્ષ નોકરી કરે તો તેને પેન્શનને પાત્ર ગણવામાં આવે છે? સાંસદ પગારદાર નોકર નથી. તે કરે છે તે નોકરી કે ધંધો નથી. એ જુદી વાત છે કે એનો પોતાના સ્વાર્થ માટે કેટલાક સાંસદોએ ધંધો કર્યો હોય!
કોઈ કોર્પોરેટર, વિધાનસભ્ય બને ને પછી તે સાંસદ બને તો તે કોર્પોરેટરનું, વિધાનસભ્ય તરીકેનું ને સાંસદ તરીકેનું મળીને આરામથી ત્રણ ત્રણ પેન્શન જરા પણ સંકોચ વિના હકથી ગજવે ઘાલી શકે છે. તે ચૂંટણી જીતીને સાંસદ બને છે. એની ટર્મ પૂરી થાય કે એણે ફરી સાંસદ બનવા ચૂંટણી જ જીતવી પડે એમાં આગલી ટર્મ આગળ ખેંચાતી નથી. મતલબ કે ટર્મ પૂરી કે સેવા પણ પૂરી. એમાં નિવૃત્તિ લાભ તરીકે પેન્શન અપાય જ નહીં, પણ અપાય છે ને એમાં ઉત્તરોત્તર વધારો અનેક ભથ્થાં વગેરેમાં થતો જ રહે છે. આ વધારો મેળવવામાં વિપક્ષ પણ સાથે જોડાઈ જાય છે. આનો વિરોધ થતો નથી, કારણ એમાં એની હોજરી પણ તર થતી હોય છે. મોંઘવારી સૌથી પહેલી ને વધારે આ લોકોને નડે છે. આ સૌને પેન્શન મળે છે ને તેના પર ઇન્કમટેક્સ લાગતો નથી એ હકીકત છે.
પહેલી વાત તો એ કે પાંચ વર્ષની સેવા સાથે ટર્મ પૂરી થાય કે પેન્શન ન મળવું જોઈએ ને જો મળે છે તો તે ટેક્સેબલ હોવું જોઈએ. જો સાંસદનું પેન્શન કરમુક્ત હોય તો અન્ય પેન્શનર્સનું કરમુક્ત કેમ નહીં? સાંસદોને મફત રાશન, વીજળી, ફોન, રેલ સેવા, હવાઈ યાત્રા જેવી જે પણ છૂટો અપાય છે તે પુનર્વિચારણાને પાત્ર છે. ને આ બધું છતાં તેઓ સાંસદની કેન્ટિનમાં મફતને ભાવે પેટપૂજા કરે છે. આ બધું અનેક સ્તરે ચર્ચાસ્પદ છે.
એ અત્યંત દુખદ છે કે લૂંટવાને મામલે સારા કે ખરાબ વચ્ચે હવે પાતળી ભેદરેખા ખાસ બાકી રહી નથી. આ પૂરેપૂરું વિરોધને પાત્ર છે ને શરમજનક પણ !
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જૂન 2020