મરે નહીં ને માંદો થાય, આ સિત્તેરી ડોસો,
ઘરમાં અટવાતો દેખાય, આ સિત્તેરી ડોસો …
કામ કરે ના એકકે, એનાં કામ કરે છે સહુ,
એનું પાણી મૂકતાં, પાણી પાણી થાય છે વહુ,
ખાંસી, હાંસીમાં અટવાય, આ સિત્તેરી ડોસો …
વ્યાજ મળે ઓછું ને એમાં ટીડીએસ કપાતો,
સ્કિમ બધે રોકડની, સિનિયર માટે ખાલી વાતો,
રિટર્ન ભરતાં થાકી જાય, આ સિત્તેરી ડોસો …
લોન મળે ના વીમો, એને કામ ન આપે કોઈ,
હવે ટ્રેનમાં બેસે તો બેસે કન્સેશન ખોઈ,
જાય પછી પણ ના સમજાય, આ સિત્તેરી ડોસો,
મરે નહીં ને માંદો થાય, આ સિત્તેરી ડોસો …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


શિક્ષણની જ વાત કરીએ તો આ વર્ષથી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સાર્વજનિક યુનિવર્સિટી તરીકે અસ્તિત્વમાં આવી. સોસાયટીએ, યુનિવર્સિટી તરીકે પ્રગટ થવા સરકારમાં અરજી કરી ત્યારે તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે તે પોતાની સાથે સેલ્ફ ફાયનાન્સ કોલેજો જ રાખશે અને તેનું સ્ટેટસ ખાનગી યુનિવર્સિટી તરીકેનું જ રહેશે. સરકારે એ શરતે મંજૂરી આપી કે તે એક પણ રૂપિયાની મદદ નહીં કરે. સાર્વજનિક યુનિવર્સિટીને એ મંજૂર હતું ને એને ખાનગી યુનિવર્સિટી તરીકેની મંજૂરી આ વર્ષથી મળી પણ ગઈ. ખાનગી યુનિવર્સિટી બનવાનું સોસાયટીએ કેમ સ્વીકાર્યું તેનો જવાબ હોદ્દેદારો એમ આપે છે કે કેટલાક કોર્સિસ ખાનગી યુનિવર્સિટી તરીકે શરૂ કરવામાં સરળતા રહે ને જરૂરી ફી લઈને તે શરૂ કરી શકાય. એવા કયા કોર્સિસ છે જે ખાનગીમાં જ શરૂ કરી શકાય અને ગ્રાન્ટેડમાં ન થઈ શકે તેનો ખુલાસો થયો નથી, પણ એટલી સ્પષ્ટતા જરૂર થઈ છે કે સાર્વજનિક યુનિવર્સિટી ધંધો કરવાને ઇરાદે જન્મી નથી. સ્પષ્ટતા તો એવી ય થઈ છે કે કેટલાક સેલ્ફ ફાયનાન્સ કોર્સિસમાં સોસાયટી ખોટ પણ કરે છે. આ સાચું હોય તો એમ સ્વીકારવું પડે કે ખાનગી કોલેજો પણ ખોટ કરે છે, તો પ્રશ્ન એ થાય કે ગ્રાન્ટેડમાં અને ખાનગીમાં ફેર શું રહે છે? જો ખાનગીમાં ખોટની શક્યતા રહેતી હોય તો સરકાર ખાનગીકરણ ખોટ ખાવા કરે છે? ખાનગીમાં પણ ખોટ જ જવાની હોય તો ગ્રાન્ટેડનો વેપલો શું ખોટો છે?