'સાહેબ, હજી બી.એ.નું રિઝલ્ટ નથી આવ્યું, ત્યાં એમ.એ.નું ફોર્મ કેવી રીતે ભરું?'
'ભાઈ, બી.એ. પછી કરો તો વાંધો છે?'
•
કેટલાકને ડાયાબિટીસ હોય છે તો કેટલાકને દોઢ ડા'યાબિટીસ !
•
'સાહેબ, શું લાગે છે, ત્રીજી લહેર આવશે?'
'આવે પણ, કારણ મહેનત તો બધાં જ કરી રહ્યાં છે …'
•
'લગ્ન પછી માણસ શું કરે છે?'
'પસ્તાવો.'
•
'મેળાવડામાં 400ને છૂટ ને મરણમાં 40ને, તો મરણમાં 400ને બોલાવવા શું કરવાનું?'
'10 વખત મરવાનું.'
•
'રખાત અને પત્ની વિશે કૈં કહો.'
'રખાત જાણતી હોય છે કે પત્ની છે જ્યારે પત્ની ન પણ જાણતી હોય કે …'
•
'તમે પુન:લગ્નમાં માનો છો?'
'ના. તું?'
'રાહ જોઉં છું.'
•
'અલ્યા, પત્ની ગુજરી જાય તો તું બીજી કરે?'
'એની ક્યાં માંડે છે! મારા વાળી તો વિધવા પુનર્લગ્નનો લાભ લેવા વ્રત કરે છે.'
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


સુરતના લોકો મૂર્ખ છે ને તે વર્લ્ડ ક્લાસ સ્ટેશનને મામલે વર્ષોથી હોલસેલમાં બુદ્ધુ બની રહ્યા છે એવું નથી લાગતું? સુરતીઓ ભોળા અને લહેરી છે, પણ તેમને સરકાર ઘણી વાર મૂર્ખ બનાવે છે તે બરાબર નથી. ભારતમાં વસતિના પ્રમાણમાં સૌથી વધુ રેવન્યૂ સરકારને સુરત રળી આપે છે, એવું પાછાં તંત્રો જ કહે છે, પણ સુરતને કૈં પણ આપવાની વાત આવે છે તો તે ભા.જ.પ.ની સરકાર હોય કે કૉન્ગ્રેસની, સુરતને છેલ્લે જ રાખવામાં આવે છે. તેને રેડિયો સ્ટેશન, તે પણ એફ.એમ., 1990માં ઉપકાર કરતી હોય તેમ સરકારે આપ્યું ને તે અત્યારે એવી સ્થિતિમાં છે કે ગમે ત્યારે બંધ થાય તો આઘાત ન લાગે. તેનું દૂરદર્શન કેન્દ્ર તો દુ:ખદર્શન જેટલું પણ જણાતું નથી. તેને એરપોર્ટ પણ ઘણું કરાંજ્યાં પછી મળ્યું છે, તે આંતરરાષ્ટ્રીય સ્તરનું તો કયા જન્મમાં થશે તે તો સરકારો જ ભાખી શકે. તેની ફેરી સર્વિસ ફેરી ટેલ જેવી અજાયબ છે, જે ચાલે છે ઓછી ને બંધ વધારે રહે છે. ટૂંકમાં, સુરતને જેટલી પણ લહાણીઓ થાય છે તે ભીખની જગ્યાએ હોય છે ને તે કેવી ને કેટલી ટકશે તેની કોઈ ખાતરી નથી હોતી. તે આપવા પૂરતી અપાય છે ને તેમાં જીવ હોતો નથી. પ્રજા પણ એટલી નિર્માલ્ય છે કે તેને પોતાના હકનું ખાસ ભાન જ નથી ને જે ટુકડાઓ ફેંકાય છે તેને ઉપકાર સમજીને હોજરી ભરી લે છે. જે પ્રજા હક નથી માંગતી તેને હરામી ગણીને જ તેની સાથે વ્યવહાર થતો હોય છે. સુરતને અન્યાય કરનારાઓની ખોટ નથી, પણ અન્યાય ચલાવી લેનાર પણ નિર્દોષ નથી એ પણ એટલું જ સાચું છે.