કવિતાને કોઈ શબ્દની છોછ નથી, પણ જે તે કાવ્યપ્રકારની સ્વરૂપ લેખે વિશેષતા છે તેમ જ મર્યાદાઓ પણ છે. જેમ કે હાઈકુ એ 17 અક્ષરની મર્યાદા સ્વીકારી છે. કોઈ 18 કે 16 અક્ષરનું હાઈકુ લખે તો તે બીજું કૈં પણ હોય, હાઈકુ નથી! એવું જ સોનેટનું. કોઈ 15 કે 13 પંક્તિનું સોનેટ ન લખી શકે.
એ જ પ્રમાણે ગઝલમાં વાતચીતના શબ્દોનું મહત્ત્વ સ્વીકારાયું છે. વારિ, ઉદધિ, સ્પંદન જેવા શબ્દો વાતચીતમાં ચલણી બને, એનો વપરાશ સહજ બને તો ગઝલમાં આવી જ શકે, પણ એનો સમય લાગે. એ એક જણનું કામ નથી. એ સ્કૂલોમાં ખપમાં લેવાય તો પ્રચાર વધારે સરળ બને. આ બધા શબ્દો કવિતાના અન્ય પ્રકારો-સોનેટ કે અછાંદસ કે ખંડકાવ્ય જેવામાં વપરાય જ છે. વાત ગઝલની હોય તો એ એક જ પ્રકાર એવો છે જેની વ્યાખ્યામાં જ વાતચીતનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. એટલે એમાં સરળ, સહજ શબ્દો વધુ આવકાર્ય બને. આમ થવાનું કારણ પણ છે. મોટે ભાગના શાયરો સંસ્કૃત ને અન્ય ભાષાના અભ્યાસીઓ ન હતા. ઉર્દૂમાં લખતા હતા, પણ ઉર્દૂના બહુ મોટા અભ્યાસી ન હોય એવા પણ ઘણા શાયરો હતા. એ પછી ગુજરાતીમાં ગઝલ લખતા થયા. એમાં પણ ઘણા ગુજરાતી શાયરો બહુ ભણેલા ન હતા. એટલે જેની સહજ જાણકારી હતી એવા શબ્દોનો ઉપયોગ એમણે ગઝલમાં કર્યો, પણ એમાં જે ઉત્તમ લખનાર હતા તેઓએ ગઝલની મૂળભૂત વ્યાખ્યાને વફાદાર રહેવાનું સ્વીકાર્યું. એ વ્યાખ્યા હતી – ગઝલ એટલે પ્રિયતમા સાથે એકાંતે વાતચીત. અહીં પ્રિયતમાનો અર્થ પ્રિયતમા જ નથી.
ગુજરાતી કવિતામાં ઈશ્વરની પ્રેમિકા બનીને ઈશ્વર ભક્તિ નરસિંહ, મીરાં વગેરેએ કરી. ગઝલમાં વાત એવી નથી. એમાં ઈશ્વરને માશૂકા તરીકે, પ્રેમિકા તરીકે જોવાય છે એટલે એમાં ભક્તિનો નહીં, પણ પ્રેમનો મહિમા છે. આપણી પ્રેમલક્ષણા ભક્તિથી ગઝલ એ રીતે જુદી પડે છે. ગઝલ કૈં ભજન, પદ કે ગીત નથી. એટલે કોઈ ગીતગઝલ કે ગઝલગીત જેવા પ્રયોગો કરે છે તે બાવાના બે ય બગાડે છે. નથી એમાં ગીત રહેતું કે નથી એમાં ગઝલ રહેતી. વારુ, પ્રેમિકા સામે પંડિતની ભાષા નહીં, પ્રેમની જ વાત પ્રભાવક નીવડે. એ જ કારણ છે કે ગઝલમાં વાતચીતની ભાષા અપેક્ષિત છે. જેમને એવું છે કે તત્સમ, તદ્ભવ શબ્દોનો ગઝલમાં ઉપયોગ થવો જોઈએ તે સોનેટ, ખંડકાવ્ય કે એવા અન્ય પ્રકારોમાં એનો ઉપયોગ ભલે કરે, પણ ગઝલને ન બગાડે. લીંબુનું બહુ બહુ તો સંતરું ઠીક લાગે, તેનું તડબૂચ કરવામાં તો તેના આત્માને હણવા જેવું થશે.
ગઝલની બીજી વિશેષતા એ છે કે તે તરત જ કોમ્યુનિકેટ થાય છે. સોનેટમાં ચમત્કૃતિ 14મી પંક્તિએ આવે છે જ્યારે ગઝલના શે'રમાં એ બીજી જ પંક્તિએ આવે છે એટલે એ બીજા કોઈ પણ કાવ્ય પ્રકાર કરતાં ભાવકને વહેલી સમજાય છે. એનો આનંદ તરત જ થાય છે. એટલે જ એ સૌથી વધુ લોકપ્રિય પણ છે. આ લોકપ્રિયતાને કારણે જ જે આવે તે ગઝલ લખવા મંડી પડે છે. વધારે કૈં જાણ્યા વગર લોકપ્રિય થવા ઘણા કહેવાતા ગઝલકારો ગઝલ જેવું લખી મારે છે ને એને વખાણનારાઓ તો બિચારા ગઝલ કેમ લખાય તે તો જાણતા જ નથી એટલે એમ જ ‘વાહ,વાહ!' કરીને બિરદાવે છે ને ગઝલકાર રાજીનો રેડ થઈને વળી થોડી ગઝલ ઘસડી મારે છે. એ જ કારણ છે કે ગઝલ વધુ લખાઈ ને વગોવાઈ પણ ખૂબ છે. એમાં વાંક ગઝલનો નથી, ગઝલકારોનો છે. ગઝલને તેના ટીકાકારો નહીં મારે, ગઝલકારો જ મારશે.
બીજી એક વાત પણ મહત્ત્વની છે. સરળ શબ્દે પણ કવિતા તો સિદ્ધ થવાનું જ છે. જે શબ્દ કવિતામાં નવું રૂપ પ્રગટ ન કરે કે નવો અર્થ પ્રગટ ન કરે કે હૃદયને સ્પર્શે નહીં કે રક્તમાં આંદોલન ન જગવે તે શબ્દ સરળ હોય કે અઘરો, કવિતાને ખપનો નથી .ફાફડા, જલેબી, ઘારી, દૂધપાક જેવા શબ્દો સરળ છે, પણ એ ગઝલમાં કે કવિતા માત્રમાં કશું વિશેષ સિદ્ધ ન કરે તો એનાથી કદાચ પેટ ભરાય, મન નહીં, તે કહેવાની જરૂર ખરી?
000
e.mail : ravindra21111946@gmail.com