૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪ની નમતી સાંજ હતી. આકાશમાં જ્યારે સૂર્યદેવનો રથ પશ્ચિમ ભણી ગતિ કરી રહ્યો હતો, ત્યારે પૂનાના આગાખાન પેલેસમાં કસ્તૂરબાનો અંતિમ સંસ્કાર થઈ રહ્યો હતો. પુત્ર દેવદાસે મુખાગ્નિ આપ્યા બાદ સર્વે આપ્તજનો બાના નશ્વર દેહને અંતિમ પ્રણામ કરી રહ્યા હતા. પતિ મોહનદાસ કરમચંદ ગાંધી પોતાની 62 વર્ષ જેવા સુદીર્ઘ સમયની જીવનસંગિની કસ્તૂરબાને મનોમન વિદાય આપી રહ્યા હતા. તેમનું મન ક્ષુબ્ધ હતું. આ પળ હતી જીવનભરના સરવૈયાની. તો સ્વગત બોલી રહ્યા હતા – હું તારા વિના આજે નોંધારો થઈ ગયો. પોતાના બાળકોની ઇચ્છાપૂર્તિની જવાબદારી મા-બાપની હોય છે, પણ હું તે ન કરી શક્યો. હું તો સન્યાસીની જેમ સર્વ કલ્યાણમાં મંડેલ રહ્યો, અને હરિદાસ અને બાળકોને અવગણ્યા. હું સતત જાણતો હતો કે તું મારાથી દુઃખી હતી. મેં તને દુભવી. હરિદાસે સાચું જ કહેલું, ‘તમને બાએ મહાન બનાવ્યા છે.’ મારા ખાતર તેં હરિને ત્યજી દીધો હતો એ કંઈ નાનીસૂની વાત ન હતી. મેં હરિલાલને ના બોલાવ્યો અને તે પોતે ક્યારે ય આવ્યો જ નહીં. બસ એટલું જ … ‘ ગાંધી સદ્દગત પત્નીને કહી રહ્યા હતા, ‘તું મારા કરતાં સાચ્ચે જ મૂઠેરી ઊંચી હતી.‘ (પૃ. 279) પતિ, પુત્રો, પરિવાર તેમ જ સઘળા રાષ્ટ્ર કાજે કસ્તૂરબાએ આજીવન કરેલ તપ, ત્યાગ, સેવા અને સમર્પણનો આ સરપાવ હતો.
પતિની આવી શ્રદ્ધાંજલિ પામનાર કસ્તૂરબા એક અસાધારણ સ્ત્રી હતાં. જેમણે પોરબંદર ગામના ગભરુ, અતિ સાધારણ એવા મોનિયાને રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી બનવામાં સતત મૌન ફાળો આપ્યો હતો.
કસ્તૂરબાના જીવન પર આધારિત હિન્દી નવલકથાકાર પદ્મશ્રી ગિરિરાજ કિશોર લખેલ નવલકથા ‘બા’ (2016) નવલકથાનો પ્રારંભ પોરબંદર ખાતે કસ્તૂરબાના ઘરની સામે એક વૃદ્ધ સાથે થયેલ સંવાદથી કરે છે. લેખક ગાંધીજીના જીવન પર આધારિત નવલકથા ‘પહેલા ગિરમીટિયા‘ માટે સંશોધનાર્થે પોરબંદર ગયેલા અને ત્યાં તેમને સાંભળવા મળ્યું કે કસ્તૂરબાના પિયરનું મકાન પણ એ જ નગરમાં છે. ગાંધીજીનું જન્મસ્થળ જોયા બાદ તેઓ શોધતા શોધતા કસ્તૂરબાના મકાને પહોંચ્યા. મકાનની બહાર એક વૃદ્ધ મળી ગયો. તેમણે પૂછ્યું, ‘આ કસ્તૂરબાનું મકાન છે ને ?‘ વૃદ્ધે જવાબ આપ્યો, ‘વાહ, તમે કસ્તૂરબાને જાણો છો ?‘ તેમણે કહ્યું, ‘બા વિશે વાંચેલું છે.' પેલા વૃદ્ધ બોલી ઊઠ્યા, ‘કસ્તૂરની કોઈને ય પડી નથી. બધા ગાંધીને જાણે છે, પૂજે છે. ભૂલ્યુંભટક્યું કોઈ અહીં આવી ચડે તો અમારું ભાગ્ય.’ એ વૃદ્ધની આંખમાં વેદના અને ફરિયાદ હતી.
સાચે જ બાની કોઈને નથી પડી એ વાત ‘હમારી બા‘ લખનાર વનમાળા પરીખ અને સુશીલા નૈયર પણ નોંધે છે. તો વળી ગાંધીજીના પૌત્ર અરુણ ગાંધી તથા સુનંદા ગાંધીએ બાના જીવન પર લખેલ પુસ્તકને તેમણે ‘ફરગોટન વુમન‘ નામ આપવું ઉચિત માનેલું. વળી તેમનું આ પુસ્તક છાપવા માટે ભારતીય પ્રકાશકોએ ઘસીને ના પાડેલી. કહેલું, ‘ગાંધી પર પુસ્તક હોત તો ચોકકસ છાપત.’ છેવટે કોઈ અમેરિકન પ્રકાશકે કસ્તૂરબા પરનું આ પુસ્તક પ્રકાશિત કરેલું. અરુણ ગાંધી તથા સુનંદા નોંધે છે 'અમારી દાદીની જીવનકથા ફક્ત એટલી જ કે જ્યારે મોહનદાસ સત્યના પ્રયોગો કરતા હતા, ત્યારે બા તે પ્રયોગોનો તાપ જીરવતા હતા, તે પતિના પ્રયોગોને જીવતા હતા. કસ્તૂરબાનું સઘળું જીવન ગાંધીજીની સત્યની શોધની સૂક્ષ્મતમ પ્રક્રિયાના પ્રત્યક્ષ અનુભવમાં વીત્યું.'
ગાંધીજી તથા કસ્તૂરબાના સહજીવન તથા પારસ્પરિક વિકાસની ભાગીદારીની વાત અગણિત પુસ્તકોમાં ચર્ચાઈ ચૂકી છે. અહીં તો એટલું જ નોંધવાનું કે, બાપુના પારસ સ્પર્શે કસ્તૂરબા કંચન બન્યાં તે વાત સાચી તો ખરી, પરંતુ તે ફક્ત સ્પર્શ માત્રનો કમાલ નહોતો. બા દરેક પગલે બાપુના વિચારો તથા આગ્રહોના તાર્કિક સ્વીકાર સાથે બધું અપનાવતા ગયાં. તેમણે ક્યારે ય પણ ફક્ત પતિના આગ્રહને વશ થઈને કોઈ સિદ્ધાંત સ્વીકાર્યો નહોતો. ચાર પુત્રોનાં માતા-પિતા બન્યા બાદ વર્ષ 1906માં જ્યારે બાપુએ બ્રહ્મચર્યનું વ્રત લીધું, ત્યારે તે વ્રતનો સ્વીકાર કસ્તૂરબાએ પતિની ઇચ્છાને વશ થઈને કર્યો નહોતો. તેઓ પોતે બ્રહ્મચર્યમાં માનતા થયા હતા. અને તેમની સંપૂર્ણ સંમતિ સાથે બાપુ આ વ્રત લઈ શક્યા હતા. આ સઘળી વાતો એક જ સત્ય તરફ આંગળી ચીંધે છે કે, ગાંધીના પડછાયાની જેમ પળેપળ તેમની સાથે રહેનાર કસ્તૂરબાને સુયોગ્ય યશ કે માન નથી મળ્યાં. તેઓ એક ‘અનસંગ શીરો‘ છે. બા-બાપુની દોઢસોમી જન્મ શતાબ્દી વર્ષે આ પ્રશસ્તિવંચિત કસ્તૂરબાનું સ્મરણ યથોચિત છે.
ગિરિરાજ કિશોરે લખેલ બાયોફિક્શન ‘બા‘ના ચુનંદા પ્રસંગોના અનુવાદ થકી તેમને શ્રદ્ધાસુમન અર્પણ છે.
કિશોર મોનિયો કિશોરી પત્ની કસ્તૂર પર પતિ હોવાનો રોફ ચલાવતો. તેણે ક્યાં જવું, કોની સાથે બોલવું તે બધું મોનિયાને પૂછીને જ થવું જોઈએ. એક દિવસ સાસુજી પૂતળીબાએ કસ્તૂરને કહ્યું, હું મંદિર જઉં છું, તું ચાલ મારી સાથે. કસ્તૂર કોઈને પૂછ્યા કર્યા વગર સડસડાટ પૂતળીબા સાથે મંદિર જતી રહી. મોનિયો ઘરે જ હતો. પણ કસ્તૂરે તેની પરવા જ ના કરી. બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે આ જ ક્રમ ચાલ્યો. મોનિયાને કસ્તૂરનું આવું વર્તન જરા ય ન ગમ્યું. છેવટે ધીરજ ત્યજીને તેણે કસ્તૂરને સંભળાવી દીધું, હું તારો પતિ થાઉં, મારી પરવાનગી વગર ક્યારે ય તારે ક્યાં ય જવાનું નથી તે તું જાણે છે અને તો ય મને પૂછ્યા વગર બા સાથે જતી રહે છે તે યોગ્ય નથી. કસ્તૂર કેટલા ય વખતથી કિશોર પતિ મોનિયાની જોહુકમીથી કંટાળેલી હતી. પણ તેને પતિના ગુસ્સાનો જવાબ ધીમા સ્વરે આપ્યો. કહ્યું, તમે ઇચ્છો છો કો હું બાને બદલે તમારું કહ્યું માનું. પતિદેવ બિચારા શું બોલે. મોનિયો સમસમી ગયો અને બરાબર સમજી ગયો કે આ છોકરીની સંમતિ વગર તેની પાસે કશું ય કરાવી શકાય તેમ નહોતું. (પૃ. 39)
000
મોનિયો વિલાયતમાં બેરિસ્ટરી ભણીને બાબુ બનીને પાછો ફર્યો. એક પુત્રની માતા તેવી તેની પત્ની કસ્તૂર બારણાની ઓટમાં રહીને આ વિલાયતી માણસને જોઈ રહી હતી. તેને મોનિયાની વિદાયનું દૃશ્ય યાદ આવી ગયું. તે વખતે પણ કસ્તૂરે મોનિયાને બારણાની પાછળથી જ વિદાય આપેલી. પણ આ નવો મોનિયો તો તદ્દન બદલાઈ ગયો હતો ! ક્ષણાર્થ માટે કસ્તૂરને પોતાની જાત પર દયા આવી ગઈ … ગઈ કાલનો મોનિયો આજે વિલાયતી સાહેબ બનીને પાછો ફર્યો છે. અને પોતે જેવી હતી, જ્યાં હતી, ત્યાંની ત્યાં જ ઊભી છે ! તદ્દન અજાણ દેખાતો મોનિયો જીવનની દોડમાં તેનાથી ઘણો આગળ નીકળી ગયો છે … તે વિચારી રહી, સ્ત્રી સાથે આવું કેમ થતું હશે ? કૂદકે ને ભૂસકે આગળ વધતા પુરુષના પ્રમાણમાં તેની પત્ની કેમ જ્યાં હતી ત્યાંની ત્યાં રહી જતી હશે ? (પૃ. 64)
000
પતિ તથા ત્રણ પુત્રો સાથે દરિયાઈ માર્ગે ડર્બન પહોંચેલ કસ્તૂર માટે અહીંના બધા જ અનુભવો તદ્દન નવા હતા. તેણે જોયું કે વહાણ ન લાંગરવા દેવા માટે પ્રયત્નશીલ તેવા ગોરાઓ પોતાના પતિને દુશ્મન માનતા હતા. એટલું જ નહીં ગાંધીને ફાંસી આપવાના નારા બોલાવી રહ્યા હતા. આ વાત લંડન પહોંચતા ત્યાંથી આદેશ આવેલો કે ગાંધી વિરુદ્ધ વર્તન કરનારને પોલીસ પકડી જશે. ગોરી પોલીસે ગાંધી પાસે નામો માગ્યા તો ગાંધીએ નામો આપવાની ના પાડી દીધી અને કહ્યું, ‘મારા આવા નકારાત્મક સ્વાગત માટે હું તે બધાઓને માફ કરી ચૂક્યો છું.’ ગાંધીની આવી ક્ષમાવૃત્તિએ ત્યાંના ગોરાઓનું મન જીતી લીધું. કસ્તૂર પોતાના પતિ મોનિયાને સમ્માનિત જનનાયક બનતો જોઈ રહી. તે સાક્ષીભાવે વિચારી રહી, જેમ પ્રેમથી પ્રેમનો રસ્તો ખૂલે છે તેમ ક્ષમાથી સમ્માનનો રસ્તો મોકળો થતો હોય છે. મનોમન તે પોતાના પતિને બિરદાવી રહી. (પૃ. 94)
000
ડર્બનના પ્રારંભિક દિવસોમાં કસ્તૂર અને બાળકોએ એક પારસી સજ્જન રુસ્તમજીના પરિવાર સાથે રહેવું પડેલું. એ પરિવારે કસ્તૂર અને તેનાં બાળકોને પ્રેમથી અપનાવેલા, પરંતુ કસ્તૂરને કેમેય કર્યું ગોઠતું નહોતું. આ તે કેવો દેશ ? આખો દિવસ બધાએ બૂટ પહેરીને રહેવાનું ! બૂટ પહેરીને રસોડામાં જઈને રાંધવાનું અને તે પણ વળી ઊભા ઊભા ! વળી આ લોકો માછલી ખાતા હતા. અને ચુસ્ત વૈષ્ણવ સંસ્કાર ધરાવતી કસ્તૂરને આ જરા ય ગમે તેમ નહોતું. માછલીની ગંધ જાણે આખા ઘરમાં વ્યાપેલી રહેતી. એ ગંધથી કસ્તૂરને ઉબકા આવતા. આવી પરિસ્થિતિમાં પહેલીવાર કસ્તૂરને સમજાયું કે જીવનમાં ખોરાકનું શું મૂલ્ય હોય છે …. આ રહેવાસ દરમિયાન કસ્તૂરનાં બાળકોનું બા સંબોધન સાંભળીને રુસ્તમજી પરિવારે તેને કસ્તૂરબા કહેવાનું શરૂ કર્યું. કોને ખબર હતી કે પ્રેમાળ રુસ્તમજી પરિવારે કરેલ આ સંબોધન કસ્તૂર માટે જીવનપર્યંતનું સંબોધન બની રહેશે ? હવે કસ્તૂર કસ્તૂર ન રહી, તે કસ્તૂરબા હતી. (પૃ. 95)
000
સફળ પતિ અને પરિવાર સાથે ડર્બનથી સ્વદેશ પાછા ફરવાનો કસ્તૂરબાનો અનુભવ અનેરો હતો. મુંબઈ બંદરે પહોંચતાની સાથે પતિ મોહનદાસ કોઈ કામે કલકત્તા જવા નીકળી ગયા. કસ્તૂરે જોયું કે ભારતીયોએ તેમના સત્કાર માટે મોટો સમારંભ યોજેલો હતો. આયોજકોને ખબર હતી કે ગાંધી આ સમારોહમાં રોકાઈ શકશે નહીં. અને તો ય સમારંભ યથાવત રાખ્યો હતો. તેના કેન્દ્રસ્થાને કસ્તૂરબા હતાં. તેમને પોતાને આશ્ચર્ય થયું ! ગાંધીની હાજરીમાં સમારંભ થાય તે તો સમજાય, પરંતુ તેમને માટે આવું આયોજન ! કસ્તૂરબાને આ પળે થોડાં વર્ષો પહેલાં નાતીલાઓએ મોહનદાસના વિદેશગમનને કારણે સમગ્ર પરિવારને નાત બહાર મૂકેલો તે ઘટના સ્મરી આવી. તે જોઈ રહ્યાં હતાં કે આજે દૃશ્ય તદ્દન વિપરીત હતું. અપમાનિત કરી નાત બહાર મુકનારાઓ જ આજે તેમને માન સાથે પોંખી રહ્યા હતા. કસ્તૂરબા વિચારી રહ્યાં, આ સઘળું મારા પતિ મોહનદાસની તપસ્યાનું ફળ છે. (પૃ. 110)
000
બાપુના બગડતા જતા સ્વાસ્થ્યની બધાને ચિંતા હતી. ડો. દલાલે બાપુને દર બે કલાકે દૂધનું સેવન કરવા જણાવ્યું. પરંતુ બાપુએ ના પાડી દીધી. તેમણે કહ્યું કે તેઓએ દૂધાળ પશુ પર મનુષ્ય દ્વારા થતા અત્યાચારોને કારણે દૂધ ન પીવાની પ્રતિજ્ઞા કરેલી છે. બધા જાણતા હતા કે ગાંધીની પ્રતિજ્ઞાને કોઈ જ ન તોડાવી શકે. ત્યાં તો તેમની પથારીની પાસે બેઠેલાં કસ્તૂરબાએ શાંત ભાવે કહ્યું, બરાબર છે. તો પછી તમને બકરીનું દૂધ પીવામાં વાંધો ન હોવો જોઈએ. બાની વાત સાંભળીને બાપુ વિચારમાં પડી ગયા. સરળ, પ્રેમાળ અને બુદ્ધિશાળી જીવનસંગિનીએ તેમને અનાયાસે પરાસ્ત કરી દીધા હતા. પ્રતિજ્ઞા લેતી વેળાએ દૂધાળ પશુઓમાં તેમણે બકરીને ગણી નહોતી. એટલે પ્રતિજ્ઞા તોડ્યા વગર બકરીનું દૂધ લઈ શકાય તેમ હતું. તેઓ કશું કહ્યા વગર ચૂપચાપ બેસી રહ્યા. બા સમજી ગયાં. થોડી વારમાં બકરીનાં દૂધથી ભરેલ ગ્લાસ તેમણે બાપુના હાથમાં મૂકી દીધો. ત્યાર બાદ આવનાર સમય માટે બકરીનું દૂધ બાપુ હંમેશ લેતા. (પૃ. 213)
000
હરિજન આશ્રમથી આરંભાતી દાંડીકૂચ વેળાએ બાએ ગોરાઓની સામે પડનાર પતિનો હિંમતથી સાથ આપેલો. ગોરાઓનો ગુસ્સો અને આતંક વહોરવા જઈ રહેલા પતિને તેમણે તિલક કરીને વિદાય કરેલા. એક વિરાંગનાને શોભે તે રીતે … (પૃ. ૨૩૩) પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોઈને બા હંમેશ કહેતાં, ‘અમારી જેલયાત્રાઓ રૂપી જીવનધનનું વ્યાજ છે આ બાળકો’ …. જીવનના અંતિમ દિવસ સુધી બા આગાખાન પેલેસના પ્રાંગણમાં ચિર નિદ્રામાં પોઢેલ પોતાના સૌથી મોટા પુત્ર સમા મહાદેવભાઈ દેસાઈની સમાધિ પર સવાર-સાંજ દીવો કરતાં. કોકવાર પોતે ન કરી શકે તો અંતેવાસી સુશીલા નૈયરને કહેતાં, ‘બેટા, મારા શંકર-મહાદેવને દીવો કરજે.’ અંતિમ સાંજે પણ તેઓ એ ટકોર કરવાનું નહોતા ભૂલ્યાં. (પૃ.278)
* મહાન પુરુષ-નાયક હીરો તરીકે નવાજાતા હોય છે. તે સંદર્ભે સ્ત્રી-નાયક માટેની નવી અંગ્રેજી સંજ્ઞા છે 'શીરો'. કસ્તૂરબા સાચે જ એક મહાન શીરો [shero] હતાં, જેમને ઇતિહાસે અને સમાજે યથોચિત યશ ન આપ્યો. તેઓ એક પ્રશસ્તિ વિહીનનાં શીરોનું જીવન જીવી ગયાં.
E-mail : ranjanaharish@gmail.com
પ્રગટ : "નવનીત સમર્પણ" તેમ જ "અકાલ પુરુષ"