પહેલા વિશ્વયુદ્ધમાં ફૌજી નોકરીમાં મને ઈરાન મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી બલુચીસ્તાન આવ્યો અને 1920માં અમે દેશ ભેગા થયા કે તરત જ હું ગાંધીજીને મળવા સીધો અલ્હાબાદ પહોંચ્યો. ત્યારે ખાદીનાં કપડાં સીવડાવી લેવા જેટલો પણ હું થોભ્યો નહોતો. છાપામાં ગાંધીજીની અપીલ વાંચી હતી એટલે નોકરીનું રાજીનામું આપીને જ આવ્યો હતો. આનંદભવનમાં પંડિત મોતીલાલ નહેરુ, મહાત્મા ગાંધીજી અને મૌલાના મહમદઅલી–શૌકતઅલી અંદરઅંદર ચર્ચા કરી રહ્યા હતા; છતાં મને એમની સમીપ જવાની રજા મળી ગઈ. ત્યાં બેસવા માટે ખુરશી આપી એટલે તરત જ મહાત્માજી આગળ મારો બધો વૃત્તાંત કહી નાખ્યો. છેવટે પ્રાર્થના કરી : ‘મને કાંઈ કામ બતાવો.’
ગાંધીજી હસીને બોલ્યા : ‘જે કામ બતાવું તે કરશો?’
મેં કહ્યું : ‘જરૂર કરીશ.’ એટલે ગાંધીજીએ જણાવ્યું : ‘જાવ, એક નગારું ખરીદી દાંડી પીટજો.’
મેં નમસ્કાર કર્યા અને પાછો આવ્યો. મનમાં વિચાર્યું કે કામ તો સહેલું છે! એમાં કંઈ બુદ્ધિની ખાસ જરૂર પણ નથી. ફક્ત એક નગારું ખરીદી લાવવાની વાર છે – પછી દાંડી પીટી દઈશ. શેની દાંડી પીટીશ તેનો વિચાર કરતો હું ઘરે પહોંચ્યો. ઘરે પહોંચ્યા પછી ગાંધીજીની આજ્ઞા મુજબ ખરેખર દાંડી પીટવા માંડી. ત્યારથી તે આજ દિન સુધી મારું કામ કૉંગ્રેસની દાંડી પીટવાનું રહ્યું છે. હવે તો મને પણ સમજાય છે કે જે કામ મને સોંપવામાં આવ્યું હતું તે કામ ભારે જવાબદારીવાળું અને સારું હતું. એ કામ કરતાં કરતાં જ તો હું નેતા બની ગયો છું.
પહેલાંના જમાનામાં મહેતર લોકો દાંડી પીટવાનું કામ કરતા હતા. એટલે જ્યારે એ કામ મેં ચાલુ ર્ક્યું ત્યારે એ કામને મહત્ત્વ મળી ગયું. જ્યાં ચાર રસ્તા મળ્યા કે એક મૂડો મુકતો ને એના પર હું ઊભો થઈ જતો. કાં તો ઢોલ બજાવતો; કાં તો બ્યુગલ ફૂંકતો ને કાં તો ઘંટ વગાડતો. એનાથી ભીડ થઈ જતી. પછી મહાત્મા ગાંધીજીની આજ્ઞાઓનો પ્રચાર શરૂ કરતો. ભીડ વધવા માંડી, ત્યારે પતરાનું ભૂંગળું લઈ આવ્યો; કેમ કે એની મદદથી અવાજ દૂર સુધી પહોંચતો. થોડા જ દિવસોમાં મારા શહેરના લોકો મને ઓળખી ગયા. બજારના લોકો તો ચહેરા પરથી ઓળખી શકતા; પરંતુ દૂર છાપરાં અને અગાસીઓ પર બેસીને સાંભળતી બહેનો તો મારા માથાની ટાલ પરથી મને ઓળખતી થઈ. કોઈ પણ આગેવાન માટે આટલી વાત ઘણી મોટી હતી કે ચારે તરફથી લોકો એને ઓળખી લે. મારી આગેવાનીની શરૂઆત દાંડી પીટવાથી થઈ.
●♦●
જવાહરલાલનું ધોતિયું
સન 1921માં ખાદી મળે; પણ 30 ઈંચના પનાની. ઉત્તર પ્રદેશની સ્ત્રીઓને જાડું સૂતર કાંતવાની ટેવ હતી. અમે બધા ઘૂંટણ સુધીનું ધોતિયું પહેરીને ચલાવતા. નાહ્યા પછી તેને નીચોવવા માટે પણ કોઈ સાથીને મદદમાં બોલાવવો પડતો. અથવા એક તરફનો છેડો પગ નીચે દબાવી, પાંચ ઈંચનું આ જાડું દોરડું આમળવું પડતું.
એ દિવસોની વાત છે. ગાંધીજીએ જ્યારે કૉંગ્રેસના એક કરોડ સભાસદ નોંધવાનો અને ‘તિલક સ્વરાજ ફંડ’માં એક કરોડ રૂપિયા એકઠા કરવાનો આદેશ આપ્યો હતો. એ વર્ષે અમારી પ્રાંતિક સમિતિના મંત્રી હતા : સ્વ. કપિલદેવ માલવિય, ગૌરીશંકર મિશ્ર, જીયારામ સક્સેના અને જવાહરલાલ નેહરુ.
એ દિવસોમાં બીજનૌર જિલ્લામાં મારું કાર્યક્ષેત્ર હતું. અમારા બધામાં વધારેમાં વધારે ફૅશનેબલ તરીકે જવાહરલાલને ગણવામાં આવતા. એ જ્યારે બીજનૌરમાં ફરવા આવ્યા, ત્યારે એમણે જે ધોતિયું પહેરેલું હતું તે દોઢ પનાનું હતું. 30 ઈંચ પનાના થાનમાં, પંદરથી અઢાર ઈંચનો એક બીજો પટ જોડેલો હતો. એથી એમનું ધોતિયું નીચે ઝૂલે એવું બન્યું હતું અને છેક ઘૂંટીની નીચે સુધી પહોંચતું હતું. ત્યારે પાંચ વારનું પહેરવાનો સામાન્ય રિવાજ હતો, ચાર વારનું ધોતિયું ચાલુ થયું નહોતું. જવાહરલાલ પણ પાંચ વારનું ધોતિયું પહેરતા અને બંગાળીઓની માફક સામે પાટલીની કલ્લી ઝૂલતી રાખવાને બદલે, એના વડે ભેટ બાંધી દેતા. એમનું જોઈ અમે પણ દોઢ પટનાં ધોતિયાં સીવડાવી લીધાં. મને બરાબર યાદ છે કે લોકો કૉંગ્રેસના સભાસદ થતાં ઘણા ગભરાતા હતા. પચાસ ઘર ફરીએ ત્યારે માંડ ચાર–પાંચ સભાસદો નોંધી શકાતા. સવારથી સાંજ સુધી ફરતા રહેતા અને ચાર–પાંચ જણાને પણ નોંધી શકતા, તો અમે ધન્ય બની જતા. શહેરમાં જેટલા સભાસદ થાય તેમનાં નામ અમને મોઢે રહેતાં.
જવાહરલાલ નેહરુના આવવાથી અમારી હિંમત વધી ગઈ. એ અમારી સાથે કૉંગ્રેસના સભાસદ નોંધવા નીકળી પડ્યા. એક દુકાને ફાળો ઉઘરાવા એમણે એમનું પહેરણ સામે ધરી દીધું – જાણે ભિક્ષા માગતા હોયને! એની એવી તો અસર થઈ કે, અમે ગાંડા જેવા થઈ ગયા. અમે બધા દિવસ અને રાત, રાત અને દિવસ કામ કરતા હતા. ત્યારે મોટરોનો રિવાજ નહોતો. ઘણું કરીને પગે ચાલીને જ અમે ફરતા. આપણા વડા પ્રધાન નેહરુને અમારી સગી આંખે સાધારણ ચંપલ પહેરીને રાયબરેલી, પ્રતાપગઢ, વગેરે ક્ષેત્રોનાં ગામેગામ અને જંગલ કે ઝાડીઓમાં પગે ચાલીને જતા જોયા છે. કેવો જુસ્સો હતો, કેવો ઉમંગ હતો કેવો ઉત્સાહ હતો! વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં એમનું ભાવિ મૂઠીમાં લઈ ઊલટભેર કૉંગ્રેસની આગેવાની નીચે સ્વાતંત્ર્યના આંદોલનમાં ભાગ લેવા આવતાં હતાં.
એ આંદોલનના પ્રતાપે જ આજે આપણો દેશ સ્વતંત્ર થયો છે. મારું એ કહેવું છે કે, જ્યારે પણ કોઈ સાર્વજનિક આંદોલન શરૂ કરવું હોય ત્યારે એને માટે નાનામાં નાનું કામ કરવામાં અપમાન ના સમજવું જોઈએ. જઈને જુઓ દુનિયાભરમાં, ફાવે તો ઇતિહાસોમાં જોઈ લો. આ સંસારમાં જેટલાં પણ મહત્ત્વનાં આંદોલનો ચાલ્યાં છે; પછી એ ગૌતમ બુદ્ધે ચલાવ્યું હોય કે ઈસુ ખ્રિસ્તે કે મહંમદ પયગંબરે કે પછી રાજકારણમાં પડેલા નેતાઓએ ચલાવ્યું હોય; એ બધાં આંદોલનો ભિક્ષુઓની મારફતે ચાલ્યાં, ત્યાગના બળ ઉપર ચાલ્યાં છે, ભૂખે પેટે અને પગે ચાલીને થયાં છે. મોટરો, હૉટેલો અને ‘મટનચૉપ’ મારફતે પણ પ્રચાર તો થઈ શકે છે; પરંતુ એ પ્રચાર સાર્વજનિક બની શકતો નથી. અને એમાંથી સમૂહ–આંદોલન સંભવતું પણ નથી. મારો અનુભવ છે કે દાંડી પીટવા જેવાં નાનાં કામમાંથી એક વ્યક્તિ ઊંચું પદ મેળવી શકે છે – શરત એટલી કે એ એમાં રત થઈ જવો જોઈએ.
આજે તો હું ભારતનો રક્ષા–સંગઠન મંત્રી છું. એમ છતાં બેચાર દિવસ પહેલાં જ દહેરાદૂનમાં ઢોલ બજાવીને જગ્યાએ જગ્યાએ જાહેરાત કરતો ફર્યો છું કે, ‘આપણા નગરમાં જવાહરલાલ નેહરુ પધારે છે. સહુ ભાઈ–બહેનોએ પુષ્પમાળા લઈ સડકોની બન્ને બાજુએ ઊભા રહી એમનું સ્વાગત કરવું જોઈએ – એમનાં દર્શન કરવાં જોઈએ. એમની મોટર હું ધીરેધીરે ચલાવરાવીશ, જેથી આપ લોકો પેટ ભરીને એમનાં દર્શન કરી શકો.’ દાંડી પીટવાનો પોર્ટફોલિયો તો મને મહાત્મા ગાંધીજીએ સોંપ્યો છે અને મિનિસ્ટ્રી જવાહરલાલની આપેલી છે. જો આ બે વચ્ચે ક્યારે ય પણ ઝઘડો થશે તો જવાહરલાલનો પોર્ટફોલિયો છોડી શકાશે; ગાંધીજીએ આપેલો નહીં છૂટે.
•••••••••••
લેખકના ‘નગારખાનામાં તતૂડીનો અવાજ’ (પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર પાસે, અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ – 2, પ્રથમ આવૃત્તિ : 1962, ત્રીજી આવૃત્તિ : 2001, પાન :152, મૂલ્ય : રૂપિયા : 20, પ્રાપ્તિસ્થાન : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર : પુસ્તકના પાન 68 ઉપરથી સાભાર.
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ત્રીજું – અંકઃ 144 – March 09, 2008
આ પોસ્ટ વૉટ્સઍપ વાટે ફેર મોકલાઈ : 2020-08-28
@@@