સરદાર વલ્લભભાઈ પટેલ પર ઇજારો સાબિત કરતા વામણા રાજકારણીઓએ વાંચવા જેવો એક પ્રસંગ અને સાથે પ્રખ્યાત “LIFE” સામયિકના ફોટોગ્રાફર Margaret Bourke-White એ લીધેલી મણિબહેન અને સરદાર વલ્લભભાઈ પટેલની તસ્વીર −
વિશેષ તસ્વીરો : http://www.oldindianphotos.in/2010/12/sardar-vallabhbhai-patel-and-his.html
અમારો નેતા
અને સરદાર ! ક્યારે ય ભારત નહોતું તેવડું મોટું ઘડનાર લોહપુરુષની તો અનેક ગાથાઅો. પણ અાજે એ બધામાં જવા અવકાશ નથી. અહીં મહાવીર ત્યાગીનું એક સંસ્મરણ ટાંકી અાપણી સ્મરણાંજલિ અર્પીશું.
એક પ્રસંગે સરદાર વલ્લભભાઈ પાસે હું ગયો હતો. ત્યારે મણિબહેનના સાડલા પર એક મોટું થીંગડું જોઈને બોલાઈ જવાયું : ‘મણિબહેન, રાજા રામનું કે કૃષ્ણનું નહોતું એવડું મોટું રાજ્ય, અશોકનુંયે નહીં કે અકબરનું નહીં અને અંગ્રેજોનું નહીં એવું અખંડ ચક્રવર્તી રાજ્ય જેમણે સ્થાપી દીધું છે એવા મોટા રાજામહારાજાઅોનેય ઝુકાવનારનાં પુત્રી થઈને અાવો થીંગડાવાળો સાડલો પહેરતાં તમને શરમ નથી અાવતી ? અમારા દહેરા ગામની બજારમાંથી નીકળો તો લોકો સમજશે કે કોઈ ભિખારણ જાય છે ને અાના-બે અાના તમારા હાથમાં મૂકશે !’ મારી મજાકથી સરદાર પણ હસ્યા અને બોલ્યા : ‘બજારમાં ઘણાં લોકો હોય છે, એટલે અાનો-બે અાનો કરતાં મોટી રકમ ભેગી થઈ જશે !’
સુશીલા નય્યર ત્યાં હાજર હતાં. તેઅો કહે, ‘ત્યાગીજી, અા મણિબહેન અાખો દિવસ ઊભે પગે સરદાર સાહેબની સેવા કરે છે, ડાયરી લખે છે, અને પાછા રોજ નિયમિત ચરખો ચલાવે છે. તેમાંથી જે સૂતર નીકળે એનાં સરદાર સાહેબનાં ધોતિયાં ને પહેરણ બને છે. તમારી જેમ સરદાર સાહેબ ખાદીભંડારમાંથી ખાદી ક્યાં ખરીદે ? અને સરદાર સાહેબનાં ઊતરેલાં કપડાંમાંથી મણિબહેન પોતાનાં કપડાં બનાવી લે છે !’
ફરી સરદાર બોલી ઊઠ્યા, ‘ગરીબ માણસની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? એના બાપ ક્યાં કશું કમાય છે ?’ એટલું કહીને સરદારે પોતાનાં ચશ્માંનું ખોખું બતાવ્યું. વીસેક વરસનું જૂનું હશે. ચશ્માંની એક દાંડી હતી અને બીજી તરફ દોરો બાંધ્યો હતો. ત્રીસ વરસની જૂની એમની ઘડિયાળ પણ જોઈ.
કેવો અમારો એ નેતા હતો ? કેવો પવિત્ર અને ત્યાગી હતો ! એ ત્યાગ ને એ તપસ્યાની સિદ્ધિ અમે બધાં નવું નવું ઘડિયાળ કાંડે બાંધનાર દેશભક્તો ભોગવી રહ્યા છીએ.
(સૌજન્ય : “શાશ્વત ગાંધી”, પુસ્તક – 25, પૃ. 9)