હા,
હું ઝાડ છું.
સતત ઊગતું
સતત વિસ્તરતું ઝાડ છું.
વાંદરાનાં ઝૂંડ તો
આવ્યાં કરે,
વર્ષોથી આવે અને જાય.
કૂદાકૂદ કરે, ચિચિયારીઓ પાડે, એકબીજાનાં માથામાંથી જૂ વીણે, ખંજવાળે, કૂણાં પાંદડાં ભચડક ભચડક ચાવે, તોડે,
કૂદે ને કૂણી કૂણી ડાળ પાડે નીચે,
ધમાચકડી,હૂપાહૂપ …
આંખોમાં આથમતો સૂરજ અથડાય ને ઝૂંડ ભાગે …
અંધારામાં તૂટેલાં પાંદડાં ને તૂટીને નીચે પડેલી ડાળીઓનાં ડૂસકાં સંભળાય
ઘડી બે ઘડી,
વાંદરાના ઝૂંડ આવે અને જાય …
હમણાં એક વાંદરાને આથમતો સૂરજ આંખમાં ના અથડાયો ..
વાંદરાનું ઝૂંડ તો ચાલ્યું ગયું
ને
રહી ગયો આ વાંદરો,
એકલો,
કૂદાકૂદ ને હૂપાહૂપ
કરતો મારા પર !
સતત ચિચિયારીઓ અને સતત અહીં-તહીં, ઉપર-નીચે, આગળ-પાછળ ભાગાભાગ, કૂદાકૂદ, હૂપાહૂપ..!
સતત કૂણાં પાંદડાં ભચડક ભચડક, કૂણી ડાળીઓ કચ્ચરઘાણ,
સતત હું ડૂસકાં સાંભળું છું, નીચે પડેલાં કૂણાં તૂટેલાં પાંદડાંના
અને સતત ડૂસકાં સાંભળું છું
હજી ઊગતી જ તૂટી ને નીચે
પડતી ડાળીઓના.
હું મૌન છું,
હું
વિક્ષુબ્ધ છું.
24, નવેમ્બર, 2019