જેમ અડધી આલમને
બંધનની બંગડીઓમાં પૂરી રખાઈ છે,
એમ જ મારા દેશની લોકશાહીને
બંગડી આકારના પાર્લામેન્ટમાં પૂરી દેવાઈ છે …
એ બંગડીમાં બેઠેલા બગલા જેવા સફેદ વસ્ત્રધારીઓ
એકબીજાને કલંકિત કાળામેશ વસ્ત્રધારી કહીને બસ,
ભાંડ્યા કરે છે,
એક દળ બીજા દળને ચોર કહે છે,
બીજું દળ પહેલા દળને ચોર કહે છે,
પછી એકબીજા પર માઈકો ફેંકવાની રમત રમે છે
પછી એકબીજાને ભેટીને ખાધું પીધું ને રાજ કરે છે …
બંગડીની બહાર દલ દલ કાદવમાં
બેરોજગાર ઊછળતું લોહી ખૂંપી રહ્યું છે,
પેટૃોલના ઊંચા ઊછળતાં ભાવ મોંઘવારીના નશામાં ચકચૂર છે,
નીચે ને નીચે પડી રહેલો,
ખાંસતો, ગબડતો, બબડતો રૂપિયો …
મોંઘીદાટ કૉલેજોની દુકાનોની બહાર ઊભાં ઊભાં
ચમકદાર, ભભકદાર શોકૅસને જોયાં કરતાં યુવક યુવતીઓ,
વિન્ડો શોપિંગમાં ખોવાઈ ગયેલાં છાત્ર-છાત્રાઓ …
ડૉક્ટરોએ લખી આપેલાં દવાઓનાં લાંબાં પ્રિસ્ક્રિપ્શનના
કાગળોને સુંઘી રહેલાં વૃદ્ધો ને વૃદ્ધાઓ …
ખિસ્સામાં અફવાઓનાં ટોળાં લઈ ફરતા ચહેરાઓ
જે મરેલી ગાયનાં ચામડાં ઊતરડનારને
અસ્પૃશ્ય ગણી પાણીના છાંટે સ્નાન કરે છે
એ જીવતા માણસની ચામડી ઉતરડી નાખવાના
સામૂહિક આનંદના મેળા યોજે છે …
બધું જ દલદલમાં ખૂંપી રહ્યું છે …
ભૂખ્યાં તરસ્યાં લોકોની ખાલી થાળીઓની
ઉઠાંતરી કરી ભક્તો થાળીઓનાં મંજીરાં બનાવી
લોકશાહીનાં ભજનો ભસી રહ્યાં છે …
મારા દેશની લોકશાહી
બંગડી આકારના પાર્લામેન્ટનાં બંધનમાં
બંધાઈ ગઈ છે …
[22 જુલાઈ, 2018]
(‘મને અંધારા બોલાવે’ કાવ્યસંગ્રહમાંથી સાભાર, પૃ. 05 અને 06)