યાદ આવે છે
બચપણના દિવસો,
દિવાળીના દિવસોમાં
મા પાસે ઊભી રહી,
ફટાકડા ફોડાવતી.
ઝીણા લાલલીલા
લવિંગિયા ટેટા
અમે ફૂટી ગયેલાં
તારામંડળના સળિયામાં
ભરાવી એક પછી એક
ફોડતાં..
માને પણ ફટાકડા
ફોડવાનો,
ખાસ કરીને ટેટાની
લૂમ ફોડવાનો ભારે શોખ,
થોડીવારમાં તો તડતડ
તડાફડી થઈ જાય ..
લાલકિલ્લા છાપ
લાલ ટેટા ફૂટતાં હોય,
ત્યારે તો કાનમાં આંગળીઓ
ખોસી દઈ જોયાં કરતાં અમે ..
ને
બે, ત્રણ,ચાર વર્ષમાં તો
એકલા જાતે
લાલકિલ્લા છાપ મોટ્ટા
લાલ ટેટા ફોડવાની
આઝાદી મળી ગઈ ..
લાલકિલ્લા છાપ લાલ ટેટા
તો ફટાફટ ફૂટતાં
ને
લાલ ટેટાની લૂમ પરનું
લાલકિલ્લાનું ચમકતું ચિત્ર
નોટબુકની વચ્ચે મુકાતું.
દિવાળી તો ભાગી જતી, નોટબુકમાં
લાલકિલ્લાનું ચમકતું ચિત્ર
તો ધબકતું રહેતું …
ને
કિશોરાવસ્થા વટાવી
યુવાવસ્થાએ તો
આઝાદીની પાંખો જ
પહેરી લીધી,
જે કરવું હોય તે
જાતે કરવાની પૂરી આઝાદી ..
અને
"યહ આઝાદી અધૂરી હૈ,
આગે ઔર લડાઈ હૈ …"
નાં સૂત્રો પોકારતાં
સરઘસો, ઘરણાં, દેખાવોમાં
જોડાઈને પગ દોડવા માંડ્યાં …
અને
ખાસ યાદ આવે છે ..
મિલો, કારખાનાં, ફૅક્ટરીઓના ઝાંપા પર શેરી નાટકો,
કામદારોની સભાઓ
જ્યાં
અમે બુલંદ અવાજે પોકારતાં ..
"લાલકિલ્લે પર
લાલ નિશાન,
માંગ રહા હૈ હિન્દુસ્તાન .."
મને એ વાત તો
ફરીફરીને
ગઈ કાલથી યાદ આવે છે ..
થોડાં વર્ષો પહેલાં
લાલકિલ્લા પર
ફરફરતો ત્રિરંગો
જોયો
ને
લાલકિલ્લામાં
ઊંચે-ઊંચે જતાં
ભવ્ય પગથિયાં જોઈ
બેઘડી તો ઊભો
રહી ગયો.
કેડે વાંકી વળી ગયેલી
એક વૃદ્ધ મા તો
પગથિયે જ બેસી પડી
ને કહેવા માંડી :
‘બેટા !
તું જા, જોઈ આવ, આખો
લાલકિલ્લો … મારું કામ નહીં, મારા માટે કપરાં ચઢાણ ..’
દીકરાએ તો
હસતાં-હસતાં
ઉઠાવી લીધી માને
ને
ખભે બેસાડી દીધી ..
ને કહેવા માંડ્યો :
"મારી આંખો ય જુએ બધું
ને
તારી આંખો ય બધું જુએ .."
કપાળ પર પરસેવો,
હોઠ પર સ્મિત
ને ખભે બેઠેલી
મા
ચારે બાજુ બધું
ઝીણી આંખે
જોયાં કરે.
ચશ્માંના જાડા-જાડા
કાચની પેલે પાર …
આ બધું મને
ખૂબ યાદ આવે છે
ગઈ કાલથી ..
ગઈ કાલે મેં
દિલ્હીના ચોરબજારમાં,
જ્યાં
ઘરમાં ભારરૂપ,
જૂનીપુરાણી, નકામી વસ્તુઓ,
ઘરમાંથી કાઢી નંખાયેલી,
વેચાયેલી ચીજો
યા
ચોરીનો માલ
રસ્તે વેચાતો હોય છે,
ત્યાં મેં રસ્તે
વેચવા મૂકેલા
પુરાના કિલ્લા,
લાલકિલ્લાને ય જોયો.
૨૯ એપ્રિલ, ૨૦૧૮
(લાલકિલ્લા-પચીસ કરોડમાં દત્તકદિન)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 18