બહુ વર્ષો પહેલાં આપણી ઘણી બધી બંબઈયા હિન્દી ફિલ્મોમાં એક ડાયલોગ સાંભળવા-જોવા મળતો કે "ન્યાય મેં દેર હૈ, અંધેર નહીં હૈ …!"
અન્યાય-શોષણને કારણે દુ:ખી થતાં હીરો-હિરોઈન કે તેમના પરિવાર લાંબા સંઘર્ષો અને યાતનાસભર જીવન વીતાવ્યા બાદ છેવટે સત્યની, ન્યાયની જીત થાય અને જીવન ખુશખુશાલ બની ઊઠે, ખાધું પીધું ને રાજ કર્યું જેવો સુખદ અંત ફિલ્મોનો આવતો હોય ત્યારે આવો સંવાદ સાંભળવા મળતો ..!
આઝાદીનાં પચીસ-ત્રીસ વર્ષ બાદ સાતમા દાયકામાં જ્યારે એન્ગ્રી યંગમેન / યંગવુમનની ફિલ્મો આવવા માંડી, ત્યારે તેમાં જે સંવાદ સાંભળવા-જોવા મળતા તેમાં "તારીખ પર તારીખ પર તારીખ ..!” .. "કબ તક તારીખ પર તારીખ ..?" – આવા ડાયલોગ બાદ હિરો કે હિરોઈન છેવટે કાયદો હાથમાં લઈ ન્યાય માટે ઝઝૂમે અને વિજયી બને એવા અંતવાળી ફિલ્મો પણ ખૂબ જોવા મળી.
પણ આજકાલ આપણી ચારેબાજુ દેશમાં જે રીતે ન્યાય-અન્યાયને લઈ ઘટનાઓ બની રહી છે ત્યારે તે ફિલ્મોમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય એ વિચારવું જ ભારે મૂંઝવણની વાત બની રહે એમ છે. વળી ન્યાય-અન્યાયને લઈ જે કટુ વાસ્તવિકતા ઊભી થઈ છે તે આપણને સૌને ચિંતા ઉપજાવનારી બની રહી છે.
ટોળાં દ્વારા અફવાને બહાને કે કોઈ નાની શી ઘટનાને કારણે વ્યક્તિઓને જાહેરમાં મારી નાખવાની ઘટનાઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી અવારનવાર બનતી રહી છે અને તે સૌ સંવેદનશીલો માટે પીડાદાયક ને નિ:સહાયતાની લાગણી ઊભી કરનારી બની રહી છે.
ગાય કે વાછરડાંની ઉઠાંતરી કે ચોરીનો ઊહાપોહ ઊભો કરી નિર્દોષ યુવાનોને જાહેરમાં ચૂંથી, રહેંસી, મારી નાખવાની ઘટનાઓ તો આપણે દેશભરમાં જોઈ જ. આપણા ગુજરાતમાં અને તે પણ અમદાવાદ જેવા શહેરના વાડજ જેવા ભરચક વિસ્તારમાં બાળક ઊઠાવી જવાની અફવા માત્રથી એક મદારી-વાદી સમુદાયની આધેડ ઉંમરની મહિલાને લોકોએ જાહેરમાં રહેંસી નાંખી એ ઘટના પણ કોઈનાથી પણ અજાણી નથી જ.
આવી ટોળાંશાહી દ્વારા ન્યાય હાથમાં લેવાની યા નફરતને અફવાના ટેકે કોઈને અન્યાય કરવાની ઘટનાઓ, દિલને હચમચાવી મૂકનાર જ બની રહે છે. આ અંગે દેશના વડાપ્રધાને પણ કડક નિવેદન કરી તેને વખોડી નાંખી છે એ આપણે સૌ જાણીએ જ છીએ.
દેશનાં કેટલાંક રાજ્યોમાં અંગ્રેજીમાં જેને મોબ લીન્ચિન્ગ કહે છે તેવી આ ઘટનાઓને લઈને કડક કાયદાઓ પણ તાજેતરમાં ઘડાયા છે.
આવી ઘટનાઓ દિવસેને દિવસે વધતી રહેતાં દેશના 85 જેટલાં વરિષ્ઠ કલાકારો, બૌદ્ધિકોએ પોતાની નિસબત આ અંગે વ્યક્ત કરતા એક ખુલ્લો પત્ર દેશના વડાપ્રધાનને ગયા મહિને લખ્યો. આ પત્ર લખનારાઓમાં પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલથી માંડી અદુર ગોપાલકૃષ્ણન્, અનુરાગ કશ્યપ, અપર્ણા સેન ને ઇતિહાસકાર રામચંદ્ર ગુહાનો સમાવેશ થાય છે.
આ પત્રનો જવાબ તો ક્યાં ય મીડિયામાં જોવા ના મળ્યો, પણ આ પત્ર લખનારા મહાનુભાવો પર બિહારના મુઝફ્ફરનગરમાં એક વકીલે રાષ્ટ્રદ્રોહથી લઈને વડાપ્રધાનનાં અપમાન સુધીના આક્ષેપો સાથે, ગંભીર કાનૂની કલમો સાથે સ્થાનિક ન્યાયમૂર્તિની કોર્ટમાં ફટાફટ કેસ દાખલ કરાવી દીધો !
આખા દેશના મીડિયામાં આ કેસ અંગેના સમાચારો, લેખો, તંત્રીલેખો પણ લખાવા માંડ્યા. કેસ દાખલ થયાને ચાર-પાંચ દિવસ થઈ ગયા. આ કેસ વિશે સત્તાધારીઓનું મૌન જોઈ દેશના અન્ય મોટા ગજાનાં રોમિલા થાપર જેવાં બૌદ્ધિકોથી માંડી નસિરુદ્દીન શાહ જેવા મોટા કલાકારો, વિવાન સુંદરમ જેવા ચિત્રકારો અને નાના મોટા 185 જેટલા લેખકોએ, જેમાં આ લખનાર કટારલેખકનો સમાવેશ થાય છે, નિવેદન કર્યું કે અમે આ 85 મહાનુભાવો, જેમની સામે મુઝફ્ફરનગરની કોર્ટમાં કેસ દાખલ થયો છે તેમનાં એકેએક શબ્દ સાથે સહમત થઈએ છીએ અને અમે પણ કાનૂની કાર્યવાહી ભોગવવા તૈયાર છીએ.
માત્ર આ 185 જ નહિ,એ પછીના બે ત્રણ દિવસમાં તો દેશભરમાંથી સેંકડો કોલેજિયનો, અધ્યાપકો, નાગરિકોએ આ કેસના વિરોધમાં અને તે પત્ર લખનારાઓના સમર્થનમાં વડાપ્રધાનને પત્રો લખવા માંડ્યા.
બિહારના મુખ્યમંત્રી, કાયદામંત્રી ને ન્યાયતંત્રનું આ કેસ અંગેનું મૌન અકળાવનારું હતું. થોડા દિવસો બાદ બી.જે.પી.ના નેતા અને કેન્દ્રીય પ્રધાને એટલું જરૂર કહ્યું કે અમે આ કેસ કોર્ટમાં કર્યો નથી.
છેવટે દેશભરમાં ભારે ઊહાપોહ દેખાતા બિહારની પોલીસે, બાર વર્ષે બાવો બોલે એમ, અઠવાડિયા બાદ જણાવ્યું કે આ કેસ પૂરતા પુરાવા-સાક્ષીઓ વિના બોગસ રીતે દાખલ થયેલો છે અને કોર્ટમાં દાખલ થયેલો હોવાથી પોલીસે તો તપાસ કરવી જ પડે એવું કહીને અંતે કોર્ટમાં કેસ નોંધાવનાર વકીલ પર, જુઠ્ઠો કેસ 85 મહાનુભાવો પર કરવા બદલ સામો કેસ પોલીસે નોંધ્યો છે.
પણ સવાલો એ જ થાય છે કે સ્થાનિક કોર્ટમાં પુરાવા-તથ્યો વિના કેસ કેવી રીતે દાખલ થયો ? તેના માટે કોણ જવાબદાર ? પુરી ન્યાયિક પ્રક્રિયા જ્યાં રાષ્ટ્રદ્રોહની ગંભીર કલમો લગાડાતી હોય ત્યાં થઈ કે નહીં?
લોકોને ભયગ્રસ્ત કરવા, હેરાન કરવા, મૌન બનાવી દેવા આ એક ન્યાય-અન્યાયની નવી પેંતરાબાજી શરૂ થઈ છે જે ભારે જોખમકારક લાગે છે. આ અંગે દેશના ઉચ્ચ ન્યાયતંત્રે પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
પણ આ ઉચ્ચ ન્યાયતંત્ર વિશે ય કાયદા -કાનૂનવિદોમાં હમણાં નારાજગી અને સવાલો ઊભા થવા માંડ્યા એ પણ નોંધનીય છે.
મહારાષ્ટ્રમાં બે વર્ષ પૂર્વે બનેલી હિંસક ઘટનાને સાંકળીને વડાપ્રધાનની હત્યાનું કાવતરું ઘડાયું હતું તેવા આરોપ સાથે દેશના કેટલાક પ્રતિષ્ઠિત કર્મશીલો, કવિ, વકીલો અને માનવ અધિકાર માટે દાયકાઓથી મથતા આગેવાનો પર ગંભીર કલમો લગાવી જેલમાં એક વર્ષથી વધારે સમયથી પૂરી દેવાયા છે.
આ આરોપો હેઠળ જ દિલ્હીના ગૌતમ નવલકથાને પકડવામાં આવ્યા હતા. પરંતુ દિલ્હી હાઈકોર્ટે આવા ગંભીર આરોપોની પૂરી તપાસ વિના આરોપીને જેલમાં નાખવા પર સ્ટે આપ્યો હતો.
સ્ટેની મુદ્દત ગયા અઠવાડિયે પૂરી થતી હતી અને તે પૂર્વેની કાર્યવાહી સુપ્રીમ કોર્ટમાં ચાલતી હતી ત્યારે સૌ પહેલાં આ દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિએ આ કેસ માટે જણાવ્યું કે તેઓ તેમની સમક્ષ ચલાવવા અસમર્થ છે. કેસના બીજા દિવસે એક અન્ય ન્યાયમૂર્તિએ પણ આ જ રીતે ઈન્કાર કર્યો અને તે રીતે સતત ત્રણ દિવસમાં કુલ પાંચ ન્યાયમૂર્તિઓએ કોઈ પણ કારણ આપ્યા વિના પોતાની ખંડપીઠમાં આ કેસ ના ચાલે તેમ જણાવ્યું.
આ દેશના કાયદાનિષ્ણાતોએ જણાવ્યું કે કોઈ પણ કારણ આપ્યા વિના કોઈ ચોક્કસ કેસ નહીં ચલાવવા માટેનો નિર્ણય કેટલો યોગ્ય ગણાય ? કેટલો પારદર્શક કહેવાય ?
હજી ય જનતા માટે એક રહસ્ય જ છે કે દેશની સૌથી મોટી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જ જો કોઈ મહત્ત્વના તાત્કાલિક નિર્ણય માંગતો કેસ કારણ આપ્યા વિના ઈન્કારે તો તેની દેશની ન્યાયિક પ્રક્રિયાઓ પર અન્ય કોર્ટોમાં કેટલી અસર પડશે ?
રાજકારણીઓ, સત્તાધારીઓના વચન-વિશ્વાસ અને કામોથી ત્રસ્ત, પીડિત, અન્યાય ભોગવતી જનતા માટે ન્યાયતંત્ર જ એક ન્યાય માટેની આશા રહી હતી ત્યારે તે હવે કોની પાસે એટલી આશા રાખી શકે ? આવા સવાલો આજે જનતામાં ઊઠે એ સ્વાભાવિક છે.
અલબત્ત, એટલી વાત સારી બની કે છેવટે આ કેસ ચાલ્યો અને આરોપીને વધુ એક મહિના માટે સ્ટે મળ્યો.
આવી હતાજનક ન્યાય-અન્યાયની પરંપરામાં જ ગયા અઠવાડિયે, બે-ત્રણ પૂર્વે ઉત્તર પ્રદેશમાં, ત્યાંના મુખ્યમંત્રીના મતવિસ્તારમાં જ માત્ર ઓક્સિજનના સિલિન્ડરોના અભાવમાં હોસ્પિટલમાં અનેકાનેક બાળદર્દીઓનાં મોતની ઘટના બની હતી.
એ સમયના સ્થાનિક મીડિયાના સમાચારો મુજબ તે હોસ્પિટલના ડો. શકીલે સરકારી તંત્રની ઘોર નિષ્ક્રિયતા હોવા છતાં બાળકોનાં જીવ બચાવવા પોતાનાથી બનતું કર્યું હતું. પણ ચોર કોટવાળને દંડે એ ન્યાયે આ આખીયે બાળકોનાં મોતની દર્દનાક ઘટના માટે આ ડો. શકીલને જ દોષિત, જવાબદાર ગણી તેમને સરકારે નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા, તપાસ નીમી અને જેલમાં ય કેટલાક સમય માટે ડોક્ટરને જવું પડ્યું !
પણ અંતે હમણાં બે વર્ષે તેમની સામે થયેલા સરકારી આરોપોમાંથી નિર્દોષ જાહેર થયા !
હજી આ નિર્દોષ હોવાનો ડો. શકીલ શ્વાસ લે એ પૂર્વે જ ઉત્તર પ્રદેશ સરકારે તેમની સામે બીજાં છ કારણો આપી કાર્યવાહી ચાલુ કરી છે અને તે છ કારણોમાં મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે તેવું કારણ પણ દર્શાવાયું છે.
લોકશાહીમાં લોકોએ પોતે જ ચૂંટીને મોકલેલી સરકાર, લોકોની ટીકાટીપ્પણ સહન ન કરી શકે અને લોકોના અવાજને દબાવી દેવા કાનૂની કાર્યવાહી કરે એ તે કેવો ન્યાય ? કોઈને અન્યાય કરવા માટે ન્યાયતંત્રનો ઉપયોગ કેટલો વાજબી ?
અને ન્યાયિક પ્રક્રિયાની સૌથી હાસ્યાસ્પદ ઘટના પણ હમણાં જાણવા મળી છે.
લોકસભામાં બંગાળથી તૃણમૂલ કોંગ્રેસનાં પ્રથમવાર ચૂંટાઈને આવેલાં મહુવા મોઈત્રાએ લોકસભામાં ધારદાર ભાષણ આપેલું અને તે ફાસીવાદી સરકાર વિષયક ભાષણને લઈ તેઓ દેશભરમાં રાતોરાત છવાઈ ગયેલાં.
આ મહુવા મોઈત્રાની લોકપ્રિયતાની ધારને બુઠ્ઠી કરવા એક ટીવી ચેનલના એન્કરે બીજા દિવસે સમાચાર ચમકાવ્યા કે મહુવાજીનું આ ભાષણ ચોરીનો માલ છે. અમેરિકાના માર્ટિન લોન્ગમેને તેમના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશે લખેલા લેખની બેઠ્ઠી કોપી છે ..!
આ વાત દેશ દુનિયાના મીડિયામાં ચગી. જે અમેરિકન લેખકના લખાણની ચોરીનો આક્ષેપ થયો હતો તે લેખકે ખુદ જાહેર કર્યું કે આ ભાષણ મારા લખાણની ચોરી નથી.
ટીવી ચેનલનો પત્રકાર ક્ષોભકારક સ્થિતિમાં મુકાયો. સાંસદ મહુવા મોઈત્રાએ તેની સામે ડેફેમેશનનો કેસ કર્યો અને જે તે પત્રકાર સરકાર તરફી છે એવો આક્ષેપ કર્યો. આ આક્ષેપને લઈ એ ટીવી પત્રકારે મોઈત્રા સામે બદનક્ષીનો દાવો કર્યો !
હવે રમૂજની વાત છે કે ટીવી ચેનલના પત્રકાર સામેની બદનક્ષીની કાર્યવાહી સામે નીચલી કોર્ટમાં સ્ટે મૂકાઈ ગયો ! અને ત્યારબાદ થયેલો સાંસદ પરના કેસની કાર્યવાહી ચાલવા માંડી ..!
હવે પોતાના કેસની કાર્યવાહી પર સ્ટે આપવાની નીચલી કોર્ટ પાસે સત્તા નથી એવો ન્યાય માંગવા સાંસદ મહુવા મોઈત્રાને હાઈકોર્ટેમાં જવાની ફરજ પડી છે ..!
અને આવી વખતે આપણને સૌને સવાલ તો થાય જ કે આમાં ન્યાય ક્યાં છે ? આને ન્યાય કહેવાય કે અન્યાય કહેવાય ?
અને હજી પાંચ દિવસ પૂર્વે જ આપણા ગુજરાતમાં જ, માણસાઈની બધી ય હદ વટાવી જાય એવી ઘટના વિશે હાઈકોર્ટમાં વાત જાણવા મળી. જે સરકાર અને પોલીસતંત્રની ઘોર ઉદાસીનતા અને નફ્ફટ નિષ્ક્રિયતા દર્શાવનારી છે. અને આ રીતે તો ગરીબો, વંચિતો ને ન્યાય ક્યાંથી મળવાનો? એવો મોટો સવાલ ઊભો કરનારો બની રહે છે.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના હુકમોને આધીન રહી ઠેઠ 2016માં પરિપત્ર જારી કરીને નિશ્ચિત કર્યું હતું કે કોઈ સફાઈ કામદારને ગટર સાફ કરવા ગટરમાં નહીં ઉતારવામાં આવે. અને જો કામદારને ગટરમાં સાફ કરવા ઊતારવામાં આવશે તો અને જો તેનું મૃત્યુ થશે તો સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર કે મહાનગરપાલિકાના ઓફિસર સામે ફોજદારી કાર્યવાહી કરવાની રહેશે.
હમણાં ગયા મહિને સપ્ટેમ્બરની 25 તારીખે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા મૂળ રાજસ્થાનના અને 4 બાળકોના પિતા એવા બદરજી મસાર નામના સફાઈ કામદારને જરૂરી સાધનો વિના ગટરમાં ઉતારવામાં આવ્યા અને તેનું ગુંગળામણથી મોત થયું.
દુખદ વાત એ છે કે હજી સુધી આ અંગે પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી .મૃત્યુ પામનારના પરિવારજનોએ સરકારમાં ઠેઠ ઉપર લગી ફરિયાદ કરી છે પણ પ્રાંતિજ થી માંડી ગાંધીનગર સુધી કોઈ હલ્યું નથી. ખરેખર તો પોલીસે આઇ.પી.સી.ની 304, એટ્રોસિટી એક્ટ તેમ જ મેન્યુઅલ સ્ક્વેવેજીન્ગ એક્ટની કલમો હેઠળ તાત્કાલિક ફરિયાદ નોંધવી જોઈએ !
છેવટે હાઈકોર્ટ માં રજૂઆત થતાં હવે સરકાર પાસે લેખિત જવાબ માંગવામાં આવ્યો છે.
એક બાજુ બિહારના મુઝફ્ફરનગરમાં દેશના પ્રતિષ્ઠિત 85 કલાકારો-બૌદ્ધિકો સામે કોઈ એક વકીલની આધારહીન, બોગસ ફરિયાદ જેમાં રાષ્ટ્રદ્રોહ જેવા ગંભીર ગુનાઓની કલમો લગાડવામાં આવેલી તેને સ્થાનિક કોર્ટના ન્યાયાધીશ ઝડપભેર દાખલ કરી દે અને બીજી બાજુ એક ગરીબ અને તે ય સ્થળાંતરિત સફાઈ કામદાર જે ચાર સંતાનોને પત્નીનો આધારરૂપ હતો તેની જિંદગી છીનવાઈ જાય, જ્યાં 304ની કલમ ફરજિયાત લગાડવી જ પડે ત્યાં પોલીસ કે સામાજિક ન્યાય ખાતું કે સૌ સરકારી તંત્રો નિષ્ક્રિય રહે, ત્યારે આ તે કેવો ન્યાય ? આ તે કેવો અન્યાય? એવા પ્રશ્નોની ઝડી ચારે તરફ ઊભી થાય એ સ્વાભાવિક છે.
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”; 16 ઓક્ટોબર 2019