વરસાદની મોસમ આવે એટલે આપણા માટે ગરમાગરમ ભજિયાં-દાળવડાં ખાવાની વાત મહત્ત્વની બને, પરંતુ જેમનાં ઘર જીર્ણશીર્ણ છે યા જે ઘરો સરકારી તંત્રો દ્વારા તકલાદી બનાવ્યાં હોય એ મકાનો એકાએક ધોધમાર વરસાદની વચ્ચે તૂટી પડે યા ચોગરદમ પાણીથી દિવસો લગી ઘેરાઈ જાય યા સતત ઘરમાં પાણી ટપક્યાં કરતું હોય; એવાં ઘરનાં પરિવારોનાં બદતર બની રહેલાં જીવન વિશેના સમાચાર જાણવા મળે, ત્યારે એ ગરમાગરમ ભજિયાં-દાળવડાંની મહેંક મહત્ત્વની રહે ખરી કે ?
હમણાં આ વર્ષે ય વરસાદની મોસમમાં દેશમાં અને ગુજરાતના ઘણાં શહેરોમાં મકાનો તૂટી પડવાની વાત આપણે સાંભળતા – વાંચતા કે ટીવીના પડદે જોતાં રહ્યાં છીએ.
હમણાં જ મને એક દર્દનાક વાત જાણવા મળી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ બનેલી ફ્લેટ્સની કોલોનીનાં બે બિલ્ડિંગો ગયા વર્ષે તૂટી પડ્યાં હતાં, તેનાં પરિવારોને હજી લગી સરકારી તંત્રો કોઈ વૈકલ્પિક રહેણાંકની વ્યવસ્થા પૂરી પાડી શકી નથી !
અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા શિવમ ફ્લેટ્સમાં કુલ 84 બિલ્ડિંગો હતાં. જેમાં કુલ 1,332 પરિવારો રહેતાં હતાં. 2018ના ઓગસ્ટ મહિનામાં વરસતાં વરસાદમાં બે ફ્લેટ્સનાં મકાનો તકલાદી હોવાથી તૂટી પડ્યાં, જેમાં એક રહેવાસીનું મોત થયું અને ચાર ગંભીર રીતે ઘવાયા. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારીઓએ આ અંગે તપાસ સમિતિ નીમી અને તમામ ફ્લેટ્સ તાત્કાલિક તોડી પાડ્યા. નિરાશ્રિત થયેલા તમામ 1,332 પરિવારોને ખાતરી અપાઈ હતી કે તેમને નવાં ફ્લેટ્સ બનાવી આપવામાં આવશે, અને તે બને તે દરમિયાન ભાડેથી રહેવા માટે ભાડું દરેક પરિવારને અપાશે.
આ ઘટનાને એક વર્ષ વીતી ગયું અને અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, પણ હજી ય આ 1,332 પરિવારોમાંથી એક પણ પરિવારને નવું મકાન અપાયું નથી. હજી આ પરિવારો રોજેરોજ મ્યુનિસિપલ અને સરકારી તંત્રોની ઓફિસોમાં આંટા માર્યા કરે છે, એવું છાપાંઓના અહેવાલ જણાવે છે. પણ તેમની વાત કોઈ સાંભળતું નથી અને તેમને રહેવા કોઈ ઘર પણ આપતું નથી !
આવી ભયાનક બેઘર બનવાની પીડા બનવા માટે કોણ જવાબદાર ? આ જવાબદારો પાસેથી કેમ જવાબ નથી મંગાતો ? કેમ કોઈ બેદરકાર ઓફિસરો, કોન્ટ્રાકટરોને ભારે સજા કે દંડ થતાં નથી ? એ માટે કોણ ગુનેગાર ?
અને અત્યારે આવાં જ છેલ્લાં નવ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિસ્તારોમાં બનેલાં ને સામાન્ય જનતાને વેચાણથી અપાયેલાં કેટલાક ફ્લેટ્સની તપાસ કરાતાં 2,000 ફ્લેટ્સમાંથી 260માં ટાઇલ્સમાં ખાડા પડેલા જણાયાં, 235માં દિવાલોમાં ગાબડાં જણાયાં, 313માં પાણી પડવાથી પ્લાસ્ટર ઉખડી ગયેલાં જોવાં મળ્યાં અને 1,200 જેટલા ફ્લેટ્સની દિવાલોમાં તીરાડો પડેલી જણાઇ એવું ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’, અંગ્રેજી છાપાનો અહેવાલ કહે છે.
આવાં તકલાદી બાંધકામ કરનારાને સજા કે દંડના સમાચારો કેમ આપણને છાપાંઓમાં વાંચવા નથી મળતા ?
એ જ રીતે જોઈએ તો ગયા વર્ષે વરસાદી સીઝનમાં જ જુલાઈ મહિનામાં ટ્રાફિક સુવ્યવસ્થાના નામે, રોડ રસ્તાઓ પરથી દબાણ હટાવવાના નામે એકલા અમદાવાદ શહેરમાંથી જ 40,000 લારીગલ્લાઓને દબાણ હટાવો અભિયાન હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાએ માલસામાન સાથે જ જપ્ત કરી લીધાં હતાં.
કેન્દ્ર સરકાર દ્વારા જ બનાવેલા કાયદા હેઠળ, સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ હેઠળ ખરેખર તો દેશના તમામ લારીગલ્લાવાળાઓને આઈકાર્ડ આપી ધંધો કરવા માટે યોગ્ય જગ્યાઓની ફાળવણી કરવાની રહે છે. એ અંગે કામગીરી કરવાની વાત તો બાજુએ રહી, પણ અહીં તો કોઈ પણ વ્યક્તિનો સામાન, સાધનો-માલ જે જપ્ત કરવો ગુનો કહેવાય એવું કામ સરકારી તંત્રોએ ભેગા મળીને કર્યું !
આ માલસામાન પરત લેવા માટે પણ લારીગલ્લા એસોસિએશનને હાઈકોર્ટમાં લાંબી લડત ચલાવવી પડી.
પહેલાં તો આ લારીગલ્લાવાળા સમૂહમાં ન્યાય મેળવવા હાઈકોર્ટ પહોંચ્યા તો તો તેમને સલામતીના કારણો આપી હાઈકોર્ટમાં પ્રવેશવા જ નહીં દીધા અને કેટલાક લારીગલ્લાવાળાઓને જ પકડીને પોલીસવાનોમાં બેસાડી દીધા હતા !
પણ છેવટે હમણાં વીસ દિવસ પહેલાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે કોઈનો ય માલસામાન જપ્ત કરવાનો અધિકાર મ્યુનિસિપલ કોર્પોરેશન કે પોલીસખાતાને નથી અને તાત્કાલિક પરત કરવો જોઈએ.
મ્યુનિસિપલ કોર્પોરેશને કબુલ્યું કે તેમની પાસે 29,000 લારીગલ્લા સામાન સહિત છે અને તે હાઈકોર્ટના હુકમ પ્રમાણે તાત્કાલિક તેના માલિકોને પરત કરશે.
લારીગલ્લાવાળાઓનું કહેવું છે કે અમારાં લારી ગલ્લા જપ્ત થયે એક વરસ થયું અને અમને ખાતરી છે કે 'અમારો બધો માલસામાન તો ક્યાંક વેચાઈ કે ચોરાઇ ગયો હશે .. અને જો તે પરત નહીં આપે તો અમે મ્યુનિસિપલ ને પોલીસ કમિશનરને સજા થાય, સસ્પેન્ડ થાય તેવી માગણી કોર્ટમાં કરીશું …'
આ અંગે શું થાય છે તે હવે જોવાનું રહે છે.
આ દેશના સામાન્યજન દંડાય, પીડાય, ગુના વિના તેમને ભોગ બનવું પડે, રોજીરોટીથી વંચિત બનવું પડે અને સરકારી તંત્રોને સત્તાધીશોની નિષ્ક્રિયતા, અવહેલના યા બેદરકારીને લઈ તેમને ન્યાય ના મળે એવી ઘટનાઓ હવે તો જાણે રોજની બની ગઈ છે.
અને બીજી બાજુ બે-ચાર દિવસે એકાદવાર સમાચાર આવે જ છે કે વિમાનો 4-5 કે 7 કલાક મોડાં પડે છે યા તો મુસાફરોને એક યા બીજા કારણોસર વિમાનમાં 4-5 કલાક બેસાડી રાખ્યા પછી વિમમાનો ઉડાડે છે. હમણા ગયા અઠવાડિયે જે વિમાન અમદાવાદથી સાંજે 7 વાગ્યે ઉપડવાનું હતું તેમાં મુસાફરોને બેસાડી દીધા પછી 5 કલાકે ઉપાડ્યું !
અને આ દરમિયાન હવાઈ ઉડ્ડયનના નિયમો મુજબ ભોજનની વ્યવસ્થા વિમાનની કંપનીએ કરવી જ જોઈએ તે પણ કરાઇ નહીં ને મુસાફરો ભૂખ્યા રહ્યા !
આવી ખાનગી કે સરકારી વિમાનીસેવા કંપનીઓ પર તાત્કાલિક કોઈ સજા થાય એવું પણ કોઈ સરકારી તંત્ર કામ કરતું નથી !
મોટી કંપનીઓને કાયદા તોડવાની, લોકો પાસેથી ટીકીટોનાં ભાડાં વસૂલ કર્યા પછી વિમાની ખરાબીને કારણે મુસાફરોને ભારે તકલીફ વેઠવી પડે, સમય બરબાદ થાય અને તે ઉપરાંત ભૂખ્યા રહેવું પડે એને શું મોટો ગુનો ના ગણાય ? આવું બધું આસાનીથી કેમ ચાલે છે ? જવાબદાર મોટા માથાના ગુનેગારોને કંઈ ના થાય. કોઈ જવાબ પણ ના લેવાય ને કોઈ સજા પણ ના લેવાય.
અને નાના માણસો, આખા દિવસની મહેનતથી, સરકાર આશ્રિત રહ્યા વિના, લોકોની ઓછા નફે સસ્તી સેવા કરતા રહેવા છતાં તેમનાં લારીગલ્લા દબાણ કરે છે એવા ગુના હેઠળ તેમને ઉપાડીને રોજી છીનવી લઈને બેકાર બનાવી દેવા એને કેવો તે ન્યાય ગણવો રહ્યો ?
આ બધા પ્રશ્નો અત્યારે એટલા માટે વિશેષ મહત્ત્વના બની ગયા છે કે સંસદે મંજૂર કરેલો નવો ટ્રાફિક કાયદો-2019 આ સપ્ટેમ્બરની પહેલી તારીખથી અમલમાં મૂકાયો છે.
આ નવા ટ્રાફિક કાયદા પ્રમાણે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સ્કૂટર, મોપેડ, બાઈક, રિક્ષા, ટેક્સી, ટ્રક કે કાર, બધાં ય વાહનો માટે 1,000 થી માંડી 25,000 રૂપિયા સુધીના ભારે દંડની જોગવાઇ છે.
અત્યાર સુધીના ટ્રાફિક કાયદા ભંગના ગુના માટે 50થી માંડી 500 રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી તેને બદલે આ સજાની રકમ ખૂબ મોટી કરી દેવાઇ છે.
બજારમાં 800થી 1,400 રૂપિયા સુધીમાં મળતી દ્વિચક્રી વાહન ચાલકો માટેની હેલ્મેટ જો વાહનચાલકે ના પહેરી હોય તો તેને 1,000 રૂપિયાનો દંડ થઈ શકે.
આ ભારેખમ દંડની વાતથી જ લોકોમાં મોટાપાયે નારાજગી ઊભી થઈ છે. જ્યાં સ્કૂટર-સ્કૂટી-બાઈક ચાલકોની, મોટાભાગનાની, આવક જ મહિને દસ-પંદર હજાર હોય, જેમણે જૂનાં સ્કુટર-બાઈક 8-10 હજારમાં માંડ માંડ ખરીદ્યાં હોય ત્યાં હજાર – પાંચ હજાર દંડની કલ્પના જ તેમના માટે ભય ઉપજાવનારી દેખાઈ રહી છે.
ટેક્સીવાળા કહે છે કે 'અમે ટેક્સી ચલાવી મહિને 15-25 હજાર કમાતા હોઈએ ત્યાં જો આવા હજારોના દંડ ભરવાના આવે તો ક્યાં જઈએ ? ભૂલ તો મનુષ્ય માત્રથી થવાની જ !'
પણ આ આકરા દંડની વાતને લઈ સૌથી મોટી વાત લોકોમાં ચર્ચાઇ રહી છે કે ટ્રાફિક અકસ્માત માટે જવાબદાર શું માત્ર વાહનચાલકો જ હોય છે? કે પછી ખરાબ રસ્તાઓ, ચાર રસ્તાઓ પરના કાયમી કોમર્શિયલ મકાનોના દબાણો, ઓટલાઓ કે પછી પાર્કિંગની પૂરતી વ્યવસ્થા વિનાના ખાનગી ગગનચુંબી મકાનો ય?
તૂટી ગયેલા રસ્તાઓ માટે જવાબદાર કોણ ? અને તેને લઈ થતાં અકસ્માત માટે થાય તો કોને ને કેટલી સજા કે દંડ થાય ?એનો જવાબ કોણ આપશે ?
હમણાં એ પણ સવાલ રોડ રસ્તા-વાહન વ્યવહાર ખાતાના પ્રધાન ગડકરીને લઈને થયો છે કે કાયદા ઘડનારા પોતે જ બેફિકરાઈથી કાયદાનો ભંગ કરતા હોય તો ક્યાં કોને ગુનેગાર ગણવા ? ગયા અઠવાડિયે પોતાના શહેર નાગપુરમાં જાતે હેલ્મેટ પહેર્યા વિના સ્કૂટર ચલાવીને આર.એસ.એસ.ની વડી કચેરીએ નીતિન ગડકરી ગયા તેનો વીડિયો મીડિયામાં ચાલ્યો …!
મોટા લોકો કાયદાનો ભંગ કરે તેને ગૌરવ કહેવાય ? તેને કોઈ ટ્રાફિક પોલીસ રોકેટોકે નહીં એ તે કેવી માનસિકતા ?
અને બીજી તરફ સામાન્ય જનતાને દંડવાની માનસિકતા કે તેમને જ ગુનેગાર ગણવાની માન્યતાઓ થી શું બધું નિયમબધ્ધ થઈ જશે ? ક્યાં ય થયું છે ?
થોડા દિવસ પૂર્વે સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે 'કાયઝાલા'નામની કમ્પ્યુટર એપ ગુજરાત સરકારે ધૂમ નાણાં ખર્ચીને મોટાપાયે ઊભી કરી અને તે એપને દરેક શિક્ષકે પોતાના અંગત મોબાઇલ ફોનમાં ફરજિયાત નાંખવી એવો ફતવો બહાર પડાયો. આ એપને કારણે શિક્ષકો ક્યાં છે તેની ચોકીદારી શિક્ષણ ખાતા દ્વારા થઈ શકે અને શિક્ષકો શાળામાં જ છે તેની ખાતરી થઈ શકે !
શું સમાજમાં માત્ર પ્રાથમિક શાળાના શિક્ષકો જ સૌથી મોટા ચોર છે ? બધાં જ બદમાશ છે ? તેમના તરફ શંકા કે આક્ષેપો કરીને શું શિક્ષણ સુધરી જવાનું છે ?
આપણા દેશની સંસદમાં 30%થી ય વધારે સંસદસભ્યો એક યા બીજા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવા છતાં તેમનો કોઈ વાળ વાંકો ના થતો હોય એવા માહોલમાં સૌથી ઓછી આવક ધરાવતા અને ખાસ તો મહદ્દ અંશે ગરીબ પરિવારોમાંથી આવતા શિક્ષકો જ દેશના સૌથી મોટા ગુનેગારો ?
ભારે ઊહાપોહ અને શિક્ષકોના સંગઠિત બહિષ્કારથી આ કાયઝાલા એપ તો સરકારે તડકે મૂકી દીધી છે પણ રોજ હાજરીનો અંગૂઠો દબાવી કમ્પ્યુટર હાજરી હવે ફરજિયાત કરી છે.
શાળાઓમાં પૂરતાં શિક્ષકો ના હોય, પૂરતાં ઓરડા યા સુવિધાઓ સરકાર ના પૂરી પાડી શકતી હોય અને શિક્ષકોને જ એકમાત્ર ગુનેગાર ગણી તેમને સમાજમાં શંકાસ્પદ બનાવી દેવાથી વિદ્યાર્થીઓ-વાલીઓ અને સમગ્ર સમાજને આ ભ્રષ્ટ સરકારો શું સંદેશ આપવા માંગે છે ?
આ દિશામાં વિચારનારો અને સરકારી તંત્રો પાસેથી રોકડો હિસાબ માંગવાની સંગઠિત લોકશક્તિનો અવાજ બુલંદ બનશે ખરો કે ?
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 11 સપ્ટેમ્બર 2019