કુંભારના કપાળ
પરથી પરસેવો
ઉતરતો હોય
ને
ચાકડેથી કોડિયાં
ઉતરતાં હોય ત્યારે
એ કોડિયાં સાથે
મેં સેલ્ફી લીધી નથી.
તમે લીધી છે ?
કોડિયાં
ગેરુઆ રંગે
રંગાતાં હોય
ને
નિભાડે ભડ ભડ
આગમાં પાકતાં
હોય ત્યારે ય
એ
કોડિયાં સાથે
મેં સેલ્ફી લીધી નથી.
તમે લીધી છે ?
અમથીબેને
સાવરણાથી
ચોખ્ખાં ચણાક
કરેલાં ઘરને આંગણે
કોડિયાંની દીવેટો
ઝળહળી રહી છે
અને
હું ક્યારનો ઝળહળતાં
કોડિયાંની સાથે સેલ્ફી
લઈ રહ્યો છું
ને
તમને શૅર કરી રહ્યો છું.
તમે પણ ?
***
(‘મને અંધારાં બોલાવે’ કાવ્યસંગ્રહ માંથી)
સૌજન્ય : મનીષીભાઈ જાનની ફેઇસબૂક દીવાલેથી સાભાર