ગાંધીજી મારા તમારા જેવા સાધારણ માણસ હતા. પોતાના પુરુષાર્થ વડે તે આગળ વધ્યા. મહાત્મા હોવાનો તેમણે દાવો નહોતો કર્યો. બલકે મહાત્મા સંબોધનથી તેમને સંકોચ થતો. છતાં એ તો કબૂલ કરવું પડશે કે તેઓ સાધારણમાંથી અસાધારણ માણસ થયા હતા. એમની એ સફર પાછળ કાળનું બળ હતું, સંજોગોની અનુકૂળતા હતી. છતાં એ પણ એક હકીકત હતી કે એમની કેટલીક લાક્ષણિકતાઓ એવી હતી કે જે તેમને આ સફર કરાવી શકી હતી. એમાંની કેટલીક લાક્ષણિકતાઓનો આપણે અહીં વિચાર કરીએ.
ગાંધીજીએ ભૂલો તો અનેક કરી હતી. એ બાબતમાં એ આપણાથી કંઈ જુદા નહોતા. એમનું જુદાપણું હોય તો એ બાબતમાં હતું કે સામાન્ય રીતે એકવાર કરેલી ભૂલ તેઓ બીજી વાર નહોતા કરતા. આ એમની નૈતિક પ્રગતિની ચાવી હતી. જરા વધુ ઊંડા ઉતરીએ. ગાંધીજીએ પોતાનું મૂલ્યાંકન કરવાની નાનપણથી ટેવ હતી. એ દરેક પ્રસંગે જાતને તપાસી જોતા. જે ભૂલોની બીજા કોઈને ખબર જ ન પડી હોય તેની પણ તેમણે મનમાં ઊંડા ઉતરીને તપાસ કરી છે. અને વચન કે કૃત્યથી ઠીક, પણ મનથી પણ ભૂલ કરી હોય તો તેની તેમણે મુલવણી કરી છે. સામાન્ય રીતે માણસ ભૂલ કરે ત્યારે એને બીજાઓથી છુપાવી રાખવા પ્રયત્ન કરતો હોય છે. ગાંધીજી એમ માનતા કે મનમાં પણ જો ભૂલ કરી હોય તો તેનો દેખનારો ઈશ્વર તો બેઠો છે.
ઈશ્વર પાસે પોતાની ભૂલ કબૂલ કરવાની તેમની રીત પોતાની ભૂલોને દુનિયા સમક્ષ ખુલ્લી મૂકી દેવી એ હતી. ઊંડા ચિંતનને અંતે તેઓ પોતાની ભૂલો સારુ પ્રાયશ્ચિતની કોઈ ને કોઈ રીત શોધી કાઢતા અને બીજા કોઈની ભલામણ પહેલાં એનો અમલ પણ કરતા. ફીનિક્સ વસાહતમાં ગાંધીજીએ આ રીતે પ્રાયશ્ચિતપૂર્વક એકટાણું, અન્નત્યાગ, મીઠાનો ત્યાગ વગેરે કરેલાં. પાછળથી તેઓ ઉપવાસ સુધી પણ ગયેલા. પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત આગળ જતાં સાથીઓ, આશ્રમવાસીઓ કે સમાજને સારુ પણ લાગુ પડ્યું. તેને લીધે તેમણે સત્યાગ્રહ આંદોલનમાં આવેલી અશુદ્ધિ સારુ ને કોઈ વાર આખા સમાજમાં દેખા દેતી હિંસા કે વેરઝેર સારુ જાતે ઉપવાસ કરેલા. ઉપવાસો વખતે તેમની પ્રાર્થના હંમેશાં કરતાં પણ વધુ તીવ્ર થતી અને ઉપવાસ શરૂ કરવા પહેલાં અનુભવેલ વિષાદ કે રંજને બદલે તેઓ શાંતિનો અનુભવ કરતા.
ગાંધીજીનું એક નિરીક્ષણ એવું હતું કે સામાન્ય રીતે માણસને બીજાના દોષો વધુ વહેલા દેખાય છે અને પોતાના દોષોને એ માફ કરી દેતો હોય છે. તેનું યોગ્ય પ્રમાણ જાળવવા સારુ જ તેઓ પોતાની કે પોતાની આસપાસના લોકોની થઈ ગયેલી ભૂલોને મોટી કરીને જગ આગળ મૂકતા. બીજાના દોષોનું વર્ણન કરવામાં તેઓ ઝાઝો રસ લેતા નહીં. ગાંધીજીએ આ વિચારોને લીધે પોતાની ભૂલોને ‘હિમાલય જેવડી ભૂલ’ તરીકે વર્ણવેલી. આ શબ્દ-પ્રયોગ તો જાણે એમને લીધે જ પ્રસિદ્ધ થઈ ગયો. એ યાદ રાખવા જેવું છે કે આ વિશેષણ ગાંધીજીએ કદી કોઈ બીજાની ભૂલ સારુ વાપર્યું નથી. પોતાની ભૂલોને શોધી કાઢી, એને જાહેર કરી, તેને અંગે પસ્તાવો અનુભવી, પ્રાયશ્ચિત કરી, તેવી ભૂલ કદી ન કરવાનો તેઓ નિશ્ચય કરતા. એમ કરતાં કરતાં જ તેઓ સત્યની એક એક ટૂંક એવી ચડતા જતા કે તેઓ નૈતિકતાના હિમાલય પર ચડી શક્યા હતા.
પોતાની જાતને સુધારતા જવાની ગાંધીજીની આ લાક્ષણિકતા તેમને નૈતિકતા તરફ આગળ ને આગળ વધારતી. એમાંથી એમની બીજી લાક્ષણિકતા વિકસી-નિત્ય વિકાસશીલતા. એક વાર પોતાની ભૂલ તેમને સમજાય પછી અહંકારને પોષવા તેઓ એને વળગી રહેતા નહીં. તેથી તેમના વિચારો, અભિપ્રાયો અને આચરણો પણ બદલાતા રહેતા. ઘણા લોકો પોતાના વિચારો બદલાયા હોય તે છતાં એક વાર વ્યક્ત કરેલી વાતને વળગી રહે છે, અને તેને સુસંગતતા કહે છે. ગાંધીજીને એમ સુસંગત રહેવામાં રસ નહોતો. તેથી તેઓ પોતાના વાચકોની આગળ જાહેર કરી ચૂક્યા છે કે મારાં બે વચનોમાં તેમને સુસંગતતા ન લાગે ત્યારે તમે એમાંથી પાછળના વચનોને જ માનજો.
નિરંતર જાગૃતિને કારણે ગાંધીજી પોતાની જાતને તેમ જ પોતાના વિચારોને તપાસતા રહેતા. એમાં ભૂલ કે તૃટિ જણાય તો તેમાં સંશોધન કરતા અને આગલી વાત કરતાં જુદી વાત કહેતાં જરા ય સંકોચ અનુભવતા નહીં. આ ટેવને લીધે તેઓ રોજરોજ વિકાસને પંથે આગળ વધતા. નિત્ય વિકાસશીલતાને કારણે જ આપણે એક કાળે અંધારામાં એકલો બહાર નીકળતાં ડરતા મોહનને દુનિયાના તે કાળના સૌથી મહાન બ્રિટિશ સામ્રાજ્યને હિંમતપૂર્વક પડકારતો અને અનેકવાર જેલ, શારીરિક હુમલા કે મૃત્યુનો સામનો સાહસપૂર્વક કરતો જોઈ શકીએ છીએ. વિચાર ક્ષેત્રમાં ગાંધીજીએ નિરંતર જાગરૂકતાને લીધે આ જ રીતે વિકાસની હરણફાળો ભરી હતી. એક જમાનામાં પોતાના આશ્રમોમાં થતાં લગ્નો એક જાતિમાં થવાનો આગ્રહ રાખતા ગાંધીજીએ જીવનનાં છેલ્લાં દશ બાર વર્ષોમાં એવો નિશ્ચય કર્યો હતો કે જો લગ્નોત્સુક જોડામાં એક હરિજન અને બીજું સવર્ણ હશે તો જ તેઓ તે લગ્નમાં હાજરી આપશે, આમ કરીને તેમણે જ્ઞાતિવ્યવસ્થા પર આઘાત કરેલો. ગાંધીજીની નિત્ય વિકાસશીલતા પાછળ એમની નિરંતર જાગરૂકતા અને જે વિચારે તેનો અમલ કરવાની વૃત્તિ કામ કરતી હતી.
વ્યક્તિ તરીકે ગાંધીજીની બીજી એક લાક્ષણિકતા એ હતી કે તેમના વ્યક્તિત્વમાં તર્કસંગતતા અને શ્રદ્ધાનો સુમેળ હતો. સામાન્ય રીતે તો તેઓ બુદ્ધિથી ગળે ઉતરે એવી વાત સ્વીકારતા. દાખલા તરીકે થિયોસોફિકલ સોસાયટીના ઘણા લોકોના વિચારો અને દર્શનમાં તેમને રસ હતો. તેઓ પોતાની ફિલસૂફીમાં ભારતીય ચિંતનને જે મહત્ત્વ આપતા તે ગાંધીજીને ગમતું. પણ થિયોસોફીમાં આવતી લોકોત્તર વાતોમાં તેમને રસ પડતો નહીં. મરણોત્તર અવસ્થા અંગે ચિંતન કરવામાં તેમને રસ પડતો નહીં. અસ્પૃશ્યતાનો વિરોધ પણ ગાંધીજીએ તર્કસંગત રીતે જ કર્યો હતો. પણ તેઓ ઘણી બાબતમાં બુદ્ધિ જ્યાં તર્ક કરતી અટકી જાય, ત્યાં શ્રદ્ધાથી કામ લેતા.
આ શ્રદ્ધા દિવસે દિવસે એમના જીવનમાં ઊંડી થતી જતી હતી. અને મૂળભૂત શ્રદ્ધા ખાતર તેઓ પ્રાણ પાથરવા પણ તૈયાર થઈ જતા. તેએા એમ માનતા કે બુદ્ધિ માણસને એક હદ સુધી લઈ જાય છે. જ્યાં બુદ્ધિ અટકી જાય ત્યાં તેઓ શ્રદ્ધાપૂર્વક આગળ વધતા. ગાંધીજીને ઈશ્વર વિષે ઊંડી શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા તેમને તર્કથી વિરુદ્ધ લઈ નહોતી જતી. સત્ય વિષેની ગાંધીજીની શ્રદ્ધા તેમને બે ક્ષેત્રોમાં પોતાનું જીવનદર્શન ઘડવા સુધી લઈ જતી. તેઓ એમ માનતા કે સૌમાં ઈશ્વર તત્ત્વ રહેલું છે. અને ઈશ્વર જો ભલું કામ કરનાર અને કલ્યાણકારી છે તો દરેક મનુષ્યમાં કાંઈકને કાંઈક ભલાઈ કે સારપ તો હોય જ છે. અને સૃષ્ટિકર્તા ઈશ્વર જો કલ્યાણકારી હોય તો છેવટે તો એ જગતના કલ્યાણની દિશામાં લઈ જાય છે, આ બે શ્રદ્ધા ઉપર ગાંધીજીનું જીવન-દર્શન ઘડાયેલું છે. સત્ય વિષે તેમને અતૂટ શ્રદ્ધા હતી અને એ સત્યને પામવા સારુ તેઓ અહિંસક પુરુષાર્થ કરતા. સત્ય-અહિંસા ગાંધીજીના જીવનમંત્રો હતા. અને શ્રદ્ધા અને પુરુષાર્થ બેઉના સુમેળ પર એમનું જીવન ખડું હતું.
ગાંધીજી સામાન્ય રીતે શાસ્ત્ર-વચનોને માન આપતા. કારણ કે તેઓ એમ માનતા કે એની પાછળ ઋષિઓનું ચિંતન-મનન અને અનુભવ હોય છે. આટલો આદરભાવ હોવા છતાં તેઓ શાસ્ત્રોને તર્કથી તપાસતા. અને તર્કની કસોટી પર ખરા ન ઊતરે તો તેને માન્ય ન કરતા. જો કે આ બાબતમાં છેવટની કસોટી તો એમને મન અંતરાત્માનો વિવેક જ હતી. તેથી છેક નાનપણમાં માતા પૂતળીબાઈ વિષે અપાર સ્નેહ અને માન હોવા છતાં તેમણે જ્યાં નાના મોહનને એમ કહ્યું કે પોતાનુ સંડાસ સાફ કરવા આવતા ઉકાભાઈને ન અડાય, તે એમને માન્ય નહોતું. માણસ માણસથી અછૂત હોય એ વાત તેમના અંતરાત્માને સ્વીકાર્ય નહોતી. આ બાબતમાં મોટપણમાં ગાંધીજીએ એટલે સુધી કહેલું કે કોઈ પંડિત મારી આગળ એમ પુરવાર કરી આપે કે વેદમાં અસ્પૃશ્યતા ઉપદેશેલી છે તો હું વેદને અમાન્ય કરીશ આભડછેટને માન્ય નહીં કરું. દક્ષિણ આફ્રિકાના ત્રીજા સત્યાગ્રહ વખતે જ્યારે જનરલ સ્મટ્સે સ્થાપેલી તપાસ સમિતિને માન્ય કરવાની સલાહ ગોખલેજીએ આપી ત્યારે એમને વિષે અત્યંત માન ધરાવતા છતાં ગાંધીજીએ એમની સલાહનો આદરપૂર્વક અસ્વીકાર કરેલો કારણ ત્રણ જણની તપાસ સમિતિમાં બબ્બે જણ જાણીતા ભારતદ્વેષીઓ હતા, તે સમિતિનો બહિષ્કાર તેમણે કરવો જ રહ્યો.
એકટાણું, ફળાહાર, મીઠું ત્યાગ કે ઉપવાસ વગેરે ગાંધીજીએ અનેકવાર કર્યા હતા. પણ તેનાથી કોઈ એમ ન માની લે કે તેઓ દેહપીડનમાં માનતા હતા. અલબત્ત દેહને તેઓ આત્માથી ભિન્ન, એનું દેવળ માનતા. એટલે દેવળની આળપંપાળ કરવામાં નહોતા માનતા, પણ એની બને એટલી સંભાળ રાખતા. તેમનો ખોરાક પૌષ્ટિક, સમતોલ અને પ્રમાણમાં પૂરતો હતો. તેઓ આસન વ્યાયામ વગેરે તો નહોતા કરતા, પણ આખી જિંદગી એમને ચાલવાની ટેવ હતી. રોજનું દસ-પંદર માઈલ ચાલતા. તેઓ ઘણીવાર જોહનિસબર્ગથી ૨૧ માઈલ દુર ટૉલ્સ્ટૉય ફાર્મ સુધી ચાલતા જતા અને કેટલીકવાર તો એક જ દિવસે આવવા જવાનો બેવડો આંટો થઈ જતો. બોઅર યુદ્ધ વખતે ઘાયલોને ઝોળીમાં ઉપાડનાર તરીકે કોઈક કોઈક વાર ઘાયલોને ઝોળીમાં ઉપાડીને લાંબું અંતર કાપવું પડતું. પણ ગાંધીજીએ શરીરની કાળજી રાખી હતી તેથી ઘણા કઠણ શારીરિક કષ્ટો પણ તેઓ સહી લેતા. છેવટ સુધી રોજ શરીરને લગભગ પોણો કલાક માલિશ કરાવતા, ખાવાપીવામાં ખૂબ નિયમિતતા જાળવતા, રોજ ફરવાનું રાખતા. જ્યારે જ્યારે પણ શક્ય હોય ત્યારે ખુલ્લા આકાશ તળે સુતા. આ બધાને કારણે તેઓ શરીરની આળપંપાળ કર્યા વિના પણ એનું જતન કરતા.
ગાંધીજી સત્યના પૂજારી હતા. સત્ય જીવનના સર્વ ક્ષેત્રમાં વ્યાપેલું જોતા, તેથી તેમની એક લાક્ષણિકતા એ હતી કે તેઓ જીવનને જુદા જુદા વિભાગો કે ખાનાંઓમાં ન જોતાં એની સમગ્રતામાં જ જોતા. એમની જુવાનીના કાળમાં વિશ્વના અર્થશાસ્ત્રીઓમાં એક વિચાર એવો ફેલાયેલો હતો કે અર્થશાસ્ત્ર તો એક વિજ્ઞાન છે, શાસ્ત્ર છે. એને નૈતિક મૂલ્યો સાથે કોઈ લેવા દેવા નથી. ગાંધીજીને આ વિચાર મંજૂર ન હતો. તેઓ માનતા કે નૈતિક્તાથી અલગ અર્થશાસ્ત્ર તો અનર્થ જ કરે. એ જ રીતે તેઓ રાજકારણ અને અધ્યાત્મને પણ એક બીજાની પાસે પણ ન આવી શકે એવા વિષયો નહોતા માનતા. તેથી ગોખલેજીની રાજકારણના આધ્યાત્મિકીકરણની વાત તેમને બરાબર રુચી ગઈ હતી. જીવનનો આખો ઉત્તરાર્ધ તો તેમણે રાજકારણ પર અધ્યાત્મનો ઓપ ચડાવવાના કામમાં જ ગાળ્યો હતો. જીવનની સમગ્રતાનો વિચાર કરવાને લીધે જ તેઓ ઘણા સાધુ સંતો રહે છે તેમ રાજકારણથી અલગ ન રહ્યા. અલબત સ્વરાજ આવ્યું ત્યારે તેમણે કોઈ રાજનૈતિક પદ નહોતું સ્વીકાર્યું, પણ પોતાના કાળના તમામ રાજકારણના પ્રશ્નોમાં તેઓ ઊંડો રસ લેતા અને એ રાજકારણને માનવીય મૂલ્યો પર ખડું કરવા તેઓ સદા મથતા રહ્યા.
જીવનને સમગ્રતાથી જોવાનું એક શુભ પરિણામ એ આવતું કે તેઓ માણસને એને લાગેલા લેબલ પરથી નહીં ઓળખતા પણ એને નર્યા માણસ તરીકે જ જોતા. આપણે જ્યારે કોઈને મળીએ છીએ ત્યારે સામે મળનાર વ્યક્તિ ભણેલી છે કે અભણ, ગોરી છે કે કાળી, ગરીબ છે કે અમીર, કોઈ પદ પર બેઠેલી છે કે નહિ તેનો વિચાર જાણ્યે અજાણ્યે પણ કરી લઈએ છીએ. ગાંધીજી માણસને નકરા માણસ તરીકે જોવા પ્રયાસ કરતા. આ ટેવને લીધે તેઓ જેની સાથે મળતા તેમને સમાજે બીજા બધા જે આવરણોથી ઢાંકી રાખ્યા હોય તેને બાજુએ રાખી એના હૃદયમાં જ સોંસરવો પ્રવેશ કરી લેતા. એને લીધે જ તેઓ ખૂબ ધ્યાન દઈને સામાંની વાત સાંભળે તેવા શ્રોતા પણ હતા. સામાન્ય રીતે નેતાઓને પોતાનો અવાજ સાંભળવો જ ગમતો હોય છે. સામાની વાતને તેઓ જલદી કાને ધરતા નથી હોતાં. પોતે સારા વક્તા બને અને સામેની વ્યક્તિ પર છાપ પાડી શકે તેની પણ તેઓ કોશિશ કરતા હોય છે. ગાંધીજીનું આનાથી સાવ ઊલટું હતું. ગાંધીજી પોતાનાં ભાષણોની પણ ભાગ્યે જ ખાસ તૈયારી કરતા. આગળથી નોંધ તો લખી રાખતા નહોતા જ. તે વખતે જે સ્ફુરે તે બોલી દેતા. તેથી ગાંધીજી સારા વક્તા નહોતા. પણ તેઓ હંમેશાં સારા શ્રોતા હતા.
જેમ તેઓ માણસને માણસ તરીકે જ જોતા એટલે સમાન ભાવે જોઈ શકતા, તેમ જ તેઓ કામ માત્રને પણ સમાન ભાવે જોતા. કામ માત્ર જે ઈશ્વરને સમર્પિત હોય તો પછી એમાં મોટું કયું અને નાનું કર્યું? ઊંચું કયું ને નીચું કયું? ભારે કયું ને હલકું કયું ?
ક્રમશ:
(ગાંધીજીની કેટલીક લાક્ષણિકતાઓ – પુસ્તકમાંથી)
સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 01 ઑક્ટોબર 2024; પૃ. 04-05