આપણું સદ્ભાગ્ય છે કે જેમણે ગાંધીજીને જોયા હતા, જે બાળવયે ગાંધીજીના ખોળામાં ઊછર્યા હતા અને ગાંધીજી સાથે રમ્યા હતા; ઉંમરે મોટા થતા ગયા તેમ તેમ ગાંધીજીને વધુ ને વધુ જાણતા, પ્રમાણતા ગયા હતા, તેવા નારાયણભાઈ દેસાઈ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે ગાંધીજીને જાણવાનો, માણવાનો અને એમના અંગે લખાયેલા, એમનાં લખાણો થકી એક મોટો મુકામ હતા.
આપણે એમની જન્મશતાબ્દી નિમિત્તે એમને એમની વાતો થકી, એમના સાહિત્યસર્જન થકી, જુદા જુદા લોકોએ એમને અંગે લખેલા લેખો થકી એમને સમજવા-જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
૨૪-૧૨-૧૯૨૪ના રોજ વલસાડ જિલ્લાના ઓલપાડ તાલુકાના દિહેણ ગામે એમનો જન્મ થયેલો. નારાયણભાઈનું ઊંચું પહોંચતું હાડ, મોટી ઉંમરે પણ ટટ્ટાર. એમની ઊંચાઈ કોઈને પણ પ્રભાવિત કરે તેવી હતી. તેમના પિતા મહાદેવભાઈ પણ ઊંચા હતા. એટલે નારાયણભાઈ માટે કહી શકાય કે ઊંચાઈ તો એમના બાપની જ ! એમનું બેસવાનું પણ ટટ્ટાર, એમનું ચાલવાનું પણ ટટ્ટાર અને બોલવાનું પણ ટટ્ટાર. નારાયણભાઈ બહારથી તેમ જ અંદરથી પણ ઊંચા અને પહોંચેલા માણસ હતા. નારાયણભાઈ વયને પણ ગાંઠે તેવા ન હતા અને વિષમતાઓને પણ ગાંઠે તેવા ન હતા. જ્યાં બેઠા હોય ત્યાં તેમની ગરિમા ઊભી થતી. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે, જે સભામાં બેઠી હોય તો સભાની શોભા વધે. એમની ઉપસ્થિતિ માત્રથી સભાને એક વિશિષ્ટ અર્થ અને દરજ્જો મળવા માંડતો હોય છે. નારાયણભાઈ આવું એક સંપન્ન વ્યક્તિત્વ હતું.
નારાયણભાઈને એક સાથે બેવડો નહીં, ત્રેવડો લાભ થયો છે. ‘પિતા’ તરીકે મહાદેવભાઈનો લાભ, ‘માતા’ તરીકે દુર્ગાબહેનનો લાભ અને ‘બાપુ’ તરીકે ગાંધીજીનો લાભ. ‘બા’ તરીકે કસ્તૂરબાનો લાભ તો ખરો જ. સૂચક અર્થમાં કહીએ તો જેને માથે ગાંધીજીએ હાથ મૂક્યો હોય તે કોઈથી ગાંજ્યો જાય ? બીજી રીતે કહીએ તો જેણે ગાંધીજીનો હાથ ઝાલ્યો હોય; અથવા એમ કહીએ કે ગાંધીજીએ જેનો હાથ ઝાલ્યો હોય એ પછી બીજા કોઈથી ઝાલ્યો રહે ? ઝાલ્યો રહે તો ફક્ત ગાંધીજી થકી જ ઝાલ્યો રહે. ગાંધીવિચાર થકી ઝાલ્યો રહે, ગાંધીદર્શન થકી જ ઝાલ્યો રહે.
નારાયણભાઈનું બાળપણ ગાંધીજીના ખોળામાં ઊછર્યું હતું. મહાદેવભાઈ તો ગાંધીજી સાથે રહ્યા હતા, પણ નારાયણભાઈ તો ગાંધીજી સાથે રમ્યા હતા. ગાંધીજી સાથે રહેવું એટલે જ્વાળામુખીની ટોચ ઉપર રહેવા જેવું હતું. મહાદેવભાઈએ ત્યાં રહી બતાવ્યું હતું. ગાંધીજી સાથે રમવાની વાત તો બાજુએ રહી, તેમની પાસે બેસવાનું પણ ભારે હતું. જ્યારે નારાયણભાઈએ તો એમની સાથે રમી બતાવ્યું હતું.
નારાયણભાઈનો ખરો પરિચય આપવો હોય તો એકસાથે મહાદેવભાઈ અને ગાંધીજી બેઉનો છેડો ઝાલવો પડે. અને એમ કરવા જતાં એકની વાત બીજામાં જતી રહે, બીજાની વાત પહેલામાં પેસી જાય, એમાં વળી ત્રીજો કે જેની વાત માંડવી છે તે બાજુએ રહી જાય એવી સ્થિતિ છે.
શરૂઆતનાં મુગ્ધ અને બાળવયનાં તેમ જ આગળ જતાં કિશોર અને વયસ્ક વયનાં કુલ મળીને વીસેક વર્ષનો, નારાયણભાઈને ગાંધીજીનો સહવાસ મળ્યો. આ દરમિયાન એમણે એક વિરાટ પુરુષ અને મહાનાયકના વ્યક્તિત્વની અનેક છબિઓ ઝીલી હતી.
નારાયણભાઈ દેસાઈ આપણા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર હતા. સાહિત્યકાર થવાના આશયથી તેમણે કલમ ઉપાડી ન હતી, પરંતુ એમણે પોતે ગાંધીજીને જે રીતે જે રૂપે જોયા જાણ્યા હતા, માણ્યા પ્રમાણ્યા હતા તેની ઊલટ વ્યકત કરવાને સારુ તથા ગાંધીવિચાર, ગાંધીદર્શન અને ગાંધીકાર્યના સંદર્ભમાં પોતાની જે પ્રવૃત્તિ અને યાત્રા ચાલેલી તેના અનુભવનું નિરૂપણ કરવાને સારુ એમની કલમ ચાલેલી. નારાયણભાઈની કેળવાયેલી અને કસાયેલી કલમે માતબર સાહિત્ય આપ્યું છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી એમ જુદી જુદી ભાષામાં નાનામોટા ચાળીસેક જેટલા ગ્રંથોની સંપદા તેમણે આપી. આમાં કેટલાક વિચારપ્રધાન ચિંતનાત્મક પ્રકારના ગ્રંથો છે, કેટલાક સંપાદન-ગ્રંથો છે, કેટલાક અનુવાદગ્રંથો છે, ચરિત્રગ્રંથો પણ છે.
જેમના થકી નારાયણભાઈ નિરંતર સેવાયા છે અને સંસ્કારાયા છે, નિત્ય અંજાયા છે અને મંજાયા છે તેવા ‘બાપુ’ વિશેના તેમના કેટલાક ચરિત્ર ગ્રંથો અ-જોડ છે. ગાંધીજીના જીવનચરિત્ર સંબંધે દેશ અને દુનિયામાં ઘણું લખાયું છે, પરંતુ નારાયણભાઈએ ગુજરાતીમાં ‘મારું જીવન એ જ મારી વાણી’ના ચાર ગ્રંથો આપ્યા. તેણે ગાંધીચરિત્રના અધિકૃત ગ્રંથની ખોટ પૂરી કરી. ગુજરાતી સાહિત્યમાં અને વિશ્વસાહિત્યમાં ગાંધીજીના ચરિત્રને આટલી સમગ્રતામાં અને આટલી અખિલાઈમાં પ્રગટ કરતો આ પ્રથમ ગ્રંથ છે. ભારતીય જ્ઞાનપીઠે આ ગ્રંથને ‘મૂર્તિદેવી પુરસ્કાર’ આપી તેનું ઉચિત ગૌરવ કરેલું. ‘સંત સેવતાં સુકૃત વાધે’ પુસ્તક એ નારાયણભાઈના ગાંધીજી સાથેના બાળપણનાં સંસ્મરણોનો આત્મીય ગ્રંથ.
દેશવિદેશની આઠેક ભાષામાં આ કૃતિ અનુવાદ પામેલી. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’માં નારાયણભાઈએ તેમના પિતા મહાદેવભાઈનું સર્વગ્રાહી, સમતોલ, સંતર્પક ચરિત્ર આલેખ્યું. આવા ચરિત્રગ્રંથો દુર્લભ છે. ગ્રંથના આમુખમાં ચી.ના. પટેલે લખ્યું છે કે આ ગ્રંથ વાંચતાં ‘હું જાણે પુરાણ-કથા વાંચતો હોઉં એવો અનુભવ થયો’. નારાયણભાઈએ ’My Gandhi’ પુસ્તક જે મૂળ અંગ્રેજીમાં લખેલું તેનો તેમણે પોતે જ ‘મારા ગાંધી’ રૂપે અનુવાદ આપ્યો છે. ગાંધીજીએ વિશ્વ ને આપેલી ત્રણ મહાન ભેટ (૧) સત્યાગ્રહ (૨) એકાદશ વ્રતો (૩) રચનાત્મક કાર્યો અંગનું નિરૂપણ વસ્તુઘનતા, પ્રમાણભૂતતા અને અધિકૃતતાની એકધારી છાપ પાડે. ‘કવિ ઉશનસ્’ આ ગ્રંથને કિશોરલાલ મશરૂવાળાના ‘ગાંધીવિચાર દોહન’ અને ‘સમૂળી ક્રાંતિ’ જેવાં પુસ્તકોની અડોઅડ અને લગોલગ મૂકે. તેઓએ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ બિન હરીફ શોભાવેલું. એક સમયે મહાત્મા ગાંધીજીએ પણ આ પદ શોભાવેલું.
‘કથા’ એ આપણું પરંપરાગત, પ્રચલિત અને બહુભોગ્ય લોકમાધ્યમ છે. આપણા જનસમાજે એને અનેક રીતે ઝીલ્યું છે. સામાન્ય માણસનો આ માધ્યમ સાથે સીધો, આત્મીય અને જીવંત સંબંધ રહ્યો છે. ‘સત્યનારાયણની કથા’, ‘ભાગવત કથા’, ‘રામકથા’ આપણા સમસ્ત જન-ગણ-મનમાં ગુંજે છે. આમ ‘કથા’નું માધ્યમ લોકહૃદયમાં સ્થાપિત થયેલું છે. જો કે આ બાબતે નારાયણભાઈ પોતે એકદમ સ્પષ્ટ હતા. એમણે તો માધ્યમ તરીકે જ ‘કથા’ શબ્દ અને તેના પ્રકારનો સ્વીકાર કર્યો હતો.
કથાના માધ્યમ દ્વારા લોકો સુધી ગાંધી, ગાંધી દર્શન, ગાંધીપ્રવૃત્તિની વાતો પહોંચે તે માટેનો આ પ્રયોગ હતો. આમાં કોઈ આંધળી ગાંધી ભક્તિ નથી. વિશ્વ સમસ્ત અને માનવજાતના કલ્યાણની જે મૂળભૂત બાબતો છે તે અને ગાંધીજી દ્વારા વ્યવહારમાં લવાયેલી છે તે બાબતો લોકો સમક્ષ મૂકીને, લોકોને તેમાં સામેલ કરવાનું મુખ્ય પ્રયોજન હતું.
(ડૉ. દલપત પઢિયાર લિખિત ‘શ્રી નારાયણ દેસાઈ – ગાંધીપથના ગરવા યાત્રી’ નામક પુસ્તિકામાંથી સારવીને)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2024; પૃ. 10-11