વર્ષો જૂની, થાળાવાળી મોટી ઘંટી, મનને દળવા બેઠી.
મૂઠી ધાન, સ્મરણોનાં ઓરી, સમય ભરડવા બેઠી.
ઘંટો સુધી બેસી સાથે,
ઘંટી-હાથો પકડી સામે;
ગોળ ઘુમાવી કચડ કચડ હું
બે પડ વચ્ચે, પીસાતા દાણા, રુદિયે ભરવા બેઠી.
છાજલી પરથી ઉતારી બરણી,
ડાઘા-ડૂઘી, લૂછીને ભરતી,
નવા મસોતે ઝાપટી, ઝૂપટી
ઢાંકી ઘંટી, કણ કણ મોતી ધરવા બેઠી.
વર્ષો જૂની થાળાવાળી, બાની ઘંટી, મનને દળવા બેઠી …
મૂઠી ધાન સ્મરણોનાં ઓરી, સમય ભરડવા બેઠી.
(થાળું = જ્યાં ઘંટીનો લોટ કે દાણા ભેગાં થાય તે થાળું. )
(મસોતુ = સફાઈ કરતું પોતું. ‘કોરોના’ જેવું!)
e.mail : ddhruva1948@yahoo.com