કરોળિયાએ ગૂંથ્યો આજ ઝુલો!
નવો એક આપ્યો વિચાર ઝોલો.
સુંવાળા તડકે ચળાતાં ટીપાં, મોતીની સેરો સમ સોહે છે ઝાકળ.
ઘડીક પેસી ઝુલવાને ઝંખું, પણ શોધ્યું મળે ના દ્વાર કે સાંકળ.
અહો, અનુપમ દ્રશ્ય આ ઝીલે,
નજરને નેવે અમોલો ઝુલે.
કરોળિયાએ ગૂંથ્યો આજ ઝુલો!
નવો એક આપ્યો વિચાર ઝોલો.
નાનકડું જંતુ, બારીક તારે, ભૂમિતિ–કોણો મસ્તીથી રચતું.
ફળિયામાં જાણે સૌથી છુપાઈ, અનોખી રમત મોજેથી રમતું.
પડે પડે પણ ધીરજ ના ડોલે.
સફળ તેથી એ, હ્રદય કેમ ભૂલે ?
કરોળિયાએ રચ્યો નોખો ઝુલો!
નથી, નથી જાળું, આ દૈવી કો’ ઝુલો.
એપ્રિલ ૨૧, ૨૦૨૦
e.mail : ddhruva1948@yahoo.com