વાત ૧૯૪૫ની બ્રિટનની છે. જગતના ઇતિહાસમાં 'ન ભૂતો, ન ભવિષ્યતિ' એવું બ્રિટિશ સામ્રાજ્ય કે જેના રાજમાં સૂરજ કદી આથમતો ન હતો, એ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું હતું. અર્ધમૂછાળા આર્યન(હિટલર)ને તો કેમેય કરીને ઘૂંટણીએ પાડયો, પણ પેલો અર્ધનગ્ન ફકીર કેમેય ટસનો મસ થતો ન હતો. સંસ્થાનોમાંથી આઝાદીની માગણી ઉત્તરોત્તર બળવત્તર થતી જતી હતી. આ વસમા સમયમાં દેશ સચવાઈ જાય એ સારુ જૂના હરીફોએ આપસી મતભેદો તત્પુરતા માળિયે ચઢાવી ગઠબંધનની સરકાર બનાવી. પ્રધાનપદે કન્ઝર્વેટિવ પાર્ટી—રૂઢિગત પક્ષના વિન્સ્ટન ચર્ચિલ અને નાયબ વડાપ્રધાનના પદે લેબર પાર્ટી— મજૂર પક્ષના ક્લેમેન્ટ એટલી. ચર્ચિલ વ્યક્તિત્વે ઓજસ્વી, વાક્ ચતુર અને વક્તવ્યોમાં સિંહગર્જના કરનાર, તો બીજી બાજુ એટલી સંયમિત, કુલીન અને ઓછાબોલા. યુદ્ધની આંટીઘૂંટીમાં બાહોશ એવા ચર્ચિલે લડાઈના કપરા દિવસોમાં પોતાનાં વીજળિક ભાષણોથી બ્રિટિશ પ્રજા અને સેનાનું મનોબળ બાંધી રાખ્યું, તો બીજી બાજુ પહેલી નજરે બિનપ્રભાવશાળી જણાતા પરંતુ વિધવિધ વિચારધારાવાળા લોકો પાસેથી પોતાનું કામ કઢાવી જાણનારા એટલીએ આંતરિક વ્યવસ્થાઓ સાચવી લઈ દેશ બાંધી રાખ્યો.
યુદ્ધ પૂરું થતાં સુધી તો યેનકેનપ્રકારેણ ગાડું ગબડી ગયું, પરંતુ યુદ્ધ પૂરું થતાંવેંત આ ગઠબંધનની સરકાર ભાંગી પડી. ૬ વર્ષ સુધી ખભેખભા મિલાવીને દેશ ચલાવનારા સાથીદારો ફરી પાછા પ્રખર હરીફો થઈ ગયા. યુદ્ધવિજય પછી તરત જ ચૂંટણીઓ યોજવાનું નક્કી થયું. કન્ઝર્વેટિવ પાર્ટીએ ચર્ચિલના આંજી દેનારા વ્યક્તિત્વ અને યુદ્ધની જ્વલંત સફળતાઓ પર દારોમદાર રાખી તેના ફરતે જ પોતાની ચૂંટણીનીતિ ગૂંથી, તો બીજી પા લેબર પાર્ટીએ બ્રિટનને પુન: બેઠું કરવા લોકહિતકારી રાજ્યની પ્રકલ્પના વિગતવાર રૂપરેખા સાથે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં લોકો સમક્ષ રજૂ કરી. અત્રે એક વાત નોંધનીય છેઃ યુદ્ધ દરમિયાન ચર્ચિલના બહુમૂલા યોગદાનને આદર આપીને લેબર પાર્ટીએ ચર્ચિલના મતક્ષેત્ર વૂડફર્ડમાં પોતાનો ઉમેદવાર ઊભો ન રાખ્યો. ચર્ચિલ જો કે એટલા કૃપાવન્ત ન હતા અને ચૂંટણીપ્રચારમાં લેબર પાર્ટીની સમાજવાદી વિચારસરણીને બરાબર આડે હાથે લેતા.
નાઝી જર્મનીએ શરણાગતિ સ્વીકાર્યાના માત્ર ત્રણ અઠવાડિયામાં જ બ્રિટનમાં ચૂંટણીઓ યોજાઈ અને યુદ્ધશ્રમિત બ્રિટિશ પ્રજાએ લોકલાડીલા ચર્ચિલની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હાર પીરસી. બિસ્માર રાજ્યની બાગડોર આવી શાંત અને વ્યવહારકુશળ એટલી અને તેમની સમાજવાદી સિદ્ધાંતોને વરેલી લેબર પાર્ટીના હાથમાં. લગભગ નાદારીના આરે પહોંચેલા બ્રિટનમાં 'રોટી, કપડાં ઔર મકાન'ની તંગી ઉપરાંત શાળાઓ, હોસ્પિટલો અને કારખાનાંની પણ તાતી ઊણપ હતી. બેકારી ચરમસીમાએ, તો ધંધા-રોજગાર-નિકાસ સાવ ઠપ થઈ ગયાં હતાં. એક સમયનું મહાન બ્રિટિશ સામ્રાજ્ય હાલ પૂરતું અમેરિકાની ઉછીની મદદ પર આશ્રિત હતું. આવા પાયમાલ બ્રિટનને બેઠું કરવાનું બીડું ઝડપી લીધું લેબર પાર્ટીએ. ખૂબ ઝીણું કાંતનારા એટલીએ સમયની નાડ પારખીને ઇષ્ટતમ રીતે દેશનું આર્થિક અને સામાજિક સંચાલન કર્યું. મોટા ઉદ્યોગો, શિક્ષણ અને આરોગ્યસેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
અહીંથી જ જન્મ થયો બ્રિટનની નેશનલ હૅલ્થ સર્વિસ (NHS) — રાષ્ટ્રીય આરોગ્ય સેવાનો. યુદ્ધોત્તર બ્રિટનની સૌથી નમૂનેદાર પેદાશ તરીકે આજે પણ વિશ્વમાં તે પંકાય છે. તેના ત્રણ મૂળભૂત સિદ્ધાંતઃ (૧) સર્વસમાવેશક (૨) સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિની સારવાર અને (૩) ઉપયોગ ટાણે સર્વ ખર્ચ સરકારને આધીન. આરોગ્યપ્રધાન એન્યુરીન બેવનના માર્ગદર્શન હેઠળ લેબર સરકારે તે સમયની લગભગ તમામ ખાનગી હોસ્પિટલો(લગભગ ૨,૭૫૦)નું નિયંત્રણ પોતાને હસ્તક લઈ લીધું. અલબત્ત, આ ધરખમ બદલાવ સરળ કે સસ્તો જરીયે ન હતો અને નિતનવા અવરોધો તો NHSને આજે પણ નડતા રહે છે. પરંતુ ઉપરોક્ત ત્રણ સિદ્ધાંતોના પાયા પર ખડી કરાયેલ NHSની ઈમારત આજે પણ અડીખમ છે અને બ્રિટિશ પ્રજા સારુ ગૌરવરૂપ છે. વિશ્વના લગભગ તમામ વિકસિત દેશોમાં, એક અમેરિકાના નોંધપાત્ર અપવાદને બાદ કરતાં, સ્વાસ્થ્યસેવાઓ કે તે માટેના વીમાની જવાબદારી સરકારો ઉઠાવે છે. પક્વ લોકશાહીઓમાં પ્રજાના આરોગ્યની સંભાળ સમાજવાદી ઢબે લેવાય છે.
કોરોના વાઇરસના ચેપને કારણે આજે પણ ૧૯૪૫ જેવી જ વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે. દુનિયા આખી એક અદૃશ્ય દુશ્મન સામે જંગે ચઢી છે, અનાજના ભંડાર ભરેલા હોવા છતાં લાખો લોકો અધભરેલા પેટે સૂવે છે, માંગ અને પુરવઠાની સાંકળો તૂટી પડી છે, બેકારી આસમાને ચઢી છે, હોસ્પિટલોની તીવ્ર અછત વર્તાય છે, શાળાઓ અને કારખાનાંઓને તાળાં દેવાઈ ગયાં છે, ઉદ્યોગધંધા ઠપ છે, સરહદો બંધ છે અને આર્થિક પતન તોળાઈ રહ્યું છે. મુઠ્ઠીભર દેશો જ આ વિનાશકારી વિષાણુની ચુંગલમાંથી પોતાને બચાવી શક્યા છે. સાઉથ કોરિયા, ન્યુ ઝીલેન્ડ, તાઇવાન વગેરે દેશોએ અગમચેતી દાખવીને લીધેલા પગલાં ખાસ નોંધનીય છે. અણીના સમયે લૉક ડાઉન લાગુ પાડીને પાણી પહેલાં પાળ બાંધવા ઉપરાંત આ રાષ્ટ્રોએ વ્યાપક પ્રમાણમાં પરિક્ષણો અને સંક્રમિત લોકોના સંસર્ગમાં આવેલા લોકોને ક્વૉરન્ટીન કરીને દક્ષતા સાબિત કરી છે. આ તમામ ડહાપણ છતાં વ્યાપક જનજાગૃતિ અને જનસમર્થન વિના આવી જ્વલંત સફળતા સંભવિત નથી, એ પણ એટલું જ સાચું છે. ઉપરોક્ત તમામ પૈકી એક પણ સ્થળે જરાસરખી પણ બેકાળજી વર્તાઈ જાય તો વહેલા કે મોડા આ વિષાણુ જે તે પ્રદેશને જરૂર ઘમરોળી નાખે.
એક તરફ આ વાઇરસના ફેલાવાને રોકી રાખનાર દેશો છે, તો બીજી તરફ એવા પણ દેશો છે જ્યાં આ દૈત્ય જાણે ક્રોધાવેશમાં ત્યાંના લોકો, ત્યાંનાં દવાખાનાં, ત્યાંની અર્થવ્યવસ્થા – બધું જ તહેસનહેસ કરી રહ્યો છે. અમેરિકા, ઇટાલી, સ્પેન, જર્મની, બ્રિટન જેવા વિકસિત અને મજબૂત આરોગ્યસેવાઓ ધરાવનારા દેશો પણ ઘાંઘા થઈ ગયા છે, ત્યારે બ્રાઝિલ, ઈરાન, ઇક્વાડોર જેવા વિકાસશીલ દેશોનું તો કહેવું જ શું? વિકસિત દેશો તો એક હદ સુધી મૃત્યુઆંકને ધીરે ધીરે નિયંત્રણમાં લાવી શક્યા છે, પરંતુ અલ્પવિકસિત/વિકાસશીલ દેશોની સરકારો કે સ્વાસ્થ્યસેવાઓ દયનીય હાલતમાં છે. દરદીઓ માટે પથારીઓની અને મૃતદેહો માટે કફનનીય વ્યવસ્થા નથી થઈ શકતી, તો વૅન્ટિલેટર અને આઇસોલેશન(આઇ.સી.યુ.)ની તો આશા જ ક્યાંથી રાખવી! ટેસ્ટીંગ કીટ અને ટેસ્ટ કરનાર ડૉક્ટર/લેબ સહાયકની અછતને કારણે ઘણા દરદીઓ શ્વાસ છોડી દે ત્યાં સુધી એમનું COVID-19નું પરીક્ષણ પણ કરી શકાતું નથી. આ દેશોના COVID-19ના અધિકૃત સરકારી આંકડા વાસ્તવિક ચિત્ર દર્શાવવા અસમર્થ છે, એટલું જ નહીં, એ આંકડા ભ્રામક પણ છે.
ભારતની હાલની પરિસ્થિતિ આ બંને અંત્યબિંદુઓની વચ્ચેની કહી શકાય. આ મહામારીની ગંભીરતાને વહેલી તકે ઓળખી લેવામાં બેકાળજી, હવાઇ મથકો પર સૌ યાત્રીઓની સઘન તપાસ અને તેમાંના COVID-19 માટે શંકાસ્પદ મુસાફરોની અલગ ચકાસણીની ઊણપ, ડૉક્ટરોથી માંડીને સ્વાસ્થ્યસેવાના ક્ષેત્રના તમામ કામદારો માટે રક્ષણાત્મક સાધનસામગ્રીની વહેંચણીમાં વિલંબ, મજૂરો/કામદારોનું સ્થળાંતર/હિજરત પૂર્ણપણે રોકવામાં સરકારની દેખીતી નિષ્ફળતા, આર્થિક અને સામાજિક નબળા વર્ગ માટે જરૂરી પુરવઠાની વ્યવસ્થા અને વહેંચણીના તંત્રમાં અનેકાનેક ભૂલો કાઢી શકાય છે. બેરોજગારી, સામાજિક અશાંતિ અને હિંસાના અનેક કિસ્સા, માગ-પુરવઠાની સાંકળમાં ભંગાણ અને તેનાથી પરિણમતી તંગી — એ બધાથી આપણે સૌ સુપેરે પરિચિત છીએ. સરકારે લીધેલાં પગલાંની પ્રશંસા કરતી વખતે એ ન ભૂલીએ કે ભારતમાં આજે પણ આ વાઇરસ ઠીકઠાક ઝડપે પ્રસરી રહ્યો છે. એક મહિના પહેલા COVID-19ના અધિકૃત કેસની ગણતરીમાં વિશ્વના દેશોમાં આપણા દેશનો ક્રમાંક ૫૦ની આસપાસ હતો, જે આજે ૨૦ની અંદર છે. મહામારીને રોકવાનાં શરૂઆતી પગલાં ભરવામાં જે વિલંબ થયો છે, તેની સહિયારી કિંમત આપણે સૌ ભારતીયોએ ભેગા મળીને ચૂકવવી જ રહી.
આ તમામ ત્રુટિઓ અને કચાશો છતાં પણ પરિસ્થિતિ હજી કાબૂ બહાર ગઈ નથી. જરા અમથી ચૂક કે બેધ્યાનપણું દાખવીશું તો સ્થિતિ તરત કાબૂ બહાર જઈ શકે છે. લગભગ તમામ રાજ્યની સરકારો કેન્દ્ર સરકાર સાથે મળીને ICMR — ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ—ના માર્ગદર્શન હેઠળ સંતોષકારક કાર્ય કરી રહી છે. કેરળ, ઓડીસા, ગોવા, લદાખ ઉપરાંત બીજા ઘણાં રાજ્યો મહદ્ અંશે આ રોગચાળાને બેકાબૂ બની ફેલાતો અટકાવી શક્યાં છે. દેશવ્યાપી લૉક ડાઉને નિ:શંકપણે આ વ્યાધિને લગામ બાંધી રાખી છે, પરંતુ ફેલાવાના 'ઘંટાકાર આલેખને ચપટો કરવો' (flatten the bell curve) એટલું પૂરતું નહીં થઈ પડે. આપણી સ્વાસ્થ્યસેવાઓનું તંત્ર હજી પણ ઘણું નબળું છે. દરદીઓની સંખ્યામાં ઉત્તરોત્તર થતા વધારાને તે વેંઢારી નહીં શકે. એક પળ માટે પણ એ ભૂલવું ન જોઈએ કે આ એક અતિશય ઘાતક વિષાણુ છે — ખાસ કરીને ૬૦થી વધુ ઉંમરના લોકો તથા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કિડનીની લાંબા ગાળાની બીમારી વગેરે ધરાવતા દરદીઓ માટે. લૉક ડાઉનથી કંઈક અંશે કાબૂમાં આવેલા વાઇરસનો સંક્રમણ/પ્રજનન દર (R0), રોગીઓની સંખ્યા બમણી થવાનો ડર (doubling rate), ઊંચો મૃત્યુદર (mortality rate), રસી અને વાઇરસવિરોધી દવાનો હાલપૂરતો અભાવ — એ તમામ વસ્તુઓ કુલ મૃત્યુઆંક જોતજોતામાં વધારી શકે છે. નવી બીમારીના ડરથી જ્યારે મોટા ભાગની ખાનગી હોસ્પિટલો બંધ છે, ત્યારે સરકારી હોસ્પિટલો જ આ મહામારીનો લગભગ બધો બોજ સહન કરી રહી છે. તેની એક આડઅસર એ થઈ છે કે COVID-19 સિવાયની બીમારીઓના દરદીઓને પણ ઇષ્ટતમ સારવાર મળવામાં ફાંફાં પડી રહ્યા છે. આ હોસ્પિટલમાં થોડીક હજાર પથારીઓ કે ICU કક્ષ ઉમેરી દેવાથી કે થોડાક સો વેન્ટિલેટર ખરીદી લેવા જેવા ટૂંકા ગાળાના ઉપાયોથી આ મહામારી સામેની લાંબા ગાળાની લડત નહીં જીતી શકાય.
રોગચાળાવિજ્ઞાન(Epidemiology)ની એક પ્રકલ્પના 'herd immunity (જૂથ રોગપ્રતિકારકતા) વિશેની સમજણ અહીં અનિવાર્ય છે. COVID-19 જેવા ચેપી વિષાણુના ફેલાવાને ત્વરિત ગતિએ વધતો અટકાવવા જે તે પ્રજામાં આવી જૂથ રોગપ્રતિકારકતા વિકસવી જરૂરી છે. ઓરી, અછબડા, પોલિયો જેવા અનેક ચેપી વિષાણુજન્ય રોગો માટેની રસી વર્ષોથી મોટા પ્રમાણમાં અપાતી હોવાથી મોટા ભાગના લોકોમાં આ રોગ સામેની વ્યક્તિગત રોગપ્રતિકારકતા વિકસેલી છે, જેથી કરીને આ વિષાણુઓને મુક્તપણે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં વિચરવાનો મોકો મળતો નથી. આવા સંજોગોમાં થોડાઘણા લોકોએ રસી ન લીધી હોય તેમને પણ રોગ સરળતાથી લાગુ પડી શકતો નથી. આવી આડકતરી રીતે બીમારીથી થતા બચાવને 'જૂથ રોગપ્રતિકારકતા' કહેવાય છે. COVID-19ના કિસ્સામાં તો રસી ઉપલબ્ધ થતાં ઓછામાં ઓછા ૬ થી ૧૨ માસ લાગી શકે છે. સંક્રમિત વ્યક્તિ વાઇરલ બીમારીમાંથી ઉભરી આવે ત્યારે કુદરતી રીતે જ વ્યક્તિગત રોગપ્રતિકારકતા પેદા થાય છે. તેને જૂથ રોગપ્રતિકારકતામાં બદલાવા માટે પહેલાં વ્યાપક પ્રમાણમાં વિષાણુનો ફેલાવો અનિવાર્ય છે. આવનારા મહિનાઓમાં આથી જ COVID-19ના દરદીઓ અને સરવાળે તેના મૃત્યુઆંકમાં ખૂબ વધારો થઈ શકે છે, એવું અનુમાન લગાવવું વાજબી છે.
આ પરિસ્થિતિમાં માત્ર સરકારી હોસ્પિટલો પૂરતી નહીં પડે. ભારત સરકારની સ્વાસ્થ્ય વીમાયોજના 'આયુષ્માન ભારત' તેમાં પ્રવર્તમાન સ્વરૂપમાં મોટી સંખ્યામાં લોકોને મદદરૂપ થવા અસક્ષમ છે. સરકાર દાવો કરે છે કે આ યોજના સૌથી ગરીબ ૫૦ કરોડની વસ્તીને આવરી લેશે પરંતુ હકીકત તેનાથી ક્યાં ય વેગળી છે. આ વીમાયોજના માટેના પાત્ર પરિવારોમાંથી મોટા ભાગનાંએ તો એ યોજના માટે હજી નોંધણી પણ નથી કરાવી. ઉપરાંત આ યોજના હેઠળ નોંધાયેલી ખાનગી હોસ્પિટલોની સંખ્યા ખૂબ ઓછી અને અપૂરતી છે. સ્વાસ્થ્યસેવાઓના તંત્રમાં ધરમૂળથી બદલાવ એ હાલના સમયની માગ છે. એવો બદલાવ જે બીજા વિશ્વયુદ્ધ પછી એટલીની સરકાર બ્રિટનમાં સફળતાપૂર્વક આણી શકી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ દિશામાં પ્રારંભિક પગલાં તો આ મહામારીના ફેલાવા સાથે માંડી જ લીધાં છે. જરૂર હવે એથી ય આગળ વધીને સમગ્ર સ્વાસ્થ્યસેવતંત્રને સમાજવાદી રૂપ આપવાની છે. મધ્યમ અને નીચલા વર્ગના લોકોનાં સ્વાસ્થ્ય અને ખિસ્સાં — બંનેને આ બીમારીના બોજ તળે દબાઈ જતાં અટકાવવા અને તેમને ઝડપથી પોતાના પગે ઊભા કરવા માટે આ પગલું જરૂરી જ નહીં, અનિવાર્ય છે. સંકુચિત અને લાભલક્ષી મૂડીવાદને બદલે આંતરરાષ્ટ્રીય સહયોગ અને સમાજવાદી સ્વાસ્થ્યસેવાઓ ધરાવતું લોકકલ્યાણ એ જ રાજ્યનો અભિગમ બને, તે ઇચ્છનીય જ નહીં, અત્યાવશ્યક પણ છે. બલકે કહી શકાય કે શાસકવર્ગની ફરજરૂપ છે. ભારત એ દિશામાં ડગ માંડે તો આ દુ:સ્વપ્ન સમાન રોગચાળા અને દયનીય આર્થિક-સામાજિક પરિસ્થિતિ છતાં માનવતા અને લોકશાહી પ્રત્યેનો મારો વિશ્વાસ વધવા જ પામશે.
૨૧ દિવસના લૉક ડાઉનને બીજા ૧૯ દિવસ સુધી લંબાવતી વખતે પ્રધાનમંત્રીએ બંધારણના આમુખના પ્રારંભિક શબ્દો 'We, the people of India—આપણે આ ભારતવર્ષના લોક'નો ઉલ્લેખ કર્યો હતો, એ જ આમુખ આપણી પ્રજાસત્તાક લોકશાહીને ધર્મનિરપેક્ષ અને સમાજવાદી બનાવવાનું પ્રણ પણ લેવડાવે છે. શું તત્કાલીન સરકાર સ્વાસ્થ્યસેવાઓને સમાજવાદી કલેવર આપવાની આ સંગીન તક ઝડપી શકશે? કેન્દ્ર તથા રાજ્યોના શાસકપક્ષ અને વિરોધપક્ષ હાલ પૂરતા ભાગલાની રાજનીતિ છોડીને મજિયારી લોકનીતિ આદરી શકશે? શું ચર્ચિલ-સરીખું વ્યક્તિત્વ ધરાવનાર પ્રધાનમંત્રી મોદી પોતાના હ્રદયના એકાદા ખૂણામાં સમાજવાદી એટલીને જગ્યા આપી શકશે? અને જો કેન્દ્ર સરકાર આમાં નિષ્ફળ નીવડે તો કોઈ એકાદી રાજ્ય સરકાર આ ચીલો ચાતરી શકશે? ૧.૩ અબજ ભારતીયો અને તેમની આવનારી પેઢીઓ આવી સહિયારી નૈતિકતાનાં ફળ ચાખી શકે તે સારું આ 'એટલી મૉમેન્ટ'ના આંબા આપણે — We, the people of India—વાવી શકીશું?
e.mail : durgeshmodi@yahoo.in
મૂળ અંગ્રેજી પાઠ :-
https://opinionmagazine.co.uk/details/5471/will-india-seize-its-‘attlee-moment’?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020