મહાન સૂરીલા ગાયક અને ભલા માણસ રફીસાહેબની આજ પુણ્યતિથિ. એ નિમિત્તે એમને શબ્દરૂપી અંજલિ સાદર :
સૂરીલા ગાયક રફી સાહેબને આજ ૩૧મી જુલાઈએ, એમની પુણ્યતિથિએ વંદન .. મુરબ્બી રફી માત્ર મહાન ગાયક જ નહીં, એક ભલા માણસ પણ હતા.
ઘણાં ફિલ્મી ગીતોમાં એણે સામેવાળાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ થોડી રકમમાં કે પૈસા લીધા વિના ગીતો ગાઈ દીધાં હતાં. ઉદાહરણ તરીકે ફિલ્મ ‘ઠોકર’નું ગીત : ‘અપની આંખો મે બસા .. કર, કોઈ ઇકરા .. ર કરું ..’ ચિત્રગુપ્તના સંગીતમાં એમણે ગાયેલાં ઘણાં સારાં ગીતોમાંથી એક ગીત અહીં નોંધું જે રાગ માલકૌંસ આધારિત છે : ‘અંખિયન સંગ અંખિયા લાગી આજ ..’ રફીસાહેબે હિન્દી ઉપરાંત, ગુજરાતી, સિંધી, પંજાબી, તેલુગુ, કોંકણી, મરાઠી એમ અનેક ભાષામાં ગીતો ગાયાં છે. એમના અવાજમાં જે મુલાયમતા હતી એનો સૌથી સારો ઉપયોગ કદાચ સંગીતકાર ખય્યામ સાહેબે કર્યો છે. “કહીં એક માસૂમ .. નાજુક સી લડકી.”
ગીત તથા એમના સ્વરબદ્ધ ગેરફિલ્મી ભકિતગીતો જેમ કે ‘શામ સે નેહા લગાયે, સુનીયો અરજ હમારી, તેરે ભરોસે એ નંદલાલા ..’ વગેરે. અહીં રફી સાહેબના સ્વરમાં માધુર્ય અને મુલાયમપણું બે ય ખૂબ સરસ પ્રગટ થાય છે. લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, શંકર – જયકિશન, કલ્યાણજી – આણંદજી, નૌશાદ, મદનમોહન જેવા દમદાર સંગીતકારોએ પણ એની પાસે જોરદાર, મધુર ગીત ગવડાવ્યાં છે. સચિનદેવ બર્મન, આર.ડી. બર્મન, સલિલ ચૌધરી, રવિ .. સંગીતકારોની યાદી ઘણી લાંબી છે જેમણે રફી સાહેબ પાસે ગીતો ગવડાવ્યાં હોય જે અમર બની ગયાં હોય.
મદનમોહન દ્વારા સ્વરબદ્ધ બે ગીતો યાદ આવે છે જે રફીસાહેબે બહુ સુંદર રીતે ગાયાં છે : ૧ – એક હંસી શામ કો દિલ મેરા ખો ગયા, ને ૨ – કભી ના કભી, કહીં ના કહીં, કોઈના કોઈ તો આયેગા .. ગીત, ગઝલ, ભજન, ઠુમરી, કવ્વાલી, હીર .. ગીતના દરેક પ્રકારમાં રફી સાહેબે પોતાનો કંઠ આપ્યો છે. એમણે દેશભક્તિનાં ગાયેલાં ગીતો પણ દમદાર .. કિશોરકુમાર અને રફી સાહેબની દોસ્તી પાણીદાર. બે ય પાણીદાર, મહાન ને સૂરીલા ગાયકો. એવાં અનેક ગીતો છે જેમાં ફિલ્મી પડદા પર કિશોરકુમાર અભિનય કરતા હોય ને સ્વર આપ્યો હોય રફી સાહેબે ..!
રફીસાહેબે અંગ્રેજીમાં વિશ્વએકતા ઉપર એક સરસ ગીત ગાયું છે “ઓલ ધો વી .. રીમેમ્બર ફ્રેન્ડ્સ ધ વર્લ્ડ ઈઝ વન ..’ આ ગીત હિન્દી ફિલ્મી ગીત “બહારો ફૂલ બરસાઓ”ની ધૂન પર આધારિત છે. આ બે ય ગીત રફી સાહેબે જ ખૂબ સરસ રીતે ગાયાં છે. ક્યારેક થાક કે તણાવ હોય ત્યારે કે એવું કાંઈ ન હોય ને મૂડમાં હોઉં ત્યારે રફી સાહેબે ને અન્ય ગાયકોએ ગાયેલાં મધુર ગીતો હું ગાઈ લઉં છું ને થાક તણાવ ગાયબ ..! આનંદનાં ફૂલ વધુ ખીલી જાય છે. ગુજરાતીમાં રફીસાહેબે જે ગીતો ગાયાં છે એમાંનાં ત્રણ ગીતોની યાદી અહીં મૂકું છું :
૧: ગેર ફિલ્મી ગીત : દિવસો જુદાઈના જાય છે,
૨: ફિલ્મી ગીત – નૈન ચકચૂર છે, મન આતુર છે ( રફી – લતા યુગલ ગીત)
૩: ફિલ્મી ગીત – આ તો રમત રમાડે રામ ..
આવાં તો ઘણાં ગીતો ઘણી ભાષામાં બહુ જ મધુર સ્વરમાં રફી સાહેબે ગાયાં છે. આવા સરળ ભલાભોળા માણસ ને ઉચ્ચ કોટિના કલાકાર કદી મરતા નથી. એ સૂરીલા, પાવન આત્માને વંદન. અભિનંદન. એ જ્યાં હશે ત્યાં પોતાના દિવ્ય સ્વરથી વાતાવરણને આનંદથી ભરી દેતા હશે.
“દિલ કા સૂના સાઝ તરાના ઢૂંઢેગા, અરે મુજકો મેરે બા..દ ઝમાના ઢૂંઢેગા …”
“જબ જબ બહાર આ..ઈ, ઔર ફૂલ મુસ્કુરા..યે, મુજે તુમ યા.. દ આ..યે…” રફી સાહેબે આવા અનેક સદાબહાર ગીતો ગાયાં છે. સ્વરથી ઈશ્વર. –
પોરબંદર, તા. ૩૧.૦૭.૨૦૨૩
e.mail : durgeshboza1@gmail.com