પ્રિય વિપુલભાઈ,
૨૦૧૭નું વર્ષ શુભ રહે એવી શુભેચ્છાઓ.
ગાંધીજીના કચ્છ પ્રવાસ વિશે મુરબ્બી પ્રભુલાલભાઈ ધોળકિયાએ લખેલી ડાયરી એક ચિરઃસ્મરણીય ગ્રંથ છે. લેખમાં ગુલાબશંકર ધોળકિયા નામ છે તે મારા દાદા ! કાન્તિપ્રસાદભાઈ અંતાણી અને પ્રભુલાલભાઈ અમારા વડીલોમાં ગણાય.
મારાં સદ્દભાગ્યથી, મારી તરુણાવસ્થામાં એમનો મારા પર 'ગુલાબભાઈના પૌત્ર' તરીકે તો ખરો જ, પણ તેનાથી વિશેષ ભાવ પણ રહ્યો. સરોજબહેન મને જાણતાં જ હશે. એમના મોટા ચોકના ઘરે અવારનવાર જવાનું બનતું. સરોજબહેનના ભાઈ સુરેશ મારાથી જૂનિયર પણ કૉલેજમાં એક જ ગ્રુપમાં. સરોજબહેનનો સંપર્ક થાય તો મારા નમસ્તે પહોંચાડવા વિનંતિ છે.
પ્રભુલાલકાકાએ ખરેખર ઉત્તમ રીતે ડાયરી લખી છે. પ્રભુલાલકાકા, કાન્તિભાઈ, દોલતરામભાઈ અને મારા દાદાને નાતબહાર કર્યા તે આ દુઃખદ ગાંધી કથાનું એક ઊજળું પાસું છે. આ ચારે ય 'યુવકો'એ જે હિંમત દેખાડી ને નાતની સજા ભોગવી, પણ નમતું ન આપ્યું તે પોતે જ અલગ કથા છે. પરંતુ પ્રભુલાલકાકાએ વાજબી રીતે જ આ ગાંધીકથાને આત્મપ્રશંસાની કથામાં નથી ફેરવી એ નોંધવા જેવું છે.
એવું થયું કે એ બધા કોઠારા પહોંચ્યા, ત્યાં મારા નાના હતા. એમને ઘરે ગયા. ત્યાં એમને મારા નાનાએ એમના વેવાઈ અને બીજા ત્રણ સાથીઓનું સ્વાગત તો કર્યું પણ જર્મન સિલ્વર(યાદ હશે જ)નાં કપરકાબીમાં ચા આપી. સામાન્ય કપરકાબી (સિરેમિક્સનાં) તો માટીથી સાફ ન કરી શકાય. જર્મન સિલ્વરનાં વાસણ તો સાફ કરવાં પડે, એટલે આભડછેટ પણ ધોવાઈ જાય. મારા નાનાએ આ સાથે જ એમને સમાચાર આપ્યા કે એમને ભુજની નાગરી નાતે નાતબહાર મૂક્યા છે.
તે પછી એમણે ગાંધીજીને આની જાણ કરી તો ગાંધીજીએ સલાહ આપી કે નાતની સજા માથે ચડાવજો, નાત જે કંઈ કરે તે સહન કરજો, અવિવેક ક્યાં ય પણ ન દેખાડજો પણ નમતું પણ ન મૂકજો. અંતે નાતમાં જ ફૂટ પડી, અને ધીમે ધીમે એમ નક્કી થયું કે સ્નાન કરી લે અને હાટકેશ્વરના મંદિરમાં દીપમાળા કરે તો એમને પાછા નાતમાં લઈ લેવા. એમણે એના માટે પણ ના પાડી. છેવટે, નાતે નક્કી કર્યું કે રોજ નહાય છે અને ઘરે પૂજા કરે જ છે તો એમને નાતમાં પાછા લેવામં વાંધો નહીં.
મારા દાદા પછી બંધારણસભામાં અને પહેલી લોકસભામાં ગયા, તે પછી સ્વતંત્ર પાર્ટી તરફથી ૧૯૬૨માં વિધાનસભામાં ગયા. પ્રભુલાલકાકા સંપૂર્ણપણે હરિજન સેવામાં લાગી ગયા. કાન્તિભાઈ કચ્છમાં જ કોંગ્રેસના આગેવાન તરીકે સક્રિય રહ્યા અને જિલ્લા પંચાયતના પહેલા પ્રમુખ બન્યા.
સ્મૃિતઓ જાગી જતાં બહુ લાંબું લખાઈ ગયું છે તો માફ કરશો.
– દીપક ધોળકિયા