આજથી ૬૫ વર્ષ પહેલાં, ૧૯૪૮ની ૨૦મી જાન્યુઆરીએ મદનલાલ પાહવા નામના યુવકે ગાંધીજીની પ્રાર્થના સભામાં એમની પાછળથી બોમ્બ ફોડ્યો હતો. પાહવાનું મૂળ વતન પાકપટ્ટન પાકિસ્તાનમાં ચાલ્યું જતાં એ ૧૯૪૭માં ભારત આવ્યો. એનું કુટુંબ પણ પાકિસ્તાનથી ભાગતી વખતે અત્યાચારો અને તકલીફોનો ભોગ બન્યું હતું. એ આના માટે ગાંધીજીને જવાબદાર માનતો હતો. નોકરીની શોધ કરતાં એ ગોડસેના સાથી વિષ્ણુ કરકરેના સંપર્કમાં આવ્યો અને ગાંધીજીની હત્યાના કાવતરામાં જોડાઈ ગયો.
૨૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ, મદનલાલ પાહવા અને બીજા છ જણ – નાથુરામ ગોડસે, ગોપાલ ગોડસે. વિષ્ણુ કરકરે, શંકર કિસ્તૈયા, દિગંબર બાડગે અને નારાયણ આપ્ટે ગાંધીજી જ્યાં રહેતા હતા, તે બિરલા હાઉસમાં પ્રાર્થનાના સમયે પહોંચ્યા. પાહવા અને કરકરે પાછલા બારણેથી ગયા અને બાકીના આગલા મુખ્ય પ્રવેશદ્વારથી જ અંદર ગયા. પાહવાએ દરવાજે ચોકીદારને ભોળવવાનો પ્રયત્ન કર્યો કે એ પાછળથી ફોટા પાડવા માગે છે, પણ એ માન્યો નહીં એટલે પાહવા અને કરકરે ચાલ્યા ગયા. ચોકીદાર સમજ્યો કે એ લોકો એમની ટેક્સી તરફ ગયા, પણ ખરેખર પાહવા નજર બચાવીને પાછળ ચાલ્યો ગયો હતો. ત્યાં એણે બોમ્બ ગોઠવ્યો અને ફોડ્યો. પ્રાર્થના સભામાં થોડો ખળભળાટ તો થયો પણ ગાંધીજી તદ્દન શાંત રહ્યા અને લોકોને પણ શાંત થઈ જવા કહ્યું. પ્રાર્થના નિયમ મુજબ જ પૂરી થઈ, પણ બોમ્બ નિષ્ફળ જતાં મદનલાલ પાહવાને છોડીને એના સાથીઓ ત્યાંથી ખસી ગયા હતા. પાહવાએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું અને પોતાના સાથીઓનાં નામ પણ આપ્યાં અને એ લોકો જે હોટેલમાં ઊતર્યા હતા ત્યાં પણ લઈ ગયો.
xxx
૨૦મી જાન્યુઆરીનો બનાવ પણ ગાંધીજીની હત્યાનો પહેલો પ્રયાસ નહોતો. પહેલાં પણ ૧૯૩૪, ૧૯૪૪ અને ૧૯૪૬માં પણ ત્રણેક હુમલા થઈ ચૂક્યા હતા પરંતુ એની ખાસ નોંધ લેવાઈ નથી. ઓછામાં ઓછા બે હુમલામાં નાથુરામ ગોડસેની સંડોવણી હોવાના પુરાવા પણ છે. ૨૦મી જાન્યુઆરીનો હુમલો સૌથી વધારે વ્યવસ્થિત પ્રયાસ હતો. સવાલ એ છે કે નામો મળ્યા પછી પણ પોલીસતંત્ર એમને પકડી કેમ ન શક્યું. તે પછી ગાંધીજીએ પ્રાર્થનામાં આવનારાની ઝડતી લેવા સામે સખત નારાજી દેખાડી હતી, તેમ છતાં, દિલ્હી શહેર અથવા મુંબઈ, પૂનામાંથી પણ આ લોકોને પકડી શકાયા હોત. ગાંધીજીએ ઝડતી લેવાની ના પાડી એ સગવડિયું બહાનું હતું અને છે. સરકારની બેકાળજી પણ ગાંધીજીની હત્યા માટે કારણ બની. ગાંધીજી સૌને આડે આવતા હતા કે શું?
ગુજરાતના વયોવૃદ્ધ ગાંધીવાદી નેતા વડીલ શ્રી ચૂનીભાઈ વૈદ્ય (ચૂનીકાકા) લખે છે કે ગાંધીજીની હત્યા માટે અપરાધીઓ અને એમના સમર્થકો આ કારણો આપતા હોય છેઃ
૧. ગાંધીજી પાકિસ્તાન બનાવવાના સમર્થક હતા એટલે દેશના ભાગલા માટે ગાંધીજી જવાબદાર હતા;
૨. કાશ્મીરમાં પાકિસ્તાને આક્રમણ કર્યું તેમ છતાં એને પંચાવન કરોડ રૂપિયા આપી દેવાની ગાંધીજીએ હઠ પકડી.
૩. મુસલમાનો આટલા ઉદ્દંડ બન્યા તે ગાંધીજીની એમને ખુશ કરવાની નીતિને કારણે.
ચૂનીકાકા લખે છે કે દસ્તાવેજો તપાસતાં આમાંથી એક પણ વાત સિદ્ધ થતી નથી. પંચાવન કરોડ રૂપિયા આપવાની વાત ૧૯૩૪, ૧૯૪૪ કે ૧૯૪૬માં તો હતી જ નહીં તેમ છતાં એમને મારી નાખવાના પ્રયાસ શા માટે થયા હતા? હકીકત એ છે કે આ કારણો તો ભોળા લોકોની આંખમાં ધૂળ નાખવા માટે આગળ ધરવામાં આવે છે.
xxx
ગાંધીજી દક્ષિણ આફ્રિકાના એમના અનુભવોના આધારે ભારતમાં શું જરૂરી છે તે સમજ્યા હતા, જનતાના દરેક વર્ગને સાથે રાખવાની જરૂરિયાતમાંથી એમના હિન્દુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા, સ્વાવલંબન, ટ્રસ્ટીશિપ વગેરે વિચારોનો ઉદ્ભવ થયો હતો.
વળી ગાંધીજી ધર્મને રાજકારણ સાથે સાંકળતા હતા. એમણે ગીતા ઉપરાંત કુરાન, બાઇબલ વગેરે બધાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો, અને હિન્દુ ધર્મ સહિત બધા ધર્મોના ક્રિયાકાંડોને તિલાંજલિ આપીને માત્ર મૂલ્યો ગ્રહણ કર્યાં. ખરેખર તો આ માનવીય મૂલ્યો હોય છે. ધર્મોમાં બંધાયેલાં આ મૂલ્યોને નવા સંયોગોમાં પુનર્જીવિત કર્યાં, પ્રયોજ્યાં અને રાજકારણને નવી દિશા આપી.
આમ છતાં એમણે પોતે હિન્દુ, મોઢ વાણિયા હોવાનું પણ સ્પષ્ટ જાહેર કર્યું. ગાંધીજી ધર્મને છોડીને કટ્ટરપંથીઓ માટે મેદાન મોકળું કરવા નહોતા માગતા અને લોકો પર એમની જબ્બર પકડ હતી, ગાંધીજી વ્યક્તિ મટીને મૂલ્ય બની ગયા હતા.
આથી કટ્ટરપંથીઓ માટે બુદ્ધિવાદી નહેરુ કરતાં ગાંધીજી મોટી આડખીલી રૂપ હતા કારણ કે પ્રજાના અતિ વિશાળ વર્ગ પર એમના નૈતિક ચારિત્ર્યનો ભારે પ્રભાવ હતો. આ આડખીલીને દૂર કર્યા વિના ચાલે તેમ જ નહોતું. અંતે, માત્ર દસ દિવસમાં જ એ સફળ થયા.
આધારઃ
http://en.wikipedia.org/wiki/Madan_Lal_Pahwa
http://www.mkgandhi.org/assassin.htm શ્રી ચૂનીકાકાના આભાર સહિત.
આજથી શરૂ કરીને ૩૦મી જાન્યુઆરી સુધી આપણે ગાંધીજીના પ્રભાવ વિશે એકાંતરે-બે દિવસે ચર્ચા કરશું.
(સદ્દભાવ : 'મારી બારી' નામે લેખકનો બ્લૉગ)