પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર ગુમાવ્યાં … અને હવે ઝારખંડ! મતદાતાઓનું વલણ અકળ છે. જે મતદારોએ વર્ષ ૨૦૧૯ની મધ્યમાં ઝારખંડમાં લોકસભાની ૧૪માંથી ૧૨ બેઠકો આપીને ભા.જ.પ.ને સત્તાનાં શિખર પર પહોંચાડ્યો હતો, એ જ મતદારો હવે એને જમીન પર લાવી રહ્યાં છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા-કૉંગ્રેસ-આર.જે.ડી.નાં ગઠબંધનનો વિજય થયો છે અને ભા.જ.પ.ની ‘એકલા ચાલો’ની વ્યૂહરચનાને સદંતર નિષ્ફળતા મળી રહી છે. એકવીસમી સદીના ‘ચાણક્ય’ કહેવાતા અમિત શાહની ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી જીતવાની ઇચ્છા પર મતદારોએ પાણી ફેરવી દીધું છે. અહીં ત્રણ બાબતો મહત્ત્વપૂર્ણ છે. એક, ઝારખંડમાં ભા.જ.પ.નો પરાજય. બે, કૉંગ્રેસની અડવાણી-વાજપેયી યુગના ભા.જ.પ. જેવી વ્યૂહરચના. ત્રણ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડનાં પરિણામોની અસર. શરૂઆત ભા.જ.પ.ની નિષ્ફળતા માટે જવાબદાર કારણો સાથે કરીએ.
યાદ હશે કે, ઝારખંડમાં – રઘુવર દાસની સરકારે શાસનની શરૂઆતમાં જ, વર્ષો જૂનાં છોટા નાગુપર ગણોત ધારા અને સંથાલ પરગણા ગણોત ધારામાં ફેરફારનો પ્રયાસ કર્યો હતો. સરકારના કહેવા મુજબ, આ ફેરફારોનો આશય વિકાસલક્ષી કાર્યો માટે જમીન સંપાદનની પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. ઝારખંડમાં આદિવાસી સમુદાયે આ કહેવાતા ‘વિકાસ’નો વિરોધ કર્યો હતો; પણ લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી સત્તાના નશામાં ભાન ભૂલીને રાજ્ય સરકારે લગભગ ૧૦,૦૦૦ આદિવાસીઓ પર રાષ્ટ્રદ્રોહનો કેસ કર્યો હતો. છતાં આદિવાસી સમુદાયે નમતું ન જોખ્યું અને સરકારને પીછેહટ કરવાની ફરજ પડી હતી. જો કે ત્યાં સુધીમાં ભા.જ.પ. ‘આદિવાસી વિરોધી પક્ષ’ હોવાની છાપ ઊભી થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું, ભા.જ.પે. આ વિધાનસભા ચૂંટણીમાં એના ‘આદિવાસી ચહેરા’ અર્જુન મુંડાની ઉપેક્ષા કરી અને ‘છત્તીસગઢમાં જન્મેલા’ રઘુવર દાસને છૂટો દોર આપ્યો. પરિણામે ભા.જ.પ.માં આંતરિક જૂથબંધીને પ્રોત્સાહન મળ્યું. વળી રઘુવર દાસે સત્તાના મદમાં એમના જ મંત્રીમંડળમાં પ્રભાવશાળી ગણાતા નેતા સરયુ રૉયને ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો. જમશેદપુર(પૂર્વ)ની બેઠક પરથી ‘અજય’ ગણાતા રૉય રઘુવર દાસ સામે બળવો કરીને એમની સામે ચૂંટણી લડ્યાં અને વર્ષ ૧૯૯૫ પછી રઘુવર દાસને પહેલી વાર પરાજયનો સ્વાદ ચખાડ્યો. આ બેઠક પર મોદી-શાહે પ્રચાર કર્યો હતો અને કલમ ૩૭૦, રાષ્ટ્રીય નાગરિકતા સંશોધન ધારા જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતા. તો ય રઘુવર દાસ અને ભા.જ.પે. હાર જ જોવી પડી.
હવે વાત રાજ્યોમાં કૉંગ્રેસનાં પુનરાગમનની કરીએ. જેમ મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે ચૂંટણી પહેલાં એન.સી.પી.નું અને ચૂંટણીનાં પરિણામો પછી શિવસેનાનું નેતૃત્વ સ્વીકારી લીધું હતું, તેમ ઝારખંડમાં પણ પ્રાદેશિક પક્ષને મહત્ત્વ આપ્યું. સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં કૉંગ્રેસે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનને મુખ્યમંત્રીનાં દાવેદાર તરીકે પ્રસ્તુત કર્યા અને એમને વધારે બેઠકો આપી. પરિણામે મુક્તિ મોરચા અને કૉંગ્રેસ બંનેની બેઠકોમાં વધારો થયો.
હકીકતમાં, કૉંગ્રેસ આ વ્યૂહરચના ભા.જ.પ. પાસેથી જ શીખી છે. વાજપેયીના નેતૃત્વમાં ભા.જ.પે. કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે આ પ્રાદેશિક પક્ષોને આગળ કર્યા હતા. કૉંગ્રેસે ભા.જ.પ.થી નારાજ આદિવાસી સમુદાય વચ્ચે ‘આદિવાસી ચહેરા’ તરીકે સોરેનને આગળ કર્યા અને રાષ્ટ્રીય જનતા દળ સાથે પણ ગઠબંધન કર્યું. બીજી તરફ, મોદી-શાહના ભા.જ.પે. ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (આ.જ.સુ.) સહિત કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન ન કરીને ‘એકલા ચાલો’ની વ્યૂહરચના અપનાવી. એટલું જ નહીં ભા.જ.પે. સ્થાનિક મુદ્દાઓની ઉપેક્ષા કરીને કલમ ૩૭૦, નાગરિકતા સંશોધન ધારો, એન.સી.આર. જેવા મુદ્દા ઉઠાવ્યાં. પણ આ દાવ ઊંધો પડ્યો અને આદિવાસી સિવાયના મતદારો અલગ અલગ પક્ષોમાં વહેંચાઈ ગયા. આ.જ.સુ.એ જ એકલા હાથે ભા.જ.પ.ને ૨૦થી ૩૦ બેઠકો પર ફટકો પાડ્યો છે. ઝારખંડમાં જ ભા.જ.પ.ને કેટલાંક નેતાઓએ પરિણામો આવ્યાં પછી ટિપ્પણી કરી છે કે ભા.જ.પે. આ.જ.સુ. સાથે જોડાણ કર્યું હોત, તો રઘુવર દાસ ફરી મુખ્યમંત્રી બની શક્યા હોત. પણ अब पछतावे होत क्या …
છેલ્લે, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ચૂંટણીઓ પર બધાની નજર છે. કૉંગ્રેસની રણનીતિ સ્પષ્ટ છે. એ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ જશે, તો તમિલનાડુમાં ડી.એમ.કે. સાથે ગઠબંધન કરશે. પણ બધાની નજર હવે બિહાર પર છે. ઝારખંડનાં પરિણામો અને ભા.જ.પ.ની હાર પછી બિહારમાં નીતિશ કુમાર ‘મોટા ભાઈ’ની ભૂમિકા ભજવવા વધુને વધુ થનગની રહ્યા છે. અહીં પ્રશ્ર એ છે કે ભા.જ.પ. નીતિશ કુમારનું નેતૃત્વ સ્વીકારશે? નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાને સાથી પક્ષોને પૂરતું મહત્ત્વ આપવાની આડકતરી ચેતવણી ભા.જ.પ.ને આપી દીધી છે. એટલે મોદી-શાહનો ભા.જ.પ. વાજપેયી-અડવાણી યુગનો ભા.જ.પ. બનવા રિવર્સમાં જશે કે નહીં એ જોવાનું રહેશે.
E-mail: keyurkotak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 18 તેમ જ 04