કોઈ પણ દેશની સરકારને એક સંસ્થા ગણવામાં આવે છે. એક આર્થિક પરિપ્રેક્ષ્યમાં એક કલ્યાણકારક સંસ્થા કે રાજ્યનો ઉદ્દેશ શો ? નફાનું સામાજિકીકરણ કરવું અને સમાજના વધુને વધુ લોકો સુધી નફાનો લાભ પહોંચાડવો. જો આ સાચું હોય તો સરકારે નફો કરતા હોય એવાં સાહસોને પ્રોત્સાહન આપવું જોઈએ. એમાંથી જે આવક થાય તેનો ઉપયોગ સરકારે સમાજ માટે કલ્યાણકારક યોજનાઓમાં કરવો જોઈએ. અંગ્રેજીમાં તેને Socialism of Profit કહે છે. હવે, અર્થતંત્રનો એક સામાન્ય નિયમ છે : જે કંપની ખોટ કરતી હોય અને નફો કરવાની શક્યતા ન હોય એને બંધ કરવી તથા નફો કરતી હોય એવી કંપનીઓને પ્રોત્સાહન આપવું. અહીં પ્રશ્ર એ થાય છે કે જો કોઈ જાહેર સાહસ નબળું પડી ગયું હોય અથવા ખોટ કરતું હોય તો શું કરવું? જવાબ સરળ છે. એમાંથી આવક થવાની સંભાવના હોય તો, સરકારે એના કેટલાક હિસ્સાનું વેચાણ ખાનગી ક્ષેત્રને કરવું અને એનું સંચાલન કરવાની જવાબદારી એ કંપનીને સોંપવી. હવે આ દૃષ્ટિએ સરકારની હાલની કામગીરીનો વિચાર કરીએ.
અત્યારે દેશમાં બે મુદ્દા ચર્ચાસ્પદ બન્યાં છે. એક, થાપણદારો માટે ‘નો બૅંક’ બની ગયેલી યસ બૅંકનો ગાળિયો સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયાનાં ગળામાં પહેરાવાયો તે. અને બીજો, વર્ષે દહાડે આશરે રૂ. ૭,૦૦૦ કરોડથી વધારે નફો કરતી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બી.પી.સી.એલ.)ના હિસ્સાનું ખાનગી કંપનીને વેચાણ કરવું. એટલે ખોટ કરતી કંપનીનો સરકારી સાહસમાં વિલય કરવો અને નફો કરતી સરકારી કંપનીનું વેચાણ ખાનગી ક્ષેત્રને કરવું! (આને કલ્યાણ રાજ્ય સાથે કોઈ સંબંધ?)
પહેલા વાત યસ બૅંકની કરીએ. અત્યારે ‘ગોદી મીડિયા’માં ન્યૂઝ એન્કર્સ સરકારે યસ બૅંકના પ્રમોટર રાણા કપૂરને પકડીને જાણે અભૂતપૂર્વને ઐતિહાસિક કામગીરી કરી હોય એવી રીતે રજૂઆત કરે છે. આ એન્કરો સરકારે કડક કામગીરી કરી છે એવું દર્શકોનાં મનમાં ઠસાવવા માટે હાસ્યાસ્પદ લાગે એવી રીતે રજૂઆતો પણ કરી રહ્યાં છે. જાણે કે કેન્દ્ર સરકારે યોગ્ય સમયે ઉચિત કાર્યવાહી કરી હોવાના ઉધામા કરી રહ્યાં હોય એવું ચિત્ર ઉપસે છે. આ ‘ગોદી-બોદી-લોદી’ ચેનલોએ નાણાં મંત્રીની પત્રકાર પરિષદનું જીવંત પ્રસારણ કર્યું હતું. આ પરિષદમાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જે જાહેરાતો કરી એના મુખ્ય મુદ્દા :
• યસ બૅંકમાં શું ખોટું થયું છે અને એમાં વ્યક્તિગત સ્તરે જવાબદારી નક્કી થવી જોઈએ.
• યસ બૅંકની કામગીરી પર વર્ષ ૨૦૧૭થી નિયમિતપણે નજર રાખવામાં આવતી હતી.
• યસ બૅંકે અનિલ અંબાણી, એસ્સેલ ગ્રૂપ, ડી.એચ.એફ.એલ., વોડાફોન જેવી કંપનીઓને લોન આપી હતી, જે ડિફોલ્ટ જાહેર થયા છે. પણ આ તમામ લોન યુ.પી.એ. સત્તામાં હતી ત્યારે આપવામાં આવી હતી.
• યસ બૅંક રોકાણ મેળવવા માટે પ્રયાસો કર્યા, પણ કોઈ રોકાણકાર સંસ્થા યસ બૅંકમાં રોકાણ કરવા તૈયાર નથી.
ટૂંકમાં, નાણાં મંત્રીએ યસ બૅંક બિનકાર્યક્ષમ અસ્કયામત (એન.પી.એ.) હેઠળ દબાઈ ગઈ એનાં દોષનો ટોપલો યુ.પી.એ. સરકાર પર ઢોળ્યો. જો કે કોમનસેન્સ ધરાવતા નાગરિકને નાણાં મંત્રીની વાતની નવાઈ ન લાગવી જોઈએ. જ્યારથી એન.ડી.એ. સરકાર બની છે, ત્યારથી એણે દેશમાં કોઈ પણ પ્રકારની અરાજકતા અને અવ્યવસ્થા માટે યુ.પી.એ. સરકારને જ જવાબદાર ઠેરવી છે. પણ નાણાં મંત્રીના આ દાવાઓ પર એક સમજદાર નાગરિક તરીકે થોડાં પ્રશ્રો આપણે આપણી જાતને પૂછીએ અને એના જવાબો પણ આંકડા સાથે આપણે મેળવીએ.
• વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એન.ડી.એ. સરકાર સત્તામાં આવી હતી. એ સમયે યસ બૅંકની લોન બુક કેટલી હતી?
જવાબ છે – વર્ષ ૨૦૧૪માં યસ બૅંકે કુલ રૂ. ૫૫,૦૦૦ કરોડની લોન આપી હતી.
• વર્ષ ૨૦૧૪ પછી યસ બેંકની લોનમાં કેટલો વધારો થયો?
એનો જવાબ છે – યસ બૅંકની લોન વર્ષ ૨૦૧૫માં વધીને રૂ. ૭૫,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૬માં રૂ. ૯૮,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૭માં રૂ. ૧, ૩૨,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૮માં ૨,૦૩,૦૦૦ કરોડ અને વર્ષ ૨૦૧૯માં ૨,૧૪,૦૦૦ કરોડ.
• નાણાં મંત્રીએ દાવો કર્યો છે કે વર્ષ ૨૦૧૭થી રિઝર્વ બૅંક યસ બૅંકની કામગીરી પર નિયમિતપણે નજર રાખતી હતી.
તો વર્ષ ૨૦૧૭ પછી યસ બૅંકની લોન બુકમાં કેટલો વધારો થયો?
એનો જવાબ છે – માર્ચ, ૨૦૧૭થી ૩૧ માર્ચ, ૨૦૧૯ વચ્ચે યસ બૅંકનાં કુલ ઋણમાં ૮૦ ટકાનો વધારો થયો. એટલે વર્ષ ૨૦૧૭થી વર્ષ ૨૦૧૯ વચ્ચે યસ બૅંકે લોન સ્વરૂપે કરેલી લહાણી રૂ. ૧,૩૨,૦૦૦ કરોડથી વધીને રૂ. ૨,૪૧,૦૦૦ કરોડ થઈ ગઈ.
આ સમયગાળા દરમિયાન નોટબંધી જેવા તઘલખી નિર્ણય તથા જી.એસ.ટી.નાં ઉતાવળિયા અને ઢંગધડા વિનાનાં અમલને કારણે અર્થતંત્રની ગાડી પાટાં પરથી ઊતરી ગઈ હતી, લોનની માંગ અસાધારણ રીતે અતિશય ઓછી હતી અને ખાનગી રોકાણમાં વધારો થતો નહોતો. જ્યારે આ પ્રકારનાં વિપરીત સંજોગોમાં મોટા ભાગની બૅંકો માટે લોન આપવી લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ હતું, ત્યારે યસ બૅંકની લોન બુકમાં ૧,૦૯,૦૦૦ કરોડ કે ૮૦ ટકાનો વધારો થયો હતો. ફક્ત બે વર્ષનાં ગાળામાં યસ બૅંકની લોન બુક બમણી થઈ ગઈ હતી! એટલું જ નહીં યસ બૅંકની સ્થાપના થયા પછી ૧૭ વર્ષમાં જેટલી લોન આપી હતી, એટલી લોન માત્ર બે વર્ષમાં આપી દીધી. અહીં અર્થતંત્રમાં સામાન્ય સમજણ ધરાવતા નાગરિકોને કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રશ્રો થવા જોઈએ, જેમ કે :
• નોટબંધી અને જી.એસ.ટી.ના અમલ પછી બે વર્ષમાં કોઈ પણ સારી કંપની રોકાણ માટે લોન માંગતી નહોતી, ત્યારે આ ગાળામાં યસ બૅંક પાસેથી આટલી જંગી લોન લેનાર કોર્પોરેટ લોનધારકો કોણ હતા?
• વળી આ કંપનીઓએ નવું રોકાણ કર્યું હતું કે પછી યસ બૅંકનાં નાણાંનો ઉપયોગ બીજી બૅંકોનું અગાઉનું ઋણ ચુકવવા માટે કર્યો હતો?
• શું સરકાર અને રિઝર્વ બૅંકને જાણ નહોતી કે યસ બૅંક આટલી જંગી લોનોની લહાણી કરી રહી છે? શું સરકાર અને રિઝર્વ બૅંકને જાણ નહોતી કે યસ બૅંકનાં પ્રમોટર રાણા કપૂર એમની ઇક્વિટી વેચી રહ્યા છે? જો ખબર હતી, તો શું સરકાર કે રિઝર્વ બૅંકે ડૂબતી બચાવવા માટે રાણા કપૂરને એમનો હિસ્સો વેચીને બહાર નીકળવાનો ‘સેફ પેસેજ’ ઇરાદાપૂર્વક આપ્યો હતો?
• યસ બૅંકે જુલાઈથી સપ્ટેમ્બરનાં ત્રિમાસિક ગાળા પછી પરિણામો જાહેર કરવાનું શા માટે બંધ કરી દીધું હતું. જ્યારે યસ બેંકે પરિણામો જાહેર કરવાનું બંધ કર્યું હતું, ત્યારે રિઝર્વ બેંક શું કરતી હતી?
યસ બૅંકની કામગીરી બંધ કરવાનો અને સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયાને અમુક હિસ્સો ખરીદવા મજબૂર કરવાનો નિર્ણય લેવાયો. એ નિર્ણયની જાણ કેટલાંક કોર્પોરેટ ગૃહોને હતી એવો કેટલાંક અગ્રણી અખબારોએ દાવો કર્યો છે. તેમ છતાં એસ.બી.આઈ. કાર્ડનો આઇ.પી.ઓ. આવ્યો અને એનું ભરણું ૫૦થી ૫૫ ગણું વધારે થયું. ત્યારબાદ સરકારે એસ.બી.આઈ. યસ બૅંકમાં ઇક્વિટી ખરીદશે એવી જાહેરાત કરી. હવે એસ.બી.આઈ.નાં રોકાણકારો અને એસ.બી.આ.ઈ કાર્ડનાં આઇ.પી.ઓ.માં રોકાણ કરનાર રોકાણકારો પર એની નાણાકીય અસર શું થશે? જો સરકારે અગાઉથી જાહેરાત કરી હોત, તો એસ.બી.આ.ઈ કાર્ડનાં આઇ.પી.ઓ.માં રોકાણકારોએ આટલાં મોટા પાયે રોકાણ કર્યું હોત?
હકીકતમાં નાણાં મંત્રીએ યસ બૅંક કૌભાંડ માટે યુ.પી.એ. સરકારને જવાબદાર ઠેરવવાને બદલે આ સવાલોનાં જવાબો મેળવવાની જરૂર છે. તેમણે તપાસ સંસ્થાઓને આદેશ આપવો જોઈએ કે યસ બૅંકની કયા કોર્પોરેટને કેટલી લોનની લહાણી કરી હતી અને આ કોર્પોરેટ ગૃહોએ એ લોનનો ઉપયોગ કેવી રીતે કર્યો હતો. આ ‘પોન્જી સ્કીમ’ જેવો ગોટાળો છે.
રિઝર્વ બૅંકના જણાવ્યા અનુસાર યસ બૅંકને બચાવવા માટે સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયા એમાં હિસ્સો ખરીદશે. છેલ્લાં બેથી ત્રણ વર્ષમાં જે યસ બૅંકમાં રોકાણ કરવા કોઈ સંસ્થા આગળ આવી નથી, ત્યારે શું સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયા એનો બોજ ઉઠાવી શકશે? શું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ બોજ ઉઠાવવા સક્ષમ છે? યસ બૅંકે પોતાના નાનાં થાપણદારોની પરસેવાની કમાણીની લ્હાણી જે મોટા કોર્પોરેટ ગૃહોને કરી છે એ કોર્પોરેટ ગૃહો યસ બૅંકને ધિરાણ ચુકવવાની સ્થિતિમાં જ નથી. કહેવાનો અર્થ છે કે યસ બૅંકને એન.પી.એ. પરત મળવાની કોઈ શક્યતા નથી.
પી.એન.બી., પંજાબ-મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બૅંક, બીજી કેટલીક નાની-મોટી બૅંકો અને હવે યસ બૅંકનાં કૌભાંડે બેંકિંગ ક્ષેત્રમાં સુધારો કરવાની તાતી જરૂરિયાત પર ફરી ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોનો મત છે કે હવે, ખાસ કરીને બૅંકોનું ઓડિટ કરવાની રીત ઝડપથી બદલવી જોઈએ. સત્યમ કૌભાંડ પછી કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો કે કોઈ પણ ઓડિટર એક જ કંપનીનું સતત ઓડિટ નહીં કરી શકે, મહત્તમ બે વાર ઓડિટ કરી શકશે. પણ આ નિયમ બૅંકો પર લાગુ પડતો નથી, કારણ કે બૅંકનું સંચાલન આર.બી.આઈ. નિયમન ધારાથી થાય છે. હવે આ નિયમ બૅંક પર લાગુ કરવાનો સમય પાકી ગયો છે.
વળી બૅંકોની કામગીરીમાં પારદર્શકતા લાવવા માટે આંતરરાષ્ટ્રીય બૅંક બેસલ-૩ અને બેસલ-૪ નિયમોને અપનાવે છે. આ નિયમો બૅંક ઑફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ નામની સંસ્થા ઘડે છે. આ સંસ્થા અગાઉ આંતરરાષ્ટ્રીય બૅંકોનાં એકબીજા સાથેનાં વિવાદોનું સમાધાન કરતી હતી. પણ હવે બૅંકોની સ્થિતિ સુધારવા નિયમો અને કાયદા પણ બનાવી રહી છે. ભારતમાં બૅંકો બેસલ નિયમોનું પાલન કરતી નથી. જો તેઓ આ નિયમો અપનાવે, તો એમની રિઝર્વ બૅંકને જાણકારી આપવાની જવાબદારી વધી જશે. આર.બી.આઈ.એ માર્ચ, ૨૦૨૦ સુધી તમામ બૅંકોને બેસલ-૩ અપનાવવાનું ફરજિયાત બનાવ્યું હતું, પણ અત્યારે તો એની સંભાવના જણાતી નથી.
અન્ય એક ઉપાય ‘સ્ટ્રેસ ટેસ્ટ’ એટલે કે ક્રેમલ્સ ટેસ્ટિંગ તરફ આગળ વધવાનો છે. આ ટેસ્ટમાં મંદી કે બજારમાં કટોકટીની સ્થિતિમાં બૅંક પ્રતિકૂળ આર્થિક સ્થિતિની અસરનો સામનો કરવા પર્યાપ્ત મૂડી ધરાવે છે કે નહીં એ નક્કી થાય છે. આ ટેસ્ટ અંતર્ગત શેરબજારની જેમ બૅંકને પોતાની આર્થિક સ્થિતિની જાણકારી અખબારોનાં માધ્યમથી જનતાને જણાવવી જરૂરી બની જાય છે. જ્યારે રઘુરામ રાજન રિઝર્વ બૅંકનાં ગવર્નર હતા, ત્યારે તેમણે આ ઉપાય અજમાવવાની ભલામણ કરી હતી, પણ રાજન અમેરિકા જતા રહ્યા અને સરકારે એમની ભલામણો પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા.
સરકારની નીતિ પરથી એવું લાગે છે કે એનો અભિગમ ખોટનું સામાજિકીકરણ કરવાનું છે. અગાઉ આઇ.ડી.બી.ઈ. બૅંકને એલ.આઇ.સી.માં વિલિન કરવામાં આવી હતી. બીજી તરફ, આ જ સરકાર નફાનું ખાનગીકરણ કરી છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બી.પી.સી.એલ.) દેશની મહારત્ન કંપની છે. આ કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૭,૦૦૦ કરોડથી વધારેની ચોખ્ખી આવક કરી છે. હવે સરકારે આ કંપનીમાંથી હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. સરકારનાં આ પ્રકારનાં અભિગમ પર વિપક્ષોએ બાંયો ચઢાવી છે. વિપક્ષોને શંકા છે કે સરકાર નફો કરતી કંપનીઓને એક યા બીજા કોર્પોરેટને વેચી રહી છે અને ખોટી કરતી કંપનીઓમાં નફો કરતી સરકારી કંપનીઓનું રોકાણ કરાવીને એને નબળી પાડી રહી છે. અંગ્રેજીમાં આ પ્રકારનાં અભિગમને “Privatisation of Profit And Socialism of Loss” કહેવાય છે.
સામાન્ય રીતે દુનિયામાં પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ ઉદ્યોગ પર સરકાર પોતાનું નિયંત્રણ જાળવી રાખે છે. રશિયામાં સૌથી મોટી ઓઇલ કંપની રોસનેફ્ટ છે. રશિયામાં જ વિશ્વની સૌથી મોટી ગેસ ઉત્પાદક કંપની ગૅઝપ્રોમ છે. આ બંને કંપનીઓ પર રશિયાની સરકારનું નિયંત્રણ છે. એ જ રીતે સાઉદી અરેબિયાની પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ કંપની સાઉદી અરામ્કો વિશ્વમાં આવકની દૃષ્ટિએ સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે. વળી આ કંપની પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ ક્ષેત્રમાં દુનિયાની સૌથી નફાકારક કંપની છે. આ કંપની પર સાઉદી અરેબિયાની સરકારનું નિયંત્રણ છે. તાજેતરમાં આ કંપનીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ૨૦ ટકા હિસ્સો ખરીદ્યો છે. એટલું જ નહીં સાઉદી અરામ્કોએ બી.પી.સી.એલ.માં સરકારનો હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. ચીનમાં પેટ્રોલિયમ અને ગૅસ ક્ષેત્રમાં સૌથી મોટી કંપની ચાઇના નૅશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન છે. આ કંપની દુનિયામાં ઇરાન, ઇરાક, મલેશિયા, સીરિયા, કઝાખસ્તાન જેવા દેશોમાં કામગીરી ધરાવે છે. આ કંપની ચીનની સામ્યવાદી સરકારનાં નિયંત્રણ હેઠળ કામ કરે છે અને પેટ્રોચાઇન તરીકે પ્રસિદ્ધ છે.
હવે બ્રિટનની બ્રિટિશ પેટ્રોલિયમ (બી.પી.) કંપનીનો વિચાર કરીએ. આ કંપની પર બ્રિટનની સરકારનું નિયંત્રણ ૧૯૭૯ સુધી હતું. વર્ષ ૧૯૭૯ પછી બ્રિટનમાં થેચર યુગની શરૂઆત સાથે ખાનગીકરણની મોટા પાયે શરૂઆત થઈ હતી. એ સમયે પણ થેચરે પહેલાં તબક્કામાં બી.પી.નાં પાંચ ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. ખાનગીકરણની આ પ્રક્રિયા ક્રમશઃ આગળ વધીને અને ૧૯૮૭માં પૂર્ણ થઈ હતી. આ રીતે બ્રિટનની સરકારે પણ ઓઇલ કંપનીઓનું ખાનગીકરણ તબક્કાવાર રીતે કર્યું છે. એના હિસ્સાનું વેચાણ એ કસાથે કરવાનો અભિગમ દાખવ્યો નથી. નોર્વેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનાં ઉદ્યોગ પર સરકારનું નિયંત્રણ છે.
એટલે, ચીન હોય કે રશિયા, અમેરિકા હોય કે સાઉદી અરેબિયા, નોર્વે હોય કે મલેશિયા – આ તમામ દેશોમાં સરકારની મુખ્ય આવકનાં મુખ્ય સ્ત્રોતોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો સિંહ ફાળો છે. આ તમામ સરકારો પેટ્રોલિયમ અને કુદરતી ગૅસનાં ઉદ્યોગમાંથી થતી આવકનો ઉપયોગ સરકારની જનકલ્યાણકારક યોજનાઓ માટે કરે છે. વળી આ ઉદ્યોગ થકી સરકાર મોટી સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડે છે. કહેવાનો અર્થ એ છે કે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના નફા કરતા ઉદ્યોગ પર સરકાર નિયંત્રણ જાળવી રાખવાનું પસંદ કરે છે. આ તમામ સરકારો આ ઉદ્યોગમાંથી થતા નફાનું સામાજિકીકરણ કરે છે. ત્યારે ભારત સરકાર દુનિયાભરનાં આ બધાં વિકસિત દેશોની વિરૂદ્ધ આર્થિક નીતિ અપનાવીને શું સાબિત કરવા મથી રહી છે?! જો ખાનગીકરણ કરવું જ હોય તો તબક્કાવાર ખાનગીકરણનો વિકલ્પ અપનાવવા કેમ નથી વિચારતું ? પણ આ સરકારને અત્યાર સુધી લીધાં એમ બધાં જ નિર્ણયો ઝડપથી અને રાતોરાત જ લેવા છે!
E-mail : keyurkotak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 05-07