મણિપુરની નાઓરેમ રોશિબિના દેવીએ એશિયન ગેમ્સમાં વુશુમાં રૌપ્ય ચન્દ્રક જીત્યો. ચન્દ્રક મળ્યાં પછી બાવીસ વર્ષની આ યુવતી ભાંગી પડી. તેની આંખમાંથી આંસુ વહી રહ્યાં, જે તેના વતનની દુર્દશા માટેના હતાં.
રોશિબિનાએ ચન્દ્રક તેના મણિપુર રાજ્યને અર્પણ કર્યો. તેણે કહ્યું, ‘આ ચન્દ્રક હું મણિપુરને અર્પણ કરું છું. આ ચન્દ્રક હું એ લોકોને અર્પણ કરું છું કે જે લોકો અમારું રક્ષણ કરી રહ્યા છે, અમારા માટે લડી રહ્યાં છે.’
સ્પર્ધાઓ માટેની સખત તાલીમ દરમિયાન મનમાં ધરબી રાખેલી લાગણીઓ પરિણામ જાહેર થતાં જ ઊભરાઈ આવી. તેણે કહ્યું કે ‘મને ખબર નથી કે અમારું શું થશે. अभी पूरा डर के बैठा हुआ है’.
મૈતી સમુદાયની રોશિબિના દેવીના હૈયે હાંગઝોઉની સ્પર્ધા દરમિયાન અને તાલીમ દરમિયાન પણ મણિપુરના હિંસાચારની પીડા હતી, કેમ કે ઇમ્ફાલથી પચાસેક કિલોમીટર પર તેનું ગામ Kwasiphai Mayai Leikai હિંસાચારના એક કેન્દ્ર વિષ્ણુપુર જિલ્લામાં છે.
રોશિબિના યાદ કરે છે કે તેના પિતાને તેમના ગામનું રક્ષણ કરવા માટે ખૂનમરકીની વચ્ચે ઊતરી પડવું પડ્યું છે અને તેમનાં માતા રોમિલા બાળકોને ઘરમાં બંધ કરીને રાતે ચોકી કરતી ટુકડીમાં જોડાઈ છે, અને બાળકોને મહિનાઓ લગી આ રીતે રાતો ગુજારવી પડી છે.
એક વર્ષથી રોશીબિના એના ઘરે જઈ શકી નથી, કારણ કે પહેલાં તાલીમનું સમયપત્ર બહુ ભરચક હતું, અને વધારામાં હિંસા ફાટી નીકળી. તેણે કહ્યું, ‘એવા પણ દિવસો આવ્યા છે કે મારા માબાપની ચિંતામાં મારી રાતની ઊંઘ ઊડી જતી. હું એમની સાથે ફરી ક્યારે ય વાત નહીં કરવા પામું એમ મને લાગ્યું છે.’
મે મહિનામાં તાલીમમાંથી મંજૂરી લઈને ઇમ્ફાલ ગઈ પણ ત્યાંથી ઘરે પહોંચવું ઘણું જોખમકારક હતું. એટલે એના પિતાજી એને મળવા ઇમ્ફાલ ગયા. તેના પિતા નાઉરેમ દામુ સિંહે દીકરીની તાલીમ માટે જમીનનો હિસ્સો વેચ્યો છે.
ઘરઝૂરાપામાંથી થોડી રાહત રવિવારે મળતી, કારણ કે રવિવારે તેમને વાત કરવા માટે મોબાઇલ મળતો, જે બાકીના દિવસોમાં તેમના કોચના તાબામાં રહેતો. આમ કરવાનો હેતુ બહારની દુનિયા સાથેના સંપર્કથી ખેલાડીઓ વિચલિત ન થઈ જાય તેની તકેદારી રાખવાનો હતો.
રોશિબિનાએ મૈતી અને કુકી બંને સમુદાયોને હિંસા છોડી શાંતિ સુખશાંતિ પાછી લાવવાની હાકલ કરી છે.
તેણે કહ્યું, ‘મને એમ થાય કે બધું થાળે પડે, પહેલાં કરતાં ય સરસ થાય તો કેવું સારું. બધું સળગ્યા કરતું હોય તે જોવાનું બહુ આકરું લાગે છે.’
[સૌજન્ય: The Indian Express, 29 September 2023]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર