જગતમાં પહેલો પુરુષ અવતર્યો ત્યારે એ સ્વતંત્ર હતો. પહેલી સ્ત્રી અવતરી તો એ પણ સ્વતંત્ર હતી, પણ એ બે ભેગાં મળ્યાં કે સ્વતંત્રતા હાલક ડોલક થવા લાગી ને જેમ જેમ દુનિયાનો વિકાસ થવા લાગ્યો કે સ્વતંત્રતાને માટે સ્ત્રીએ ને હવે તો પુરુષે પણ, લડત આપવી પડે એવી સ્થિતિ છે. સ્વતંત્રતાને સ્નેહ કે સમર્પણ સાથે બહુ બનતું નથી. સ્નેહ હોય ત્યાં સ્વતંત્રતાનો અલગથી વિચાર કરવો પડે એવી સ્થિતિ ખાસ આવતી નથી કે સમર્પણમાં તો જાતને જ ખોઈ નાખવાની છે. એમ તો પોતાને, બીજાને સોંપવાનો જ મહિમા છે, ત્યાં સ્વતંત્રતાની વાત કેટલી ટકે એ પ્રશ્ન જ છે. આમ દેશ સ્વતંત્ર હોય તો તેનો નાગરિક પણ સ્વતંત્ર જ ગણાય છે. બંધારણમાં પણ વ્યક્તિ સ્વાતંત્ર્યને સ્વીકૃતિ અપાયેલી છે, પણ વાસ્તવિકતા વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોઈ શકે છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય પછી પણ સ્ત્રી, પુરુષની દાસી બનવા કે પુરુષ, સ્ત્રીનો દાસ બનવા ઉત્સુક હોય એવા ઘણા દાખલા આજે પણ જોવા મળે એમ છે, તો સ્વાતંત્ર્ય કોનું એ પ્રશ્ન વિચારવાનો રહે. પશુ, પંખી, મનુષ્ય એમ બધાં જ સ્વતંત્ર છે, પણ પશુ, પંખી માટે પાંજરાં પણ છે જ. સ્ત્રી-પુરુષ સ્વતંત્ર છે, પણ બંને પરણે છે, લગ્ન કરે છે ને લગ્નને બંધન તરીકે પણ ઓળખાવાયું છે. તો સવાલ એ થાય કે સ્વતંત્રતા છે કોને માટે? એનો ક્યાંક તો ખપ હશે જને ! છે. એ કૈં હવામાં તરતો રહે એવો શબ્દ નથી જ !
પણ એ શબ્દને વ્યાપક અને ઊંડી રીતે સમજવાનો રહે. સાદી વાત એટલી છે કે સ્વતંત્રતા, જવાબદારી વગર શક્ય નથી. સ્ત્રી કે પુરુષ એકલાં રહે તો સ્વતંત્ર જ છે. એ રીતે ઘણાં સ્વતંત્ર રહે પણ છે, પણ એમાં એકબીજાં વગર ચલાવવાની વાત છે. જ્યાં બંનેને એકબીજાની જરૂર જણાય છે, ત્યાં જવાબદારી પણ સ્વતંત્રતાની સાથે સાથે જ આવે છે. આમ તો સાથે રહેવાના કોઈ નિયમ, સમાજ ન હતો, ત્યારે ન હતા, પણ સમાજ અસ્તિત્વમાં આવ્યો ને નીતિનિયમો-ધારાધોરણો અમલમાં આવ્યાં. લગ્ન દ્વારા સહજીવનની તકો ઊભી થઈ. એમાં પણ જવાબદારી ઉપાડવામાં વાંધો પડ્યો તો લિવ ઇન જેવા વિકલ્પો સામે આવ્યા. જો કે, એ પણ સારો વિકલ્પ બનવાને બદલે સમસ્યાઓ ઊભી કરવાનું કારણ જ બન્યો. ખાસ કરીને એમાં છેતરાવાનું સ્ત્રીને જ વધારે આવ્યું. એમાં મોકળાશ હતી, તો મુશ્કેલીઓ પણ હતી. આજે પણ ઉત્તમ વિકલ્પ તો લગ્ન જ લાગે છે, એ ખરું કે લગ્નમાં સ્ત્રી અને પુરુષ, બંનેને જવાબદારીઓ છે. એમાં સ્વતંત્રતા ઓછી ને જવાબદારીઓ વધારે છે. એ સાથે જ સ્વતંત્રતા સંદર્ભે એમાં પુનર્વિચાર જરૂરી બને છે. એક બાબત સ્પષ્ટ છે કે વ્યક્તિ એકલી હોય તો એ કેવળ સ્વતંત્ર હોઈ શકે છે, પણ જેવી બે વ્યક્તિ વચ્ચે સંપર્કની વાત આવે છે કે સ્વતંત્રતા વત્તેઓછે અંશે પ્રભાવિત થયા વિના રહેતી નથી.
ટૂંકમાં, સ્વતંત્રતા સંદર્ભે એ સ્વીકારી લેવાનું રહે કે જવાબદારી વગરની સ્વતંત્રતા બીજું કૈં પણ હોય, સ્વતંત્રતા નથી. ખાસ કરીને લગ્નને લાગે વળગે છે ત્યાં સુધી એ સમજી લેવાનું રહે કે એની શરૂઆત સ્વતંત્રતાથી પછી, પણ જવાબદારીથી પહેલાં થાય છે. પતિપત્ની થનાર બંને વ્યક્તિ એ સમજ સાથે જ જોડાય છે કે બંનેને એકબીજાની જરૂર છે ને બંને મનમાની કરવા નહીં, પણ મન મૂકીને એકબીજાનાં થવાં લગ્નમાં પ્રવૃત્ત થઈ રહ્યાં છે. બંનેએ પોતાનાં થવા ઉપરાંત બીજાના પણ થવાનું છે. આ બીજાના થવામાં જ પોતાની વાત ઓછી થતી આવે છે. પત્નીએ, પતિનાં ને પતિએ, પત્નીનાં થવાનું છે. પત્નીએ પતિને ભરોસે પિયર છોડ્યું છે, તો પતિએ પણ, ઘર છોડ્યા વગર, ઘરનાં સભ્યો કરતાં પત્નીનું મહત્ત્વ સ્વીકારવાની સમજ સાથે પરણવાનું સ્વીકાર્યું છે. ઘરનાં સભ્યો કરતાં પત્નીનું મહત્ત્વ પતિને વધુ જ હોવાનું. તેને બદલે એ પત્નીનાં શોષણનું કારણ બને કે શોષણ થવા દે તો તે તેની પત્ની પ્રત્યેની ફરજ ચૂકે છે. એવી જ રીતે પત્ની, પતિને બદલે પિયરનું મહત્ત્વ જ આંકતી રહે તો તે પણ પોતાની ફરજ ચૂકે છે. હવે જ્યાં જવાબદારી જ ન રહેતી હોય ત્યાં સ્વતંત્રતા એકલી ટકે તો પણ કેટલુંક?
પતિ-પત્નીની સ્વતંત્રતા સંદર્ભે કેટલીક વાતો ધ્યાનમાં લેવાની રહે. જ્યાં લગ્ન કેન્દ્રમાં છે, ત્યાં સ્વતંત્રતા પોતાની પછી, બીજાની પહેલાં આવે છે. જરા વિચિત્ર લાગે એવું છે, પણ સ્વતંત્રતા સાથે નથી રહેતી, તે સામે રહે છે. મતલબ કે સ્વતંત્રતા વિચારવાની જ હોય તો પહેલાં સામેની વ્યક્તિની વિચારવાની રહે છે. સામેની વ્યક્તિની મોકળાશ જ પોતાને માટેની મોકળાશ ઊભી કરી આપે છે. સ્વતંત્રતા પતિની, પત્નીએ ઊભી કરી આપવાની છે. એ જ રીતે પતિએ પત્નીની મોકળાશનો વિચાર પહેલાં કર્યો હશે તો પોતાની મોકળાશ આપોઆપ જ ઊભી થશે. જ્યાં પણ વ્યક્તિ પોતાને બાજુએ મૂકે છે ત્યાં બીજો તેને આગળ કરી આપે છે. પત્ની, પોતાને બાજુએ મૂકશે, તો પતિ, તેને મોખરે રાખશે, પણ એવું બને છે ઓછું. હકો પોતાનાં ને ફરજ બીજાની એવું જ્યાં પણ છે ત્યાં શાંતિ રહેતી નથી.
એવું પણ બને છે કે લગ્ન તો થાય છે, પણ પછી કોઈ, કોઇની પરવા કરતું નથી. પતિ-પત્ની બંને પોતાનું ધારેલું જ કરતાં હોય છે. બંને સાથે હોય છે જ એટલે કે કોઈ, કોઈનું ન માને. પોતાનું ધારેલું કરવા જ એવા લોકો પરણતાં હોય છે. એ નથી ઘર સાચવતાં કે નથી તો વ્યક્તિઓને કે સંતાનોને સાચવતાં ને અરાજકતા ત્યાં ઘર કરી જાય છે. આમાં આપવા કરતાં પડાવવાની વૃત્તિ વધુ હોય છે. આવું હોય ત્યાં કોઈનું પણ લાંબું ચાલતું નથી ને વાત છૂટાં થવા પર આવે છે. એમાં લાભ ઓછો ને હાનિ વધુ થતી હોય છે. જ્યાં બીજાનો ખ્યાલ નથી કે બીજાને માટે જીવવાનું નથી, ત્યાં સ્વતંત્રતા નહીં, પણ સ્વચ્છંદતા જ કામ કરતી હોય છે. જવાબદારી વગરની સ્વતંત્રતાનું બીજું નામ જ સ્વચ્છંદતા છે. આ સ્વચ્છંદતા બહાર તો બહુ કામ લાગતી નથી, પણ ઘરમાં એ ચાલે છે. દાખલા તરીકે સ્વચ્છંદતા ફેશનમાં ઠેર ઠેર જોવા મળે છે.
વસ્ત્રો માફક ન આવતાં હોય પણ, ફેશન છે એટલે યુવા સ્ત્રી-પુરુષો તે જ પહેરે છે જે નથી શોભતું. ટાઈટ જીન્સ પેન્ટ નથી ફાવતાં તો પણ તે પહેરવાનું ભાગ્યે જ કોઈ છોડે છે. કપડાં એટલાં ટાઈટ પહેરાય છે કે બેસવા જતાં કે ઊઠતાં ફાટે છે, પણ પહેરવાનું ચાલે જ છે. હવે તો શરીરનાં માપનાં વસ્ત્રો નથી સીવાતાં, પણ વસ્ત્રોનાં માપનું શરીર સીવાય છે. એને માટે જરૂર લાગે તો કપડાં નાનાં, મોટાં કરવાને બદલે સર્જરી કરાવવાનું ય પસંદ કરાય છે. ડોકટરો ચેતવે છે કે ટાઈટ કપડાં કે હાઇ હિલ્સ નુકસાન કરે છે, પણ તે પહેરવાનું છોડાતું નથી. નુકસાન થાય તો પણ ફેશન કેન્દ્રમાં આવી જ જાય છે. એ વખતે કોઈનું જ કાને ધરાતું નથી. યુવા વર્ગ મનમાની કરીને જ રહે છે. ખાવાપીવાની બાબતે પણ પૂરતી સ્વચ્છંદતા ભોગવાય છે. જેની તબીબો સલાહ નથી આપતાં એ જ ખવાય છે. પછી દવાની જરૂર પડે તો તબીબો ક્યાં નથી? એમાં જ પછી યોગા કે એક્સરસાઈઝની વાતો ચાલે છે, ડાયેટિંગની શરૂઆત થાય છે, પણ એ બધું છેવટે તો ખાતર પર દિવેલ જ પુરવાર થાય છે. હઠ, સ્વચ્છંદતા વગેરે સ્વતંત્ર હોવાના વહેમમાં યુવા માનસ અપનાવે છે, પણ એનો લાભ બીજાને તો ઠીક, એમને પોતાને પણ થતો હોય એવું બહુ લાગતું નથી.
કોણ જાણે કેમ, પણ પતિપત્ની એકબીજાને અનુકૂળ થવા બહુ રાજી નથી હોતાં, એવી જ રીતે યુવા વર્ગ પણ ઘરને બહુ માનતો કે સ્વીકારતો નથી. બધી સમજ છે, પણ કેટલીક બાબતોમાં યુવકો ને યુવતીઓ સ્વતંત્ર હોવાના વહેમમાં સ્વચ્છંદી જ વધારે જણાય છે. એમાં લાંબે ગાળે હાનિ જ હાથમાં આવે છે. ચેતવાને બદલે યુવા પેઢી ચેતાવવામાં વધુ માનતી હોય એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 27 નવેમ્બર 2022