વાત કરવી છે, કે. સચ્ચિદાનંદન દ્વારા સંપાદિત પુસ્તક Words Matter : writings against silence વિશે, જેમાં આપણા પ્રથમ હરોળના સાહિત્યકારો, પત્રકારો, કલાકારો, વૈજ્ઞાનિકો, કર્મશીલો, વર્તમાન શાસનતંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જોવા મળે છે. અહીં સમાવિષ્ટ બૌદ્ધિકોએ આ કે તે પક્ષની કંઠી બાંધી નથી. અગાઉની સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીનો પણ પ્રતિકાર કર્યો હતો. ન તો તેઓ એકબીજાના સંપર્કમાં રહી, તાજેતરની વિષય વિષમ ઘટનાઓને વખોડી કાઢવા, હેતુપૂર્વક વૈચારિક હુમલો કરતા હોવાનું કહી શકાય તેમ છે, આમ છતાં, અરુણ જેટલીને આ ‘manufactured revolt’ લાગે છે. રાજનાથસિંહને મન આ માત્ર ‘કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે, તો મહેશ શર્મા આમ કહીને હદ કરે છે, ‘લેખકોને ન લખવું હોય તો ન લખે.’ આ બેજવાબદારીભર્યા વિધાનની માર્મિક ટિપ્પણી અહીં કરાઈ છે, ‘જો સફાઈ-કામદારો પોતાનો આક્રોશ વ્યક્ત કરે, તો તમે એમ કહેવાની ગુસ્તાખી કરવાના ખરા કે, ‘તેમને સફાઈ ન કરવી હોય તો ન કરે?’
જેમણે પોતાના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ મળેલા પદ્મશ્રી, પદ્મવિભૂષણ જેવા પુરસ્કારો પરત કરીને પોતાના અસંતોષ, નારાજગી, પીડાને વાચા આપી છે, તે યાદીમાં નયનતારા સહગલ, રોમિલા થાપર, ગીતા હરિહરન, સલિલ ત્રિપાઠી, કેકી દારૂવાલા, માર્કેન્ડેય કાત્જુ, પંકજ મિશ્રા, અનન્યા વાજપેયી, ગોપાલ ગુરુ જેવાં મહાનુભાવોનો સમાવેશ થાય છે.
દાભોલકર, પાનસરે, કલબુર્ગી, પેરૂમલ વગેરે અંધશ્રદ્ધા નિવારણ, શ્રમિકોના ઉત્થાન, શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધ જનજાગૃતિ-અભિયાન ચલાવી રહ્યા હતા. સ્થાપિત હિતોને તે કઠે જ. આથી તેમની હત્યા કરવામાં આવી, હત્યારાઓ સામે કોઈ કાર્યવાહી ન થઈ. તેથી જનતા હચમચી ઊઠે, તો પોતાના ‘એકદંડિયા મહેલ’માં રહેતા સર્જકો કઈ રીતે ચૂપ રહી શકે?
દેશમાં જે રીતે અસહિષ્ણુતાનું પ્રમાણ વધી રહ્યું છે, બિનસાંપ્રદાયિકતા ભૂતકાળની બાબત બની ગઈ છે, નાગરિકે શું ખાવું, શું પહેરવું, શું વાંચવું, કઈ ફિલ્મ જોવી, શું બોલવું, શું વિચારવું, શું લખવું વગેરે તંત્ર નક્કી કરે; કોમવાદી તત્ત્વો શિક્ષણમાં, સાંસ્કૃતિક બાબતોમાં, ધાર્મિક બાબતોમાં ચંચુપાત કરે, ધમકીની ભાષામાં વાત કરે; વિરોધ નોંધાવનારની સલામતી જોખમાય, અપેક્ષિત હોય તેના કરતાં જુદા મનને દબાવી દેવામાં આવે, ત્યારે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યના પુરસ્કર્તા અંગત જોખમ વેઠીને ય મેદાને પડે તે સહજ છે.
વિદ્યાની દેવી સરસ્વતી કહે છે તેમ, તે જેને ચાહે છે, તેને ઉગ્ર કરે છે. સચ્ચિદાનંદન અહીં આવા, મા સરસ્વતીના લાડકવાયા, સંવેદનશીલ તેથી જ ઉગ્ર મિજાજ ધરાવતા વિદ્યાપુરુષોને લઈને આવે છે. સત્તાને કારણે છકી ગયેલાં આ સાંપ્રદાયિક તત્ત્વોના વાણીવિલાસને ‘અનિચ્છાએ મળતા મનોરંજનથી વિશેષ મહત્ત્વ આપી શકાય નહીં, એમની નિમ્નકક્ષાની હરકતોનાં થોડાં દૃષ્ટાંતો :
* ઈશ્વર માત્ર મંદિરોમાં જ છે, મસ્જિદમાં કે દેવળમાં નહીં.
* એ.પી.જે. અબ્દુલ કલામ, ‘મુસ્લિમ હોવા છતાં,’ રાષ્ટ્રભક્ત અને માનવતાવાદી હતા.
* ‘ખાન’ ત્રિપુટીની ફિલ્મો ન જોવી જોઈએ. તેમનો બહિષ્કાર કરવો જોઈએ. તેમના ‘દેહ’ અહીં છે, પણ આત્મા પાકિસ્તાનમાં.
* બી.જે.પી.ને મત ન આપે તે ‘હરામજાદા’, મોદીને મત ન આપે તે પાકિસ્તાન જાય.
* ગોડસેએ ગાંધીને બદલે નેહરુની હત્યા કરવી જોઈતી હતી. ગાંધીની પ્રતિમાઓ હટાવી ગોડસેની મૂકવી જોઈએ.
* મુસ્લિમોને મતાધિકાર ન હોવો જોઈએ.
સતત આ પ્રકારનાં થતાં રહેતાં વિધાનોથી અલ્પસંખ્યકોમાં અવિશ્વાસ, અસલામતીની લાગણી જન્મે તે સ્વાભાવિક છે. આથી જ રિબેરોને કહેવું પડ્યું, I feel reduced to a stranger in my own country’ તો શશિ થરૂર કહે છે, Cows are safer than Muslims in our country’. લોકશાહીની સફળતાનો આધાર તે પોતાની લઘુમતી પ્રજાને કેવી રીતે સાચવે છે, તેના પર છે.
અહીં બળાપો ઠાલવનારા બધાં હિંદુઓ જ છે, એટલે તેમના વિશે ગેરસમજ ફેલાવવાનો અર્થ નથી. વિનોબા ભાવેએ આપેલી વ્યાખ્યામાં તેમને મૂકી શકાય. જે હિંસાથી દુભાય તે હિંદુ શબ્દસ્વામીઓના પક્ષમાં કહેવાયું છે. ‘It is intellectuals who are the eyes of the society and without intellectuals the society is blind.’
અહીં એક મહત્ત્વપૂર્ણ વાત કહેવાઈ છે કે દેશને પોતાને કોઈ ધર્મ હોતો નથી. નાગરિક પોતે ઇચ્છે તે ધર્મનું પાલન કરી શકે. નયનતારા સહગલ પોતાના પિતાને સ્મરતાં કહે છે, ‘સ્વાતંત્ર્ય સંગ્રામ વેળા તેમણે ચાર વાર કારાવાસ ભોગવ્યો હતો. અંગ્રેજ શાસનને પડકારવા જતાં પારાવાર વેઠ્યું હતું પણ હિટલરની સેના દ્વારા બૉબવર્ષાને કારણે અંગ્રેજોએ જાન ગુમાવ્યા ત્યારે તે રડી પડ્યા હતા. તે કહેતાં, I belong to a human race.’
આપણે ત્યાં તો ગુલઝાર કહે છે તેમ, નામ પહેલાં જાતિ પૂછવામાં આવે છે!
આમ તો, આ પુસ્તકમાં દરેકે પોતાનો મત અને મૂંઝવણ આગવી શૈલીમાં મૂક્યાં છે પણ મને, વાચક તરીકે, ગીતા હરિહરન અને કેકી દારૂવાલા વિશેષ સ્પર્શી ગયાં. An incomplete Diary શીર્ષક ધરાવતા પોતાના લેખમાં ગીતા હરિહરન, પેરૂમલ જેવા સર્જકોને જે પ્રકારના મૃત્યુનો અનુભવ કરવો પડે છે, તેની વાત કરે છે. પેરૂમલને સ્વયં પોતાના મૃત્યુની ઘોષણા કરવી પડે, પોતાનાં પુસ્તકો કોઈ ઇચ્છે તો સળગાવી શકે, પૈસા પાછા માગી શકે – એ તો કેવી કરુણતા! ગીતા હરિહરન વર્તમાન શાસનને The Republic of Ban તરીકે ઓળખાવે છે. માંસ રાખવા કે ખાવા પર પ્રતિબંધ, પુસ્તક અને ફિલ્મ પર પ્રતિબંધ, પ્રેમની અભિવ્યક્તિ પર પ્રતિબંધ, હસવા પર પ્રતિબંધ, વિચારવા પર પ્રતિબંધ તેમણે જોયેલા દુઃસ્વપ્નમાં ચારેકોર પ્રતિબંધ. તે માને છે કે, India must remain diverse if it is to hold togather.
ઉદય પ્રકાશને વસવસો એ વાતનો છે કે, સાહિત્ય અકાદેમી લેખકનું સન્માન કરી, બધું ભૂલી જાય છે. સર્જક પુરસ્કાર પરત કરે, ત્યારે દિલગીરી વ્યક્ત કરવાના બદલે કે પડખે રહેવાના બદલે અકળ મૌન સેવે છે.
નયનતારા સહગલ The Unmaking of India શીર્ષકથી ખુલ્લો પત્ર લખીને બંધારણ દ્વારા આપવામાં આવેલા Right to Dissentની યાદ અપાવીને, તે જોગવાઈનું પાલન ન થતું હોઈ, પોતાને મળેલ ‘ઍવૉર્ડ’ પરત કરવાની ઘોષણા કરે છે, ખુદ સચ્ચિદાનંદન ઍવૉર્ડ પરત કરતાં કહે છે, ‘Annihilation Should never be allowed to replace argument, the very essence of democracy.’
હિંદુત્વના ચુસ્ત હિમાયતીઓ એ જાણતા જ હોવા જોઈએ કે, આપણે ત્યાં કહેવાયું જ છે, ‘वादे-वादे जायते तत्त्वबोध:’ પ્રજા તો સહિષ્ણુ છે જ, એ બિચારી ભ્રષ્ટાચાર સહન કરે છે, ગંદકી, પ્રદૂષણ સહન કરે છે. નકામા કુલપતિઓ સહન કરે છે, પોલીસનો સિતમ સહન કરે છે, ન્યાય મળવામાં વિલંબ સહન કરે છે, નેતાઓનાં વચનભંગ સહન કરે છે, પરીક્ષાઓમાં ગેરરીતિ સહન કરે છે. ઓછામાં ઓછું. એ જેને ‘પોતાના રોલમાં મોડેલ’ તરીકે અપનાવી શકે, એવા થોડા લોકોને તો જીવવા દેવાની વાત બાજુએ રહી, પણ સત્તાસ્થાને બેઠેલા પામર લોકો, તેમનાથી અનેકગણાં શ્રેષ્ઠ, ઉચ્ચશિક્ષણ મેળવેલા, ઝળહળતી કારકિર્દીને ઠોકર મારી, અંતરાત્માના અવાજને અનુસરનારા લોકોની ‘બુદ્ધિશુદ્ધિ’ માટે હવન કરાવે, ત્યારે હસવું કે રડવું તે જ ન સમજાય તેમને ય સહન કરે છે!
આપણે એટલું આશ્વાસન લઈએ કે દરેક ‘અનુપમ ખેર’ સામે એક ‘નસિરુદ્દીન શાહ’ ઊભો છે.
કે. સચ્ચિદાનંદને, આ પુસ્તક આપીને શિક્ષક-સર્જક તરીકેનો સ્વધર્મ અદા કર્યો છે, તે બદલ યોગ્ય દિશામાં વિચારનારા, પૂર્વગ્રહમુક્ત વાચકો તેમના ઋણી રહેશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 08-09