ઘડીભર દેશભક્તિના નશામાંથી બહાર આવીને વિચારવું જોઈએ કે આર્થિક મોરચે એક પછી એક માઠા સમાચાર કેમ આવી રહ્યા છે? છ વરસ પહેલાં દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી ભાગ્યે જ આર્થિક અને એકંદરે વિકાસના મોરચે કોઈ સારા સમાચાર સાંભળવા મળ્યા છે. આવું કેમ છે? ઓછામાં પૂરું નોટબંધી કરીને અને ભયંકર પ્રમાણમાં સંદિગ્ધ જી.એસ.ટી. લાગુ કરીને માંદાને વધુ માંદો કર્યો. તમારી દેશભક્તિમાં રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય વગેરેનો પણ સમાવેશ તો થતો જ હશે. દેશ એ કોઈ માટીનો લોંદો નથી, ધરતી પર જીવતો માનવસમૂહ છે. પ્રાણી અને વન્યસૃષ્ટિ પણ છે. આબોહવા અને સ્વચ્છ હવા પણ છે. આપણને ન ગમતા માણસ(મુસલમાન વાંચો)ને ધોલ-ધપાટ કરવાથી દેશભક્તિ પુલકિત થતી હોય, તમે રાજીના રેડ થઈને કિકિયારીઓ પાડતા હો અને રોટલાનો પ્રશ્ન ભૂલી જતા હો તો તમારે મનોચિકિત્સક પાસે જવું જોઈએ.
સવાલ એ છે કે કેમ આર્થિક મોરચે માઠા ખબર જ આવી રહ્યા છે અને રાહત થાય એવા કોઈ સારા સમાચાર સાંભળવા મળતા નથી? ત્રણ ખુલાસા હોઈ શકે. એક તો એ કે આર્થિક મોરચે પરિસ્થિતિ એટલી વિકટ છે કે તેનો ઉકેલ આસાન નથી. સંકટને રોક્યું રોકી શકાય એમ નથી, પછી સરકાર ભલે ને ગમે એટલો પ્રયાસ કરે કે ગમે તે પક્ષની હોય! આવું પણ બનતું હોય છે અને ભૂતકાળમાં આવું બન્યું છે. બીજો ખુલાસો એ હોઈ શકે કે સરકારમાં સંકટને પહોંચી વળવાની આવડત જ નથી. અને ત્રીજો ખુલાસો એ હોઈ શકે કે શાસકો સંકટનો મુકાબલો કરવા માગતા નથી અથવા કરી શકે એમ નથી. તેના હાથ બંધાયેલા છે.
જો પહેલો ખુલાસો તમને ગળે ઉતરતો હોય તો સરકારનું વલણ કેવું હોય? થોડો વખત, માત્ર થોડો વખત મુસલમાનો તરફથી દૃષ્ટિ હટાવીને વિચારો કે સરકારે શું કરવું જોઈએ? તમારાં કુટુંબમાં આવું ઉકેલવું અઘરું પડે એવું વિકટ સંકટ હોય અને તમે જવાબદાર વડીલ હો તો તમે શું કરો? મને એમ લાગે છે કે પહેલું કામ તમે તમારા પરિવારને વિશ્વાસમાં લઈને સંકટની ગંભીરતાનો ખયાલ આપો. થોડી હાલાકી સહન કરી લઈને સંકટ સામે લડવામાં સાથ આપવા પરિવારના સભ્યોને સમજાવો. પણ આપણા વડા પ્રધાનને કે પછી તેમના કોઈ પ્રધાનને તમને આવું કહેતા સાંભળ્યા? ઊલટું તેઓ તો કહે છે કે ભારતનું અર્થતંત્ર રાતી રાયણ જેવું છે. પાંચ વર્ષમાં ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું થઈ જશે અને જી.ડી.પી. દસ ટકાએ પહોંચી જશે, વગેરે. સંકટનો સ કોઈ ઉચ્ચારતું નથી. ઊલટું જગતના અર્થશાસ્ત્રીઓ આમ કહે છે તો તેમને ભારતવિરોધી ઠરાવવામાં આવે છે.
તેઓ આવું જ્યારે કહે છે તો એનો અર્થ એટલો જ થાય કે ભારતીય અર્થતંત્ર સામે કાં તો કોઈ સંકટ નથી અને બીજો અર્થ એ થાય કે સંકટ છે, પણ તેમને દેખાતું નથી, તેની ગંભીરતા સમજાતી નથી અથવા સમજવી નથી. તેઓ પ્રજાને સપનાં દેખાડીને અને હિંદુ મુસલમાન વચ્ચે ધ્રુવીકરણ કરીને દિવસો વિતાવે છે.
બીજી સંભાવના એવી છે કે સંકટ છે, સરકાર જાણે પણ છે, પરંતુ તેનો મુકાબલો કરવાની આવડત નથી.
દેશના વિકાસ માટે અનેક પ્રકારની આવડતો જોઈએ અને ક્યારે ય કોઈ શાસકો દરેક પ્રકારની આવડત ધરાવતા હોતા નથી. ક્યારે ય નહીં. સારા શાસકની આવડત પોતાનામાં આવડત હોય એ નથી, આવડતવાળા માણસોને ગોતવામાં અને ભેગા લેવામાં છે. જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી કે પી.વી. નરસિંહ રાવની ટીમ પર એક નજર કરો. જો પક્ષમાં આવડતવાળા માણસો ન હોય તો પક્ષની બહાર ખાનગી જીવન જીવનારાઓમાંથી આવડતવાળા માણસોને લઈ આવવામાં આવતા. સી.ડી. દેશમુખ અને ડૉ. મનમોહન સિંહ આનાં ઉદાહરણ છે. મુખ્ય પ્રશ્ન આવડતના અભાવનો નથી, ઈરાદાનો છે. ઈરાદો હોય તો માણસો મળી રહે. હમણાં એક અર્થશાસ્ત્રીનો સરસ લેખ વાંચવામાં આવ્યો હતો. તેમણે કહ્યું છે કે આર્થિક ઉદારીકરણ પછીના બે દાયકા એવા હતા જેમાં વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ વિદેશની નોકરી છોડીને ભારત સરકારને મદદરૂપ થવા ભારત આવતા હતા. ડૉ. મનમોહન સિંહ, ડૉ. મોન્ટેકસિંહ આહલુવાલિયા, શંકર આચાર્ય, ડૉ. રઘુરામ રાજન, અરવિંદ સુબ્રમણ્યમ, અરવિંદ પનગરિયા જેવા એક ડઝન નામ તેમણે ગણાવ્યાં છે. અત્યારે હવે ઊલટું સરકારને મદદરૂપ થવા જે ભારત આવ્યા હતા એ પાછા જઈ રહ્યા છે.
આમ શાસકોની આવડત, આવડત હોવામાં નથી હોતી; આવડતની કદર કરવામાં છે. એનું નામ જ આવડત. શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પાયાની વાત નથી જાણતા? આટલું સમજવા માટે જવાહરલાલ નેહરુ કે પી.વી. નરસિંહ રાવ જેવા મેધાવી હોવાની જરૂર નથી. કોઈ પણ માણસ સમજી શકે. એની જગ્યાએ ભારતનાં નાણાંપ્રધાન એક એવાં બહેન છે જેને શું બોલે છે એનું ભાન નથી. યશ બેંક ઊઠી ગઈ એ વિશે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમેં મોકો જોઈને ચીમટો ખણ્યો. બહેનજી ઉશ્કેરાઈ ગયાં અને ચિદમ્બરમને જવાબ આપતા કહ્યું કે, ‘યશ બેંકને ઊઠાડી મૂકવાની શરૂઆત તો યુ.પી.એ. સરકાર વખતે થઈ હતી અને લો હું તમને જાહેરમાં નામ પણ જણાવી દઉ કે આટલા આટલા લોકો બેંકને લૂટી ગયા છે.’ તેમણે અનિલ અંબાણી, સુભાષ ગોયલ, દિવાન હાઉસિંગ, આઇ.એલ.એફ.એસ. અને વોડાફોનનાં નામ પણ આપ્યાં છે.
એક ઘા ને બે કટકા. હિંદુ રાષ્ટ્રવાદી ખરાં ને! પણ એમ કરવામાં એ બહેનજીને એ ધ્યાન ન રહ્યું કે યશ બેન્કને કોણ કોણ લૂંટી રહ્યું છે કે લૂંટી ગયું છે એની જ્યારે સરકારને જાણ હતી તો લોકોના પૈસા બચાવવા સરકારે કોઈ પહેલ કેમ નહીં કરી? લૂંટારાઓના મોંમાંથી પૈસા ઓકાવવાની જવાબદારી તેમની નહોતી? જાણ હોવા છતાં સરકાર મૂંગી બેસી રહી? આ તે કઈ પ્રકારની ચોકીદારી? જ્યારે નિર્મળાબહેનને આવા પ્રશ્ન પૂછાવા લાગ્યા ત્યારે હવે તેઓ આડીઅવળી વાતો કરે છે, પણ પંડમાં હિંદુ ભડવીરનો ઓતાર આવ્યો ત્યારે ધ્યાન ન રહ્યું કે આપણે જે બકી રહ્યા છે તેનો શું અર્થ થશે. આ બધા રમેશ પારેખના આલા ખાચરો છે. આલા ખાચરને કોઈ કાંઈ કહીને ન જવું જોઈએ. તેમને એ પણ ધ્યાનમાં ન રહ્યું કે યશ બેંકને ઊઠાડી મૂકનારાઓનાં જે નામ તેમણે આપ્યાં છે તેમાંની આઈ.એલ.એફ.એસ.માં ૪૪ ટકાની માલિકી સરકારની પોતાની છે.
આમ આવડતનો અભાવ એ એક સંભાવના તો છે જ, પણ તમને એ વાત ગળે ઉતરતી ન હોય તો ત્રીજી સંભાવના પણ તપાસવી જોઈએ. એ એવી છે કે શાસકો સંકટ વિશે જાણે છે, પણ તેને તે ઉકેલી શકતા નથી, કારણ કે સ્થાપિત હિતો તેને ઉકેલવા દેતા નથી. શાસકોના હાથ બંધાયેલા છે.
માત્ર ભારતમાં નહીં જગત આખામાં આવી સ્થિતિ છે. છેલ્લા ત્રણ દાયકામાં અમુક હાથોમાં અઢળક સંપત્તિ જમા થઈ છે અને તેમણે રાજ્ય પર કબજો કરી લીધો છે. તેઓ એટલી તાકાત ધરાવતા થઈ ગયા છે કે તેઓ જો કોઈને સત્તા સુધી પહોંચાડી શકે છે તો ઊઠાડી પણ શકે છે. તમે શું એમ માનો છો કે વિજય માલ્યા, મેહુલ ચોકસી, નીરવ મોદી, અનિલ અંબાણી, રુઈયાબંધુઓ, વાધવા, વિડીયોકોનના ધુત વગેરેની લૂંટ વિશે સત્તાવાળાઓને જાણકારી નહોતી? હજારો કરોડ રૂપિયાની લૂંટ સતાવાળાઓની જાણકારી વિના અને તેના સહયોગ વિના શક્ય છે? શું તમે એમ માનો છો કે આમાંથી જે લોકો નાસી ગયા છે એ સરકારની જાણકારી વિના નાસી ગયા છે? બધાને બધી જ ખબર છે. એક તો લૂંટમાં ભાગ આપવામાં આવે છે અને ઉપરથી કહેવામાં આવે છે કે સત્તા સુધી પહોંચવું હોય તો અને પહોંચ્યા પછી ટકવું હોય તો મોઢું બીજી દિશામાં ફેરવી લો.
બે ઉદાહરણ આ મુદો સમજવા પર્યાપ્ત છે. રીઝર્વ બેંકના ગવર્નરે કહ્યું છે કે યશ બેંકમાં જેમના પૈસા છે તેમણે ગભરાવાની જરૂર નથી, બેંક પાછી ઊભી થઈ જશે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને પણ આમ કહ્યું છે. તેઓ કહે છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને લાઈફ ઇન્સ્યુરન્સ કૉર્પોરેશને યશ બેંકમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. તમને પ્રશ્ન થવો જોઈએ અને સરકારને પ્રશ્ન પૂછવો જોઈએ કે યશ બેંકમાં રોકાણ કરવામાં જે લાભ સ્ટેટ બેંકને અને એલ.આઈ.સી.ને નજરે પડી રહ્યો છે એ લાભ એચ.ડી.એફ.સી. કે કોટક મહિન્દ્ર જેવી ખાનગી બેંકોને કેમ નજરે નથી પડી રહ્યો? શું ત્યાં ગમાર લોકો બેઠા છે જેને તક નજરે પડતી નથી?
કારણ એ છે કે ખાનગી બેન્કોના માલિકોને જાણ છે કે ઊઠેલી બેંકનું ધિરાણ પાછું વળી શકે એમ ન હોય અને ધિરાણની સામે પર્યાપ્ત સિક્યુરિટી લેવામાં ન આવી હોય ત્યાં હાથ ન નખાય. સરકારી નાંણા સંસ્થાઓ હાથ નાખે છે કારણ કે તેને તેમ કરવા કહેવામાં આવ્યું છે. યશ બેંકને બચાવવાની છે. શા માટે? કારણ કે યશ બેંકમાં કુબેરપતિ મિત્રોના પૈસા સલવાયા છે. સરકારી નાણા સંસ્થાઓએ પંજાબ અને મહારાષ્ટ્ર બેંક(પી.એન.બી.)માં રસ નહોતો લીધો, કારણ કે તેમાં ગરીબ લોકોનાં નાણાં ડૂબ્યાં હતાં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એલ.આઈ.સી. પાસે જે નાણા છે એ જાહેર જનતાના છે. જનતાના નાણા યશ બેન્કને આપવામાં આવશે અને બેંક કરજદાતાઓને પૈસા ચૂકવશે. સરવાળે લૂંટાયું કોણ? બેંક કે આપણે? કુબેરપતિઓએ રાજ્યને કબજે કર્યું છે અને શાસકો તેમના ખિસ્સામાં છે એનું આ પહેલું ઉદાહરણ.
બીજું ઉદાહરણ રીઝર્વ બેંક પાસેથી છીનવી લેવામાં આવેલી એક લાખ ૭૬ હજાર કરોડની મરણમૂડી છે. આ પૈસા અર્થતંત્રને ધબકતું કરવાના નામે લેવામાં આવ્યા હતા અને તે એન.પી.એ. (નોન પરફોર્મિંગ અસેટ) ગ્રસ્ત બેંકોને આપવામાં આવ્યા. લૂંટી ગયા બીજા અને બેંકોને જીવતી રાખે પ્રજા! વાહ રે, હિંદુરાષ્ટ્ર!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 માર્ચ 2020