પરિચય પુસ્તિકા શ્રેણી અને ‘ગ્રંથ’ માસિકનાં સંપાદનનું અનન્ય કામ કરનાર ય.દો.એ આ બે પ્રકાશનો માટે ડૉલરમાં મળતાં પગારની નોકરી છોડી દીધી હતી. બારસો જેટલાં પાનાંમાં તેમણે લખેલું સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર તેમનાં નામ જેટલું જ ઓછું જાણીતું છે. તેમનું જન્મશતાબ્દી વર્ષ સોમવાર 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે.
પુણ્યશ્લોક રવિશંકર મહારાજના ઘસાઈને ઉજળા થવાના મંત્રને સાહિત્યજગતમાં આચરનાર સંપાદક યશવંત દોશીનું જન્મશતાબ્દી વર્ષ સોમવાર 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. જ્ઞાન અને પુસ્તક ખાતર વ્યવહારુ જિંદગીને ગૌણ ગણીને ઓછી આવકમાં જીવનાર યશવંત દોશી(1920-1999)નો આપણા સમયના સાહિત્યજગતમાં તો જોટો જડે તેમ નથી. પુસ્તકોમાં ધોરણસરનો રસ ધરાવનાર નવી પેઢીના વાચકની પણ આંખો ‘પરિચય પુસ્તિકા’ શબ્દ સાંભળતા ચમકી ઊઠે છે. એ પહેલાંની પેઢીના વાચકો ‘ગ્રંથ’ માસિકને પણ ખૂબ આદરથી યાદ કરે છે. આ બંને યશવંતભાઈની અનન્ય દેણ છે. એપ્રિલ 1958થી શરૂ થયેલી પરિચય પુસ્તિકા શ્રેણીમાં દર મહિને બે પુસ્તિકા પ્રમાણે અત્યાર સુધી 1,457 પુસ્તિકાઓ બહાર પડી છે. ગુજરાતી વિશ્વકોશ, કે વિકિપીડિયાથી વર્ષો પહેલાંની આ પ્રકાશનશ્રેણીનો વિષયવ્યાપ ઘરઘથ્થુ લઘુ જ્ઞાનકોશ જેવો છે. અરધી સદી સુધી પરિચય પુસ્તિકા નિરૂપણના ઊંડાણ અને રજૂઆતની ચુસ્તીનો દાખલો ગણાતી. તેના રચયિતા યશવંતભાઈ નિષ્ઠા, પ્રામાણિકતા, નિરપેક્ષ ઉદ્યમ, પ્રસિદ્ધિવિમુખતા જેવા ગુણોનો સમુચ્ચય ગણાતા.
પરિચય પુસ્તિકા પ્રકાશનપ્રવૃત્તિનો પ્રારંભ પત્રકાર અને લલિત નિબંધકાર વાડીલાલ ડગલી (1926-85) અને યશવંતભાઈનાં ગુજરાતી વાચકને માહિતીથી સમૃદ્ધ કરવાના જ્ઞાનસ્વપ્નથી થયો. એ વખતે વાડીભાઈ પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયામાં વાણિજ્ય તંત્રી હતા. યશવંતભાઈ કાપડ, સ્ટેશનરી, ચા વગેરેના નાના વેપાર ઉપરાંત શિક્ષક અને ગૃહપતિની નોકરીઓ પછી, માત્ર ગુજરાતી-સંસ્કૃતમાં બી.એ.ની પદવીને આધારે મુંબઈની અમેરિકન માહિતી કચેરીમાં અખબારી વિભાગમાં જોડાઈને ચીવટ અને મહેનતથી તેના વડા બન્યા હતા. આ વિખ્યાત મિત્રબેલડીએ જુલાઈ 1959માં ‘પરિચય ટ્રસ્ટ’ સ્થાપ્યું અને તેનાં નેજા હેઠળ પાંચેક વર્ષ પુસ્તિકાઓ બહાર પાડી. પણ ખોટ વધવા માંડી. એટલે એક માસિક શરૂ કર્યું કે જેની જાહેરખબરોની આવકમાંથી ટકી રહેવાય. આવું માસિક તે પૂરા સમયનું કામ, એટલે સુકાનીઓ માટે નોકરી છોડવાનું જરૂરી બન્યું, જે યશવંતભાઈએ સપ્ટેમ્બર 1963માં છોડી. ડૉલરમાં સારો પગાર અને એનાથી ય વધુ સલામત ભવિષ્ય આપતી પેન્શન-પી.એફ. સાથેની નોકરી પુસ્તકઘેલા યશવંતભાઈએ છોડી; મુંબઈમાં રહીને, દીકરી અને દીકરાના ઉછેરની વચ્ચે છોડી. એક રીતે જોઈએ તો પુસ્તકોને લગતાં એ માસિક માટે છોડી જેનું નામ ‘ગ્રંથ’. એ ય.દો.એ 1964થી 1986 સુધી ભેખ તરીકે સંભાળ્યું.
‘ગ્રંથ’ ગુજરાતી ભાષાનું પહેલું ગ્રંથ-સામયિક હતું કે જેનો હેતુ ‘પુસ્તકો વિશે વધુમાં વધુ માહિતી અને નવાં પુસ્તકોનાં અવલોકનો’ આપવાનો હતો. ‘ગ્રંથ’નાં અંકોની ફાઇલો જોતાં રોમાન્ચ થાય. કોઈ પણ પુસ્તકપ્રેમીનાં મનને હરી લેનાર સામયિક. ‘ગ્રંથે’ સરેરાશ એંશી પાનાંનો એક એવા 270 અંકોમાં દસ હજારથી વધુ પુસ્તકોનાં અવલોકનો આપ્યાં. વળી, દર મહિને ગુજરાતી ઉપરાંત ભારતીય ભાષાઓના સાહિત્યનાં અને માનવવિદ્યાઓને લગતાં અંગ્રેજી પુસ્તકો વિશે વાંચવા મળતું. વિવેચન લેખોને પણ સ્થાન હતું. વિખ્યાત પુસ્તકોના સારનો અને દુનિયા બદલનારાં પુસ્તકોનો વિભાગ ન્યાલ કરી દેનારો રહેતો. ય.દો. ખુદ સાહિત્યિક બનાવો, પ્રવાહો અને સમીક્ષાના લેખો તેમ જ ગ્રંથાવલોકનો લખતા. ‘ગ્રંથ’ પછી તેને કેટલેક અંશે મળતું આવતું સાહિત્ય ત્રૈમાસિક ‘પ્રત્યક્ષ’ પણ રમણ સોનીએ 1991થી 26 વર્ષ સુધી ઉત્તમ ગુણવત્તા સાથે ચલાવ્યું. ‘ગ્રંથ’ (અને ‘પ્રત્યક્ષ’) જોતાં અત્યારનાં ‘બિબ્લિઓ’ કે ‘બુકરિવ્યૂ’ જેવાં અંગ્રેજી કે ‘લલિત’ જેવાં મરાઠી સામયિકો નજર સામે આવે. પુસ્તકો અને લેખકોની પસંદગી, લેખોના વિષયો અને એકંદર સંમાર્જનમાં પણ ય.દો.ની દૃષ્ટિને કારણે ‘ગ્રંથ’ એક ઉજ્જ્વલ પુસ્તક-સામયિક બન્યું હતું.
જો કે ‘ગ્રંથ’નો ઉજાસ પરિચય પુસ્તિકાના વિષયો, લેખકો, વેચાણ અને વાચકસંખ્યાના પ્રકાશ સામે ઝાંખો પડ્યો હોય એવી છાપ ઉપજે. પરિચય પુસ્તિકા ગુજરાતી વાચકો માટે સામાન્ય જ્ઞાનનું લાઘવયુક્ત, વાચનીય, વિશ્વાસપાત્ર અને પોષાય તેવું હાથવગું સાધન હતું. તેના માટે ય.દો.એ જેમની પાસે પુસ્તિકાઓ લખાવી તેમાં ગૃહિણીઓથી માંડીને ન્યાયાધીશો સુધીની અનેક પ્રકારની વ્યક્તિઓ હતી. આ બધાં લખનાર પોતપોતાનાં ક્ષેત્રનાં જાણકાર હતા, પણ તેમણે કલમ પકડી ન હતી. એટલે સેંકડો પરિચય પુસ્તિકાઓની મઠારણી ય.દો.એ કરી અને તેમના સહસંપાદકો પાસેથી કરાવી. તેમાંથી નગીનદાસ સંઘવી અને હસમુખ ગાંધી સહિત અનેક નામાંકિત પત્રકારો બન્યા ત્યારે તેમણે ય.દો.ની તાલીમ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. યશવંતભાઈએ પોતે પણ ‘ગ્રંથ’ ઉપરાંત છાપાં-સામયિકોમાં કટારલેખન કર્યું. તેમાંથી દોઢસો જેટલા ચૂંટેલા લેખોના ‘કિતાબી દુનિયા’ અને ‘ગ્રંથ વિવેક’ નામનાં પુસ્તકો ય.દો.ના એક આત્મીય સહકાર્યકર અને ગ્રંથજ્ઞ દીપક મહેતાના સંપાદન હેઠળ બહાર પડ્યા છે. આ સંચયોમાં વિચારસિક્ત ચુસ્ત લેખન સાથે ય.દો.ની નિર્દંભ સાહિત્યરુચિ અને તેમનું નીડર સ્પષ્ટવક્તાપણું જોવા મળે છે. અનંતરાય રાવળ, ઉમાશંકર જોશી, દર્શક, નિરંજન ભગત, મુનશી, રમણલાલ જોશી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સાહિત્યકારોનાં પુસ્તકો કે મંતવ્યોની તેમણે જુદા જુદા પ્રસંગે વ્યક્તિગત નહીં પણ સાહિત્યિક ધોરણે સ્પષ્ટ ટીકા કરી છે.
યશવંત દોશીનું એક બહુ મોટું અને એટલું જ અજાણ્યું કામ એટલે સરદાર પટેલનું તેમણે બે દળદાર ગ્રંથોમાં લખેલું જીવનચરિત્ર. મોટાં કદનાં બારસો જેટલાં પાનાં, 71 પ્રકરણ. અભ્યાસમાં લીધેલાં 70 ગુજરાતી અને 80 અંગ્રેજી પુસ્તકોની યાદી. આવેગહીન તટસ્થ શૈલી. રાજમોહન ગાંધીએ લખેલા વિશ્વવિખ્યાત અંગ્રેજી જીવનચરિત્રના ગુજરાતી અનુવાદક અને તડનું ફડ કરવા માટે જાણીતા શતાયુ પત્રકાર નગીનદાસ સંઘવીએ ઑન રેકૉર્ડ કહ્યું છે રાજમોહનનાં પુસ્તક કરતાં ‘યશવંત દોશીનું કામ વધુ મોટું છે’. બંને પુસ્તક સાથે પ્રકાશિત કરવા એમ ‘પ્રકાશકનો મૂળ વિચાર હતો … પણ રાજમોહને કહ્યું કે પહેલાં મારું પુસ્તક પ્રગટ થઈ જાય પછી બે-એક વર્ષે યશવંતભાઈનું પુસ્તક પ્રગટ કરવું. એ વાત પ્રકાશકે સ્વીકારી એટલે યશવંતભાઈનું પુસ્તક એમની હયાતીમાં પ્રગટ થઈ શક્યું નહીં’, આ નોંધનાર દીપક મહેતાએ ‘ગ્રંથના પંથના અનોખા યાત્રી’ નામે યશવંતભાઈનું ટૂંકું જીવનચરિત્ર લખ્યું છે, જે વિશ્વકોશ ટ્રસ્ટે બહાર પાડ્યું છે. તેને ય.દો. પરનાં અધિકરણની ખોટ પૂરવાનું આકસ્મિક કે આયોજિત જેશ્ચર ગણી શકાય. વળી વિશ્વકોશે આવતી 14 માર્ચના શનિવારની સાંજે સાડા પાંચ વાગ્યે તેનાં સભાગૃહમાં દીપક મહેતાનું યશવંત દોશી પર વ્યાખ્યાન પણ યોજ્યું છે.
દીપકભાઈ ઉપરાંત નગીનદાસ સંઘવી અને હસિત મહેતાએ નોંધ્યું છે કે ય.દો.એ ગૃહપતિપદનાં વર્ષોમાં પત્નીએ છાત્રાલયના કોલસામાંથી રસોઈ બનાવી એટલે યશવંતભાઈએ ઉપવાસ કર્યા હતા. પરિચય ટ્રસ્ટની પેન્સિલ સુદ્ધાં પોતાનાં કામ માટે વાપરી નથી. એક તબક્કે ટ્રસ્ટનું ખર્ચ બચાવવા એ અરધો જ પગાર લેવા પણ તૈયાર થયા હતા એમ પણ દીપકભાઈએ નોંધ્યું છે. ઉપર્યુક્ત ત્રણેય અભ્યાસીઓએ જીવનમાં જે તીવ્ર પીડા તિતીક્ષાથી વેઠી હતી તેના વિષે પણ લખ્યું છે. જે ‘ગ્રંથ’નું તેમણે જન્મ આપીને ખૂબ લગનથી સંગોપન કર્યું તેનું સંપાદન પરિચય ટ્રસ્ટે તેમની પાસેથી કોઈ કારણ વિના આંચકી લીધું, નિરંજન ભગતને સોંપ્યું અને માંડ એક વર્ષ પછી વળી પાછું યશવંતભાઈને સોંપ્યું. એ તેમણે કોઈ ટીકા કે કડવાશ વિના ફરી સ્વીકાર્યું. વાડીલાલ ડગલીનાં અવસાન બાદ ‘ગ્રંથ’ બંધ કરવાનો નિર્ણય યશવંતભાઈનાં યોગક્ષેમની દરકાર વિના લેવામાં આવ્યો. આ પૂર્વે ‘ગ્રંથ’ ખાતર ય.દો.એ ડૉલરિયા નોકરી છોડી હતી તેની ખાતરીનું પાલન તો થયું જ ન હતું. ગ્રંથ બંધ કરવાના નિર્ણયમાં ઉમાશંકર અને નિરંજન ભગતની સંમતિ હતી. આ બંને એકાએક ગ્રંથના આખરી અંકના સંપાદકો બન્યા હતા. તેમનાં નામ પહેલાં હતાં અને ત્રીજું નામ યશવંત દોશીનું હતું !
યશવંત દોશીએ દૈનિકો અને સામયિકોમાં લખેલાં અગ્રંથસ્થ લખાણોની સી.ડી. તેમના ચિરંજીવી અભિજિતે બનાવી છે. ‘ગ્રંથ’ના અંકો પુસ્તકચાહકો માટેનો ખજાનો છે. તે ડિજિટાઇઝડ કરીને સાચવી લઈને ગુજરાતના વાચનપ્રેમીઓ યશવંત દોશીનું ઋણકંઈક અંશે અદા કરી શકે.
******
12 માર્ચ 2020
[“નવગુજરાત સમય”, શનિવાર, 13 માર્ચ 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત]