આ હિમાયત અંગ્રેજી હટાવો સારુ નથી, પણ અસ્થાને અંગ્રેજી નહીં ને યથાસ્થાને દેશભાષા સહી, તે વાસ્તે છે
આમ તો, વીર નર્મદ યુનિવર્સિટીમાં પૂરા કદનો ગુજરાતી વિભાગ શરૂ થતાં જે વિલંબ થયેલો, એ પોતે જ હાલના રાજકીય-શાસકીય અગ્રવર્ગની એકંદર પરિકલ્પના અને આયોજનામાં (પ્ર)દેશભાષા અને માતૃભાષા ગુજરાતીનું સ્થાન કેવું ને કેટલું હશે તે સમજવાને અંગે એક દ્યોતક બીના છે. ગુજરાતી પત્રકારત્વની ચવાઈકુથ્થા શૈલીએ કહીએ તો તે દાખલો એકદમ જ એકદમ નેત્રદીપક છે. પણ હમણાં બોર્ડની પરીક્ષામાં ખાસા 2.29 લાખ વિદ્યાર્થીઓ માતૃભાષા (પ્રથમ ભાષા) ગુજરાતીમાં નાપાસ થયા એ પછી કદાચ કશું જ કહેવાનું રહેતું નથી.
અને અનવસ્થા તો જુઓ તમે. સામાન્યપણે સ્વભાષાના માધ્યમનો મહિમા વસ્તુત: શાસ્ત્રશુદ્ધ પણ છે. પોતાની ભાષામાં અભિવ્યક્તિ સહજસરળ બની રહે. ગ્રહણ કરવાની દૃષ્ટિએ પણ એમાં સરળતા રહે, એ સાદો હિસાબ છે. પણ ગુજરાતમાં વિવિધ માધ્યમગત કાર્યરત શાળાઓનાં પરિણામની તપસીલ જોતાં ઊપસતું ચિત્ર કદાચ જુદું જ છે. અંગ્રેજી માધ્યમની શાળાઓના 88 ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે. જ્યારે હિંદી માધ્યમના પણ ઠીક ઠીક ચાલે એટલે કે 68 ટકા પાસ થાય છે. એથી ઊલટું, શું શાં પૈસા ચાર એ પ્રેમાનંદખ્યાત ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ ફક્ત અને ફક્ત 52 ટકા જ છે.
માધ્યમની ચર્ચા (જો કે એ એક બુનિયાદી શૈક્ષણિક ને સમાજિક મુદ્દો છે, છતાં) માનો કે આ ક્ષણે મૂકી દઈએ. માનો કે અંગ્રેજી ને હિંદી માધ્યમના વિદ્યાર્થીઓ બહુધા બિનગુજરાતી હશે, જો કે અંગ્રેજીની અપીલઆંધી જોતાં એ સાચું ન હોય. પણ ગુજરાતી માધ્યમનો, અને એક વિષય તરીકે ગુજરાતીનો, આપણે ત્યાં વાસ્તવિક કોઈ દબદબો કે દરજ્જો છે કે કેમ એ ખુદ એક તપાસવિષય છે. હજુ હમણાં સુધી કેન્દ્ર તરફથી અન્યાયની તરજ પર ફરિયાદ કરવાની ગુજરાત સ્તરે નવાઈ નહોતી. ગુજરાતમાં ગુજરાતી ભાષાનું જો ઠેકાણું ન પડે તો તેમાં ગુજરાતના રાજકીય અગ્રવર્ગની કેમ જાણે કોઈ જવાબદારી જ ન હોય !
માન્યું કે શિક્ષણ એ સમવર્તી (કન્કરન્ટ) યાદી પરનો વિષય છે. એમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનો પ્રવેશ છે. પણ જે તે રાજ્યમાં પોતાની ભાષામાં વહીવટનો આગ્રહ તો રાખી જ શકાય છે. ભાષા તરીકે અંગ્રેજી અને હિંદી યથાસ્થાન અવશ્ય હોઈ શકે છે, પણ એમને અસ્થાને આસન આપવાનું કોઈ કારણ નથી સિવાય કે હજુ આપણા રાષ્ટ્રરાજ્યવાદને સંસ્થાનવાદની કળ ન વળી હોય.
શિક્ષણ વિષયક એકદિવસીય કાર્યશિબિરમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતીનાં કથળતાં પરિણામો માટે આદિવાસી તેમ જ સરહદી વિસ્તારોનાં બાળકોના ગુજરાતી પહેલા ધોરણમાં પ્રવેશને જવાબદાર ગણાવ્યો છે, તો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કહેવા પ્રમાણે નીચેના વર્ગોમાંથી પરીક્ષા નીકળી ગઈ – ‘નો ડિટેન્શન પૉલિસી’ – અમલ બની એ પણ એક મહત્ત્વનું પરિબળ છે. જ્યાં સુધી શિક્ષક મુખ્યમંત્રીના મુદ્દાનો સવાલ છે, કોઈકે એટલું જ કહેવું બસ થઈ પડશે કે જડબેસલાક સ્ટીમરોલર અગર ધરાર બુલડોઝર ફરી ન વળે એ રીતે આદિવાસી તેમ જ સીમાવિસ્તારનાં બાળકોને સારુ શિક્ષણ સુલભ કરવાનું છે. શૈક્ષણિક ધોરણે આ પ્રશ્નોની ચર્ચા નથી થઈ એમ નથી. બને કે એમને લક્ષમાં રાખી પાઠ્યપુસ્તકો અને વિષયપ્રવેશ જરી જુદી રીતે જોગવવાં પડે. જ્યાં સુધી ‘નો ડિટેન્શન પૉલિસી’નો સવાલ છે, એ કોઈ એકાએક આસામાનમાંથી ટપકી પડેલી વાત તો નથી. શૈક્ષણિક મૂલ્યો અને પ્રક્રિયાને ધોરણે તે વિશે ખાસ્સી ચર્ચા થયેલી છે. હવે આ અમલ અનુભવના ઉજાસમાં એ વિશે વધુ વિચાર કે કંઈક પુર્નવિચાર ન થઈ શકે એમ નથી, પણ બાળકને પોતાની ભાષા આવડવાનું એટલું સહજ છે કે તે ન આવડવા માટે ‘નો ડિટેન્શન’ને યશ આપવાનું કારણ નથી.
રાજ્ય સરકાર કાર્યશિબિરોનો દોર ચલાવવા ઇચ્છે છે, પ્રવેશોત્સવને ગુણોત્સવો ઉજવવા તડેપેંગડે રહે છે, વાંચે ગુજરાત પ્રકારનાં અભિયાન વાસ્તે સદોદ્યત રહે છે એમાં કમસે કમ જે પહેલો એક પાયાનો મુદ્દો પકડવો ને પકડાવો અપેક્ષિત છે તે એ છે કે કુમળી વયે પરભાષાનું ભારણ (ખાસ કરીને માધ્યમબોજ) સહેજ પણ સલાહ ભરેલ નથી. અંગ્રેજીની મોહની જો ઊંચી નોકરીઓ કે પરદેશ ગમનવશ હોય તો જે તે તબક્કે તેના વિશેષ ભણતરની જોગવાઈ ક્યાં નથી થઈ શકતી? માત્ર, રાજ્ય સરકાર જોડ ભાષાની ઉપયોગિતા અને આદર સ્વીકારતે છતે પ્રદેશભાષા બાબતે અગ્રતાપૂર્વક વળગી રહે તો અકારણ અને અસ્થાને અંગ્રેજીને કારણે જે ખોટા ખેંચાણને અવકાશ છે તે ન રહે. આ હિમાયત ‘અંગ્રેજી હટાવો’ સારુ નથી, પણ અસ્થાને અંગ્રેજી નહીં અને યથાસ્થાને દેશભાષા સહી તે વાસ્તે છે. ઇંગ્લેન્ડના રાજદરબારમાં ક્યારેક ફ્રેન્ચનો દબદબો હતો, એને સ્થાને અંગ્રેજી આણતાં એમને ઓછી મુશ્કેલી પડી નહોતી.
ગમે તેમ પણ, સાંસ્થાનિક નવધનિકશાહી વણછાથી મુક્ત જ્ઞાનભાષા અંગ્રેજીનો તો અલબત્ત આદર જ હોય. એક વાર દેશભાષાનો સામાન્ય વ્યવહારભાષા તરીકે સ્વીકાર થાય તો પછી પોતાની ભાષા એ સહજ ગૌરવનો વિષય બની રહે તે નિઃશંક છે. ગુજરાતી ઉપરાંત જે તે ઇતરભાષી સમુદાય માટે રાજ્યમાં હિંદી, મરાઠી, ઉર્દૂ, ઉડિયા માધ્યમની પ્રાથમિક શાળાઓનું યે સ્થાન છે જ. કેન્દ્રીય બોર્ડ, ડીપીએસ આદિને પણ અહીં પ્રવેશ છે અને રહેશે. પણ, કેમ કે આ સૌ ગુજરાતમાં કાર્યરત છે એમના અભ્યાસ અને પાઠ્યક્રમમાં એક વિષય તરીકે ગુજરાતી અનિવાર્યપણે હોવું જ જોઈએ. અને આ અનિવાર્યતા, અંતિમ પરિણામના ગુણાંકનમાં ગુજરાતી વિષયને બિનચૂક લક્ષમાં લેવાથી જ અંકે થઈ શકે. આ કોઈ સાંકડો પ્રાદેશિક અભિગમ નથી. મહારાષ્ટ્રમાં મરાઠીનું કે આંધ્રમાં તેલુગુનું સ્થાન પણ બિનમહારાષ્ટ્રી કે બિનઆંધ્રી માટે આ જ ધોરણે અપેક્ષિત છે. અપેક્ષિત જ કેમ, અનિવાર્ય પણ.
દૂર દેશથી આવીને ફાર્બસ અહીં ગુજરાતી ભાષાની સેવા કરી શકે, કોઈ એક રેવરંડ ટેલર આપણી ભાષાનું પહેલું વ્યાકરણ લખી શકે, મૂળે મરાઠીભાષી કાકા કાલેલકર સાર્થ જોડણીકોશમાં ખૂંપી શકે અને ગુજરાતનાં 2.29 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થાય? અક્ષમ્ય. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પૈકી માંડ 52 ટકા પાસ થાય ? અક્ષમ્ય, ત્રિવાર અક્ષમ્ય.
તો, આ પ્રશ્ન અંગ્રેજી વિ. હિંદી વિ. ગુજરાતી એવો નથી. આ પ્રશ્ન સર્વ દેશભાષાઓનો (અને અંગ્રેજી પણ લગભગ તે પૈકી જેવી છે, તેનો) છે. આ પ્રશ્ન સ્વરાજ અને સ્વભાષાનો છે. પ્રશ્ન લોકતંત્ર અને લોકભાષાનો છે. વાલ્મીકિ રામાયણમાં ઘણું કરીને રામ અને લક્ષ્મણની વાતચીતમાં એ મતલબનો ઉલ્લેખ છે કે આ (હનુમાન) કેટલું ચોખ્ખું (શુદ્ધ) બોલે છે. તે નક્કી કોઈક સંસ્કારી જણ હશે. બોર્ડનાં પરિણામો, ખાસ કરીને ગુજરાતી ભાષાના સંદર્ભમાં, આ ‘સંસ્કારેજણ’ને જગવતા આહ્વાન અને આવાહન રૂપ નથી એમ કોણ કહેશે?
સૌજન્ય : ‘ચિંતા’, “દિવ્ય ભાસ્કર”, 28 મે 2016