મિ. નીરજ પાલ, તમે તમારી નરીમાન પોઇન્ટની ઓફિસમાંથી તમારી લક્સરિયસ ઓડી કારમાં જૂહુ તરફ તમારા ઘર તરફ પ્રયાણ કરો છો. રસ્તામાં તમે તમારા ખૂબ જ નજીકના મિત્ર ગુલાલવાડીના તાંબા પિતળના મશહૂર વેપારી નેમીચંદ જૈનની તબિયતથી ચિંતાતુર છો. જેને તમારા ધંધાકીય કારકિર્દીમાં તમારા આજના ગર્ભશ્રીમંત બનવાના સ્ટેટસ માટેના ટર્નિંગ પોઇન્ટ ગણો છો.
નેમીચંદ જૈન તમારા સંપર્કમાં આવ્યા પછી, તમે એક ત્રીજા વર્ગના સરકારી કર્મચારીમાંથી એક માતબર વેપારીના સ્થાન પર પહોંચ્યા છો. નેમીચંદ જૈન સાથેનો તમારો સંબંધ છેલ્લાં ૫૦ વર્ષથી અતૂટ અને ઉષ્માભર્યો રહ્યો છે. જેણે તમને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાંથી, ઉપાડીને મુંબઇની જાહોજલાલીપૂર્વકની સુખ સાહ્યબીવાળી જિંદગીમાં પ્રવેશ કરાવ્યો હતો. તમારો નેમીચંદ જૈન સાથેનો સંબંધ એટલો ઉષ્માભર્યો હતો કે, તમે બન્ને રાત્રે પોતાના ઘરે જવા માટે જ જુદા પડતા. અને આ ઉષ્માભર્યા સંબંધનાં સીલસીલો તમારા વારસદાર પુત્રો કુટુંબ કબીલાની સાથે પણ જળવાઇ રહેતા તમે નેમીચંદ જૈનના એક કુટુંબના સભ્યનું સ્થાન મેળવી શક્યા હતા. તેમાં મિ. નિરજ પાલ, તમારી નૈતિક મૂલ્યોવાળી ઊંચેરી જિંદગી, પ્રમાણિકતા, સખત મહેનત અને કર્મશીલતાએ અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો. એના કારણે મિ. નિરજ પાલ, તમે નરીમાન પોઇન્ટની એક વ્યવસ્થિત ઓફિસના માલિક તેમ જ બજારના અગ્રગણ્ય વેપારીના સ્થાન પર પહોંચ્યા છો. પણ આજે તમારા આ ખાસ મિત્ર નેમિચંદ જૈન કૃત્રિમ શ્વાસના સહારે જીવનમરણ વચ્ચે ઝોલા ખાય છે. તેની તબીયતની ચિંતા સાથે નાણાવટી હોસ્પિટલ પર, તેમની પાસે પહોંચો છો.
આઇ.સી.યુ.માં નેમિચંદ જૈન તમને, આંખો ફાડીને જોવા મથે છે તમે તેને મળીને જોઇને તેની સ્થિતિ સહન ન કરી શકતા, આઇ.સી.યુ.માંથી બહાર નીકળી બહુ જ ગળગળા થઇ તેના મોટા દીકરા શાશ્વતને ખભા પર હાથ મૂકી કહો છો કે બેટા, હિંમત રાખજે ભગવાનના ઘર પાસે આપણું કશું જ ચાલતું નથી પણ તેમણે આપેલા સંસ્કારના પાયા પર ચડેલી ઇમારત હંમેશાં માટે જિવિત રહેશે. હું સંપર્કમાં રહીશ અને ગમે ત્યારે જરૂર પડે મને બોલાવજે, બેટા. એમ કહી તમે હોસ્પિટલમાંથી ગદ્ગદ્ હૃદયે બહાર નીકળો છો.
બહાર નીકળતા નાણાવટી હોસ્પિટલના મેઇન ડોર પાસે એક દાન પેટી રાખેલી છે એ પેટીમાં એક ચિંથરેહાલ મજૂર ૧૦૦ રૂા.ની નોટ તેમાં દાન પેટે આપતા તમે જુઓ છો અને ઘડીભર ઊભા રહી તમે પણ તમારી મરજી મુજબનું રકમ દાનપેટીમાં નાખી ડ્રાઇવરને તમારા ઘર તરફ ગાડી ચલાવવાનું કહો છો. આ દાનપેટી, ચિંથરેહાલ મજૂરનું પ્રમાણિક દાન બન્ને વાત સાથે મિ. નિરજ પાલ તમે ૫૦ વર્ષ પહેલાનાં ૧૯૭૦ના દાયકાના ભૂતકાળમાં સરી પડો છો, કે જ્યારે ઉપલેટા જેવા નાના એવા ગામમાં તમે આરોગ્ય ખાતાના એક સામાન્ય કર્મચારી તરીકે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. મિ. નિરજ પાલ, તમારી કામ કરવાની ધગશ, માયાળુ સ્વભાવ, સમાજ તરફી કંઇક કરી છૂટવાની ભાવના અને તમારા મળતાવડા સ્વભાવથી આખા ગામમાં અને હોસ્પિટલનો બધો જ સ્ટાફ તમારાં સહૃદયી સંબંધથી બંધાયેલા. ત્યારે ઉપલેટામાં મહિલાઓની ઉત્થાન માટેની પ્રવૃત્તિમાં પડેલા, મહિલા સંસ્થાના વડા સુમતિબહેન શેઠની સાથે તમારા સંબંધ વધતાં સુમતિબહેનનો સામાજિક કાર્યકર તરીકેનો અગ્રગણ્ય રોલ અને સમાજ સાથેની નિસ્બતથી તમે તેના નજીક આવ્યા અને તમે તેમને એમ કહ્યું કે બહેન, આપણી સરકારી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડ નથી, તેથી દાઝેલી બહેનોને કોઇપણ ટ્રીટમેન્ટ ન મળતાં તેમનું અકાળે અવસાન થવાના કિસ્સા બહુ જ બને છે. તો બહેન, આપણે આ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડનું આયોજન કરી, અસંખ્ય બહેનો ભાઇઓને અકાળે અવસાન પામતાં લોકોને મોતના મુખમાંથી બચાવીએ.
આ વાત સાંભળી સુમતિબહેન તો ખૂબ રાજી થયાં, અને તાત્કાલિક અસરથી ગામના ૧૦ પ્રતિષ્ઠિત માણસોનું એક સંગઠન કરી તબીબી સહાયક સંઘ નામની સંસ્થા શરૂ કરી. ઉપલેટા સરકારી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડ તેમ જ અનેકવિધ સુવિધાઓ કરવાનું બીડું ઝડપ્યું. મિ. નિરજ પાલ, તમને આ તબીબી સહાયક સંઘની મુખ્ય જવાબદારી સોંપી તમને આ સંગઠનમાં સામેલ કર્યા.
સમય જતાં જતાં પ્રચાર માધ્યમથી સુમતિબહેનની કામગીરી, પ્રમાણિકતા અને કર્મશીલતાથી આ બર્ન્સ વોર્ડ બનાવવા માટેનો ફાળો શરૂ કર્યો અને જુદી જુદી પત્રિકાઓ દ્વારા ઉપલેટાના કેટલાક મોટા વેપારી જે મુંબઇ સ્થાયી થઇ માતબર રકમ કમાય છે તેનો સંપર્ક સાધ્યો. એવામાં અમદાવાદમાં રહેતા મૂળ ઉપલેટાના વતની સુમનભાઇ શાહનો સુમતિબહેન પર ફોન આવ્યો કે આ બર્ન્સ વોર્ડમાં જેટલા પૈસાની જરૂર હોય તે પૈસા આશરે દસ લાખ રૂપિયાનું દાન કરવાની તેમણે ઇચ્છા વ્યક્ત કરી. તાબડતોબ સુમતિબહેનને અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું. – સુમતિબહેન તેમના કેટલાક સાથીદારો સાથે સુમનભાઇને મળ્યા, ત્યારે સુમનભાઇએ એક લાખ રૂપિયાનો ચેક એક તબીબી સહાયકના નામનો આપી દાનના શ્રીગણેશ કર્યા. અને બાકીના નવ લાખ ધીરે ધીરે આપવાનું વચન આપી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડની કામગીરી કરવાની શરૂઆત કરવાની સૂચના આપી.
જોતજોતામાં હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડની તડામાર થવા લાગી. ચણતર કામ ચાલુ થયું અને સેવાભાવી એન્જીનિયર્સ દિવસરાત મહેનત કરી, બર્ન્સ વોર્ડ બનાવવાની કામગીરીમાં લાગી ગયા.
બન્સ વોર્ડનું કામ પૂરજોશમાં ચાલુ થતાં બાકીના ૯ લાખ રૂપિયાનું દાન સુમનભાઇ શેઠ તરફથી આપવાનું હતું. તેને માટે મોટું આયોજન કરી મોટો કાર્યક્રમ ગોઠવ્યો. ઉપલેટામાં આનંદનો ઉત્સવ શરૂ થયો. મોટા સમિયાણામાં અનેક લોકોની હાજરી વચ્ચે તત્કાલિન આરોગ્ય મંત્રીશ્રીની હાજરીમાં, સુમનભાઇના હાથે તબીબી સહાયક સંઘના નામના ચેકનો વિતરણ સમારંભ ગોઠવાયો અને અાબાલ વૃદ્ધ બધા જ ઉપલેટાના નાગરિકો અનેરા ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા. આરોગ્ય મંત્રીશ્રીનું ભાષણ શરૂ થયું. સુમનભાઇ સાથે ફોટો સેશન્સ શરૂ થયું અને ઉપલેટાના લોકો અનેરા ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા.
આરોગ્ય મંત્રીશ્રી ભાષણ આપી આજે ઉપલેટામાં માનવતાનો મોટો સંચાર થયો છે અને ઉપલેટામાં અનેક બહેનો ભાઇઓ દાઝવાથી, થતાં મૃત્યુના મુખમાંથી બચશે. તેવું ભાષણ કરતાં, એકાએક ઓડિયન્સમાં બેઠેલી મેદનીમાંથી વચ્ચેથી બીડી કામદાર યુનિયનના પ્રમુખ મુસ્તાક અલી બેલીમ જે સામ્યવાદી વિચારધારાને વરેલા હતા, તેઓ એકદમ બૂમબરાડા પાડી કહેવા માંડ્યા કે આ આપેલું દાન અપ્રમાણિક છે. તે કેરાળાનો વતની હોવાથી મોટેથી હિન્દીમાં બોલી કહેવા લાગ્યો કે યે દાન સહી દાન નહીં હૈ કાળા બજારીકા પૈસા હૈ, લાચાર આદમીઓકા પસીના કા પૈસા હૈ, વે ગેહુ તેલ અનાજ વિગેરે કા સંગ્રહખોરી કા પૈસા હૈ, યે સુમનભાઇ બડા કાલાબજારી હૈ ગરીબો કા પસીને સે – ખેડૂતકા પેદાશ કા પૈસા કમ દેકે ઉસને પૂરી માર્કેટમેં માલ સંગ્રહ કરકે બેઇમાની કી હૈ, ઉસકા પૈસા મત લો – આમ જોર જોરથી બોલીને સમારંભમાં મોટો દેકારો કર્યો. સુમતિબહેન, સુમનભાઇ આરોગ્યમંત્રી બધા જ આ વાત પર અવાક બની ગયાં. સમારંભ અટકાવી દેવો પડશે. લોકો શોરબકોર કરી, કોમરેડ બેલીમની વાત સાચી છે, સાચી છે, કરીને બેલીમને સાચી વાત કરવાની શાબાશી આપી બધા જ લોકો વિખરાઇ ગયા, સુમનભાઇ અને આરોગ્યમંત્રીશ્રીની ફજેતી થઇ સુમતિબહેન પણ વિમાસણમાં પડી ગયાં અને અંતે કાર્યક્રમ બંધ કરવો પડ્યો.
બીજે દિવસે સુમતિબહેન તબીબી સહાયક સંઘની તાત્કાલિક મિટીંગ બોલાવી. હવે આપણે આ બર્ન્સ વોર્ડને સારુ પ્રમાણિકપણે મળતું દાન કેવી રીતે લાવવું અને ભવિષ્યનું આયોજન શું કરવું તે બાબતે ચર્ચા કરી. ચર્ચાને અન્તે એમ નક્કી કર્યુ કે આ બન્સ વોર્ડ માત્ર અને માત્ર લોકફાળાથી જ થવો જોઇએ. આ બાબતમાં તે જુદા જુદા મુશાયરા, ડાયરા વગેરે કરી ફંડ મેળવવું, તેવું નક્કી થતાં તે વખતના નામાંકિત ચારણ સાહિત્યકાર ગઢવી લાખાભાઇ ગઢવી અને દીવાળીબહેન ભીલના કાર્યક્રમો કર્યા. ઉપલેટાના લોકો પોતાની ઇચ્છા મુજબ ફાળો આપે, તેવું નક્કી થયું અને હોસ્પિટલની બહાર એક નાનો રૂમ કરી દાન પેટી રાખવામાં આવી. તેમાં ઉપર મોટા અક્ષરે લખ્યું હતું કે અહીં પ્રમાણિકપણે કરેલી કમાણીનું દાન લેવામાં આવે છે અને તબીબી સહાય સંઘે ઠરાવ કરી આ દાનપેટીની બિલકુલ બાજુમાં, બીડી કામદાર આગેવાન કોમરેડ બેલીમનો ફોટો રાખી તેનું સન્માન કરી તબીબી સહાય સંઘને સાચો રસ્તો બતાવી, કાળાબજારની કમાણીમાંથી ઊભો થતો બર્ન્સ વોર્ડ અટકાવી અનેરું કામ કર્યુ.
જોતજોતામાં ઉપલેટાના અસંખ્ય ચિંથરેહાલ લોકો દરરોજ પોતાના ઘરે જતા પહેલાં આ દાનપેટીમાં દાન આપવા લાગ્યા. મજૂરો, ખેત કામદારો, નોકરિયાતો, સમગ્ર સામાન્ય નાગરિકના પ્રચંડ સહકારથી અને લાખાભાઇ ગઢવીના ત્રણ ચાર કાર્યક્રમથી બર્ન્સ વોર્ડ માટેની દસ લાખની માતબર રકમ મેળવવામાં આવી. આ ઘટના ઉપલેટાની પ્રજા માટે એક પ્રેરણાદાયી તવારીખ બની ગઇ અને થોડાક જ વખતમાં પ્રમાણિક પણે આપેલી દાનની રકમમાંથી બર્ન્સ વોર્ડ બનાવી નાની બાલીકાના હસ્તે બર્ન્સ વોર્ડનું ઉદ્ઘાટન થયું. સિવિલ સર્જન ડૉ. મુજપરાના સાનિધ્યમાં નાની બાલિકાએ રિબિન કાપી અને ઉપલેટામાં બર્ન્સ વોર્ડ બનાવી અનેક દાઝેલા લોકોને મોતના મુખમાં જતાં અટકાવી એક માનવતાનો મોટો યજ્ઞ શરૂ કર્યો. ઉપલેટાની સમગ્ર પ્રજાને આ ઘટનાથી આનંદનો અવસર પ્રાપ્ત થયો. અને બર્ન્સ વોર્ડ બનતા અનેક દાઝેલાં લોકોને સમયસર ટ્રીટમેન્ટ આપી તેમને બચાવવાના ભગીરથ પ્રયત્નોના મંગલાચરણ થયા.
આ મહાયજ્ઞના મહાન પ્રણેતા પ્રમાણિક પણે દાન લેવું જોઇએ અને બર્ન્સ વોર્ડ બનાવવો જોઇએ તેવું હિંમત રાખીને સૂચના આપનાર અને અમલ કરાવનાર મિ. બેલીમ, તમને સલામ. સુમતિબહેન શેઠ, તમને પણ સલામ. તમારી કોઠાસૂઝથી ઉપલેટામાં બર્ન્સ વોર્ડના શ્રીગણેશ થયા તેથી તમને પણ સલામ. તમારા તબીબી સહાયક સંઘ બનાવવાની પ્રેરણા આપવા માટે તેમ જ દાઝેલાં લોકોને મોતના મુખમાંથી પાછા બોલાવી અનેક લોકોની જિંદગી બચાવવાના અને સુમતિબહેનને બર્ન્સ વોર્ડ બનાવવાના તમારા સૂચનને સલામ અને તમારી અપીલને સલામ, મિ. નિરજ પાલ, તમને પણ લાખ લાખ સલામ.
તા. ૧૫-૧૦-૨૦૨૦
e.mail : koza7024@gmail.com