મૂળ કન્નડમાં બસવ અને બીજાનાં ‘વચન’નો અધિકૃત પાઠ તૈયાર કરનાર શહીદ કલબર્ગીએ વચન સાહિત્ય અને ખાસ તો કાયક સિદ્ધાંત પરત્વે અનુમોદન ગાંધીવચનો વિશેષરૂપે સંભાર્યા છે: ‘જો મારે ક્યારેક બુદ્ધને મળવાનું થાય તો એમને કહીશ કે ધ્યાન વગેરેના ઉપદેશ કરતાં એમણે કાયક(કર્મ)ના સિદ્ધાંત પર વધારે ભાર મૂકવો જોઈતો હતો. જો મને જ્ઞાનદેવ મળી જાય તો એમને પણ આની આ જ વાત કરીશ.’
હમણાં 31મી જાન્યુઆરીએ કર્ણાટક સરકારે આનંદ તેલતુંબડેને બસવેશ્વર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા ત્યારે સાંભર્યું કે પહેલવહેલું એમને મળવા સાંભળવાનું અમદાવાદમાં 2016ની દસમી ડિસેમ્બરે (માનવ અધિકાર દિવસે) ઉમાશંકર જોશી વ્યાખ્યાન નિમિત્તે બન્યું હતું.
જો કે, 2016માં નહીં એવી એક વિલક્ષણ બીના 2024માં કોઈ હોય તો તે એ છે કે તેલતુંબડે હાલ જામીન પર છે. 2018ની ભીમા-કોરેગાંવ હિંસાને પગલે સો વરસ પરના રોલેટ એક્ટ જેવા જુલમી કાયદા હેઠળ જેમને ધરાર પરબારા જેલભેગા કરાયેલા તે પૈકી એ પણ એક છે. કથિત ગંભીર ગુનાસર પકડાયેલ જામીન પર હોય અને એમનું બહુમાન થાય એ ઘટના, બિલ્કિસ પ્રકરણના ગુનેગારોનાં આરતીગાનમાં સરકારી મેળાપીપણા કરતાં ગુણાત્મક રીતે જુદી પડતી. અને શાસનપદારથ વિશે રહીસહી આશાને લગરીક દૃઢાવનારી છે. આ લખતાં સાંભરી આવેલો સહજ પેરેલલ ગયા દસકામાં તત્કાલીન, રિપીટ, તત્કાલીન ગૂજરાત વિદ્યાપીઠે દીક્ષાન્ત અભિભાષણ સારુ કુલપતિ નારાયણ દેસાઈના નેતૃત્વમાં છત્તીસગઢના દાક્તર વિનાયક સેનને નિમંત્ર્યા હતા એ છે. રમણસિંહ સરકારે આદિવાસી ભૂખમરાની નાબૂદી અને અપ્રતિમ સ્વાસ્થ્યસેવાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિનાયક સેનને પરબારા જેલભેગા કર્યા હતા પણ સર્વોચ્ચ અદાલતે એમને જામીન આપવાપણું જોયું હતું. આ પેરેલલ સમેટું તે પહેલાં તેલતુંબડે કેસમાં જસ્ટિસ ચંદ્રચૂડની એટલી એક નુક્તેચીની સંભારી લઉં કે જે તપાસ કરાયાની વાત છે તે તપાસના રંગઢંગ કેવળ પૂર્વગ્રહ અને પૂર્વાગ્રહ દૂષિત છે.
તેલતુંબડેને ઉમાશંકર વ્યાખ્યાનમાં સાંભળ્યા તે પૂર્વે એમની એક સાફસૂથરી, સુચારુ એટલી જ સુતીક્ષ્ણ સૂરતમૂરત ઈ.પી.ડબલ્યુ.(ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી)ની એમની ‘માર્જિન સ્પીક’ના વાચને ઉભરેલી હતી. પૂર્વે પરિચય ન થયો તે નવાઈ લાગે છે, કેમ કે એ અમદાવાદ આઈ.આઈ.એમ.ના એમ.બી.એ. છે. (જો.કે આ પ્રકારનાં શિક્ષણસંસ્થાનો બહુધા ટાપુલોક હોય એટલે ખરું જોતાં આશ્ચર્ય નયે થવું જોઈએ.)
આંબેડકરી ચળવળ અને માર્ક્સવિચાર વચ્ચે સાર્થક સંવાદની એ જરૂર જુએ છે. અમદાવાદના વ્યાખ્યાનમાં એમણે પોતાની નિસબત વ્યક્ત કરતા એ પણ સંભાર્યું હતું કે આંબેડકર બંધારણમાં ‘સમાજવાદ’ એ સંજ્ઞા દાખલ કરવા ઈચ્છતા હતા. આ ક્ષણે તેલતુંબડેનાં પ્રતિપાદનો અને વૈચારિક સંડોવણીઓની ને બીજી ચર્ચામાં નહીં જતાં માત્ર એમને પકડાયા ત્યારે આઈ.આઈ.એમ. અમદાવાદની જૂનીનવી ફેકલ્ટી, ચાલુ ને પૂર્વ છાત્રો વગેરે મળીને સેંકડો સહીઓ સાથે પ્રસારિત નિવેદન સંભારીશું જેમાં એમને અનુકરણીય દૃષ્ટાંત કહેતાં ‘રોલ મોડેલ’ રૂપે બિરદાવાયા હતા.
2016ના એમના ઉમાશંકર વ્યાખ્યાનને અને હાલના બસવ પુરસ્કારને સંભારું છું તો જોગાજોગ 2016ની બીજી પણ એક ઘટના ગુજરાતજોગ બિનચૂક સંભારી લેવી જોઈએ. એ જ વરસમાં શરીફા વીજળીવાળાના કટિકંકર અને કાંટેકોર સંપાદનમાં ગુજરાતીમાં બસવ અને બીજાનાં ‘વચન’નો બૃહદ્દ સંચય અનુવાદિત થઈ સુલભ થયો હતો.
કર્ણાટકમાં 12મી સદીમાં જે વચન સાહિત્ય પાંગર્યું એની પૂંઠે રહેલ ધખના ને ધક્કો વર્ગભેદ, વર્ણભેદ અને લિંગભેદથી થતા સામાજિક અન્યાયો સામેની ભૂમિકામાં રહેલું હતું. બસવ રાજમંત્રી પણ રહ્યા હશે, પણ એમનું એક માર્મિક વચન છે કે રાજાના અંત:પુરમાં રાણી બનીને રહેવા કરતાં ભક્તોના ઘરમાં દાસી બનીને રહેવું સારું. વચન સાહિત્ય પ્રમાણે તો ‘દેહ એ જ દેવાલય છે’ અને ‘ભક્તોનાં ઘર જ મઠ છે.’ પરલોકપરાયણ ભૂમિકાને બદલે જેને આ જ પૃથ્વી પર ને આ જ સમાજમાં જાતિભેદમુક્ત અધ્યાત્મ કહી શકીએ એવું કાંક આ છે. સમૃદ્ધ ને સંસ્કારી સમાજનિર્મિતિ માટે અહીં કાયક સિદ્ધાંત(કર્મ એ જ ધર્મ)નું પ્રતિપાદન છે. આ કાયક એ સૌને સારુ ફરજિયાત છે, તે દૈવિત એટલે કે ધર્મરૂપ છે, તે ભેદભાવરહિત છે – મતલબ, સઘળાં કર્મ એકસરખાં મહત્ત્વનાં છે. અને હા, તે વૈકલ્પિક છે: કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરી શકે છે.
મૂળ કન્નડમાં ‘વચન’નો અધિકૃત પાઠ તૈયાર કરનાર ડો. એમ.એમ. કલબુર્ગીએ બહુ જ સમર્પકપણે વચનસાહિત્ય અને ખાસ તો કાયક સિદ્ધાંત પરત્વે અનુમોદનાવત્ ગાંધીવચનો સંભાર્યાં છે તે અહીં ઉતારવાજોગ છે : ‘જો મારે ક્યારેક બુદ્ધને મળવાનું થાય તો એમને કહીશ કે ધ્યાન વગેરેના ઉપદેશ કરતાં એમણે કાયક(કર્મ)ના ઉપદેશ પર વધારે ભાર મૂકવો જોઈતો હતો. જો મને જ્ઞાનદેવ મળી જાય તો એમને પણ આની આ જ વાત કરીશ.’
ડો. કુલબર્ગી સાંભરે છે ને? એમની, એક અર્થમાં બસવનિષ્ઠ સુધાર ઝુંબેશ સબબ હત્યા થઈ હતી. એ જ અરસામાં ડો. દાભોલકરનીયે હત્યા થઈ હતી, અને એમની જેમ જ ઉદ્દામ સુધારવલણો ધરાવતા પાનસરેની પણ. કુલબર્ગીની હત્યાને પગલે એવોર્ડ વાપસીનું અશ્રુતપૂર્વ આંદોલન શરૂ થયું હતું. બુલડોઝરી માહોલ સામે આપણા પ્રજાસત્તાકનો એ અંતરાત્માનો અવાજ હતો. નરવો ને નક્કુર એટલો જ નિર્ભિક.
બાય ધ વે, થોડા વખત પર પાર્લમેન્ટરી કમિટીએ એવોર્ડ વાપસી પ્રકરણ સંદર્ભે જે બહુમતી હેવાલ આપ્યો એ જોયો તમે? એમને વિરોધ પાછળની ભૂમિકા સમજવામાં રસ નથી. કહે છે, હવે એવોર્ડ આપો ત્યારે પહેલેથી શરત કરશો કે લેવાના હો તો જ આપશું – અને જો ‘ના’ તો ભવિષ્યમાંયે તમને કોઈ એવોર્ડ માટે વિચાર નહીં કરીએ.
આવા વાતાવરણમાં કર્ણાટક સરકારે આનંદ તેલતુંબડેને બસવ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો તે બીના એને સારુ અભિનંદનીય છે અને આપણે સારુ આશાકિરણરૂપ છે. જો કે, હવે પછી કર્ણાટક સરકારે પોતાના પ્રતિમાનરૂપ આ નિર્ણયની કસોટીએ ખરા ઊતરતા રહેવું પડશે … દરમ્યાન, હમણાં તો, જય બસવ!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 14 ફેબ્રુઆરી 2024