કાવ્યકૂકીઝ
0
હસમુખ હાસ્ય કવિ છે
પણ તેનું થોબડું જ એવું છે કે
સતત રડતું જ દેખાય
તે રડતો નથી પણ જોનારને
તે રડતો દેખાય છે
તે લખે છે તે વાંચીને
ઘણાંને હસવું આવે છે
પણ તેને જુએ છે તેને તો
રડવું જ આવે છે
એ જ કારણે તે
હાસ્યકવિ સંમેલનમાં જતો નથી
જાય તો લોકો શોકસભામાં હોય
તેમ રડમસ થઈ જાય છે
જે કવિ હાસ્ય કવિતા વાંચતો હોય
તે હસમુખને જોતાં જ
રડમુખ કે રદમુખ થઈ જાય છે
પછી જેવો હસમુખ
કવિતા વાંચવા ઊભો થાય છે
કે લોકો આંખો લૂંછતાં લૂંછતાં
ઘર ભેગા થઈ જાય છે
લોકો સાંભળવાની ધીરજ રાખે
તો તેમને જરૂર હસવું આવે
પણ ત્યાં સુધી હસમુખનું
કરુણમુખ કોઈ જુએ તો કે !
એક વાર તો હસમુખ
બુરખો પહેરીને આવ્યો
ને તેણે હાસ્યકવિતા વાંચી
લોકો એટલા ખુશ થયા કે
બુરખાને કોઈ બેસવા જ ન દે !
વન્સ મોર વન્સ ‘મોર’
એટલું ચાલ્યું
કે હસમુખ ઢેલની જેમ
બુરખામાં જ સંકોચાતો રહ્યો
બાય ધ્ વે
ઢેલ એટલે મોરની બેટર હાફ !
બેટર હાફ એટલે
સારી અડધી !
સારી અડધી એટલે
બૈરી આખી ને ચા અડધી !
બુરખો ઠીક ઠીક ચાલ્યો
પણ એક દિવસ પવન આવ્યો
ને બુરખો ઊડી ગયો
સિલકમાં હસમુખ રહ્યો
હસમુખનાં આવાં અણધાર્યાં
પ્રાગટ્યે લોકોને આઘાત આપ્યો
લોકો દસમુખ હોય તેમ
હસમુખ પર તોળાઈ રહ્યા
લોકોએ દસેક લોખંડી બુરખા
હસમુખને ભેટ આપ્યા
એ શરતે કે
બુરખા વગર બહાર પડવું નહીં
કવિતા ન વંચાય તો વાંધો નહીં
બટ બુરખા ઈઝ મસ્ટ !
મસ્ટ ગુજરાતીમાં નહીં !
હસમુખનો આ બુરખાવતાર
એવો ચાલ્યો કે
પેઢીઓ બદલાઈ ગઈ
પણ બુરખો બદલાયો નહીં
નવી પેઢી લિબરલ હતી
તેને કવિતા કરતાં
બુરખામાં વધુ રસ પડ્યો
લોકો પછી બુરખા વગર
હસમુખને જોવા મથ્યા
પણ હસમુખને તો
બુરખો જ ચહેરો થઈ ગયો હતો
તો એ બુરખો ઉતારે કઇ રીતે?
બુરખો કોઈકને
સ્ત્રી પણ લાગતો હતો
એકાદ જુવાને તો
હસમુખને પ્રપોઝ પણ કર્યું
હસમુખે કહ્યું – હું ભાઈ છું
જુવાને કહ્યું – હું તો બુરખાને ચાહું છું
અંદર ભાઈ છે કે બહેન છે
તેનો મને ફરક પડતો નથી
– પણ મને પડે છે, હું 80નો થયો
– હું 28નો છું, જુવાન બોલ્યો –
તમે નહીં પરણો તો કુંવારો રહીશ
– આમાં તો હું ગુજરી જઈશ
– તમે નહીં પરણો તો
ગુજરી હું જઈશ !
પછી કોણ ગુજરી ગયું
તે તો નથી ખબર
પણ હસમુખે
કવિતાઓ લખવાનું જ બંધ …
000
e.mail : ravindra21111946@gmail.com