અભિનેતા, દિગ્દર્શક, ગાયક, સ્વરકાર અને ઉમદા માણસ રાજુ બારોટની રંગયાત્રાનું આ સુવર્ણ જયંતી વર્ષ છે. તે નિમિત્તે ‘અરધી સદીની રંગભરી યાત્રા …’ નામે એક નાનકડો મેળાવડો રાજુભાઈના ઘરે 18 નવેમ્બરે રાખવામાં આવ્યો હતો.
તેમાં ઇકોતેર વર્ષના આ અનેક અર્થે ઊંચા રંગકર્મીની તખ્તા પરની માતબર કામગીરીની ઝલક મળી હતી. રાજુભાઈએ પોતાનાં, અને તેમના કેટલાંક હમઉમર સાથી કલાકારોએ રાજુભાઈ સાથેનાં રોમાંચક દિવસોના સંભારણાં ઉજાગર કર્યાં. એ શનિવારની સાંજ યાદોંકી બારાત બની ગઈ.
કાર્યક્રમમાં જે ત્રીસ-પાંત્રીસ રસિકો હતાં તેમાં મુખ્યત્વે રાજુભાઈની સાથે અત્યારે નાટકો કરનારાં યુવતીઓ અને યુવકો હતાં. તેઓ વિદ્યાર્થીભાવે ભોંય પર બેઠાં હતાં. રાજુભાઈ એમના ‘દાદા’.
ઉપરાંત રાજુભાઈના જમાનાના સંખ્યાબંધ નાટકવાળામાંથી પંચતારકો હાજર હતા : રાજુભાઈને સમકક્ષ કામગીરી કરનારાં દીપ્તિ જોષી, વૈદ્ય – અભિનેતા પ્રવીણ હિરપરા, અનેક નાટકોને સંગીત આપનારાં સંગીતજ્ઞ યોગેન ભટ્ટ, નીવડેલા પ્રયોગોમાં વિચારપૂર્વકના સન્નિવેશ-સેટ બનાવનારા અખંડ વ્યાસ.
ગુજરાતી તખ્તા-ટેલિવિઝન પર વર્ષોથી અત્ર-તત્ર સર્વત્ર વિહરનાર સુભાષ બ્રહ્મભટ્ટે ભાવપૂર્ણ ભૂમિકા બાંધી. તેમણે દીપ્તિબહેન સાથે આ કાર્યક્રમ માટે ઘરકામ પણ કર્યું હતું. તેમની સાથે પૂર્વતૈયારીમાં રાજુભાઈનો ચાહક યુવા કલાકાર હર્ષદીપ અને તેના મિત્રો જોડાયા હતા.
જેમના સાથ વિના રાજુભાઈ ટકી ન શક્યા હોત એવાં તેમનાં જીવનસંગિની અને સામાજિક કાર્યકર્તા નફીસાબહેન પણ હાજરહજૂર હતાં.
આમ તો મૂળ આયોજન કંઈક એવું હતું કે રાજુભાઈનાં નાટકોની તસવીરો પ્રોજેક્ટરના પડદા પર બતાવવામાં આવે અને તેના સંદર્ભમાં રાજુભાઈ વાત કરતાં જાય. પહેલો ફોટો એ યુવાન રાજુનો હતો કે જે ‘કમરમાં સાયકલની ચેઇન બાંધીને ફરતો’ (મારામારી કરવા માટે જરૂર પડે તો), એમ નફીસાબહેને કહ્યું.
ત્યાર બાદ તરત જ નાટ્યવિદ્યાની ખૂબ પ્રતિષ્ઠિત સંસ્થા નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એન.એસ.ડી.)ના વર્ષોમાં રાજુભાઈએ કરેલાં નાટકોની છબિઓ હતી : ‘લૈલા મજનુ’, શાંતા ગાંધી આલેખિત ‘જસમા ઓડણ’, ‘મેના ગુર્જરી’, ગીરિશ કર્નાડનું અલકાઝી સાહેબે કરાવેલું ‘તુઘલક’ અને અન્ય.
પછી ગ્રીક ક્લાસિક ‘મીડિયા’, ‘શાકુંતલ’, શ્રીકાંત શાહનું એકાંકી ‘એક ટીપું સૂરજનું’, ભરત દવે દિગ્દર્શિત નાટ્યરૂપાંતર ‘માનવીની ભવાઈ’ જેવાં નાટકોની તસવીરો આવી. જો કે આ માત્ર થોડાં નામ. પેલું અયોજન કોરાણે રહી ગયું. પણ એક જમાનામાં ધબકતી અમદાવાદની રંગભૂમિનાં સ્મરણોનાં આકાશમાં બધાંએ મુક્ત વિહાર કર્યો.
તેમાં રાજુભાઈ પણ અનેક રીતે પ્રગટતા રહ્યા. જશવંત ઠાકરે અનુવાદિત-દિગ્દર્શિત કરેલાં ‘શાકુંતલ’ના શ્લોકો રાજુભાઈએ કંમ્પોઝ કરેલાં. તેમાંથી ‘अनाघ्रातम पुष्पम…’ તો તેમણે ગાઈ પણ બતાવ્યો, અને ‘માનવીની ભવાઈ’નું ‘મનખો માણી લેજો રે …’ ગીત પણ. ભરત દવેએ દિગ્દર્શિત કરેલા ‘જસમા ઓડણ’ની નૃત્યરચના choreography રાજુભાઈની, દુહા પણ તેમણે ગાયેલાં.
એક વાર સંજોગો કંઈક એવા ઊભા થયા કે નાટકના રિહર્સલ દરમિયાન રજા લઈને રાજુને નફીસા સાથે લગ્ન કરવા અમદાવાદ આવીને તરતની ફ્લાઇટમાં દિલ્હી પાછા જવું પડ્યું. દુષ્યંત ડાબા હાથે પણછ ન ખેંચે એનું એક પ્રેક્ષકે ધ્યાન દોરેલું.
પન્નાલાલના નાટકમાં કાળુ તરીકે લાકડા ફાડવાના દૃશ્યમાં રાજુભાઈના હાથે ઇજા થઈ હતી, તેના પર તેમણે પાટો તો બાંધ્યો, પણ પછી નાટકના માહોલને અનુરૂપ ચીથરું પણ.
આકાશવાણીમાં ગાયક એવા પિતાના કહેવાથી વ્યવહારુ જરૂરિયાત તરીકે રાજુભાઈએ બી.કૉમ. તો કર્યું, એમ નક્કી કરીને કે ‘હું ક્લાર્કિ તો નહીં જ કરું’. સુભાષભાઈએ કહ્યું તેમ રાજુ પોતાની શરતે થિએટર કરવાની બાબતમાં હંમેશાં અડગ રહ્યા. નફીસાબહેને પછી વાત કરતાં એ મતલબનું કહ્યું કે દૂરદર્શનનો ઠીક સલામત કૉન્ટ્રાક્ટ મળ્યો, પણ ‘એમાં એનો જીવ ઘૂંટાતો હતો’ એટલે પછી એ છોડીને હંમેશાં પોતાની રીતે જ કામ કર્યું. રાજુભાઈની પોતાની વાતમાં વારંવાર એન.એસ.ડી. ન ડોકાય તો જ નવાઈ. અલકાઝી સાહેબના કિસ્સા અત્યારે પણ અકબંધ આદર સાથે રાજુભાઈએ કહ્યા.
દિગ્દર્શક તરીકે રાજુભાઈની નિયમિતતા અને નિષ્ઠાના ઉલ્લેખો થયા. માણસ તરીકેની તેમની ઉમદાઈ બતાવતા પ્રસંગો કહેવાયા. અખંડ વ્યાસે રાજુભાઈ પર લખેલી કવિતા સુભાષભાઈએ વાંચી. નોંધપાત્ર બાબત એ પણ છે કે રાજુભાઈએ કેટલીક ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલ્સ પણ કરી છે, પણ અહીં તેનો ભાગ્યે જ કોઈ ઉલ્લેખ થયો. જાણે-અજાણ્યે બધાના મનમાં કદાચ તખ્તા અને માત્ર પરના રાજુભાઈ જ હતા.
યાદોમાં સિનિયર્સ પણ ઉમેરણો કરતાં. દીપ્તિબહેન નાટકોના એક પછી એક નામ અને ક્યારેક સંવાદો પણ બોલે, બનાવો કહે. નફીસાબહેન જે પૂરવણીઓ કરતાં તેમાંથી જણાઈ આવતું કે તેઓ રાજુ અને એનાં નાટકો બંને સાથે કેવાં ઓતપ્રોત હતાં.
સુભાષભાઈએ સંભાર્યું કે રિહર્સલ, અને નાટકો ય કેવી કેવી જગ્યાએ કરવા પડતાં — ઇમારતોનાં ધાબાં, ભોંયરાં, પાર્કિંગ પ્લૉટ, ગૅરેજ, બંગલાના દિવાન ખાનાં … પૈસા મળે તો મળે, નાટક બાદ ઝોળી ફેરવવી પડે (જો કે ગુજરાતી સમાંતર રંગભૂમિની હાલત અત્યારે થોડીક જ બદલાઈ છે).
‘સંતાનો સહુ સ્ત્રીના પુરુષમાત્ર વંધ્ય’ એવી ટૅગલાઇન સાથેનું ભરતભાઈનું પીડાકારક નાટક ‘વંધ્ય’ જેમાં અમદાવાદમાં રાજુભાઈ અને મુંબઈમાં અરવિંદ જોષી મુખ્ય પાત્ર ભજવતા.
યોગેનભાઈએ વિચક્ષણ સાંભરણ કહી. નાઝી ભસ્માસુર હિટલરનું પાત્ર અને બીજા વિશ્વયુદ્ધની ભૂમિકા ધરાવતી મનુભાઈ પંચોળી ‘દર્શક’ની એકાંકીત્રયી ‘હેલન-સોદો-અંતિમ અધ્યાય’માં દિગ્દર્શક ભરતભાઈની ઇચ્છા તેમના પ્રિય સંગીતકાર બિથોવેનની સિક્સ્થ સિમ્ફની મૂકવાની હતી. યોગેને કહ્યું, ‘એ ન મૂકાય, કારણ કે બિથોવેન યહૂદી હતો, હિટલરને તો જર્મન કમ્પોઝર વૅગનર પ્રિય હતો, અને એ સરમુખત્યાર તો એના રાજમાં ક્યાં ય બિથોવેન વગાડવા દે તે સંભવ જ ન હતું.’
યોગેનેભાઈએ બીજો એક કિસ્સો કહ્યો. મીડિયામાં ગ્રીક વેષભૂષામાં કોરસ આવતું. તેમાં એક નટને ચશ્માં હતાં. ભરતભાઈએ તેને નાટક દરમિયાન કાઢી નાખવાનું કહ્યું હતું, તે ભૂલી ગયો અને પડદો ખૂલ્યો.
અઢી કલાકના મેળાવડામાં વરિષ્ઠોની યાદોમાં રંગભૂમિના વીતેલાં પાંચેક દાયકા ઉઘડતાં ગયાં. પ્રસંગે પ્રસંગે આડા અવળા નામો / ઉલ્લેખો આવતાં જાય – ચં.ચી. મહેતા, સોફોક્લીઝ, ચેખવ, શ્રીકાંત શાહ, સુભાષ શાહ, ચીનુ મોદી, લાભશંકર, ઉમાશંકર જોશી, દિલીપ શાહ, અન્નપૂર્ણા શુક્લ, ઉત્તરા બાવકર, પી. ખરસાણી, હિમાંશુ ત્રિવેદી, હસમુખ બારાડી,નિમેષ દેસાઈ, અદિતી દવે, સ્ટાનિસ્લાવાસ્કી, જનક દવે, બાદલ સરકાર, વિવાલ્ડી, ગોવર્ધન પંચાલ, શ્રેયાંસ શાહ, કિશોર મહેતા, એસ.ડી. દેસાઈ ,અભિજાત જોશી, મયંક ઓઝા, યશવંત કેળકર, માર્કંડ ભટ્ટ, જનક દવે … આ યાદી હજુ લાંબી થાય.
સંખ્યાબંધ નાટકો : મર્મભેદ, સનક, ડૅન્ટન્સ ડેથ, સૉક્રેટીસ, તિરાડ, ગિલોટીનનો ગોટો, મારું નામ જગદીશ, બાલ્કની સુધી પહોંચતું આકાશ, રે મઠ-આકંઠ સાબરમતીનાં નાટકો અને બીજાં ઘણાં. જો કે બધા ઉલ્લેખો અને અનુલ્લેખો રાજુભાઈના રંગવર્ષોનાં વહેણના સંદર્ભે જ હતા. વાચન-વ્યાખ્યાન-ચર્ચા દ્વારા નાટકો માટેની બૌદ્ધિક તેમ જ એકેડેમિક સજ્જતાનો અંદાજ નવી પેઢીને મળે તેવી કેટલી ય વાતો આવી.
દિગ્દર્શક – અભિનેતા તરીકે રાજુભાઈની રંગયાત્રા યુવા રંગકર્મીઓ સાથે ચાલુ જ છે. તાજેતરમાં ‘પ્રયોગશાલા’ બૉક્સ થિએટરમાં ત્રણ એકાંકી કર્યાં, ઑગસ્ટની આખરે મેઘાણી જયંતીએ ‘રૈન બસેરા’માં પ્રયોગ કર્યો. તે પહેલાં મોટું નાટક ‘પાચાનો વેશ’ કરાવ્યું. આવતા દિવસોમાં લોકભારતીમાં દર્શકનું ‘પરિત્રાણ’ ભજવાશે. મંડળી વેશ ભજવતી રહેશે.
દાળવડાં અને બુંદીના લાડુ આવે તે પહેલાં દીપ્તિબહેને કહ્યું કે ‘હજુ 1986-87 સુધી જ પહોંચ્યા છીએ’. બીજા અંકનો પડદો ખૂલે એની પ્રતીક્ષા.
21 નવેમ્બર 2023
Note :
This is not a report, it is an impression piece, based on memory and a few instant jottings in the mobile. Inclusions and omissions are not intentional, but only incidental.
[920 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com