વંચિતોના ઉત્કર્ષની જીવંત સંઘર્ષકથા : રજકણ બને સૂરજ દેવીપૂજક સમાજની રોજિંદી જીવનચર્યા પર આધારિત પ્રેમકથા છે. સવિતા-સૂરજ અને આકાશનાં નામોનું તત્ત્વચિંતન વણીને શાકબકાલું કે બરણી-પ્યાલા વેચતી, મોસમ પ્રમાણે જરૂરૂ વસ્તુઓ વેચતાં માતાપિતાની પુત્રીની વિકાસગાથા સાથે નવલકથા પ્રસ્તુત થઈ છે. એ જ એકવિધ, પરંપરાગત, બીબાંઢાળ વિચારશૈલી, વાતચીતમાં વપરાતી બોલી-ભાષા, જીવનચર્યાનો હિસ્સો બનીને જીવતી સવિતાની કુટુંબકથામાં વિશેષ શું છે ? તો વંચિત-ન ફાવેલાં અને સંચિત-ફાવેલાં વચ્ચેની અસમાનતાની ખાઈનો જવાબ અને ઉકેલ શોધતાં આકાશ અને સવિતા-સૂરજની વિકાસગાથા એટલે રજકણ બને સૂરજ. સવિતાનું કુટુંબ એટલે માતાપિતા, બે ભાઈઓ. પહેલાં પિતા દારૂ પીતાં અને ઘરનું વાતાવરણ કંઈક શુષ્ક, ચીડિયું હતું. સીધીસાદી રાખડી ખરીદવા અને બાંધવા જેવી ઘટનામાં ઈલાબહેન જેવાં પ્રભાવક વ્યક્તિત્વના પરિચય પછી સવિતાના પિતા ભરત દારૂ છોડે છે અને ઘરનો માહોલ બદલાઈ જાય છે. અલબત્ત, ઘરના દીકરાને ભણાવાય છે અને દીકરીને નહીં ! આકાશ નામનો છોકરો રેતીમાં અક્ષરો લખીને સવિતાને ભણાવે છે અને નિશાળમાં ગયાં વગર સવિતા ભણે છે.
આ વાંચતાં મને બીબી અશરફની વાંચતાં-લખતાં શીખવાની સંઘર્ષયાત્રા યાદ આવે છે. યુવાન થઈને ઈલાબહેન પાસે રહીને જીવન કૌશલ્યની તાલીમ લઈ એના જ વિસ્તાર રૂપે વિકાસ કેન્દ્ર દ્વારા કમાણી કરતા શીખે છે અને આસપાસની યુવતીઓ-સ્ત્રીઓનાં જીવનમાં પરિવર્તન લાવવામાં નિમિત્ત બને છે. અંતે પ્રેમકથા સફળ થઈને આકાશ-સવિતા ઉર્ફે સૂરજ એક થાય છે.
કહેવાય વંચિતો પરંતુ દરરોજ ચાલીના વસાહતીઓ કાળુભાની લારી પરથી ચા પીએ એમાં મને તો વૈભવ દેખાયો ! આ એ જ કાળુભા જેમનો ભાણિયો આકાશ સવિતાના જીવનમાં કેન્દ્રસ્થ બને છે. લેખિકાએ કોઈ સભાન પ્રયત્ન વગર અમદાવાદની ચાલી-જીવનનું સહજ વર્ણન કર્યું છે જે સરેરાશ સામાન્ય જ છે છતાં ક્યાંક ને ક્યાંક એ જીવનશૈલીમાં રહેલી માનવમનની સહજ ભાવનાઓને ઉજાગર કરવામાં એમને સફળતા આપે છે. કાળુભાની લારી તો મને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર જેવી લાગી અને કાળુભાને પણ ચાની લારી થકી સ્ત્રીઓની જેમ જ સેવ-પાપડ-અથાણાં બનાવવાની સામૂહિક પ્રવૃત્તિ દ્વારા જીવનની સમસ્યાઓ ઉકેલવાની ચાવી હાથ લાગી હોય તેવો અહેસાસ થયો.
વર્ષો પહેલાં કદાચ કિશોરાવસ્થામાં રમણલાલ વસંતલાલ દેસાઈની ગ્રામલક્ષ્મીનાં ચાર ભાગ વાંચેલાં. નાયક-નાયિકાનાં નામો પણ ભુલાઈ ગયાં છે છતાં એમાં વણાયેલો આદર્શવાદ મનમાં જીવંત છે. ત્યાર પછી કુન્દનિકાબહેનની સાત પગલાં આકાશમાં વાંચેલી અને આનંદગ્રામમાં નારીમુક્તિનો માર્ગ કે નકશો જોયેલો. પછી તો અસ્તિત્વ સંસ્થાનનાં સર્જન-સંવર્ધન સાથે નારીવાદી આંદોલનમાં સહભાગી પણ થવાયું. ૧૯૪૭થી ૨૦૨૩ સુધીમાં દેશે ઘણી પ્રગતિ કરી અને સમાંતર ઠેરનાં ઠેરની લાગણી પણ થઈ. તેવા સમયે અતિવાસ્તવિકતાની ભૂમિ પર, આશા-ઉત્સાહથી ભરપૂર, સરળ-સહજ અભિવ્યક્તિ સાથે ખાધું પીધું ને રાજ કીધુંની વિભાવના પર રચાયેલી અનિતા તન્નાની ૧૧૪ પાનામાં લખાયેલી આ લઘુનવલ સપ્રેમ ભેટ મળી અને એ વાંચી ત્યારે આપોઆપ ર.વ. દેસાઈ, પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી, કુન્દનિકાબહેન, ધીરુબહેન યાદ આવ્યાં. જો કે આ નવલકથા કાલ્પનિક જ છે છતાં એને દસ્તાવેજી નવલકથા (ડોક્યુ નોવેલ) કહેવાનું મન થાય. લેખિકાએ એમાં શબ્દલાલિત્ય ટાળ્યું છે પરંતુ પ્રશ્નો ચોક્કસ ઉઠાવ્યા છે. બેટી બચાઓ-બેટી પઢાઓ સૂત્રની જરૂર કેમ છે એનો ચિતાર આ વંચિતોની રોજિંદી જિંદગીમાંથી મળે છે. અક્ષરજ્ઞાનથી કે શિક્ષણથી જીવન પરિવર્તિત થાય એ સંદેશો અહીં બળવંત બન્યો છે.
જો કે મારું નમ્રપણે માનવું છે કે શાકબકાલું વેચવાનો કે મોસમ પ્રમાણે જરૂરિયાતની ચીજો વેચવાનો વ્યવસાય હોય એમાં વધારે ને વધારે કુશળ કઈ રીતે થઈ શકાય તે શીખવું અગત્યનું છે. લેખિકાને હવે દેખાતા બજાર-પરિવર્તનની ઝાંખી થઈ હોય એટલે એમણે આ વંચિતોની જીવનશૈલીમાં બદલાવને મહત્ત્વ આપ્યું હોય એમ બને. આ મુદ્દો લાંબી ચર્ચાનો છે એટલે અહીં જ સમેટું છું. અહીં અનિતાના જીવનસાથી રમેશ તન્નાની સકારાત્મક વલણની ફિલોસોફીને પણ યાદ કરી લઉં. એને કારણે વાસ્તવિકતાની પરિપાટી પર જિવાતી જિંદગીઓનો તાગ તો મળે જ છે. માનવજીવનને સમજવા માટે આ પ્રકારનું સાહિત્ય ચોક્કસ જ ઉપયોગી નીવડે છે. પ્રજ્ઞા પટેલ અને યશવંતદાદાએ આ પુસ્તકને આવકાર્યું છે. મારા તરફથી પણ અનિતા તન્નાના આ પ્રયત્નને આવકાર.
(૫૫૭ શબ્દો)
e.mail : bakula.ghaswala@gmail.com