હવે આબાલવૃદ્ધ એ વાત પૂરેપૂરી સમજદારીથી સમજી ગયા છે; કે રાજકારણ એ "સત્તા" અને "સંપત્તિ" મેળવવા માટેનું, અને એ પણ "છાનીછપની સંપત્તિ" મેળવવા માટેનું સુરક્ષિત ક્ષેત્ર છે. "સુરક્ષિત" એ અર્થમાં કે આખેઆખું "સરકારી તંત્ર" તમારા નિયંત્રણમાં હોય છે. એથી ઊહાપોહ થાય, તો પણ કોઈ તમારું કાંઈ કરતા કાંઈ જ બગાડી શકતું નથી, જે કોઈ સંસ્થા, કે વ્યક્તિ એનું કામ લઈ આવે, એની પાસેથી મોઢે માંગ્યા રૂપિયા ખંખેરી લેવાના. આવું બને એટલે અધિકારીઓ ય સમજે, કે આમે ય હોદ્દેદારના આદેશથી કામ તો કરવું પડે છે. એ રાજકીય હોદ્દેદાર તો રૂપિયા બનાવે જ છે, તો આપણે ક્યાં ઈમાનદારીનો ઠેકો લીધો છે? આપણે ય શું કામ ન કમાઈએ? એટલે એ પણ "વહેતી ગંગા"માં હાથ ધોઈ લે છે ! (આવા અધિકારીઓની વચ્ચે કોઈ કોઈ અધિકારી બી.કે. સિંહા શા – ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી – જેવા પવિત્ર અધિકારી પણ પ્રજાને સાંપડે છે. તેઓ સરકારશ્રીની પ્રતિષ્ઠાને બચાવી લે છે, કારણ કે કેવળ "સાદી અરજી"થી ટ્રાન્સફર માંગનાર સરકારી કોલેજના અનેક વ્યાખ્યાતાઓને, એક જ ઓર્ડરથી, "સામૂહિક બદલીઓ" માંગણી મુજબ આપી દે છે !
કેવળ "ટ્રાન્સફર ઓર્ડર" કરવા-કરાવવામાં જ ધારાસભ્યો-સંસદસભ્યો અન્ય રાજકીય હોદ્દેદારો અને અધિકારીઓ કેટલા રૂપિયા બનાવતા હશે, એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કારણ કે આ લાખો-કરોડોનો કારોબાર છે ! "ટ્રાન્સફર ઓર્ડર"માં ઉલ્લેખ તો બે જ શબ્દનો હોય છે, કાં તો "કર્મચારીની માંગણી મુજબ" અને કાં "જાહેર હિતમાં”; – પરંતુ આ સિવાય પણ કોઈ કોઈ "ટ્રાન્સફર ઓર્ડર"માં રાજકારણીઓ (જે કર્મચારીઓની બદલી ન જ કરવી એમ વિભાગ અને સરકારે નક્કી કર્યું હોય, એ કર્મચારીની બદલી માટે એકથી વધુ રાજકારણીઓએ ભલામણ કરી હોય, અને એ ભલામણનો ઉલ્લેખ "ટ્રાન્સફર ઓર્ડર"માં પણ હોય, એવું ય સરકારી તંત્રમાં બને છે. (સરકારી સેવાનિયમો – બી.સી.એસ.આર.માં પોતાની ટ્રાન્સફર માટે રાજકારણીઓની ભલામણ કરાવવી એ શિસ્ત વિરુદ્ધ છે. આવા કર્મચારી વિરુદ્ધ ખાતાંકીય પગલાં પણ લઈ શકાય, પણ આ તો રાજકીય હોદ્દેદારે કરેલ "સેવા" ગણાય ( ! ). એટલે વિભાગ કૈં જ ના કરે !
અગાઉ બેન્ક વગેરેમાં બદલીઓ "ટ્રાન્સફર માંગનારની અગ્રતા યાદી" મુજબ જ થતી. એટલે "પારદર્શકતા" જળવાતી. રાજ્ય સરકાર આવી "પારદર્શિતા" શા માટે ન દાખવે ? અહીં તો એવું બને કે સરકારી કોલેજનો કોઈ વ્યાખ્યાતા જિન્દગીભર એક કોલેજથી બીજી કોલેજમા આથડતો – રઝળતો રહે, અને અન્ય વ્યાખ્યાતા મહાનગરની સરકારી કોલેજમાં જ નોકરી પૂરી કરે !
પ્રાથમિક શાળાઓ, સરકારી હાઈ.માં "ટાટ" પ્રથા આવી. એ સરકારનું ખરેખર "સેવા" ગણાય એવું પવિત્ર સુધારાલક્ષી કામ છે. એને અભિનંદનને લાયક જ ગણવું રહ્યું. અહીં ઉમેદવાર જિલ્લો – શહેર – શૈક્ષણિક સંસ્થા પોતાના મેરીટ મુજબ અધિકારપૂર્વક મેળવે છે. અહીં ભ્રષ્ટાચારને અવકાશ જ નથી. આવું જ સરકારી કોલેજના વ્યાખ્યાતાઓને એમના મેરીટ મુજબ પસંદગીની શેક્ષણિક સંસ્થા મળે, એવું "પારદર્શી" આયોજન ન કરી શકાય ?
અગાઉ ગેઝેટેડ ઓફિસર જો કલાસ – ૨ હોય તો એની નિમણૂંક જે જગ્યાએ થઈ હોય ત્યાં જ બે વર્ષનો "પ્રોબેશન પીરિયડ" એણે પૂરો કરવો પડતો, અને જો કલાસ – ૧ હોય તો ચાર વર્ષનો "પ્રોબેશન પીરિયડ" એણે અનિવાર્યપણે નિમણૂંક સ્થળે જ પૂરો કરવો પડતો. ૧૯૯૦ની આસપાસથી તો નિમણૂંક અણગમતા સ્થળે કરવામાં આવે; અને વ્યાખ્યાતા સક્રીયતા દાખવે તો ટૂંક સમયમાં જ એને મનવાંછિત જગ્યાએ "ટ્રાન્સફર" મળી જાય ! અહીં સરકારી વ્યાખ્યાતાને ય એમના મેરીટ મુજબ સરકારી કોલેજમાં નિમણૂંક આપવામાં આવે, તો ભષ્ટ્રાચારને કોઈ અવકાશ જ ન રહે, અને વ્યાખ્યાતા સંતોષપૂર્વક અગવડ વિના પોતાની ફરજ બજાવી શકે.
"ટ્રાન્સફર"ની પોતાની સત્તાનો મનસ્વી રીતે ઉપયોગ અધિકારીઓએ કર્યો હોય, અને કર્મચારીને પીડા પહોંચાડી હોય, એવા અનેક ઉદાહરણ જોવા મળ્યા છે. એક ઉદાહરણ જોડિયાની સરકારી હાઈમાં વ્યાયામ શિક્ષક જામજોધપુરનો, કચ્છમાંથી જામનગર જિલ્લામાં બદલીને આવેલ વ્યાયમ શિક્ષક મૂળ જોડિયાનો. જિલ્લા શિક્ષણાધિકારીએ મૂળ જોડિયાના વ્યાયમ શિક્ષકને ભાણવડની સરકારી શાળામાં મૂક્યો. માંડ ત્રણ વર્ષે એ જિલ્લા શિક્ષણાધિકારી બદલાયા બાદ જોડિયાના વ્યાયમ શિક્ષક પોતાની જન્મભૂમિમાં આવી શક્યા.
આવી પીડામાંથી બચવા માટે જ કર્મચારી/અધિકારીઓ રાજકારણીઓના ઓશિંગણ બનીને રહે છે. સરકારી નોકરી સાથે "ટ્રાન્સફર" નામની મહા પીડા મહાગઠબંધનથી જોડાયેલી છે. બાલબચ્ચાં અને ઘરવાળીથી વર્ષો સુધી કોઈ દૂર રહી જીવી તો જૂએ. પછી સરકારી નોકરિયાતની સુખ-સગવડની ઈર્ષા કરે.
"ટ્રાન્સફર"ની પીડા જેણે ભોગવી હોય, એ જ આ બાબત સમજી શકે. "ગુજરાત કોલેજ-અમદાવાદ"ના વ્યાખ્યાતાઓને જરા એકાંતમાં પૂછજો કે "તમારી ટ્રાન્સફર ન થાય, એ માટે તમે કેટલા બધા ચિંતાતુર હોવ છો. કેટલી બધી કાળજી રાખો છો ?
મૂકેશે ગાયેલ ફિલ્મગીતની પંક્તિ ટાંકી, વિરામ લઉં છું.
"મુઝે રાત દિન યહ ખયાલ હૈ ,
વો નજરસે મુઝકો ગિરા ન દે."
તા. ૩૦/૦૯/૨૦૨૦
[પ્રણય જામનગરીની ફેઈસબૂક દિવાલેથી સાદર]