
રવીન્દ્ર પારેખ
વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે ને અત્યારે પ્રેમીઓ ગ્રીટિંગ કાર્ડ્સ, ગિફ્ટ વગેરેની શોધમાં, ક્યાં જવું, ક્યાં પ્રેમનો એકરાર કરવો, ક્યાં પાર્ટી આપવી, ક્યાં ડેટિંગ-મેટિઁગની વ્યવસ્થા કરવી … જેવી બાબતે વ્યસ્ત હશે. આમ તો બીજી બધી બાબતે આપણને પશ્ચિમનું અનુકરણ ફાવે છે, કપડાં, ખાણીપીણી, રહેણીકરણી વગેરેમાં આપણને પશ્ચિમનો બહુ વાંધો આવતો નથી, પણ ક્રિસમસ, વેલેન્ટાઇનની ઉજવણીમાં આપણે ભારતીય છીએ, તેવો ઉછાળ એકાએક આપણામાં આવે છે અને પશ્ચિમી તહેવાર સામે સૂગ પણ પ્રગટ કરીએ છીએ, ભલે, એવું કોઈને ઠીક લાગે ને કરે, એ એમની પસંદગી છે. ઘણાં વેલેન્ટાઇનને બદલે વસંતને પ્રેમની ઋતુ તરીકે ઉજવવાની વાતો પણ કરે છે. વસંતમાં કામનો આવિર્ભાવ થાય છે ને ઋતુનો પ્રભાવ પ્રેમની લાગણી પ્રગટાવવા સક્ષમ છે એવું માનવા મનાવવામાં આવે છે, પણ હવે વસંત ક્યારે આવીને ચાલી જાય છે, તેની ખબર પડતી નથી. કેસૂડો, ગુલમહોર વનમાં ખીલે છે, પણ મનમાં ખીલતાં નથી. વૃક્ષો દેખાય તો ખબર પડે, પણ એ જોવાની ફુરસદ પણ કોની પાસે છે? હોળીમાં રંગો ઊડે ત્યારે થોડી ઋતુની ગંધ આવે, એમાં ય રંગો હવે રાસાયણિક અને નકલી વધારે હોય છે, એટલે તહેવારોનાં સિન્થેટિક આનંદથી જ ચલાવવાનું રહે છે. જો કે, આ બધું પ્રેમને નામે, પ્રેમથી થતું હોય છે, પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રેમ સૌથી ઉપર છે ને જાતપાત, દેશવિદેશ એ બધું પછી આવે છે. એ વાત જુદી છે કે વ્યવહારમાં એથી ઊલટું જોવા મળે છે. આમ પણ પ્રેમ, વિશ્વ આખામાં સ્વીકૃતિ ઓછી જ પામ્યો છે. એ દેશ હોય કે પરદેશ, જાતપાત, સમાજ, કુટુંબ જેવાં અનેક કારણોસર પ્રેમને બહુ સફળ થવા દેવાયો નથી. સાચું તો એ છે કે જગતે સાચા પ્રેમીઓને એક થવા જ દીધાં નથી ને વીતાડયું ય ઘણું છે. પ્રેમીઓએ મોટે ભાગે મરવું પડ્યું છે. આપણી મોટે ભાગની પ્રેમ કથાઓમાં વિરહ ને મૃત્યુ પ્રાધાન્ય ભોગવે છે, એ જ સૂચવે છે કે પ્રેમને જગતમાં સ્વીકૃતિ ઓછી જ મળી છે. આજે પણ જાતપાત, રીત રિવાજ, ઊંચનીચનું ચલણ છે જ. પ્રેમ ગમે એટલો સાચો હોય તો પણ કુટુંબ, સમાજ વગેરે તેને નિષ્ફળ કરીને અહમ્ સંતોષી લે છે. પ્રેમીઓ મરે કે જીવે, કુટુંબને, સમાજને, તેની આબરૂને ઊની આંચ ન આવે એનું ધ્યાન રખાય છે. વિદેશમાં જ્ઞાતિ-જાતિનું ચલણ ઓછું હશે, પણ ભારતમાં તે વધુ છે. અનેક સુધારાઓ છતાં, આજે પણ જ્ઞાતિ-જાતિ તીવ્રતા ભોગવે છે. વિદેશમાં પ્રેમલગ્નોની ને છૂટાછેડાની નવાઈ નથી. ભારતમાં પણ પ્રેમ લગ્નો થાય છે, સફળ પણ થાય છે, છતાં પ્રેમની શુદ્ધ લાગણી વિજયી બને જ એવું જરૂરી નથી.
આપણે જેમ જેમ વિકસી રહ્યાં છીએ, જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતિજો પાર કરતાં જઈએ છીએ, તેમ તેમ આપણી સચ્ચાઈ, આપણી નિર્દોષતા, આપણું કુદરતીપણું ઘટતું જઇ રહ્યું હોય એવું લાગે છે. ક્યાંક ગણતરી, ક્યાંક કાવતરું, ક્યાંક અવિશ્વાસ આપણા વ્યવહારોમાં કેન્દ્રમાં આવી રહે છે. જેને આપણે પ્રેમ કહીએ છીએ એ ખરેખર તો કોઈ ગણતરીનું જ પરિણામ વિશેષ છે. પ્રેમ તો એક કુદરતી લાગણી માત્ર છે, પણ તે લાગણી કરતાં તો કશાકની માંગણી વધુ બની રહે છે. કોઈને ગણતરી પૂર્વક પ્રેમમાં પાડવાનું, કોઈને ફસાવવાનું, કોઈને દુષ્કર્મનો ભોગ બનાવવાનું, કોઈને બ્લેકમેઈલ કરવાનું, કોઈનું ખૂન કરવાનું … રોજિંદું છે. આજે ન ગમતી વ્યક્તિ સાથે કોઈ પ્રેમ કરવા રાજી નથી, છતાં ન ગમતી વ્યક્તિ સાથે કોઈને પરણાવવાનું ચાલે જ છે. કેટલાં ય કુટુંબો, સંતાનનો અન્ય વ્યક્તિ સાથેનો પ્રેમ નજીવા કારણોસર માન્ય નથી જ કરતાં ને સંતાનને પરાણે બીજે પરણાવવાની તજવીજ ચાલતી જ રહે છે. ઘણીવાર પ્રેમલગ્નો પોતાની પસંદગીના થાય છે, છતાં તે સફળ નથી થતાં ને વાત છૂટાં થવા સુધી આવે છે. જે પ્રેમની લાગણી એકબીજા માટે જીવ આપી દેવા સુધીની હતી, તે જ જીવ લેવા પર પણ આવી જાય છે. જેને આખું જીવન સમર્પિત કરી દીધું હતું એનો આછો સ્પર્શ પણ પછી સહન થતો નથી. જે લાગણી હતી એ ખોટી હતી કે જે છે તે ખોટી છે એ નક્કી કરવાનું પણ ઘણીવાર મુશ્કેલ થઈ પડે છે. પ્રેમ, લગ્નનું નિમિત્ત ઊભું કરે છે, પણ પછી લગ્ન જ એવી સ્થિતિ ઊભી કરે છે કે પ્રેમની લાગણી ક્યાં હવાઈ જાય છે એની ખબર જ નથી પડતી. પ્રેમ સાવ ઉપલકિયો લાગવા માંડે છે. બધે જ આવું થાય છે એવું નથી. ઘણાં પ્રેમીઓ સારી રીતે જીવે પણ છે. ઘણાં સમાજ, સંતાન કે લોકલાજને કારણે પડ્યું પાનું નિભાવી લે છે ને કુટુંબમાં પડેલી તિરાડોને સમભાવ દાખવીને પૂરી પણ લે છે. ઘણાં લગ્નો તો પ્રેમ વગર જ થતાં હોય છે ને શરીરની જરૂરને જ પ્રેમ માનીને આખી જિંદગી કાઢી નાખતાં હોય છે.
અહીં સવાલ એ થાય કે પ્રેમ વગર પણ જિંદગી જીવી જવાતી હોય તો પ્રેમની જરૂર ખરી? જેને પ્રેમ કહીએ છીએ તે ખરેખર કઇ બલા છે? આમ તો એ એક અનુભૂતિ છે. એની ઘણી વ્યાખ્યાઓ થઈ છે ને થતી રહે એટલી ક્ષમતા એ એક શબ્દમાં છે જ ! પ્રેમ દરેક જાતિ, ધર્મ, કોમ, પ્રજા, પ્રદેશ, પરદેશમાં છે. પૃથ્વી પર તો છે જ, અન્ય ગ્રહો, નક્ષત્રોમાં છે કે કેમ તેની ખબર નથી. સૂર્યમાં તો નથી જ, પણ ચંદ્રમાં ય નથી જ, હા, ચંદ્ર પ્રેમીઓનું આલંબન જરૂર રહ્યો છે. વસંતમાં પ્રેમ પ્રગટે છે, તો વર્ષામાં વિરહનો મહિમા છે, પણ આજના કાળમાં એ બધું ઘણાંને આઉટ ડેટેડ પણ લાગે છે. અનેકગણું ખોટું ચાલતું હોય, છતાં, પ્રેમ હજી પણ ક્યાંક શુદ્ધ, સાત્વિક લાગણી તરીકે જોવાય, મૂલવાય છે.
પ્રેમનું મૂળ મનમાં છે. તે મનમાં જન્મે છે ને તન દ્વારા તેની અભિવ્યક્તિ સધાય છે, તેમ છતાં મનનો પ્રેમ જ મહત્ત્વનો ગણાયો છે. એ સાચું પણ છે. પ્રેમની લાગણી મનમાં જન્મે છે તે સાચું, પણ તેથી તનની અવગણના ઠીક નથી. આમ પણ ધર્મકર્મની કથાઓમાં સાધુમહાત્માઓ શરીર નાશવંત છે ને અમર તો આત્મા જ છે એવું કહેતા રહે છે. આવું પાછું એ બધાં જે નાશવંત છે, એ શરીરમાંથી જ કહે છે. ગમ્મત તો એ છે કે એમના આત્મા દ્વારા તો શરીરનાં નાશવંત હોવાની કોઈ વાત જ આવતી નથી. વ્યવહારુ રીતે જોઈએ તો આપણી બધી ગતિવિધિ જીવંત શરીરને આભારી છે. શરીર જીવંત છે તે મન દ્વારા. એ મન એટલે હૃદય એવું પણ કહેવાય છે, એ પણ છે તો શરીરમાં જ ! આમ તો હૃદય પણ એક અવયવ જ છેને ! એ પણ ધબકે છે. શ્વાસને લીધે. શ્વાસ બંધ પડે તો શરીર પણ બંધ પડે છે. એ શ્વાસ શું છે? નાક વાટે લેવાતી હવા. દેહ બંધ પડે છે એટલે હવા શરીરમાં જતી નથી. કેમ જતી નથી? કોણ જવા દેતું નથી? શરીર? ના, એ તો જીવવા ઈચ્છે જ છે. તો, નાક હવા ખેંચવાની ના પાડે છે? એવું પણ નથી. પણ આપોઆપ જ કૈં એવું બને છે કે શરીરમાં હવા, શ્વાસ બનતી નથી. બાકી, મૃત શરીરની પાસે હવાની તો કૈં ખોટ નથી, પણ કૈં એવું બને છે કે પછી કૈં બનતું નથી ને દેહ નાશ પામે છે. ટૂંકમાં, શરીરને જીવાડનારું તત્ત્વ તે ‘કૈં નથી’. એ ‘કૈં નથી’ને આધારે શરીર જીવે છે. એને આત્મા કહો, શ્વાસ કહો, પ્રાણ કહો, ઈશ્વર કહો, જે કહેવું હોય તે કહો, ખુદ ઈશ્વર પણ એ જીવંત તત્ત્વ પર જ નિર્ભર છે. સમગ્ર જીવ સૃષ્ટિ એ ન દેખાતાં, ન પમાતાં જીવંત તત્ત્વ પર ટકેલી છે. એ તત્ત્વ તે મન? એ દેહમાં છે ને દેહની બહાર એનું કોઈ પ્રમાણ નથી તે પણ સ્પષ્ટ છે.
એ મનમાં પ્રેમની લાગણી જન્મે છે એટલે ઘણાં મનનાં પ્રેમને સાચો ગણે છે. એનો ય વાંધો નથી. વારુ, તનનો પ્રેમ ઘણી બધી રીતે દૂષિત થાય છે તે પણ ખરું, પણ તેથી શરીરનો પ્રેમ નકામો થઈ જતો નથી. ઇરાદો કે દુર્બુદ્ધિ જન્મે તો છે મનમાં જ ! પછી શરીર તેમ વર્તે છે ને બદનામ દેહ થાય છે. મનનો પ્રેમ ગમે એટલો સાચો હોય તો પણ શરીર વગર તેનું પરિણામ નથી મળતું, એ પણ છે. ઘણીવાર મનની મનમાં રહી જાય એવું પણ બને છે, એનો અર્થ જ એ કે પ્રેમ મનમાં તો ઊભર્યો, પણ કોઈક કારણોસર શરીર દ્વારા તેની અભિવ્યક્તિ શક્ય ન બની. દાખલા તરીકે, પ્રેમિકાનો હાથ પકડવાની ઈચ્છા મનમાં થાય છે, પણ હાથ મન નથી પકડતું, શરીર પકડે છે. પ્રેમિકાનો હાથ પ્રેમીનો હાથ ન પકડે ત્યાં સુધી હાથ પકડવાની ઈચ્છા પરિણામ પર પહોંચતી નથી. એટલે મન મનસૂબા ઘડે ને શરીર એનો અમલ કરે એવી વાત છે આ ! કહેવાનું તાત્પર્ય એ છે કે મનનું મહત્ત્વ પ્રેમમાં છે જ, પણ શરીર વગર તે અધૂરો છે. આમ તો એકલું મન કૈં નથી. એ જ રીતે મન વગરનું શરીર પણ મૃત છે. ખરેખર તો મન અને શરીર અભિન્ન હોય એ પ્રેમમાં અનિવાર્ય છે. એ બેથી જ શરીરની જીવંતતા પ્રગટે છે. પ્રેમ મનનો હોય કે તનનો, એ હોય તે મહત્ત્વનું છે, કારણ ખૂટે છે તે તો પ્રેમ જ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 12 ફેબ્રુઆરી 2023