સાધારણ રીતે એરેન્જડ મેરેજમાં ભાવિ પતિ અને પત્ની પરસ્પરનાં કુટુંબોથી પરિચિત હોય છે, તેમાં જે કન્યા સાસરે આવીને રહેવાની છે, તે પણ તેની રહેણીકરણીથી ઘણુંખરું પરિચિત હોય છે. હવે તો લગ્ન પહેલાં પણ કન્યા સાસરે જતી આવતી થઈ છે, એટલે સાસરાની વ્યક્તિઓનો અને તેની રીત રસમનો ખ્યાલ તેને મળી રહે છે. ભાગ્યે જ કોઈ ભાવિ વહુ એવી હશે જે લગ્ન વખતે જ સાસરાથી પરિચિત થતી હશે. એરેન્જ્ડ મેરેજ અપવાદરૂપ કિસ્સામાં જ જ્ઞાતિ બહાર થતાં હશે, બાકી, તો તે જ્ઞાતિમાં જ થતાં હોય છે. આવનારા સમયમાં જ્ઞાતિ બહાર લગ્નો ગોઠવાય એવી શક્યતાઓ વધવાની છે, કારણ કે પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી આવે છે ને એ ઘટવાનાં કારણો છે.
પહેલું કારણ તે છોકરો જન્મે તો કુળદીપક અને દીકરીને પથરો ગણવાનું વલણ. દીકરીને દૂધપીતી કરવાથી માંડીને ગર્ભમાં જ મારી નાખવા સુધી આપણે વિકસ્યા. દીકરીને દહેજ આપવું પડે ને તેને બીજા માટે જ ઉછેરવાની વાતે ઘણાં કુટુંબો દીકરી ઇચ્છતા નથી. ગર્ભમાં દીકરી છે એવી ખબર પડતાં જ તેનો નિકાલ કરી દેવાય છે. આ બધાંને લીધે ઘણી દીકરીઓ જન્મી જ નહીં. વધારામાં કુટુંબો નાનાં થતાં ગયાં, એટલે નોકરિયાત માબાપે સંતાનો ઓછાં જન્મે એવા ઉપાયો કર્યા. અમે બે, અમારાં બે – સૂત્ર સંકોચાઈને અમે બે, અમારું એક – થયું. આ બધાંનું પરિણામ એ આવ્યું કે કન્યાની સંખ્યા ખૂબ ઘટી. અમુક જ્ઞાતિમાં સંખ્યા એટલી ઘટી છે કે દીકરા માટે વહુ શોધવા બીજી જ્ઞાતિમાં જવું પડે. એ સંજોગોમાં ફેર એ પડ્યો કે કન્યા શિક્ષણનો મહિમા વધ્યો. કન્યા કેળવણી મફત થતાં દીકરીઓ વધુ શિક્ષિત થઈ ને નોકરી ધંધામાં ઉચ્ચ સ્થાનોએ પહોંચી. એવી યુવતીઓને પછી લગ્ન જરૂરી જ ન લાગતાં, લગ્ન વગર જ રહેવાનું નક્કી કર્યું. એ કારણે પણ લગ્નને લાયક સ્ત્રીઓની સંખ્યા ઑર ઘટી. કોઈ લગ્ન માટે તૈયાર થાય તો પણ, તેને માટે કેરિયર વધુ મહત્ત્વની રહી, એટલે સંતાનને જન્મ આપવા કરતાં, ફિગરની ફિકર વધુ રહી. આ સ્થિતિ ભવિષ્યમાં વધુ વકરવાની છે ને તે પુત્ર માટે વહુ શોધવા વડીલોને અન્ય જ્ઞાતિમાં જવાની ફરજ પાડે એમ બને.
આવામાં પ્રેમલગ્નની શક્યતાઓ વધતી આવે છે. કોઈ નિમિત્તે યુવક-યુવતી ક્યાંક મળે ને બંને વચ્ચે પ્રેમ પાંગરે એવું બને છે. આ પ્રેમ, એક જ જ્ઞાતિની બે વ્યક્તિ વચ્ચે થાય કે જ્ઞાતિની બહાર પણ થાય એમ બને. મોટે ભાગે તો પ્રેમ જ્ઞાતિની બહાર જ વધુ થાય છે. ઘણી વાર તો જ્ઞાતિ-જાતિનો વિચાર આવે તે પહેલાં પ્રેમ થઈ ગયો હોય છે. પછી લગ્નની અનિવાર્યતા જણાતાં બંને પ્રેમીઓ પરણીને ઘરે આવે છે ને તે સાથે અપરંપાર સમસ્યાઓ પણ આવતી હોય છે. જો દીકરાના ઘરમાં પ્રેમલગ્નને મંજૂરી ના મળે તો નવપરિણીતોએ પોતાનો રસ્તો જાતે કરી લેવાનો રહે છે. દીકરીએ પ્રેમલગ્ન કર્યાં હોય ને તેને તેનાં કુટુંબની સંમતિ હોય તો બહુ વાંધો આવતો નથી, કારણ દીકરી તો પારકે ઘેર જ જવાની છે, પણ કુટુંબને મંજૂર ન હોય ને દીકરી પરણી ગઈ હોય તો કુટુંબ તેનાં નામનું નાહી નાખતાં પણ અચકાતું નથી. બધે આવું જ થાય છે એવું નથી, પણ ઘણાં કુટુંબોમાં આવું થાય છે.
ટૂંકમાં, પર જ્ઞાતિની કન્યા પરણીને સાસરે આવે છે, તે પ્રેમ લગ્નથી હોય કે એરેન્જ્ડ મેરેજથી, અજાણી જ્ઞાતિનાં કુટુંબમાં તેણે ગોઠવાવાનું આવે છે. કુટુંબનો પરિચય હોય તો, બહુ વાંધો આવતો નથી, પણ પરિચય ન હોય તો વહુને ગોઠવાવાનું અઘરું બને છે, તેમાં પણ સાસરાએ વહુને અપનાવી લીધી, તો આનંદ જ હોય, પણ તેમ ન બન્યું તો વહુ અને કુટુંબ, બંનેને તકરારનાં અનેક કારણો મળી રહે છે. મોટે ભાગે પ્રશ્નો સાસુ-વહુ વચ્ચે સર્જાય છે. તે પછી અન્ય સંબંધીઓ ચિત્રમાં આવે છે. બને છે એવું કે જુદી જ્ઞાતિને કારણે વહુને અને સાસરા પક્ષને પોતપોતાની રહેણીકરણી હોય છે, રીતરિવાજ હોય છે ને બંનેને એની ટેવ પડી હોય છે. ખાસ તો વહુને નવાં ઘરનાં રીતરિવાજો અપનાવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. સાસરાએ તો વહુની રહેણીકરણી અપનાવવાની હોતી નથી, પણ સાસરું ઈચ્છે છે કે વહુ સાસરાનાં રીતરિવાજો અપનાવે. વહુ કેટલુંક અપનાવતી હોય છે, પણ કેટલુંક તેને મુશ્કેલ લાગે છે ને એમાંથી ઝઘડાઓ વધે છે.
એ ખરું કે દરેક જ્ઞાતિ, પરિવારને તેનાં દેવી-દેવતા હોય છે. લગ્ન પછી ધર્મ બદલાતો હોય તો, દેવીદેવતાઓ પણ સાવ જ અજાણ્યા અપનાવવાના થાય છે. એ સૌથી અઘરું હોય છે ને વહુને એ અંગે ફરજ પડે તો તે સ્વીકારે જ એવું ન પણ બને. ઘણીવાર તો એવી સમજૂતી પણ પ્રેમીઓ વચ્ચે થઈ હોય છે કે બેમાંથી કોઈ, કોઈનો ધર્મ બદલશે નહીં, પણ વહુ સાસરે આવે છે તો એ પરિવારને આ સમજૂતીની ખબર હોતી નથી અથવા તો હોય તો પણ જાતિ, ધર્મ અપનાવવાની ફરજ વહુને પડાતી હોય છે. એ વખતે પતિ પણ એને પક્ષે રહેતો નથી અથવા તો ચૂપ થઈ જાય છે. વહુ એવે તબક્કે ધર્મ બદલવા લાચાર થાય છે અથવા વિરોધ કરે છે. પછી તો નાની નાની વાતોમાં ઇગો ટકરાવા લાગે છે. ધર્મ ઉપરાંત પણ ખાનપાન, પહેરવેશ, વિધિવિધાનો … વગેરે બાબતે ઝઘડાઓ વધે છે. એવું બને છે કે વહુ જે ઘરેથી આવી છે, ત્યાં ચામાં મસાલો નંખાતો જ ન હોય ને સાસરામાં મસાલાવાળી જ ચા પીવાતી હોય, તો વહુને મુશ્કેલી પડવાની. સાસરે માથે ઓઢવાનો રિવાજ હોય ને વહુનાં પિયરમાં બધાં જ ઉઘાડે માથે ફરતાં હોય તો વહુને તકલીફ પડવાની. સાસરે વટસાવિત્રીનું વ્રત ફરજિયાત હોય ને પિયરમાં કોઈ વ્રત કોઈએ ઉજવ્યું જ ન હોય, તો વહુને અઘરું પડવાનું. સાસરે રોજ ઉંબરો પૂજાતો હોય ને પિયરના ફ્લેટમાં ઉંબરો જ ન હોય તો વહુ નવી ટેવ પાડે તો પણ કઇ રીતે? આવી તો એટલી બધી બાબતો હોય છે, જેનો સામનો વહુએ ડગલે ને પગલે કરવાનો આવે છે. પ્રેમ કર્યો ત્યારે તો આવું કશું વિચારાયેલું જ નહીં, પણ લગ્નજીવન શરૂ થતાં જ ઉપાધિઓનો અંબાર લાગી ગયો ! જીવવું અઘરું થવા લાગે છે. સાસુના આગ્રહો વધતા જાય તેમ તેમ વહુનો નકાર પણ વધતો જતો હોય છે. પતિ સંવેદનશીલ હોય તો તે ન તો પત્નીને કૈં કહી શકે કે ન તો માને કૈં સમજાવી શકે, પરિણામે લગ્નજીવનમાં ખટાશ વધતી જ રહે છે. પછી તો ઝઘડાઓ એવું ઉગ્ર સ્વરૂપ પકડે છે કે વાત છૂટાછેડા સુધી આવી પહોંચે છે. પતિપત્ની વચ્ચે બહુ જ બનતું હોય, બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હોય, છતાં સાસરું બંનેની વચ્ચે એવું આવી જાય છે કે આંસુ લોહી બનીને ટપકવા લાગે છે. એટલું ઓછું હોય તેમ દીકરીની મા ઘણીવાર દીકરીની જ શત્રુ હોય તેમ તેનાં સાસરાની દરેક વાતોમાં દખલ કરતી રહે છે. દીકરીને એમ જ હોય છે કે કૈં નહીં તો પિયર તો એને સંઘરશે, પણ તે એ ભૂલી જાય છે કે તે જેમ ભાભી થઈ છે તેમ તેનાં પિયરમાં પણ ભાભી આવી છે ને તે તેને સંઘરે એવી તકો ઓછી જ છે. ગમ્મત તો એ થાય છે કે દીકરીની મા જે, જે ન કરવાનું દીકરીને કહે છે એ બધું જ તેની વહુ કરે તેવી ફરજ તે પાડતી રહે છે.
આનો ઉકેલ બહુ અઘરો નથી, પણ જીદ અને મિથ્યા અહંકાર ઉકેલ આવવા દેતા નથી. પૂંછડું પકડી રાખવાની વાત જ ઘણાં અનિષ્ટોનું મૂળ છે. વહુ અને સાસુ, બંને થોડું જતું કરે ને દીકરીની મા દખલ ઓછી કરે તો ઘણા છૂટાછેડા રોકી શકાય. વહુ ઉંબરો પૂજે કે મસાલાવાળી ચા પી લે કે છેડો માથે મૂકે તો કૈં આભ તૂટી પડવાનું નથી ને સાસુ પણ એ ભૂલી જાય છે કે તે પણ પિયરથી એક દિવસ આ ઘરને પોતાનું કરવા આવી હતી, તેણે પણ તેની સાસુનો સામનો કરવો જ પડ્યો હતો ને તેને જે વીત્યું તે વહુને વીતાડવામાં આનંદ આવતો હોય તો તે આસુરી વૃત્તિનું પરિણામ છે. એમ કરવાથી તેનાં હાથમાં કૈં આવતું નથી. તેને બદલે થોડી છૂટ વહુને આપવામાં વહુને ચહેરે જે આનંદ પથરાય ને તેનો પ્રકાશ આખા ઘરમાં ફેલાય તો તે સારી વાત નથી? વહુ પલ્લુ માથે લે કે ન લે, ઉંબરો પૂજે કે ન પૂજે, તેની ચા જાતે બનાવીને પી લે તો કોઈ ઉલ્કાપાત નથી થવાનો. સાસુ-વહુ જ શું કામ, કુટુંબની બધી જ વ્યક્તિઓ એકબીજાનો ખ્યાલ રાખે તો મનને જે શાંતિ મળે છે તે કોઈ ઇગોથી ક્યારે ય ખરીદાતી નથી. આંસુ ખેરવવાનું અઘરું નથી, અઘરું તો છે, બીજાનાં આંસુ આપણી આંખેથી ખેરવવાનું. બીજાને પીડા આપવાનું સહેલું છે, પણ બીજાની પીડા આપણી આંખોની છીપમાં સાચવી શકીએ તો એ જ સમય જતાં મોતી થાય છે, એવું નહીં?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 28 જાન્યુઆરી 2024